Tuesday, December 8, 2020

ફ્રેંકેંસ્ટાઇન: વિજ્ઞાન નામના વાઘની સવારી


 “Learn from me, if not by my precepts, at least by my example, how dangerous is the acquirement of knowledge, and how much happier that man is who believes his native town to be his world, than he who aspires to become greater than his nature will allow.”

-         Victor Frankenstein

અગત્યના સમાચાર:-

01. અમેરિકાના વૈજ્ઞાનિકે મૃત માનવશરીરને વીજળી (electricity) ની મદદથી સજીવન કરવાનો દાવો કર્યો.

02. કેનેડાની એક યુનિવર્સિટીમાં કબ્રસ્તાનના મૃત શરીરોમાંથી વિવિધ અંગો લઈને તેને એસેમ્બલ કરીને માણસ બનાવવાની દિશામાં સંશોધન આદર્યું.

* * * * * * *

ઉપરોક્ત કાલ્પનિક સમાચારો વાંચીને તમારા મનમાં શું વિચાર આવ્યો?

“હેં? ન હોય! નોનસેન્સ.....!!

એલા આવું તે કાંઈ હોતું હશે? .....”

બરાબર ને?

પણ જો હું તમને કહું કે આજથી 200-300 વર્ષ પહેલાં લોકો આ પ્રકારનાં સંશોધનો કરતાં હતાં તો...?

ઈ.સ. 1700 આસપાસ જર્મનીની હ્રાઇન નદીથી 17 કી.મી. દૂર આવેલ એક મહેલમાં એક સંશોધકે આ પ્રકારના પ્રયોગો કર્યા હતા અને એ બાબતની જાણ ત્યાં આવેલ કેટલાક પ્રવાસીઓને થઈ. એ કોઈ સામાન્ય પ્રવાસીઓ નહોતા – અંગ્રેજી ભાષાનાં એ સમયના સર્વોત્તમ ગણાતાં કવિઓ પર્સી શેલી, બાયરન અને તેમનાં પરિવારજનો હતા.

તેના થોડા સમય પછી એક દિવસ શેલીને ત્યાં (સ્વિત્ઝરલેન્ડ) ફરવા ગયેલા આ બધા સર્જકોને પ્રતિકૂળ વાતાવરણને લીધે બહાર જઇ શકાય તેમ ન હોવાથી ઘરમાં ભૂતની વાર્તાઓ વાંચીને તેની ચર્ચા કરવાનું સૂઝે છે. તેઓ ડાર્વિન, ઈરેસ્મસ, ગેલ્વેની જેવા વૈજ્ઞાનિકોના સિદ્ધાંતોની ચર્ચા કરે છે. એ ચર્ચા દરમ્યાન એ સૌ વચ્ચે હોડ જામે છે કે કોણ સૌથી સારી કૃતિ સર્જી શકે અને તેમાં પર્સી શેલીની પત્નીને ઉપરોક્ત વિચારબીજને લઈને એક નવલકથા લખવાનું સૂઝે છે.


એ નવલકથા એટલે ફ્રેંકેંસ્ટાઇન અને એ સ્ત્રી એટલે મેરી શેલી. જ્યારે આ નવલકથા સૌપ્રથમ પ્રકાશિત થઈ ત્યારે તેના પર મેરી શેલીનું નામ નહોતું, અનામી તરીકે છપાઈ હતી કેમ કે એ સમયે કોઈ સ્ત્રી લેખક હોઇ શકે એવું સમાજને સહજ સ્વીકાર્ય નહોતું. આ નવલકથા આરંભાઇ ત્યારે લેખિકાની વય માત્ર 18 વર્ષ. અચંબિત થયા હો તો એ અચંબામાં વધારો કરું કે અંગ્રેજી ભાષાની સૌપ્રથમ Sci-Fi એટલે કે  સાયન્સ ફીક્શન ગણાતી આ કૃતિને 2019માં BBC એ અંગ્રેજીની 100 સૌથી વધુ પ્રભાવશાળી નવલકથાઓની યાદીમાં સ્થાન આપેલ છે. ફિલ્મ, ટીવી સિરિયલ, થિયેટર, મુઝિકલ્સ એમ અનેક ક્ષેત્રે આ કથાના અઢળક adaptations થયેલા છે અને હજી થયા કરે છે.

