Sunday, September 26, 2021

Dang Trekking with YHAI: કુદરત સાથે સીધો સંવાદ! (Day 03)

 Day – 03


બીજા દિવસના કેમ્પફાયરમાં અમને પુછવામાં આવેલું કે તમે કાલે ક્યાં જવાનું પસંદ કરશો? મારો જવાબ હતો:- ચાલવાનું ન હોય એવી કોઈ જગ્યાએ. જો કે ટ્રેકિંગ કેમ્પમાં આવીને ચાલવાથી બચવું એટલે અમદાવાદમાં રહીને ટ્રાફિકથી બચવા જેવું દુષ્કર હતું. અમને સૂચના અપાઈ હતી કે આવતીકાલે અહીંથી બધો સામાન લઈને, આ સ્થળ સાફ કરીને સવારે નીકળી જવાનું છે, વિવિધ સ્થળોની મુલાકાત લઈને સાંજે સીધું ઘરભેગા થવાનું છે. તો બસ.... All good things come to an end. ગમે એટલો થાક લાગવા છતાં મને આ સ્થળ છોડીને જવાની જરાય ઈચ્છા નહોતી. નાના હતા ત્યારે જે Essel World ની એડમાં આવતું ને? “એસ્સેલ વર્લ્ડ મેં રહુંગા મૈં, ઘર નહીં, નહીં, જાઉંગા મૈં!” બિલકુલ એવી જ લાગણી મને દેવીનામાળ માટે થતી હતી. ત્રીજા દિવસે અમારો સૂર્ય પ્રમાણમાં થોડો નિરાંતે ઊગ્યો. બ્રેકફાસ્ટ પતાવીને સાથીઓ સાથે ઇતિહાસ, રાજકારણ વગેરેની ચર્ચામાં પરોવાયા. અમારા વાંચન અને મનોમંથનના આધારે જે જ્ઞાન મેળવ્યું હતું એનાથી હિરેનભાઇએ અને મેં વોટ્સેપ યુનિવર્સિટીએ વહેતા કરેલા કેટલાક અસત્યોના ફુગ્ગામાં ટાંકણીઓ ખોસીને myth-bust કરવાનું કામ કર્યું.

બ્રેકફાસ્ટ પછી સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ શરૂ થાય એ પહેલા કિશોરભાઇ ત્રિવેદી સર પાસેથી દીપડાના રેસક્યુ ઓપરેશનની દિલધડક દાસ્તાન સાંભળવાની બહુ મજા આવી અને એમાં હિરેનભાઇના પુત્ર માન પટેલે જે જિજ્ઞાસાથી પ્રશ્નો પૂછ્યા એ પણ ગમ્યું. ઝાલા સર અને તેમની ટીમે અમને પ્રકૃતિ સંવર્ધનનું મહત્વ શું છે અને એમાં નવી પેઢીને જોડવી કેટલી જરૂરી છે એ વાત સમજાવી. અમને સૌને સર્ટિફિકેટથી નવાજવામાં આવ્યા અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

 

બ્રેકફાસ્ટ પતાવીને અમે સૌ સામાન લઈને દેવીનામાળ કેમ્પ સાઇટને વંદન કરી નીકળી પડયાં અને પહોંચ્યાં શબરીધામ. એવું કહેવાય છે કે આ એ જ સ્થળ છે જ્યાં ભગવાન શ્રી રામે એમની અનન્ય ભક્ત શબરીના હાથે બોર ખાધા હતા. એ મંદિર પર સીડીઓ અને ઢાળ બંને છે અને અમે ઢાળ ચડીને ઉપર ગયા. આગળ વાત કરી તે cool grandpa કિરણ શાહ સર સાથે વાતો કરતાં ત્યાં પહોંચ્યો, બાંકડે બેઠો, બેગ અને પાણીની બોટલ ત્યાં મૂકી અને આસપાસનો નયનરમ્ય નજારો જોવામાં પરોવાયો. એ જ કેમ્પસમાં એક નાનકડું હનુમાન મંદિર પણ હતું એટલે અમારે તો ત્યાં જવું જ પડે ને, નહીંતર હનુદાદા ને ખરાબ લાગે! ત્યાં બેસી થોડી વાર હનુમંત તત્વ સાથે સંવાદ કર્યો. આ મંદિર મને એટલે પણ ગમ્યું કે ક્યાંય કોઈ લાઉડસ્પીકર નહોતા અને પરમ શાંતિ હતી. સમયની કટોકટી હોવાથી ઝડપથી નીચે ઉતરી બસમાં ચડયો ત્યાં જ ધ્યાને આવ્યું કે હું મારી બેગ તો મંદિરમાં જ ભૂલી આવ્યો છું. ઓ ત્તારી...!!! હવે શું કરવું? ઝાલા સરને વાત કરી તો એ સ્વાભાવિકપણે નારાજ થયા અને કીધું કે હવે તું તારી રીતે આવી જાજે ટેક્સી કરીને, બસ ઊભી નહીં રહે. હિરેનભાઇ સાથે બેગ શોધવા નીચે ઉતર્યો ને મંદિરનો ઢાળ ચડયો ત્યાં જ બાજુમાં જાડેજા સર સ્કોર્પિયો લઈને પ્રગટ થયા અને સાથે ઝાલા સર પણ હતા. નાળિયેરની જેમ ઉપરથી કઠોર પણ અંદરથી નરમ એવા ઝાલા સર અમને લેવા આવ્યા હતા. મને મારા ભૂલકણા સ્વભાવ પ્રત્યે બહુ ચીડ ચડી અને ભોંઠપ પણ લાગી પણ હવે શું થાય! સરની સાથે હું અને હિરેનભાઇ આગલા મુકામે પહોંચ્યાં અને.....

શું અદ્ભુત જગ્યા ના દર્શન થયા.... આહાહાહા ......!!! Nature never fails to surprise you!


એક ઊંચાઈ પરથી જોયું કે નીચે એક વિશાળ U-turn બનતો દેખાય છે મતલબ કે નદી પોતાનું વહેણ બદલીને જે આકાર સર્જે છે એ યુ ટર્ન જેવો લાગે છે. સ્થાનિકોમાં એ જગ્યા વનદેવીના નેકલેસ તરીકે પ્રખ્યાત છે. પ્રાકૃતિક સૌંદર્યના આટલા વૈવિધ્યપૂર્ણ સ્વરૂપો એકસાથે મેં “જીવનમાં પહેલી વાર” જોયા. એની સામેના મકાનમાં અમે ભોજનની વ્યવસ્થા ગોઠવી અને ત્યાં ઉપસ્થિત RFO કેયૂર પટેલ સર (?) એ અમને એ જગ્યાની ભૂગોળથી વાકેફ કર્યા. બપોરનું જમણ પતાવી અમે થોડેક દૂર એક નાનકડા ટ્રેકની દિશામાં પ્રયાણ કર્યા અને યુ ટર્ન ને થોડા અલગ એંગલથી જોવાનો મોકો મળ્યો. ચાલતા ચાલતા બે ટાબરિયા - માન  અને અગાઉ વાત કરી એ વૃશાંગ બંનેએ મને એમની Q & A થી એટલે કે વિજ્ઞાનગોષ્ઠીથી અચંબિત કરી દીધો.

