Sunday, February 25, 2024

ચંપકકાકા: “.... ઔર પરદે સે મંઝર બદલ જાતા હૈ!”

 


“उड़ के जाते हुए पंछीने देखा,

देर तक हाथ हिलाती रही शाख फिज़ा में

अलविदा कहेती थी या पास बुलाती थी उसे?

-    गुलज़ार सा’ब

અનુષ્કા, વામા, ઉરા, ધ્વનિત, રાહુલ, ધાન્વી, હીર.... આ એ બાળકોના નામ છે જેનો હું કાકા/મામા/માસા/ફૂવા થાઉં છું અથવા તો એમનાં મમ્મી/પપ્પાનો ખાસ દોસ્તાર છું. મને એમની પાસેથી પુષ્કળ પ્રેમ, પવિત્રતા અને ઉર્જા મળે છે અને એમને મારી પાસેથી વાત્સલ્ય, પુસ્તકો, રમકડાં અને તોફાન કરનાર દોસ્ત મળે છે. આ કુમળા છોડ ઉછરીને વૃક્ષ બનશે ત્યારે કદાચ એમને મારી સાથેની આ મધમીઠી પળો યાદ નહીં હોય પરંતુ મને અને એમનાં parents ને હશે. એટલે જ ટીનેજર્સ કે યુવાઓને વડીલો મળે ત્યારે એમ કહે કે “તું સાવ આવડો હતો/આવડી હતી” ત્યારે એમને એ ઉમળકો સમજાય નહીં અને કંટાળો પણ આવે પણ છોડને સીંચીને મોટો થયેલ જોવાની ખુશી તો એક ઉંમર પછી જ સમજાય.... અથવા તો એ વડીલ હાથ છોડાવીને જિંદગીની ટ્રેનમાંથી ઉતરી જાય ત્યારે સમજાય.

ના, એટલે અહીં મારે “બાગબાન” type કોઈ વડીલોની મહાનતાના ગુણગાન નથી ગાવા કેમ કે યુવા હોય કે વડીલ હોય કે બાળક, દરેકની વિશિષ્ટતાઓ અને મર્યાદાઓ હોય જ છે. કોઈને ભગવાન બનાવવાની જરૂર નથી, જરૂર છે બસ એમને એમની સંપૂર્ણતામાં સ્વીકારવાની અને ચાહવાની. (કદાચ એમાં હું અત્યંત કાચો છું.)

પ્રિયજન સાથેની યાદો એ હયાત હોય ત્યારે આપણને પ્રસન્નતા આપે અને ગયા પછી આપણી આંખો ભીંજવે એ સૌને ખ્યાલ છે. જો કે એ બેની વચ્ચેની ક્ષણ એટલે....

हाथ छूटे तो भी रिश्तें नहीं छोड़ा करते

    वक़्त की शाख से लम्हें नहीं तोड़ा करते!”

– गुलज़ार साब

જેની પાસે રમીને, બેસીને, વાતો સાંભળીને મોટા થયા હોઈએ એને નિશ્ચેતન અવસ્થામાં જોવા, એમને ખભે ઊંચકીને લઇ જવા અને અગ્નિને સમર્પિત કરવા એ ભલભલા કઠોર માણસને ય ચોધાર આંસુએ રડાવે જ. એવા જ એક સ્વજનને આજે મારે શબ્દાંજલિ આપવી છે.