એવું તે શું છે આ નવલકથામાં? ચાલો જાણીએ...

(ચિંતા ન કરશો, આગળ કોઈ spoilers નથી!)



18મી સદીના કોઈ એક વર્ષની વાત છે. રોબર્ટ વોલ્ટન નામનો એક સાહસિક જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવા માટે ઈંગ્લેન્ડથી પોતાનું વહાણ લઈને ઉત્તર ધ્રુવની દિશામાં સફર આદરી ચૂક્યો છે. એક દિવસ અફાટ સમુદ્ર વચ્ચે એને એક વિચિત્ર દ્રશ્ય દેખાય છે. બરફની મહાકાય પાટ પર એક કુતરાગાડી (સ્લેજ) પર એક વિશાળ અને બિહામણી માનવઆકૃતિ જઇ રહી છે. એ દ્રશ્ય વિષે તે પોતાની બહેન માર્ગરેટને પત્ર લખે છે (આખી નવલકથા આ રીતે પત્રાચારના સ્વરૂપમાં એટલે કે epistolary form માં લખાયેલી છે). થોડા સમય પછી, નાવિકોને ફરી કોઈ માણસ દરિયામાં જીવ બચાવવા હવાતિયાં મારતો નજરે ચડે છે, એ લોકો તેને બચાવે છે અને યોગ્ય સેવા-સુશ્રૂષા કરે છે. તે માણસ એટલે વૈજ્ઞાનિક વિકટર ફ્રેંકેંસ્ટાઇન અને અગાઉ સ્લેજ-ગાડી પર જે ભયાનક આકૃતિ જોવા મળી હતી તે તેનું સર્જન - MONSTER.


થોડા દિવસોમાં સ્વસ્થ થયા બાદ વિકટર ફ્રેંકેંસ્ટાઇનને કેપ્ટન રોબર્ટ સાથેની વાતચીતમાં ખબર પડે છે કે આ રોબર્ટભાઈ પણ જ્ઞાનભૂખ્યા છે અને વિજ્ઞાનના વહાણમાં બેસીને કુદરતના કિનારાઓ માપવા નીકળ્યા છે ત્યારે એ રડી પડે છે અને પોતાની વ્યથા-કથા કહી સંભળાવે છે.

વિકટરને બાળપણથી જ વિજ્ઞાનમાં જબરી રુચિ હોય છે. યુવાનીમાં તો એ રસાયણશાસ્ત્ર અને અન્ય વિદ્યાશાખાઓના ગહન અભ્યાસથી નવી નવી શક્યતાઓ ચકાસવા લાગે છે – એવી જ એક શક્યતા એટલે વિજ્ઞાનની મદદથી મૃત શરીરને જીવંત કરી શકવાનો વિચાર. અત્યારે કદાચ આ વિચાર હાસ્યાસ્પદ લાગે પણ આપણે એ ન ભૂલીએ કે આ ત્રણ સદી પહેલાના સમાજની વાત છે કે જ્યાં વીજળીની મદદથી ચમત્કાર કરી શકાય એવી વાતને પણ ગભીરતાથી લેવામાં આવતી હતી.

ઊંડાણપૂર્વકના અભ્યાસ પછી (લેખની શરૂઆતમાં મુકેલ કાલ્પનિક સમાચારોની જેમ જ) વિકટર એક ટેક્નિક શોધી કાઢે છે, જેનાથી લેબોરેટરીમાં કૃત્રિમ રીતે માણસ બનાવી શકાય (અને આજે આપણે “I’m not a robot. Enter captcha” થી આપણી માણસ તરીકેની હયાતી સાબિત કરવી પડે છે...!!) વિકટર હોસ્પિટલના ડીસેકશન રૂમ અને કતલખાના જેવી જગ્યાઓએથી મૃતદેહો મેળવી, તેના અલગ અલગ અંગોને લઈને એક મનુષ્યદેહનું નિર્માણ કરવામાં સફળ થાય છે, પણ અરેરેરે... આ શું! ખૂબ મોટા હાથ-પગ, વિકરાળ ચહેરો, શરીર પર પરાણે ચોંટાડી રાખી હોય એવી ચામડીને લીધે સ્પષ્ટ જોઈ શકાતી નસો વગેરે જોઈને એ ભડકી જાય છે. માણસ બનાવવાના પ્રયત્નોમાં એક કદરૂપો દૈત્ય બનાવી બેસે છે. પછી શરૂ થાય છે એક સે બઢકર એક દિલધડક ઘટનાઓનો સિલસિલો....