Next destination – ગિરમાળ ધોધ. આગળ જોયા એ ધોધની જેમ જ અહીં પણ ઊંચાઈથી પડતું મુકતા ધોધને દૂરથી જોઈને આનંદ થયો. જો કે થોડેક દૂર પ્લાસ્ટિકના કચરાનો ઢગલો આંખોને ખૂંચ્યો અને હિરેનભાઇ સાથે વાત થઈ કે આવું જોઈએ ત્યારે એમ થાય કે અમુક જગ્યાઓ માણસોની નજરમાં ન આવે એ જ સારું છે. મેં અગાઉના પ્રવાસોમાં જોયું છે કે લોકોને આવી સુંદર અને શાંત જગ્યાએ પણ મોટેથી ગીતો વગાડવા, કચરો જ્યાં ત્યાં ફેંકવો એ બધું રૂટિન થઈ ગયું છે. કુદરત જ્યારે માણસને લખલુંટ સુખ, સૌંદર્ય, સ્વાસ્થ્ય અને શાંતિના સ્ત્રોત આપતી હોય ત્યારે એ જગ્યાઓને પ્રદુષિત કરીને માણસજાત પોતાને નફ્ફટ, નગુણી અને કૃતઘ્ની સાબિત કરી દે છે.

ત્યાં કેટલીક દુકાનોમાં સ્થાનિક શૈલીની બનાવટની વસ્તુઓ, રમકડાં, ચા-નાસ્તો, મકાઇ વગેરે વેચાતા હતા. એમાંથી એક-બે લઈને, ચા પીને અમે પાછા ફર્યા. એ સમગ્ર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, ગરીબી અને જિંદગી ટકાવી રાખવાનો સંઘર્ષ સ્પષ્ટ જોઈ શકાતો હતો. એમની સરખામણીમાં આપણું જીવનધોરણ ખૂબ ઊંચું છે એ વાત સમજાય ત્યારે મનોમન કૃતજ્ઞતાની લાગણી જન્મે અને વાતવાતમાં આવતા અસંતોષ અને ફરિયાદોના ઉભરા શમી જાય તો એ પણ આ ટ્રેકની એક ફળશ્રુતિ જ ગણી શકાય.

આમ વિચારો અને વાતોનો સિલસિલો બસમાં પણ ચાલતો જ રહ્યો. કેમ્પની ટીમમાં હર્ષુલ નામના એક યુવા ટ્રેકર કમ બોડી બિલ્ડર સાથે એમના ટ્રેકિંગના અનુભવોની વાતો મંડાઇ. જેસોર ટ્રેકમાં ચારથી પાંચ રીંછ એમના સાઇટની સાવ નજીક, રસોડા સુધી આવી ગયા હતા એ વાત સાંભળીને હ્રદય એક ધબકારો ચૂકી ગયું. અભ્યાસક્રમના કે અન્ય પુસ્તકો પાસેથી, Google - YouTube પાસેથી મેળવેલી Natureની સમજ અને અહીં આ ત્રણ દિવસ દરમ્યાન થયેલ પ્રકૃતિનો સાક્ષાત્કાર એ બંનેમાં બહુ અંતર છે. પુસ્તકો કે ઇન્ટરનેટ જે માહિતી આપે છે એ કુદરતના સ્પર્શ વિના અપૂર્ણ જ રહે છે. સુરત પાસે બાથરૂમ જવા halt કર્યો ત્યારે મેં 3 દિવસ પછી internet શરુ કર્યું પણ આ ત્રણ દિવસ ઇન્ટરનેટ થી દૂર રહીને પણ મેં મારા અંતરાત્માનો સૉફ્ટવેર અપડેટ કર્યો છે એ આવનારા સમયમાં મને વધુ મજબૂત, વધુ પ્રકૃતિપ્રેમી, વધુ સંવેદનશીલ અને વધુ માનવીય બનાવશે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. પરોઢિયે 04 વાગે નહેરુનગર, અમદાવાદમાં ઉતર્યો ત્યારે હું એ  જય નહોતો જે 09 તારીખે રાત્રે નહેરુનગરથી બસમાં બેઠો હતો.


મૂળ બંગાળી અને હાલ અમેરિકા સ્થિત ભારતીય લેખિકા Jhumpa Lahiri ની નવલકથા ‘The Namesake’ માં એક દ્રશ્ય છે. પુસ્તકનો યુવા નાયક અશોક ગાંગુલી ટ્રેનમાં મુસાફરી કરેછે અને સામેની સીટ પર બેસેલ બુઝુર્ગ સાથે વાતો કરે છે. એમનો સંવાદ:-

You are young, he said. Pack a pillow and blanket and see the world. You will never regret it.

Ashok said: - My grandfather always said that is what books are for. To travel without moving an inch.”

અત્યાર સુધી હું આ બાજુની સીટ પર અશોક સાથે બેઠો હતો, સાહિત્ય-સંગતથી વિશ્વભ્રમણ કરતો હતો, હવે એમ થાય છે કે સામેની સીટ પર બેસેલ બુઝુર્ગની સલાહ માનીને જોવાય એટલી દુનિયા જોઈ લઉં, અફસોસ તો નહીં જ થાય, અહોભાવ જરૂર થશે. તમને શું લાગે છે?
© ડો. જય મહેતા

Dang Trekking with YHAI: કુદરત સાથે સીધો સંવાદ! (Day 02)

 Day -02

9મી સપ્ટેમ્બર સુધી પોતાની અનેક શારીરિક-માનસિક તકલીફોની ફરિયાદ કરનારો Jay, I can’t થી ઉભરાતો Jay; નિરાશા, નિદ્રા, નિરસતા અને આળસભર્યું જીવન જીવનારો Jay 11મી સપ્ટેમ્બરે સાવ અલગ સ્વરૂપે જાગ્યો હતો એ આ ટ્રેકની એક દિવસની કમાલ હતી. જો કે, ત્યારે કોઈ કલ્પના ન હતી કે આ ટ્રેકનો બીજો દિવસ એથીય વધુ યાદગાર, આનંદદાયક અને પ્રેરણાદાયી રહેવાનો છે. પ્રિય ધ્રુવ ભટ્ટ સાહેબની નવલકથામાં વાંચતાં જે સત્ય સમજાયું તે આ ટ્રેકિંગમાં વારંવાર યાદ આવ્યું:- કુદરતથી સારી કોઈ યુનિવર્સિટી નથી. મોટિવેશન મેળવવા માટે કોઈ પ્રેરણાના ઝરણા વહાવવાની જરૂર નથી કે કોઇ બરાડા પાડતા વકતાઓને સાંભળવાની જરૂર નથી. કુદરતની નજીક રહીને, સભાન અવસ્થામાં જીવવાથી જીવનના અનેક સત્યો સમજાય છે. આ ટ્રેકિંગથી મેં એક વાત સમજી કે જેને હું મારી શારીરિક મર્યાદાઓ, નબળાઈ કે રોગ માનતો હતો એમાંથી 80 થી 90% તો માનસિક નબળાઈ જ હતી. હું મારા શરીર પાસેથી ધારું એટલું કામ લઈ શકું છું એ સમજાયું. આ સમજવામાં નિમિત્ત કોણ બન્યું? આગળ આવશે, વાંચતાં રહો.