ડૉ. જય મહેતા જયારે ફક્ત “ચિન્ટુ” તરીકેની ઓળખ ધરાવતો હતો ત્યારની આ વાત છે. મારા બા (દાદી) ના 04 દીકરાઓ અને 04 દીકરીઓ. એમાં મારા પપ્પા સૌથી નાના અને હું મારા તમામ cousins માં સૌથી નાનો. એટલે મને બા ઉપરાંત તમામ uncle-aunty નો સ્નેહ મળ્યો છે. કાળના પ્રવાહમાં અમે અમારા બા, ફઇ-ફૂવા, uncle, aunty અને 02 cousins ને પણ ગુમાવ્યા. 19 February એ અમે વધુ એક પ્રિયજન ગુમાવ્યા – શ્રી નટવરલાલ મોહનલાલ મહેતા (ચંપકભાઈ). આમ તો એ મોટા પપ્પા અથવા બાપુજી થાય પણ મને નાનપણથી એમને કાકા કહેવાની ટેવ એટલે એ જ સંબોધન જીભે ચડી ગયેલું. થોડા સમયથી બીમાર તો હતા જ પણ આમ અચાનક અલવિદા કહેશે એ ધાર્યું નહોતું. સાલું આપણે પણ એવું તે કેવું “વ્યસ્ત જીવન” જીવતા થઇ ગયા છીએ કે જયારે કોઈ હયાત હોય ત્યારે હાલચાલ પૂછવાની ફુરસત ન મળે પણ જયારે એ વિદાય લે ત્યારે એ “લેણદેણ તૂટ્યાનું શૂળ” ખૂંચે!

પપ્પાની નોકરી ભાવનગરમાં હોવાથી અમે ત્યાં રહેતાં પણ ત્રણે uncles અને ફઈનું ઘર અમરેલી હોવાથી “ઊંટનું મોં મારવાડ બાજુ” એ હિસાબે મારો આત્મા અમરેલી માટે જ ધબકતો રહ્યો છે. એટલે જ હું કહેતો કે મારા માટે ભાવનગર દેવકી છે તો અમરેલી યશોદા છે. આ ચારેય ઘરે હું ઉછરતો, પોષાતો રહ્યો છું. શરૂઆતમાં લખ્યું એમ એ દિવસો મને તો આછા-આછા યાદ હોય પણ એ સૌ માળીઓને તો મારા ઉગવાની યાત્રા નજર સમક્ષ હોય ને!

ચંપકકાકા અમરેલીની પ્રતાપરાય આર્ટસ કોલેજમાં Office Superintendent તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયેલા. મહેતા સાહેબ, JP, NM જેવા નામે લોકો એમને બોલાવતા. મારી કાલીઘેલી ભાષામાં હું એમને “ચમ્મત તાતા” કહેતો. અમરેલી ST ડેપોની પાછળ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં એમનું ઘર. નોકરીમાં વહીવટી કામગીરી સંનિષ્ઠ રીતે કરવા ઉપરાંત એમનો સાહિત્યપ્રેમ પણ નોંધનીય હતો. 2011 માં (13 વરસ પહેલાં) એમની મોટી દીકરી અને અમારી વ્હાલી બેન માનસીને કેન્સરની બીમારીએ અકાળે છીનવી લીધી હતી ત્યારપછી એ બાપ ક્યારેય સ્વસ્થ ન થઇ શક્યા. દીકરી પાસે જવાની ઉતાવળ હશે ને! કાકા, બેનને અમારો પ્રેમ આપજો ને અમને હિંમત અને આશિર્વાદ આપજો.

એ આખું ઘર આમ તો Fighter કહી શકાય. આવા સંજોગોનો સામનો કર્યો અને પોતાનાથી બનતું બધું જ કરી છૂટ્યાં! જુવાનજોધ દીકરીને બાપે મુખાગ્ની આપી અને બાપને નાની દીકરી-જમાઈ અને નિશાળીયા દોહીત્રોએ... એ દ્રશ્યોની તૂટેલ કરચો આંખમાં ખુંચે છે, હૈયું વલોવાઈ જાય છે ને મન વિક્ષિપ્ત થઇ જાય છે. જગજીત સિંઘના સ્વરમાં “હે રામ” ની ધૂન અને “ચિઠ્ઠી ના કોઈ સંદેશ” હવે હું સહન કરી શકતો નથી. ક્યારેક પરવરદિગાર મળશે તો જલન સાહેબના શેરથી એમને પૂછી લઈશ:-

“શાને પજવે છે અલ્લાહ, સીધો રે ને!