અંગ્રેજીમાં એક કહેવત છે:- You can’t ride a tiger and dismount it. વાઘની સવારી કરનાર નીચે ન ઉતરી શકે ને! આજે આપણે વિજ્ઞાનના સદુપયોગથી જીવન ઘણા અંશે સગવડભર્યું બનાવી શક્યાં છીએ પણ એ જ વિજ્ઞાનના દુરુપયોગના માઠા પરિણામો પણ ભોગવવા પડે છે. બેફામ ઔદ્યોગીકરણ, વિશ્વયુદ્ધ અને અન્ય યુદ્ધોમાં વપરાયેલ ઘાતક શસ્ત્રો, અણુબોંબ, ગ્લોબલ વોર્મિંગ, ઋતુચક્રમાં થતાં અણધાર્યા ફેરફારો વગેરે વિષે વિચારીએ ત્યારે મેરી શેલીના visionને સલામ કરવાનું મન થયા વિના ન રહે! Genetic modification, Robotics, Artificial Intelligence, Internet of Things …… છેલ્લી ત્રણ સદીમાં આપણે વિજ્ઞાનની ખૂબ લાંબી મજલ કાપી લીધી છે પરંતુ એક હકીકત એ પણ છે કે વિજ્ઞાન એ બેધારી તલવાર જેવુ છે: એનો સદુપયોગ વિકાસ સાધી શકે છે તો દુરુપયોગ વિનાશ નોંતરી શકે છે અને આપણે એ બંનેના સાક્ષી બન્યા છીએ. કુદરતના કામમાં હસ્તક્ષેપ કરવાની માનવીની દાનત બદલાઈ નથી! બિયારણથી લઈને બાળક સુધી બધું જ મન ફાવે તેવા ફેરફારો સાથેનું મેળવી શકાય છે. એ રીતે જોઈએ તો એલ્ડસ હક્ઝલીની નવલકથા ‘Brave New World’ માં આગાહી કરી છે એમ હવે લેબોરેટરીમાં બાળક બનવાના શરૂ થાય તો પણ નવાઈ નહીં લાગે. હમણાં જ એક સમાચાર જાણ્યાં કે 27 વર્ષ સુધી ફ્રોઝન કરી રાખેલ ભ્રૂણમાંથી સ્વસ્થ બાળક “બનાવવામાં આવ્યું”. અનેક નિઃસંતાન દંપતિ માટે એ રાહતના સમાચાર ગણાય તો સામે ભ્રૂણની જાતિ જાણીને સ્ત્રી ભ્રૂણ હત્યા કરવા માટે પણ વિજ્ઞાનનો સહારો લેવાતો આવ્યો છે. દરેક શોધનાં બે પાસાઓ હોય જ છે. ઇન્ટરનેટ અને સોશિયલ મિડિયાથી આપણે ખૂબ સમૃદ્ધ થયા છીએ તો સામે પોલીસ સ્ટેશનમાં સાઇબર સેલ ઊભા કરવાની પણ જરૂર પડી જ છે.

      આ નવલકથાનું sub-title છે: Modern Prometheus. ગ્રીક દંતકથા મુજબ પ્રોમીથીયસ એ અગ્નિના દેવતા ગણાય છે. તેણે માટીમાંથી માનવીનું સર્જન કર્યું અને દેવતાઓ પાસેથી અગ્નિ ચોરીને માનવીઓને આપ્યો જેની તેને સજા પણ મળી. તે કળા અને વિજ્ઞાનનો ઈશ્વર પણ મનાય છે. (એ સમયે આર્ટ્સ, સાયન્સ, એન્જીનિયરીંગ જેવી વાડાબંધી નહીં હોય!) વિકટર એવો જ એક પ્રોમિથીયસ છે જે માનવીનો આવિષ્કાર કરવા મથે છે.