Day -02 નું આયોજન થોડું અલગ હતું. બ્રેકફાસ્ટ બાદ શક્ય એટલો ઓછો સામાન અને એક ખાલી લંચબોક્સ લઈને નીકળી જવાનું હતું.


આ દિવસે સવારે અમે મુલાકાત લીધી વઘઇ બોટનીકલ ગાર્ડન ની. 24 હેક્ટરમાં ફેલાયેલ આ વિશાળ ગાર્ડન બોટનીના વિદ્યાર્થીઓએ માટે તો સ્વર્ગ સમાન છે જ પરંતુ પ્રકૃતિપ્રેમી અને જિજ્ઞાસુ લોકો માટે પણ અચૂક જોવા જેવો છે. મારા માટે તો બોટની મતલબ ‘all greek and latin’ છે પણ ત્યાં વિવિધ વનસ્પતિની જે રેન્જ જોઈ એ જૈવવિવિધતા (bio-diversity) નું મહત્વ સમજવા પર્યાપ્ત હતી. જીવનમાં પહેલી વાર  મેં રુદ્રાક્ષનું વૃક્ષ સાવ નજીકથી જોયું. અરે, પ્રાગ વડ નામે જે વડલો જોયો એ તો કદાચ આખા ગુજરાતમાં અહીં એક જ સ્થળે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તો આ વડ કીમતી છે જ પણ અધ્યાત્મજગતમાં પણ એનું મહત્વ ખૂબ ગણાયું છે. એવું કહેવાય છે કે આ વૃક્ષ નીચે બેસીને ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે અને ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ઈચ્છાઓના મૃગજળ પાછળ સાડા ત્રણ દાયકા ભટક્યા પછી મને હવે એક જ વિચાર છે જે ડો. ચિનુ મોદી ઇર્શાદ સાહેબે બખૂબી વ્યક્ત કર્યો છે:-

“કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો;

એય ઈચ્છા છે, હવે એ પણ ન હો!”


અમે સૌએ એ સંયુક્ત કુટુંબના મોભી સમા આ વિરાટ વડદાદા પાસે ઊભા રહીને ફોટો લીધા. આ ઉપરાંત, પતંગિયાને આકર્ષિત કરે એવા છોડ પણ જોયા અને એના પર મંડરાતા મખમલી, નાજુક પતંગિયા પણ જોયાં. ત્યાં ઉપસ્થિત ગાઈડે કહ્યું ત્યારે મને ખબર પડી કે સ્ટેટ એનિમલ અને સ્ટેટ બર્ડ ની જેમ આપણું State Butterfly પણ હોય છે અને એનું નામ Blue Tiger છે. બોલો, તમને ખબર હતી? બસ, તો આ ત્રણ દિવસ દરમ્યાન મને વારંવાર એ વાત સમજાઈ છે કે હું કેટલું ઓછું જાણું છું અને એ મને વધુ વિનયી બનાવવા માટે જરૂરી છે. વઘઇ બોટનીકલ ગાર્ડનમાં વ્યવસ્થિત આયોજન સાથે વૃક્ષો અને છોડના ઉછેર, તેના પર માહિતીના બોર્ડ અને તેની ચીવટપૂર્વક કરાતી માવજત ઉડીને આંખે વળગે એવી હતી. કેકટસ, (કાળો અને સફેદ) સાદડ, આસોપાલવ, મધુનાશિની વગેરે પણ જોયા. આ મધુનાશિની એના નામ પ્રમાણે ડાયાબિટીસ સામે લડવામાં સહાય કરે છે. Giant Wood Spider જોયું જેની જાળ (કે શરીર?) બુલેટ પ્રૂફ જેકેટ બનાવવામાં કામમાં લેવાય છે એ જાણીને અચરજ થયું.


અચરજના એક પછી એક ગિફ્ટ પેકેટ્સ ખૂલતાં જ જતાં હતાં. Bottle brush નામની એક વનસ્પતિ જોઈ. એના પાનને તમે હથેળીમાં ઘસો તો પહેલા કાંઇ અલગ સુગંધ આવે, વળી વધારે ઘસો તો ફરી કોઈ જુદી ખુશ્બુ મળે.... નિલગિરી, મહેંદી, વિક્સ, ચેરી વગેરે અલગઅલગ સુગંધ એક જ પાનમાંથી આવે, બોલો..!!!! છે ને કુદરતની કમાલ! કાયઝેલિયા નામની વનસ્પતિ જોઈ જેની છાલમાંથી કેંસરની દવા બનાવવામાં આવે છે. જો કે, મને મારા અંગત અધ્યાત્મને લીધે જે સૌથી વધારે ગમ્યું એ હતું અશોકવૃક્ષ. કહેવાની જરુર ખરી કે રાવણે સીતાજીનું અપહરણ કરીને એમને પોતાના મહેલની અશોકવાટિકામાં આ જ વૃક્ષ નીચે રાખ્યા હતાં? શોક દૂર કરનાર વૃક્ષ તરીકે ઓળખાતા આ ઝાડ નીચે સીતાજીને રાખવા પાછળ અભ્યાસુ રાવણનો તર્ક એ હતો કે સીતાજી રામનો શોક ભૂલી જાય અને રાવણને પોતાના હ્રદયમાં સ્થાન આપે. જો કે, થયું એકદમ વિપરીત! તુલસીદાસજી રામચરિતમાનસ ના સુંદરકાંડ માં લખે છે:-

“સૂનહૂ બિનય મમ બિટપ અસોકા

સત્ય નામ કરું, હરું મમ સોકા!”

રામના વિરહમાં વિચલિત સીતાજી કહે છે:- “હે અશોક વૃક્ષ, મારી વિનંતી સાંભળ, મારો શોક દૂર કરીને તારું અશોક નામ સાર્થક કર.”

આમ તો આ આખો ગાર્ડન જોવા રહીએ તો સહેજે ચારેક કલાક જેટલો સમય લાગે પણ અમારી પાસે સામનો અભાવ હોવાથી અમે અર્ધા કલાકમાં ઊડતી મુલાકાત લઈને જ સંતોષ માન્યો અને આ ગાર્ડનને બાય બાય કહી આગળ વધ્યા અને મને આપણાં નામી કવિ ઉમાશંકર જોશીની પંક્તિ યાદ આવી (જે આજના Global Warming/Climate Change ના માહોલમાં કેટલી યોગ્ય લાગે!)

                               “વિશાળે  જગ વિસ્તારે  નથી  એક જ માનવી,

                                પશુ છે, પંખી છે, પુષ્પો, વનો, ને છે વનસ્પતિ!

પગપાળા જંગલ ખૂંદવાના અને બસમાં ફરવાના અનુભવો પછી આ દિવસે અમને એક વિશિષ્ટ લહાવો મળ્યો – ખુલ્લા ટેમ્પોમાં ચોતરફ હરિયાળી નિરખતાં સફર કરવાનો લ્હાવો.


