શિક્ષણનું દ્રૌપદીકરણ
"कैसे आकाश में सुराख़ हो नहीं सकता
एक पत्थर तो तबीयत से उछालो यारो"
- दुष्यंतकुमार
શિક્ષણ સૌથી ઉમદા કાર્ય છે.
શિક્ષક ગુરુ સમાન છે જે પરમાત્માથી પણ મહાન છે.
શિક્ષક વિદ્યાર્થીઓમાં મુલ્યોનું સિંચન કરે છે.
શિક્ષણથી માણસોનો સર્વાંગી વિકાસ થાય છે.
વિદ્યાલયએ દેવાલય સમાન છે.
વ્યક્તિનું ચરિત્રનીર્માણ જ નહિ, રાષ્ટ્રનિર્માણનું કાર્ય શિક્ષક કરે છે.
અરે, કપાળ તારા બાપનું! શિક્ષણનું ખૂન કર્યા પછી એનાં શબને પોસ્ટમોર્ટમના નામે ચૂંથવા જેવી વાતો છે આ બધી! છેલ્લા ૬ વર્ષથી આ ધંધામાં છું (‘ધંધો’ શબ્દ સમજીવિચારીને મુક્યો છે.) અને એટલે હું કહી શકું છું કે શિક્ષકની પાસે શિક્ષણ સિવાયનાં તમામ કામો કરાવવામાં આવે છે, અને આ કંઈ હું પહેલો વ્યક્તિ નથી જે આ લખી રહ્યો છું. બધા ને બધી ખબર જ છે પણ સૌએ તમાચો મારી ને ગાલ લાલ રાખવો પડે છે. બધા બધુજ જાણતાં હોવા છતાં કોઈ કંઈ જ કરી ન શકે એનું નામ ઠોકશાહી/લોકશાહી. જયારે આ ઉમદા કાર્યક્ષેત્રમાં પ્રવેશીએ ત્યારે આંખોમાં ઉજ્જવળ ભવિષ્યનાં અને પ્રગતિનાં સપ્તરંગી સપનાઓ આંજીને આવતા હોઈએ છીએ પણ પછી રહેતાં રહેતાં ઈડિપસ રેક્સની જેમ જાતે જ એ આંખો ફોડી નાખવી પડતી હોય છે. કારણકે આપણે જ મને-કમને, જાણ્યે-અજાણ્યે એ ‘something unclean has happened’ વાળું કૃત્ય અને કબુલાત કરવા પડતા હોય છે. આજે મારી નજરમાં શિક્ષકથી વધારે બિચારું પ્રાણી સમાજમાં અન્ય કોઈ નથી. (અહી એવા શિક્ષકો ની વાત છે જેની છાતીના ડાબા ખૂણે લોહી પહોચાડતા યંત્ર સિવાય કાંઈક છે, એવા શિક્ષકો નહિ જેમણે પગારપંચ, સરકાર, સંસ્થા કે ટ્રસ્ટને પોતાની જાત વેચી મારી હોય) હું સ્વીકારું છું કે શિક્ષક સમુદાય માં એવા અનેક black sheep, કલંકરૂપ તત્વો ઘુસી ચુક્યા છે પણ એવા લોકો ને આ વેદના વિરેચન સાથે કોઈ લેવાદેવા નથી.
દાઝ્યા પર ડામ, પડ્યા પર પાટુ, અને ઘા પર મીઠું કોને કહેવાય એ સમજાવું?
“તમારે માસ્તરોને તો જલસા છે. કાંઈ કામ કરવાનું નહિ, સીધો બેસ, ઉભો થા, બેસી જા કરવાનું ને પગાર ખાવાનો”
“હવે તો નવા પગારપંચમાં તમારે તો બખ્ખા છે, નહિ? તોતિંગ પગાર લેવાનો ને ઉપર થી વેકેશન મળે એ જુદું.”