      વિકટરના મોન્સ્ટરને એડમ સાથે પણ સરખાવાયો છે. અંગ્રેજ કવિ જોન મિલ્ટનના મહાકાવ્ય પેરેડાઈઝ લોસ્ટ માંથી એક વિધાન શરૂઆતમાં જ ટાંકે છે:-

“Did I request thee, Maker, from my clay

To mould Me man? Did I solicit thee

From darkness to promote me?”

ક્રિશ્ચિયન માન્યતા પ્રમાણે ઈશ્વરે પૃથ્વી પર સર્જેલ સૌપ્રથમ મનુષ્યો એટલે એડમ અને ઈવ જેને પરમાત્માના આદેશનો ભંગ કરવા બદલ સજા કરવામાં આવે છે. પરમાત્માનું સર્જન એ માનવજાતિ અને માનવીનું સર્જન એ મોન્સ્ટર, બસ આટલો ફર્ક! સર્વશક્તિમાન બનવાની માણસની ઘેલછા માટે લેખિકાએ કેટલું સટીક રૂપક પ્રયોજયું છે! (આમ તો, માણસ પણ પરમાત્માનો સર્જેલ દૈત્ય જ ના ગણી શકાય?)

જ્યારે કોઈ સત્તા કોઈ વ્યક્તિ કે શક્તિને ઉત્પન્ન કરે અને પછી તે તેના જ સર્જનહારની વિરુદ્ધ થઈ જાય એવી પરિસ્થિતી માટે અંગ્રેજી ભાષામાં Frankenstein-Monster કહેવતરૂપ બની ચૂક્યા છે. જેમ કે, અમેરિકા અને ઓસામા બિન લાદેન.



અંગ્રેજી નવલકથામાં એક પ્રકાર છે: Gothic Fiction એટલે કે એવી નવલકથા જેમાં સુંદર અને ભવ્ય પણ ભૂતિયા મહેલો હોય, કલ્પનાની ઉડાન હોય, રહસ્યમય અને સુપરનેચરલ તત્વો હોય, વાંચતી વખતે શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ જાય, મૃત વ્યક્તિઓ જીવિત થતાં હોય ... ટૂંકમાં કહીએ તો એક સંપૂર્ણ સસ્પેન્સ થ્રીલર પેકેજ અને  ફ્રેંકેંસ્ટાઇન એ આ પ્રકારનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

આટલું વાંચ્યા પછી તમને એ નવલકથા વાંચવાની તીવ્ર ઉત્કંઠા થઈ જ હશે પણ આ કૃતિ સાવ સરળ અને અત્યારની અંગ્રેજીમાં લખાયેલ નથી એ વાત પણ જોવી જોઈએ. જો કે, એનો કથાપ્રવાહ એટલો રસપ્રદ છે કે શબ્દોના સ્પીડબ્રેકર્સ વાચકનો ઉત્સાહ ઘટાડી નહીં જ શકે.

અને હવે, વિકટરે ભાવિ ફ્રેંકેંસ્ટાઇન એવા રોબર્ટને જે ચેતવણી આપી તેનાથી ચર્ચા અટકાવીએ:-

You seek for knowledge and wisdom, as I once did; and I ardently hope that the gratification of your wishes may not be a serpent to sting you, as mine has been.”

© ડૉ. જય મહેતા

Tuesday, December 1, 2020

સમુદ્રમંથન – વિચારના વહાણમાં, સમજણની સફરે!