એ પહેલા ગિરાધોધ જોવા ગયાં પરંતુ એ તો દૂરથી જ જોવાનો હતો, ત્યાં નાહવાની મનાઈ હતી એટલે એ તો “હાથકો આયા, મુંહ ના લગા” જેવી વાત થઈ પણ સુરક્ષા નિયમોમાં ક્યારેય કોઈ બાંધછોડ ન કરાય.


જાડેજા સર પાસેથી જાણ્યું કે તેઓ વર્ષો પહેલા આ ધોધ પાસે કેમ્પ સાઇટ રચીને ટ્રેકિંગ કરતાં હતાં. આ રાજેન્દ્રસિંહ જાડેજા એટલે એ વ્યક્તિ કે જે 18 વખત હિમાલયના સ્પીતી વેલીની સોલો રાઈડ કરી ચૂક્યા છે અને કુલ 76000 km નું અંતર કાપી ચૂક્યા છે. જી હા, આ આંકડામાં કોઈ ભૂલ નથી! અરે, કોઈ માણસ કાઇનેટીક લઈને અમદાવાદથી લદ્દાખ જઈ શકે? એવા માણસને તમે શું કહેશો? Santiago (The Old Man and the Sea) જ કહેવાય ને! જાડેજા સર એટલે એકદમ cool grandpa!

આવા જ બીજા એક cool grandpa મળ્યા હતા અને એમનું નામ - કિરણ શાહ સર. 70+ ની ઉંમરે જે સ્ફૂર્તિ અને સ્ટેમિના એમના હતા એ તો કોઈ જિમ જનારા જુવાનિયાને શરમાવે એવા હતા. દરેક ટ્રેક પર એ આગળ હોય ને મને buck up કરે. આવાં તો અનેક ટ્રેકવીરો હતાં જેમને જોઈને મારા પગમાં જોમ ઉભરાતું હતું. આગળ વાત કરી એમ આ બધા તન-દુરસ્ત અને મન-દુરસ્ત માણસોનુ નિરીક્ષણ કરીને મને સમજાયું કે હું મારા શરીર પાસેથી ધારું એટલું કામ લઈ શકું છું. ગિરાધોધ જોયા પછી જંગલમાં એક rest-house માં વનભોજનનું આયોજન હતું ત્યાં અમે હિરેનભાઇ પટેલ પરિવાર સંગ પૂરી-શાક-મોહનથાળ-છાશ-ડુંગળી-મરચા ની મિજબાની માણી! એ મકાન જોઈને લાગ્યું કે સમયના કોઈ પડાવ પર અહીં અંગ્રેજ અમલદારો રહેતાં હશે.

જમીને અમે ટ્રેક આરંભ્યો પાંડવ ગુફા તરફ. બાપ રે! આટલું ભારે ભોજન કર્યા પછી વામકુક્ષિને બદલે વોકિંગ કરવાનું કેવું આકરું લાગે! થકવી દેનારા એ ટ્રેકને અંતે અમે એ ગુફા પર પહોંચ્યા જ્યાં એક સુંદર ધોધ વહેતો હતો. વરસતા વરસાદમાં રેઇનકોટ સહિત તરબતર ભીંજાતા કરેલો એ ટ્રેક યાદગાર રહ્યો. મારા સુખદ આશ્ચર્ય વચ્ચે RFO (Range Forest Officer) રાહુલ પટેલ સર ત્યાં સપરિવાર પહોંચ્યા અને અમે પત્રકારોની જેમ પ્રશ્નોનો મારો ચલાવ્યો.


એમણે અમને દીપડાના habitat, તેને ટ્રેસ કરવાની પદ્ધતિ, બાર-કોડ, RFID વગેરે વિષે રોચક જાણકારી આપી. બધાએ સરસ ગ્રૂપ ફોટોઝ લીધા પણ આ ટ્રેક મને અન્ય એક કારણસર યાદ રહેવાનો હતો: - મારી સાથે ચાલતો એક ટાબરિયો, અમદાવાદની સ્કૂલમાં ભણતો છોકરો વૃશાંગ પંડયા!  ઓહોહો! શું જબ્બર, તેજતર્રાર, અભ્યાસુ અને સ્માર્ટ બચ્ચો હતો એ! પ્રાણીવિશ્વ અને વિજ્ઞાન વિશેના એના વાંચન-અભ્યાસથી હું દંગ રહી ગયો. એક શિક્ષક તરીકે અને એક નવનિયુક્ત(!) પિતા તરીકે મને એહસાસ થયો કે આ સ્માર્ટ જનરેશન સાથે ડીલ કરવું હશે તો આપણે અપડેટ થવું પડશે. “અમારા જમાનામાં અમે આમ ભણતા!” વાળું કોરસ બંધ કરવું પડે તો જ કૈંક નવું શીખી શકાય. મારી એક તરફ આ GenNext હતી તો બીજી તરફ સતત અપડેટ થતાં તરોતાજા યુવા-વરિષ્ઠ નાગરિકો હતાં અને એ વાત મને બહુ સ્પર્શી ગઈ.

પાંડવ ગુફા ટ્રેક પૂર્ણ કરતાં તો મારા કિલોમીટર પૂરા થઈ ગયા અને મેં સંયોજક સંજય શુક્લ સરને કહી દીધું કે સર, ગમે તે થાય પણ હું ડોન હિલ નહીં જ આવું. I am sorry! સારું થયું કે હું મારા  નકારને વળગી ના રહ્યો કારણ કે ડોન હિલ (આશરે 3200 ફીટ) અમે પેલા ખુલ્લા ટેમ્પોમાં ચડયા અને એ આખા ટ્રેકિંગની સૌથી મજેદાર મુસાફરી રહી.




કુદરતે ચોતરફ છૂટા હાથે વેરેલ સૌંદર્ય જોઈને સૌનાં મુખેથી “ઓહો...” “વાહ!” “સુપર્બ!” જેવા ઉદ્ગારો સરી પડતા હતા. ક્ષણભર તો એવું લાગ્યું કે આપણે કેરાલા, કાશ્મીર કે કેનેડાના કોઈ રમણીય સ્થળે વિહાર કરી રહ્યાં છીએ. વાદળોની ચાદર ઓઢીને બેસેલી ટેકરીઓ બાહોં ફેલાવીને અમારું સ્વાગત કરી રહી હતી. આ સફર દરમ્યાન દૂર એક ટેકરી પર કોઈ વિરાટ પક્ષી બેઠું હોય એવું દેખાયું અને બધાએ વાત કરી કે આપણે ત્યાં જવાનું છે. નીચેથી અમને જે વાદળો wave કરી બોલાવતા હતા એની સાવ નજીક જઈ પહોંચ્યા ત્યારે એણે અમારા પર વ્હાલ વરસાવવાનું શરૂ કર્યું!