સમાજ માંથી આવું સંભાળનારા કર્ણપટલોએ જે તે સંસ્થામાંથી કેટલું હળાહળ ઝેર જેવું સાંભળવું પડતું હોય છે એ વિચાર્યું છે ક્યારેય? કોણે કીધું કે શિક્ષકે ખાલી ભણાવવાનું? અરે ભાઈ એને કલાસમાં ટકવા દ્યે તો ને? વસ્તી ગણતરી થી વૃક્ષ ગણતરી સુધી અને ચુંટણી થી .................... જેવા કામ (પ્રાસ મેળવવો હતો પણ કાબુ રાખ્યો!) એની પાસે કરાવવામાં આવે છે.
વર્ષ માં બે દિવસ એને ગુરુ, ગુરુ કરી ને માથે ચડાવામાં આવે જેથી એ આખું વર્ષ ખુશી ખુશી વૈતરું કર્યા કરે. એ જમાના ગયા જયારે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ સાહેબ ને માન આપતા હતા. હવે તો વિધાર્થીઓ પણ વિચારે કે "આ સાહેબ તો એડ હોક છે, મારું શું બગાડી લેવાના છે?"
સરકારી હોય કે પ્રાઇવેટ, ડિગ્રી હોય કે ડિપ્લોમા, સ્કૂલ હોય કે કોલેજ, આર્ટ્સ, કોમર્સ હોય કે સાયન્સ ... કાગડા નહિ ગીધડાં બધે સરખા જ છે. કહેવાય શિક્ષક પણ કામ કારકૂન નું કરવાનું. રોજ નવા પત્રકો ભરવાના, માહિતીઓ મોકલવાની, ડેટા તૈયાર કરવાનો- ટૂંકમાં તમારા સબ્જેક્ટ સાથે તમારા છૂટાછેડા કરાવી દેવાના. કોઈ કામ નીચું કે ખરાબ નથી હોતું. ડોક્યુમેન્ટ્સનું પણ આગવું મહત્વ હોય છે પણ શિક્ષકે શું ફક્ત એ જ કરવાનું?
વિશ્વકક્ષાએ ટૂંકી વાર્તાના જનક ગણાયેલ રશિયન વાર્તાકાર નિકોલાઈ ગોગોલની ક્લાસિક વાર્તા 'ધ ઓવરકોટ' નું કેંદ્રવર્તી પાત્ર અકાકી સરકારી કચેરીમાં કોપીયરનું કામ કરતો હોય છે. એ સમયે ફોટોકોપીયર (ઝેરોક્સ મશીન) નહોતા એટલે જાતે લખવું પડતું. એ દિવસ-રાત એ જ કામ કર્યા કરતો હતો અને જો એમાં સહેજ પણ ફેરફાર હોય તો તે મુંઝાઈ જતો હતો. એના જીવનમાં મશીનની જેમ કોપી કર્યા કરવા સિવાય કઈ જ બચ્યું નહોતું. આજે 150 વર્ષ પછી પણ પરિસ્થિતી મહદઅંશે એવી જ છે ને! આજકાલ શિક્ષકો ની દશા પણ કૈંક આવી જ છે. ડિજિટલ ઈન્ડિયાના નામે બધુ ઓનલાઈન મંગાવવાનું શરૂ થયું પણ સાથે કાગળ પર 04 કે 06 કે 08 નકલમાં સ્વ પ્રમાણિત કરીને મોકલવાનું તો બંધ નથી જ થયું. સરદારજી વિષે જાણીતા જોકમાં જેમ તે ઝેરોક્સ કરીને અસલ સાથે સરખાવીને ખાતરી કરે એના જેવુ જ ચાલી રહ્યું છે.