 


(લખ્યા તા. 17-04-'16, રવિવાર)

સમુદ્રમંથન - અનાદિકાળથી માનવમનમાં અને જીવનમાં નિત્ય નિરંતર ચાલ્યા કરતી પ્રક્રિયા. કુરુક્ષેત્રનો અર્જુન હોય કે ડેન્માર્કનો હેમ્લેટ,  'પાંસા'નો યુધિષ્ઠિર હોય કે નટસમ્રાટનો નાના પાટેકર - કે પછી અદિતિ દેસાઇ લિખિત નાટક 'સમુદ્રમંથન: A Musical Fairytale' નાં પાત્રો હોય! આ લખનાર હું અને આ વાંચનાર તમે પણ આવાં જ કોઇ વિરાટ મંથનનો  હિસ્સો છીએ! 
આજે રાત્રે અમદાવાદમાં ઠાકોરભાઈ દેસાઇ હૉલમાં મારી જીવનસાથી સાથે આ ડ્રામા જોયું અને ઇન્ટરવલ સુધીમાં તો મનમાં વિચારોની એવી ભરતી આવી કે હજુયે કિનારે ભાવનાઓની ભીનાશ વરતાય છે.

પૂર્વભૂમિકા:- અદિતિ દેસાઇ દિગ્દર્શિત અને દેવકી લિખિત, અભિનિત આ નાટક સાથે આ બે ઉપરાંત અન્ય કેટલાંક વજનદાર નામો સંકળાયેલા છે:- મેહુલ સુરતી, હિમાલી વ્યાસ નાયક, મિહિર ભુતા, શ્રી કિર્તીભાઇ ખત્રી વગેરે.

સ્વાભાવિક છે કે ઓડિયન્સની અપેક્ષાઓ દરિયાનાં ચડતાં પાણીની જેમ વધતી જાય! તો... શું એ અપેક્ષાઓ પર ખરું ઉતરે છે આ નાટક?

(હા કે ના માં જવાબ આપો)

  "હા"

(કારણો આપી વિસ્તારપૂર્વક સમજાવો)


ગુજરાતનાં વિશાળ સમુદ્રકિનારે વસતાં માછીમાર કે ખારવા સમુદાયના જીવનને બેકગ્રાઉન્ડ તરીકે લઇને આ નાટક એક વૈશ્વિક વિષયને સંબોધે છે:- માણસનાં મનમાં અને ફળસ્વરૂપે સમાજમાં સ્ત્રી નું સ્થાન.

સંગીતપ્રધાન નાટકની શરૂઆત ધમાકેદાર થઇ. સ્ટેજ પર સીધાં જ કલાકારો ને રજુ કરવાને બદલે એ લોકો હૉલમાંથી પસાર થઇ નાચતાં ગાતાં સ્ટેજ પર પહોંચ્યા ત્યારે જ લાગ્યું કે "Well begun is half done"

"વહાણમાં કોઇ અસ્ત્રી નો પગ પડે એટલે ગોઝારી ઘટના ઘટે!" એ સાંભળતાં જ ખ્યાલ આવી ગયો કે આ તો મહિલાઓ પ્રત્યેના સમાજના સ્ટીરીયોટાઈપ્સ ની વાત છે. સાચું કહું તો જરાક અણઞમો પણ થયેલો - મેઇલ ઇગો ને લીધે નહીં પણ હમણાં હમણાં નારી સશક્તિકરણના નામે જે કાંઈ ચાલી રહયું છે એનાં લીધે. સિલ્કની ભારેખમ સાડી પહેરીને એ.સી. હૉલમાં ફેમિનિઝમ પર રિસર્ચ પેપર વાંચી, પંજાબી ફુડ ખાઇને અને કૉફી પીને છુટ્ટા પડતાં "પ્રબુદ્ધ", "સારસ્વત" નાગરિકોની નારી ચેતના માટેની ખેવનાથી જબરો કંટાળ્યો છું હું! થીયરી કે વિચારધારાની માથાકૂટમાં સહેજેય પડ્યા વિના પુરુષો અને સ્ત્રીઓના મનમાં કદાચ એકસરખો ખળભળાટ મચાવી શકે એવું નાટક એટલે "સમુદ્રમંથન"!

સ્ત્રી વગરનું પુરુષનું જીવન એટલે કપ્તાન વગરનું વહાણ. જિંદગીના તોફાની દરિયામાં અધવચ્ચે ફંગોળાતા આવા વહાણ જોઈએ ત્યારે સ્ત્રીનું મહત્વ સમજાય – સમજવું હોય તો, બાકી લગ્નજીવન અને પત્નીના જોક્સ કહી-સાંભળીને તાળીઓ દેતાં હોય અને પોતાના પગના મોજા પણ પત્ની પાસે જ શોધાવતા હોય એવા પુરુષો પણ સમાજમાં જોવા મળે છે.  