Meme શૈલીમાં કહું તો:- “ઔર અભી તો રૂકો. Climax અભી બાકી હૈ.” ડોન હિલ પહોંચીને ખ્યાલ આવ્યો કે અહીંથી આગળનું ચઢાણ પગપાળા ચઢવાનું છે. મનોમન “ના, નથી જવું. નહીં જ ચલાય...” ની કચકચ ચાલતી હતી કે આમ જ્યાં મેં અચાનક ડાબી બાજુ જોયું તો હું દંગ રહી ગયો! વિશાળ મેદાન પર ઘાસનું પાથરણું પાથરી વૃક્ષો અને રસ્તાઓ વાતો કરતાં હતાં અને દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી ટેકરીઓ પર વાદળોનું ધુમ્મસ છવાયેલુ હતું –જાણે કે હું વિમાનમાંથી નીચે જોતો હોઉં એવું લાગ્યું. આ દ્રશ્યોથી રિચાર્જ થઈને આગળ ચઢવાનું શરૂ કર્યું. આટલી ઊંચાઈએ ચાલવામાં જો બેદરકારી દાખવી તો સીધા નીચે... ડાયરેક્ટ અસ્થિવિસર્જન! મનોજ ખંડેરિયાના શબ્દોમાં કહીએ તો:-

“હાથમાં કારોબાર રાખ્યો તેં

ને મને બારોબાર રાખ્યો તેં

એક ડગ છૂટથી ભરી ન શકું

ખીણની ધારોધાર રાખ્યો તેં!”

 

ખૂબ સંભાળીને અમે આગળ વાત કરી તે ગીધના વિશાળ શિલ્પ સુધી પહોંચીને ફરી વિહંગાવલોકન કર્યું. એ તો સાચેસાચ વિહંગ (પક્ષી) એ કરેલ અવલોકન જેવી સ્થિતિ હતી. “યે કૌન ચિત્રકાર હૈ!” ના અહોભાવથી વિસ્ફારિત નયને હું એ અપ્રતિમ દ્રશ્યને આંખોથી ક્લિક કરતો રહ્યો. ઘડીભર તો થયું કે રડી પડાશે! આ મારા ટ્રેકની સૌથી મૂલ્યવાન ક્ષણ હતી. થોડા ફોટોઝ લઈને નીચેની તરફ પ્રયાણ કર્યું.

“આજ ખુશી મિલી ઇતની કી મનમેં ના સમાયે

પલક બંદ કર લું કહીં છલક હી ન જાયે!



 

કેમ્પ પર પાછા ફર્યા ત્યારે શરીરની નસેનસ થાકીને ચૂર હતી પણ મસ્તિષ્કના તમામ કોષોમાં ઉમંગ ઊછળતો હતો. રાત્રિ ભોજનમાં દાલ-બાટી, ચૂરમું, ભજીયા વગેરે સ્વાદેન્દ્રિયોને રીઝવવા તૈયાર હતાં. જો કે, મારી ઉતાવળ તો ઝટપટ ખાઈને આડા પડવાની હતી પણ હજી તો કેમ્પફાયર બાકી હતું. કેમ્પફાયરમાં ધ્રુવ દાદાનું ઓચિંતું કોઈ મને રસ્તે મળે’, હંસલા હાલો ને!’, દાદા હો દીકરી વગેરે સાંભળવાની મજા આવી. આ બંદાએ પણ પોતાની એકાદ-બે રચનાઓ ઠપકારી જ દીધી! પ્રેક્ષકો ભાગીને પણ જંગલમાં ક્યાં જવાનાં હતાં! જો કે, સૂતા પહેલા એક thrill pill એ મળી હતી કે કેમ્પ નજીક જ દીપડા ના અવાજ સંભળાયા છે માટે રાત્રે કોઈએ બાથરૂમ જવા એકલા નીકળી ન પડવું! અહીં તારી હાક સુણીને કોઈ ન આવે તો એકલો જાતો નહીં, સ્લીપિંગ બેગમાં ચૂપચાપ સૂઈ જાજે એવો અર્થ કરવાનો હતો. આજ્ઞાંકિત બાળની જેમ અમે રાત્રે બે સાથીઓને જગાડીને લઘુશંકા નિવારણ કરીને પોઢી ગયા! બસ, હવે મોડી પડે સવાર!
© ડો. જય મહેતા

Dang Trekking with YHAI: કુદરત સાથે સીધો સંવાદ! (Day 01)

                                                    

જીવનમાં છે લ્હાવા કદમ પર, કદમ પર
શરત છે એટલી કે ગતિમાન રહેવું;
જુદા છે મુસાફિર પ્રવાસે પ્રવાસે
 જુદી સગવડો છે ઉતારે ઉતારે!
   - મરીઝ

ગઈકાલે વાત કરી એ પ્રમાણે આજે વહેલી સવારથી ટ્રેક શરૂ થઈ ગયો પણ સાવ અણધારી રીતે... ટ્રેકમાં સંજોગોની સરપ્રાઈઝ હોય એ તો અંદાજ હતો પણ ઉઠતાંવેંત જ સરપ્રાઇઝ મળશે એવો ખ્યાલ નહોતો. વહેલી સવારે સાડા પાંચ કે છ આસપાસ આહવા થી છએક કિલોમીટર દૂર બસ ઉભી રહી અને બંધ થઈ ગઈ. મને એવું લાગ્યું કે ટ્રાફિક જામ હશે ત્યાં તો ખબર પડી કે આગળ ST ની બસને અકસ્માત નડ્યો છે. 


હિરેનભાઈના ઇજનથી હું નીચે ઉતર્યો અને બહાર જોયું તો ચારેબાજુ ઘટાટોપ વૃક્ષો, ભેખડ અને નીચે નદી. થોડે આગળ જોયું તો સર્પાકાર રસ્તે વળાંક લેવામાં ડ્રાઇવરે ભૂલ કરી હોય કે ગમે તે કારણે પણ બસનો આગળના વ્હીલનો ભાગ જમણી બાજુની ચટ્ટાન સાથે ટકરાઈને ચિરાઈ ગયો હતો અને બસ આખી આડી થઈ ગઈ હતી. મને એવું જાણવા મળ્યું કે હવે તો બે-ત્રણ કલાકે આ બધું clear થશે પછી જ આગળ જવાશે. એક તો આખી રાત એસી કોચમાં સુવાને લીધે શરદી અને સિંગલ સ્લીપર સીટના લીધે પીઠનો દુઃખાવો પજવતો હતો એટલે હજી હું કિંકર્તવ્યમૂઢ ઉભો હતો ત્યાં તો હિરેનભાઈએ અમને ઉશ્કેર્યા કે હાલો હાલતા જઈએ ને અમારે તો દોડવું હતું ને ઢાળ મળ્યો (શ્લેષ અભિપ્રેત!) જો કે, અહીં તો ઢાળ ચઢવાનો પણ હતો. જિંદગીની આ જ રસમ છે... ક્યારેક ઢાળ ઉતરવાની મજા લઈએ તો સામે ઢાળ ચડવાનો થાક પણ વેઠવો પડે. જો કે, પ્રકૃતિની દિશામાં મંડાયેલ કોઈ કદમ ક્યારેય નિરર્થક નથી જતાં. થોડે આગળ જતાં અમને શિવઘાટ ધોધના દર્શન થયાં. નાનકડા ધોધના દર્શન કરીને ફરી બસની દિશામાં પાછા ગયા અને બેસી ગયા.