(ઉપરોક્ત વાર્તાના પાત્ર અકાકી નું રેખાચિત્ર)
ડીક્ષનરીની ૨૦૧૭ની આવૃત્તિમાં Job Satisfaction શબ્દોના અર્થ સાથે ‘ગધેડાની આગળ લટકાવેલું ગાજર’ એવું ઉદાહરણ આપવા સુચન છે. અન્ય ક્ષેત્રમાં રહેલાં જે લોકોને પગારપંચ, વેકેશન, રજાઓ જેવા ગાજર દેખાતા હોય છે એમને ગધેડાના ચેહરાના વિક્ષિપ્ત ભાવો દેખાડવાનો આ નમ્ર પ્રયાસ છે. હું એવું બિલકુલ કહેવા નથી માંગતો કે શિક્ષકની નોકરીમાં પારાવાર યાતનાઓ છે, આ ક્ષેત્રમાં ન આવશો, પણ એટલું ચોક્કસ કહેવું છે કે જો તમે એમ વિચારીને આવતા હો કે હું શિક્ષક બની ને સમાજની સમસ્યાઓ ઉકેલવામાં પ્રદાન આપીશ, સિસ્ટમ બદલી દઈશ, મહાન વ્યક્તિ બનીશ વગેરે તો –You are living in a fool’s paradise. આવું કંઈ જ વાસ્તવ માં બનતું હોતું નથી. તમારે મહોરું પહેરીને વિદ્યાર્થીઓ ને sincerity, discipline, excellence, team-work એવા સુંવાળા શબ્દોના વાઘાં બનાવીને પહેરાવ્યા કરવાના છે, બસ! અને ક્લાસની બહાર yes sir, sorry sir, ok sir સિવાય કશુજ બોલવાનું નથી.
અરે મેં તો GSET, Ph.D. થયેલા સ્કોલર વ્યક્તિઓને આ ફિલ્ડ છોડતા જોયાં છે એટલે તમે વિચારો કે કઈ હદ સુધી એકેડેમીક્સની મા-બેન કરી નાખી હશે. આ પીડા કહેવી તોય કોને? રાજકારણીઓ, મંત્રીઓ, અધિકારીઓ, policy makers – એમણે તો આ દુર્દશા કરી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ તો ખુદ આ ગોરખધંધાનો શિકાર બનેલા છે. શિક્ષકોના કાંડા કાપી લેવાયા છે. ‘માસ્તર’ શબ્દ સાંભળીને મને ‘મા-સ્તર’ જેવું વાહિયાત કાંઇ યાદ નથી આવતું, શાહબુદ્દીનભાઈનું ‘માસ્તરોનું બહારવટીયું’ યાદ આવે છે. પણ હવે આ જાત પર જુલમ નથી સહેવાતો. શુલના મનોજ બાજપાઈની જેમ કહેવું છે:- “કુછ કીજીયે, હમ આપસે બિનતી કરતે હૈ, કૃપયા કુછ કીજીયે. યે સાલા કુર્સી લકડી કા હૈ, હમ હાડ-માંસ કે ઇન્સાન હૈ, કુછ કીજીયે!” ‘A Wednesday’ ના કોમન મેનની જેમ કહેવું છે:- We are resilient by force, not by choice.
એવું કહેવાય છે કે માણસને બે રીતે વશ કરી શકાય:- ભયથી અને લાલચથી. શિક્ષકોને મેમો, નોટીસ, ટ્રાન્સફર, ખુલાસો વગેરે ભય બતાવામાં આવે છે (તમારી વિરુદ્ધ કાર્યવાહી કેમ ન કરવી તેનો દિન ૦૩ માં લેખિતમાં ખુલાસો આપવો) અને પ્રમોશન, પે સ્કેલ, ગ્રેડ પે વગેરેની લાલચો પણ આપવામાં આવે છે. એટલે એ બિચારો રોજ ક્લાસમાં જઈને ગળા ફાડી આવે છે. પણ આવી રીતે જે classroom teaching થાય એમાં શું ભલીવાર હોય? સીધી વાત છે કે શિક્ષક અંદર થી વલોવાયેલો હોય તો એના કામ માં બરકત ન જ આવે પણ અમુક બૌદ્ધિક વિજય માલ્યાઓ એવી દલીલ કરે કે “દિવસમાં ૪ કલાક ભણાવવામાં તમને શું વાંધો આવે છે? બીજે બધે માણસો ૮-૮ કલાક કામ કરે છે” અરે સમજણની ગરીબીરેખા નીચે જીવતા પ્રાણીઓ, ક્લાસમાં ભણાવવું એ કોઈ પથ્થર તોડવા જેવું કામ નથી. એ એક પ્રકારની કળા છે, સાધના છે. એક કલાક ભણાવવામાં કેટલો શારીરિક અને માનસિક શ્રમ પડે એ તમે શું સમજો! તૈયારી કરવામાં કેટલો ટાઇમ આપવાનો, એના કાગળિયાં તૈયાર કરવાના. જેમ કોઈ ચિત્રકાર આક્રોશમાં હોય તો ચિત્ર ન દોરી શકે, મગજ ની નસો ખેચાઇ હોય ત્યારે ગાયક ગળાની નસો ખેંચીને ગાઇ ન શકે એવી જ રીતે શિક્ષક પ્રસન્નચિત હોય તો જ એ ખીલીને અને ખુલીને ભણાવી શકે બાકી show must go on બોલીને ભણાવી દે એ વાત અલગ છે.