સદીઓથી પુરુષપ્રધાન સમાજવ્યવસ્થામાં સ્ત્રી અંધશ્રદ્ધા, અન્યાય અને અત્યાચારનો ભોગ બનતી આવી છે પણ હવે હવામાન બદલાઈ રહ્યું છે અને સમાજે આ પોઝિટિવ બદલાવને સ્વીકારવો જ નહીં પણ વધાવવોય જોઇએ! કમનસીબે આજે સમાજ બે અંતિમો વચ્ચે ખેંચાઈ રહ્યો છે:- એક બાજુ ફિલ્મ, એડવર્ટાઇઝિંગ જેવા ક્ષેત્રોમાં વારતહેવારે સ્ત્રીત્વને encash કરવાના commercial કારસાઓ થાય છે તો બીજી તરફ સામાન્ય વર્ગની સ્ત્રી હજી હાંસિયામાં જીવે છે. એક બાજુ domestic violence ની કલમનો દુરુપયોગ કરતી સ્ત્રીઓ છે તો બીજી તરફ ધણીનો કોઈ ધણી છે?” વિચારીને ત્રાસ વેઠતી સ્ત્રીઓ છે. એક એવો નાનો વર્ગ છે જેમાં અમુક મારકણી, મારફાડ ને માથાભારે મહિલાઓ કાયદાઓનો દુરુપયોગ કરી નિર્દોષ પુરુષોનો ભોગ લ્યે છે જયારે બીજો એવો વિશાળ વર્ગ છે સ્ત્રીઓનો કે જેમનાં સુધી આવાં કોઇ કાયદાઓ પહોંચી શકયા જ નથી!

એવી જ એક સ્ત્રી એટલે કબી ખારવણ. આર.જે. દેવકીએ અભિનયનાં ઓજસ પાથરી જે પાત્રને જીવંત કરી આપ્યું એ કબી એટલે રામપાસા જહાજનાં કેપ્ટન મીઠુ ખારવાની સહધર્મચારિણી. મીઠુના ખારવાધર્મના આચરણમાં સાથ આપતી કબી. વાર્તા વિષે વધુ વાત કરીને વટાણા વેરવાનું મને કયારેય ગમ્યું નથી પણ એટલું તો કહેવું જ પડે કે આ નાટક લગભગ દરેક ડિપાર્ટમેન્ટમાં પ્રભાવક લાગે છે. સૌથી વધારે ઉત્કંઠા મને એ વાતની હતી કે દરિયામાં તરતાં વહાણમાં જીવાતા જીવનને સ્ટેજ પર કેમ દેખાડયું હશે? ખરેખર, મંચ સજ્જા, લાઇટીંગ વગેરે કાબિલે તારિફ હતાં. તોફાનનો માહોલ, વિજળીનાં કડાકા, જહાજ પર બેસતું ઘેડ પક્ષી અને એનો અવાજ, વગેરે તાદ્દશ ભજવાયું હતું. આ પક્ષી ના શુકન-અપશુકન ની ઘટના પરથી અંગ્રેજ કવિ Coleridge ની કવિતા “The Rime of the Ancient Mariner” યાદ આવી જાય. એમ તો માલમનાં જીવનને જોતાં જયંત ખત્રી ની એક બળકટ વાર્તા કાળો માલમપણ યાદ આવે. મેહુલ સુરતીનું સંગીત અને હિમાલી વ્યાસ નાયકની ગાયકી વિષે તો કંઇ કહેવું પડે? ગીતોનો નરેટીવ ટેકનીક તરીકે ઉપયોગ થયો છે પણ ગીતોની સંખ્યા ઓછી રાખી હોત તો સારું રહેત. કોરીયોગ્રાફી પણ નાટકનાં વાતાવરણ સાથે સુસંગત હતી. દરિયામાં થતી ઉથલપાથલ તખ્તાના અનેક ડિવાઇસીઝથી દર્શાવાઇ છે.