સાતેક કિલોમીટર જતા આહવા આવ્યું અને બારીમાંથી ખળખળ વહેતી નદી જોઈને જીવને ટાઢક થઈ. (જળતત્વ મને હંમેશા આકર્ષિત કરે જ છે અને એનું એક વૈજ્ઞાનિક કારણ પણ આ ટ્રેકિંગમાં જાણવા મળ્યું જેની વાત આગળ આવશે.) વળી પાછી રોલરકોસ્ટર રાઈડ શરુ થઇ. બસમાંથી ઉતરીને બેકપેક અને નાની બેગ લઈને દેવિનામાળ કેમ્પ સાઇટ ચાલીને જવાનું હતું. સાલું બહુ અઘરું લાગ્યું તો મને સાથી મિત્રોએ કીધું કે આ તો હજી શરૂઆત છે! કમરના દુ:ખાવા સાથે આખી ટ્રેકિંગ બેગ ઊંચકીને ઢાળ ચડીને બે કિલોમીટર જેટલું ચાલવામાં દમ નીકળી ગયો તો આગળ તો કોણ જાણે કેવાં કપરા ચઢાણ હશે!

જો કે અહીં એક વાત ખાસ નોંધવી રહી કે આ સમગ્ર બયાન જિંદગીમાં પહેલી વાર ટ્રેકિંગ કરનાર વ્યક્તિ લખે છે એટલે એને એ સંદર્ભે જ વાંચવું. આમેય આ ત્રણ દિવસ દરમ્યાન મારા માટે “જીવનમાં પહેલી વાર” એ શબ્દોનો પ્રયોગ વારંવાર કરવો પડે એવા અનુભવો થયા છે.



કેમ્પ સાઇટ પર પહોંચીને, ફ્રેશ થઈને, ચા-ભાખરી, અથાણું, દહીં, મરચાંનો ટેસ્ટી નાસ્તો કરીને અમે પ્રથમ ટ્રેકની દિશામાં ડગ માંડયા. મારા માટે આટઆટલી અનિશ્ચિતતા અને પ્રશ્નાર્થો સાથેનો આ પ્રથમ પ્રવાસ હતો. જો કે, આને પ્રવાસ નહીં પણ ટ્રેકિંગ જ કહેવું પડે અને એટલે જ એમાં અનિશ્ચિતતા ઓછી અને ઉત્સુકતા વધારે હતી. Youth Hostels Association of India નામથી જ મેં એવી ધારણા બાંધી હતી કે જેમ જુવાનિયાઓ હોસ્ટેલમાં રહે અને સાવ bare minimum - પ્રાથમિક સગવડોથી ચલાવે એવું જ કાંઈક હશે. કેમ્પમાં હું તો હિરેનભાઇ સિવાય કોઈને ઓળખતો નહોતો એટલે શરૂઆતમાં બધા સાથે અલપઝલપ પરિચય કર્યો.

હવે થોડું flashback:- ડાંગ ટ્રેકિંગ પર આવતી વખતે મારે નહેરુનગરથી બસ પકડવાની હતી. અમારા સંયોજક શ્રી સંજય શુક્લ સર સાથે વાત થઈ તો એમણે કહ્યું કે કેટલાક મિત્રો ત્યાં પહોંચી ચૂક્યા છે. જોયું તો ત્યાં એક સિનિયર સિટીઝન યુગલ ઊભું હતું અને વાતચીત કરતાં જાણવા મળ્યું કે એ પણ ટ્રેકમાં આવે છે. મને અંદરખાને રાહત થઈ કે હાશ! ચાલો, આટલા વડીલ વ્યક્તિઓ આવે છે તો ટ્રેક પ્રમાણમા આસાન હશે ને મને વાંધો નહીં આવે. મને તો સ્વપ્ને ય ખ્યાલ નહોતો કે આગામી ત્રણ દિવસો મને ત્રણ બાબતો સમજાવવાના હતા:-

01. ટ્રેક સાવ આસાન તો નહોતો જ.

02. આ સિનિયર સિટીઝન્સ લાગતાં હતાં એનાં કરતાં ક્યાંય વધારે ફિટ, સક્ષમ અને તન-મનથી young હતાં.

03. બુઝુર્ગ વ્યક્તિઓ આવી સાહસિક પ્રવૃત્તિઓ ન કરી શકે એ આપણી વ્યાપક સામાજિક માન્યતા ખોટી છે.

આટલા ફ્લેશબેક પછી આપણે પહેલા ટ્રેકની વાત પર આવીએ. YHAI ના ચેરમેન શ્રી યશપલસિંહ ઝાલા સર, શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા સર, કિશોરભાઈ ત્રિવેદી સર, સંયોજક સંજય શુક્લા સરની આગેવાની હેઠળ તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી રાહુલ પટેલ સર ના માર્ગદર્શન હેઠળ અમે ખાપરી નદીનો ટ્રેક આરંભ્યો.

ચારેબાજુ ઘટાદાર વૃક્ષો અને વચ્ચે એક નાનકડી કેડી પર ચાલતાં ચાલતાં નદીકિનારે પહોંચ્યા અને દર થોડા અંતરે ઉપરોક્ત સાહેબો વન્યજીવન વિષે વાતો કરતાં હતાં. (સત્તાના લીધે નહીં પરંતુ એમના વિપુલ જ્ઞાન અને અનુભવસંપન્ન હોવાને લીધે એમને સાહેબ કહેવા પેન લલચાય છે.)



તેમણે અમને વિવિધ વૃક્ષો, તેનાં બોટનિકલ નામ, તેની ખાસિયતો, ઔષધિય ગુણો, તેમાંથી બનતી વિવિધ વસ્તુઓ, 04 પ્રકારના જંગલ, ડાંગના જંગલની વિશેષતાઓ વગેરે વિષે એકદમ રસાળ શૈલીમાં માહિતી આપી અને ટ્રેકર્સ સાથે ચર્ચા કરી. રેન્જ ફોરેસ્ટ ટેરિટરી પ્રમાણે વિસ્તારના જે ભાગ પડે તેમાં અમે કંપાર્ટમેંટ નં. 132-133 માં ઊભાં હતાં. વૃક્ષની ઉંમરનો અભ્યાસ કેમ થાય, વૃક્ષોનું ત્રણ લેયર પ્રમાણે plantation કરવામાં આવે વગેરે બાબતો જાણવા મળી. સાદડ, ખાખરો, મહુડો જેવા વૃક્ષો પહેલી વાર નજીકથી જોવા-ઓળખવાનો મોકો મળ્યો. સાગ, સીસમ, ચંદન, ખેર અને મહુડો એ પાંચ reserve trees છે એ જાણ્યું. માનવેલ વાંસ અને કાંટસ વાંસ વિષે પણ જાણ્યું. આમ, ખાપરી નદી સંગાથે અમે નાનકડી કેડી પર ચાલતાં જ ગયાં. વચ્ચે એક ઝાડ પર giant wood spider જોયો અને પટેલ સરે તેના વિષે અમને જાણકારી આપી. કરોળિયાની એક પ્રજાતિમાં નર અને માદાના મેટિંગ પછી માદા નરનું ભક્ષણ કરી જાય છે એ જાણીને મનોમન ભગવાનનો આભાર માન્યો કે એમણે મને માણસ બનાવ્યો, કરોળિયો નહીં! આપણી ઘરવાળીઓ તો બહુ સારી કહેવાય કે ગમે તે કરે પણ આપણને જીવતા તો રાખે છે! હાહાહાહા