જે ક્રિએટીવ, ઉર્જાસભર, આઈડિયાથી તરબતર યુવા શિક્ષકો છે એને સિસ્ટમ નપુંસક બનાવી દે છે. તાકાત થી ફાટફાટ થતા આખલાને બળદ બનાવી તેલ ની ધાણીએ જોતરી દેવામાં આવે છે. જેમ બળદ રોજ ગોળ-ગોળ ફરે પણ ક્યાય પહોચે નહી એમ શિક્ષક રોજ નીતનવા પત્રકો ભરે, માહિતી મોકલાવે, આંકડાઓ કાઢે... બળદને ખબર નથી કે તેલ વેચીને કોણ કમાય છે એમ શિક્ષકને ખબર નથી કે આટલી બધી માહિતીનું શું કરવામાં આવે છે!
અત્યારે વિદ્યાલય એ ગણિકાલય બનતા જાય છે જ્યાં રોજ મુજરા થાય છે. શિક્ષકોની હાલત એવી સગીરા જેવી છે જેનું અપહરણ કરીને બિયરબારમાં નાચવા મૂકી દેવાય છે. ગુજરાન ચલાવવા કે મારપીટ થી બચવા એ યુવતી પરાણે હસીને નાચ્યા કરે એમ શિક્ષકે રોજ નોકરી કર્યે રાખવાની છે. I am sorry જો આ વાચતા તમારી લાગણી દુભાઈ હોઈ તો પણ હું તો આખેઆખો, રોજેરોજ, ક્ષણેક્ષણ દુભાઉં છું.આવા આકરા શબ્દો લખતા કંઈ મને મજા નથી આવતી, સપાટો બોલાવવા કે સ્તબ્ધ કરવા નથી લખતો પણ કાગળ પર પેન થી શાહી ટપકે એનાથી વધારે લોહી ટપકે છે આ આંગળીઓ માંથી! It is a constructive criticism. ચંદ્રકાંત બક્ષીએ ત્રીસ વર્ષ પહેલા ‘હું, કોનારક શાહ!’ માં જે ચાબખા માર્યા હતા એ શિક્ષણ વ્યવસ્થાની આજે તો શું દશા થઇ છે! બક્ષીબાબુ ત્યારે કહેતા: “ચારેબાજુ મીડીયોક્રીટીની મોસમ છલકાઈ રહી છે.” જો એ આજે હયાત હોત તો શું કહેત? વિચારો.
- ડૉ. જય મહેતા
લખ્યા તા. 23-01-'17
Dr. Jay Mehta
Lecturer in English (GES - Class II)
R.C. Technical Institute,
Sola,
Ahmedabad
Mind blowing
ReplyDeleteThanks a lot dear!
DeleteSuperb article sir
ReplyDeleteBitter truth . Kadavi vastvikta.
ReplyDeleteDil se nikli hai to dil tak pahonchegi!
Delete😀😀😀 Gujarati Harishankar Parsai
ReplyDeleteohhoho...!!! So nice of you sir...!!!
DeleteKya baat hai sir...🙏👍🙏
ReplyDeleteThanks..!!!
DeleteAbsolutely true... experienced by all of us...
ReplyDeleteThat's why it touched people...
DeleteThanks!
wah true thing!!!!!
ReplyDeleteThanks....
Delete