સંવાદ એ મારી દ્રષ્ટિએ કોઇપણ નાટકનું અભિન્ન અંગ હોય છે અને આ નાટકમાં તેજાબી સંવાદોનાં કંઈક ચમકારા જોવા મળ્યા. ખાસ તો ગામઠી શૈલી અને તળપદા શબ્દો ખારવાજીવનને બખૂબી રજુ કરવામાં સહાયક બન્યા છે પરંતુ અમુક કલાકારોનાં મોઢે આ લોકબોલીનાં વાકયો ભળતાં ન હોય એવું લાગ્યું. આ ઉપરાંત ખારવાને મોઢે દેશી છાંટવાળા શબ્દોની વચ્ચે "દિશા", "સમય" જેવાં શબ્દો થોડાંક ખટકતાં હતાં.


અભિનય? જોરદાર! એકટીંગ નાં મુલ્યાંકનનું એક માપદંડ એ છે કે રોલ પોઝીટીવ હોય કે નેગેટીવ, નાનો હોય કે મોટો પણ એ પાત્ર જીવંત લાગવું જોઇએ અને script ની આખી ડિઝાઇન ઉપસાવવામાં મદદ મળવી જોઇએ, જે 'સમુદ્રમંથન' માં થાય છે. પછી એ મજબુત મનોબળ અને કમનીય કાયાવાળી કબી હોય, મુક્ત વિચારોનો માયાળુ મીઠુ હોય, રતનસિંહ હોય કે મન-વચન-કર્મથી ભયંકર અને ભદ્દો એવો ભુદો હોય. અભિનય બેન્કર, ગૌરાંગ આનંદ અને અન્ય કલાકારોએ જીવ રેડી દીધો છે એમ કહીએ તો એ અતિશયોક્તિ નહીં ગણાય. ગુસ્સો, ઇર્ષા, પ્રેમ, ભય, શૌર્ય વગેરે મનોભાવો દર્શકો સુધી બરાબર પહોંચે છે.

અગાઉ કહયું એમ ફેમિનિઝમનાં ફાંકા માર્યા વિના સ્ત્રી-સહજ સંવેદના અને વેદના વ્યકત કરતું નાટક એટલે સમુદ્રમંથન.

અહીં પુરુષની રેખા નાની કરીને પોતાની રેખા મોટી કરવાની વાત નથી. ઓશો એવું કહેતાં કે પુરુષની દેખાદેખી કરીને સ્ત્રી સમોવડી ન બની શકે. પુરુષ સિગારેટ કે દારૂ પીવે તો હુંય પી શકું એવા વલણથી તો સ્ત્રી પણ પુરુષ જેવી થતી જાય ને એનું સ્ત્રીત્વ ખતમ થઇ જાય. સ્ત્રી ને પુરુષ બંને અલગ છે ને એમનાં અલગ અસ્તિત્વનું સૌંદર્ય છે, અને એટલે જ અનેક અન્યાય સહન કર્યા પછી પણ કબી નથી બદલો લેતી કે નથી રોવા બેસતી. એ પોતાનાં મકકમ મનોબળ અને કાબેલિયતથી પોતાનું મહત્વ પ્રસ્થાપિત કરે છે ને સૌને તોફાનમાંથી ઉગારીને પુરવાર કરી આપે છે કે "અસ્ત્રી નો પગ જીંદગીમાં પડે તો ગમે એવાં તોફાનો પણ ટળી જાય." સાચ્ચે, સ્ત્રી એટલે કુસુમની કોમળતા અને કાંટાની કઠોરતા એકસાથે!

એક પુરુષ આ નાટક જોયાં પછી આવાં વિચારો વ્યકત કરી શકે એ જ સમુદ્રમંથનની સફળતા. 
નાટ્યગૃહની બહાર નીકળ્યા પછી ભાવકો મનોમંથન અનુભવે અને સ્ત્રીત્વને સલામ કરી એને પોતાનાં મનમાં અને જીવનમાં સાદર સ્થાન આપે એ દિશામાં થયેલો એક સંનિષ્ઠ પ્રયાસ એટલે સમુદ્રમંથન!

                               -    © ડૉ. જય મહેતા