શું જોઈએ છે તારે, હાજર થઈને કે ને!”

જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે. કર્મનો ખેલ છે. જીવન નાશવંત છે…” એ બધી સ્મશાન વૈરાગ્યની વાતો બોલવી-લખવી, વાંચવી-સાંભળવી બહુ આસાન છે પણ એ કાળમુખી ક્ષણો જીવવી અને જીરવવી દુષ્કર છે. કદાચ એટલે જ RIP, “ભગવાનને ગમ્યું તે ખરું” જેવી સાંત્વના ખોખલી લાગતી હોય છે. વીણાકાકી, બેન દર્શિની, ચેતનભાઈ, તીર્થ અને એમનો હાથ ઝાલીને સાથે રહેનાર મારો પરિવાર... I really love you all...!!! I wish I could do something for you guys.

ખાસ તો હું બેન દર્શિનીના દ્રષ્ટિકોણથી વિચારી શકું એમ છું તો મને થાય કે એના મનમાં કેવા સંવેદનાના સુનામી સર્જાયા હશે! બહેન અને બાપની બીમારી, એમને માટે બની શકે એ બધું જ કરી છૂટવાની ખેવના, પિતાની ઉંમરસહજ જીદ અને possessiveness, એમને પોતાનું અહિત કરતાં જોઇને પણ અટકાવી ન શકવાની લાચારી અને છેલ્લે... મધદરિયે પોતાની હથેળીમાંથી સરકતો પિતાનો હાથ....!!

ફિલ્મ “પીકુ” ની દીપિકાની જેમ જ આ બાપ-દીકરીની ખાટીમીઠી તકરારોનો હું સાક્ષી રહ્યો છું. Life has got to go on. જેમ સ્ટેશન પર ટ્રેન ઉભી રહે, મુસાફરો ઉતરી જાય અને થોડી ક્ષણો પછી વ્હીસલ વગાડીને ટ્રેન ઉપડે એમ ઘર-નોકરીની જવાબદારીઓ અને રોજીંદા જીવનની ઘટમાળ આગળ વધતી જાય ને સાથે આપણને પણ લેતી જાય. એ અનિવાર્ય છે પણ આવી ઘટનાઓ આપણને વધારે વિનમ્ર, વધારે માનવીય અને વધારે સંવેદનશીલ બનાવતી જાય એવું બને. આપણે એટલા “સ્વાર્થી” તો જરૂર બનીએ કે આપણી આસપાસના લોકોને બિનશરતી પ્રેમ, હાસ્ય, આર્થિક/શૈક્ષણિક/સામાજિક મદદ, non-judgemental થઈને સાંભળતા કાન, રડવા માટે ખભો અને મખમલી સ્મૃતિઓ આપીને જઈએ તો આપણે હસતા-હસતા અલવિદા કહીએ ને એ ભલે પાછળ રોયે રાખે... હેં ને?

ઘણું કહેવું છે પણ... એક્ટર ઈરફાને એના આખરી સંદેશમાં કહ્યું એમ:- “Be kind to everyone.” Ego ને અભેરાઈએ ચડાવીને, થોડું સહન કરીને પણ બસ પ્રેમ કરીએ. જાતિ, ધર્મ, લિંગ, પ્રદેશ, વિચારના ભેદભાવ ભૂલીને બસ બધા સ્વજનોને અને સજ્જનોને ચાહીએ અને ન ચાહી શકીએ એવા દુર્જનોને ignore કરીએ. હું આ બધું કરી શકું છું ને કરું છું એવું કહેવાનો આશય બિલકુલ નથી જ. અલબત્ત, કદાચ આ લખાણથી હું સ્વયંને પણ સમજાવું છું. પ્રિય મોરારિબાપુએ આ વાતને એક સુંદર સૂત્રમાં પરોવી આપી છે તેનાથી અટકીએ:-

“સત્ય, પ્રેમ, કરુણા”

જય સિયારામ. જય નાગનાથ મહાદેવ

-    ડૉ. જય મહેતા