ચોખ્ખી હવા શ્વાસમાં લેતાં અમે પથરાળ રસ્તા પર ચાલતાં જતાં હતાં ત્યાં મને વિચાર આવ્યો કે આમાં તો શૈક્ષણિક પ્રવાસ જેવુ વધારે લાગે છે, કોઈ thrill, કોઈ રોમાંચ તો નથી! બસ, થોડી જ વારમાં કુદરતે મને જવાબ આપ્યો. ધોધમાર વરસાદ શરૂ થતાં બેગમાં લીધેલ poncho (ગડી વાળીએ તો હથેળીમાં સમાઈ જાય એવડો રેઇનકોટ) પહેરી લીધો. ભારે વરસાદ, ચીકણી માટી અને પથ્થરોવાળી કેડી પર સાવચેતીપૂર્વક આગળ વધતાં બે ફાંટા આવ્યા અને મને Robert Frost ની સુખ્યાત કવિતા યાદ આવી:-

“Two roads diverged in a wood

I took the road less travelled by

And that has made all the difference.”

જો કે અહીં અમારી પાસે એવી છૂટ નહોતી, આગળવાળાના કદમના નિશાન પર જ ચાલવાનું હતું નહીંતર જો જંગલમાં ભૂલા પડો તો GPS નો કાકોય ન શોધી શકે.

આગળ એક ખાબોચિયામાં ભેંસો આરામ ફરમાવી રહી હતી. અમે એમના રંગમાં ભંગ કર્યો એટલે એ ભડકીને દોડી અને અમારે કેટલાક મિત્રોને સચેત કરીને લાવવા પડયા. નદીના પુલ પર થોડી વાર અટકીને, ફોટો લઈને પરત આવવા નીકળ્યા. સાથી મિત્રો સાથે હળવા વિનોદ અને વાતો કરતાં કેમ્પ સાઇટ પર પાછા ફર્યા.


દેવીનામાળ – આસપાસ દેવીદેવતાઓનો વાસ હોવાને લીધે તેનું નામ દેવીનામાળ પડયું હોય એવી માન્યતા છે. દેવીદેવતાઓની તો ખબર નહીં પણ મને તો પ્રકૃતિનું જે દૈવી સ્વરૂપ જોવા મળ્યું છે એ અવિસ્મરણીય છે. YHAI ના આ ટ્રેકિંગમાં માત્ર પ્રકૃતિદર્શન જ નહીં પરંતુ માનવ પ્રકૃતિના કેટલાંક રમ્ય રંગો જોવા મળ્યા. કેમ્પના તમામ સભ્યોને ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા હતા, જેના નામ પણ સ્થાનોચિત હતા જેમ કે ખાપરી (નદી), drongo (પક્ષી), wild squirrel વગેરે. મારૂ ગ્રૂપ હતું ખાપરી અને જ્યારે જે ગ્રૂપનો વારો હોય ત્યારે તેમણે ભોજનને લગતી તમામ વ્યવસ્થા સંભાળી લેવાની અને એકમેકના સાથ-સહકારથી વ્યવસ્થા ગોઠવવાની. અહીં પ્રેસિડેંટ યશપાલસિંહ ઝાલા સરની leadership, sense of humor, દરેક ગતિવિધિ પર બાજનજર, ઉત્સાહપ્રેરક શબ્દો અને જડબેસલાક time management ની નોંધ લીધા વગર નહીં જ ચાલે.

કોઈ ડોક્ટર હોય કે એંજિનિયર, પ્રોફેસર હોય, કસ્ટમના અધિકારી હોય કે બેન્કના ઓફિસર હોય.... અહીં સૌ સમાન! માના ખોળે રમતા બાળકની જેમ અહીં પ્રકૃતિના ખોળે સરળ, સહજ અને નિખાલસ જીવન જીવાતું જોઈ શકાયું એનો આનંદ છે, બાકી શહેરીજીવનમાં તો ego, આપવડાઈ, seniority, ભેદભાવ-અન્યાય ..... આ બધુ છોડીને માત્ર માણસ થઈને આવેલા લોકો સાથે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ થોડો આરામ કરી અમે બીજા ટ્રેક પર જવા નીકળ્યા.

આ ત્રણ દિવસ કુદરતના અનેક રંગો માણ્યા પણ પહેલા દિવસે તો જાણે ચાલવાની હરીફાઈમાં ઉતાર્યો હોઉં એવું લાગતું હતું. લપસણા રસ્તા પર નીચે જોઈને ચાલ્યે જ જતો હતો એટલે આસપાસના દ્રશ્યો ખાસ ઝીલાયા નહીં પરંતુ આ ટ્રેકનું જે ગંતવ્ય હતું એ મને ખુશ કરી દેવાનું હતું:- ધોધમાં નહાવાનું. અમે સૌ ધોધમાં ધરાઈને નાહયાં. ત્રણ વાર તો હું ભીના પત્થર પર લપસ્યો પણ ખરો! જો કે, ખરી કઠણાઇ એ પછી શરૂ થઈ. ત્યાં કપડાં બદલવાની અનુકૂળતા ન હોવાથી અમે એમ જ ભીનેભીના ચાલી નીકળ્યા. નખશિખ ભીંજાયેલી હાલતમાં અમે કેમ્પ સાઇટ પહોંચ્યા.

ફ્રેશ થઈને રાત્રિભોજન તરફ આગળ વધ્યાં ત્યારે શરીર લોથપોથ થયું હોવા છતાં મન એકદમ પ્રફુલ્લિત હતું. બિલકુલ સ્વયંશિસ્ત સાથે સ્વાદિષ્ટ ભોજન લઈ આરામ કરીને અમારી સમયસવારી ક્યાં પહોંચી? જવાબ: - Campfire. સવારે જે વનસ્પતિઓ વિષે સમજણ મેળવી હતી એના વિષે પ્રશ્નો પૂછાયા ત્યારે મારો શિક્ષક આત્મા ઝૂમી ઉઠ્યો. આ ઉપરાંત, ગીતો ગાવા, કવિતાપાઠ કરવો વગેરે જેવી refreshing પ્રવૃત્તિઓ કરી. કેમ્પફાયર વખતે જાડેજા સરે સમજાવ્યું હતું કે પાણી ગમે તે સ્વરૂપે પણ આપણને હંમેશા આકર્ષિત કરે જ - વરસાદ હોય કે દરિયો હોય, નદી હોય કે ધોધ હોય. આપણા શરીરમાં પંચમહાભૂતમાંના એક તત્વ પૈકી પ્રમુખતત્વ પાણી છે અને એ જ્યારે પાણીના બાહ્ય, પ્રાકુતિક સ્વરૂપને મળે છે તો આપણને આનંદ અને રાહત આપનારું બને છે. આમ, તન-મન-જીવન તરબતર થાય એટલું આપીને આ દિવસ પૂરો થયો. હરિવંશરાય બચ્ચનના શબ્દો સાથે અટકવું ગમશે:-

“મિટ્ટી કા તન,

મસ્તી કા મન,

ક્ષણભર જીવન

મેરા પરિચય!”


© ડો. જય મહેતા

Dang Trekking with YHAI: કુદરત સાથે સીધો સંવાદ! (Before Trekking)

 

ઉગાડે એમ કદી ઉગવાનું નહીં

આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

આપણે તો એનીયે સમજણ શું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું,
આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમ્મે તે મોસમમાં મ્હાલવું,
અરે હસવું જો આવે હસવું બેફામ અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન,
પથ્થર ને માટીના ભૂંસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન,
દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં

પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં….

કૃષ્ણ દવે

જીવનસફરના સાથીઓ, જીવનમાં કેટલીક ઘટનાઓ એવી બને કે જે આપણને ધરમૂળથી બદલી નાખે અને આપણા અસલ સ્વરૂપ સાથે મુલાકાત કરાવી આપે. એવા અનુભવને શબ્દસ્થ કરવાનું ક્યારેય આસાન નથી હોતું પણ મેં એક નમ્ર પ્રયાસ કર્યો છે – મારા સૌપ્રથમ ટ્રેકિંગના સંસ્મરણોને શબ્દોમાં પરોવવાનો. સાથીમિત્ર હિરેન પટેલ સરના સહયોગ અને માર્ગદર્શનથી મેં તા.10-12 સપ્ટેમ્બર 2021 દરમ્યાન YHAI – Ahmedabad Main Unit દ્વારા આયોજિત ડાંગ ટ્રેકિંગ કેમ્પમાં ભાગ લીધો અને આજે પંદર દિવસ પછી પણ એનો hangover હોય એવું લાગે છે. પ્રકૃતિની સમીપે રહેવાથી જે નિર્દોષ અને નિર્વિકલ્પ પ્રસન્નતા અનુભવાય છે એની સામે કોઈપણ નશો ફિક્કો હોય છે. આ અવિસ્મરણીય ટ્રેકની વાત કરતાં પહેલા કેટલાક નામોનો કૃતજ્ઞતાપૂર્વક ઉલ્લેખ કરવો છે:-

હિરેન પટેલ, મિતાલી પાઠક, દીપ ત્રિવેદી. દર્શિતા, કેયૂર ત્રિવેદી ......

આ એવા સંબંધો છે કે જો એમને હું રૂબરૂ Thank You કહું તો મારે ગાળો ખાવી પડે પણ એમનો હું સાચે આભારી છું. આ પોસ્ટમાં જે ફોટોગ્રાફ્સ મુકાયેલા છે તેમાના કેટલાક મેં ક્લિક કર્યા છે તો બાકીના સુંદર ફોટોઝ ટ્રેકિંગના મારા સાથીઓએ લીધા છે જે એમણે ગ્રૂપમાં શેર કર્યા હતા એટલે એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર.

આ લખાણ ચાર ભાગમાં છે:-

            01.Before Trekking

02. Day – 01

03. Day – 02

04. Day – 03

મૂલત: આ લખાણ મારી ડાયરીમાં લખાયેલું હતું જેને થોડું મઠારીને મૂકું છું અને એટલે જ શરૂઆતમાં ટ્રેકિંગની આગલી રાત્રે મેં ડાયરીમાં જે નોંધ કરી હતી એનો એક અંશ મૂક્યો છે. ટ્રેકિંગ પહેલા

જીવનમાં પહેલી વાર હું ટ્રેકીંગ માટે જઇ રહ્યો છું. ત્રણ દિવસનું આયોજન છે - ડાંગના પર્વતીય વિસ્તારોમાં રખડવાનું છે. Youth Hostel Association of India નું આ ટ્રેકીંગ છે જેમાં મારા સાથીમિત્ર હિરેન પટેલ સપરિવાર જોડાયા છે અને એમનાં એક બે મિત્રો પણ સાથે છે. ટ્રેકીંગ વિશે એવું સાંભળ્યું છે કે એમાં તમે નવાનવા મિત્રો બનાવી શકો, પરિચય કેળવી શકો. એ બાબત મારા માટે બહુ જરૂરી છે. દરેક માણસ અલગ હોય છે. દરેક વ્યક્તિ એક પુસ્તક છે, જો તમને વાંચતા આવડે તો. અરે, પુસ્તક જ શા માટે? હું તો કહું છું કે દરેક વ્યક્તિ પોતાની અંદર એક આખું પુસ્તકાલય લઇને ફરતો હોય છે, પુષ્કળ અનુભવો, અજબગજબ આદતો એ વ્યક્તિના સંબંધોનું પાછું એક અલાયદું, નિરાળું વિશ્વ. આહાહાહા!! આટલું તો કોઈ પુસ્તક પણ ન આપી શકે. બસ, શરત છે એટલી કે તમારે તમારી અપેક્ષાઓ, માન્યતાઓ અને judgemental tendency ને ત્યજી દેવી પડે, તો જ નવા સંબંધો ખીલે બાકી નવા સંબંધોમાં જૂની જાત લઈને જવાનો શું મતલબ! એ તો એવું થયું કે કોઈ પોતાના નવા ઘરમાં જુના ઘરનો બિનજરૂરી સામાન અને ભંગાર પણ લઇ જાય. એવી મુર્ખામી ન જ કરાય. ટ્રેકીંગ વિશે મેં જે સાંભળ્યું છે એના લીધે મારી ઉત્કંઠા આસમાને પહોંચી રહી છે. આવનારા ત્રણ દિવસો મારા જીવનમાં શું પરિવર્તન લાવે છે એ જોવાનું રોમાંચક રહેશે.

હું પહેલેથી પ્રકૃતિપ્રેમી તો ખરો જ અને ટ્રેકીંગ માં પ્રકૃતિને અલગ જ અંદાજમાં જોવાનો મોકો મળે કેમ કે એવી અદ્ભૂત જગ્યાઓએ પગપાળા જવાનું થાય કે જ્યાં સામાન્યપણે કોઈ પ્રવાસીઓ વાહન લઈને ન જતા હોય. એટલે કે પ્રકૃતિને પોતાના મૂળ સ્વરૂપે મળવાનું થાય. અત્યારે તો માણસ પોતે જ પોતાનું સ્વ ગુમાવી બેઠો છે. સ્વ નો ભાવ એટલે સ્વભાવ અને સ્વ માં સ્થ (સ્થિર થવું) એટલે સ્વસ્થ. એ અર્થમાં કોણ વિચારે છે? ખેર, હવે મારે બીજાઓ વિશે વિચારવું જ નથી. જેને જે કરવું હોય એ કરે, હું બસ મારી જાતને બરાબર સમજી શકું કે પોતાની સાથે જ સંવાદ કરી શકું તોય પૂરતું છે. હવે મને દુનિયા બદલવાની કે કોઈને સુધારવાની સહેજેય ધગશ નથી, બસ જીવનને જેટલું બની શકે એટલું ચાહી લેવું છે, માણી લેવું છે, જીવી લેવું છે.

આટલું કરવામાં જો આ ટ્રેકિંગ મને મદદરૂપ થાય તો આપણા પૈસા વસૂલ છે બસ!


(Day 01 Experience in Next Blog Post)

© ડો. જય મહેતા