Saturday, August 27, 2022

જોશી દાદા, મને હજી શબ્દો નથી આવડતા!

 


તા.23-08-2022 ને અ-મંગળવારે સાંજે હું મારા પરિવારજનો સાથે હોટેલમાં જમવા ગયો હતો ત્યાં એક વડીલ સજ્જન મળ્યા જેમની સાથે ઔપચારિક વાતમાં એમણે કહ્યું કે મારો દીકરો વિદ્યાનગરમાં ભણીને અત્યારે બોસ્ટનમાં સેટ થયો છે. આ નામ સાંભળીને મારી આંખોમાં ચમક આવી અને મેં કહ્યું કે વિદ્યાનગરની તો વાત જ ન થાય ભાઈ!

રાત્રે ઘરે આવીને આડો પડ્યો ત્યાં એક દોસ્તારનો વોટ્સેપ મેસેજ જોયો:-

“Dr Piyush S. Joshi has departed for the heavenly abode! May God almighty grace his divine soul with eternal peace!🙏🙏

Ohh… Shit…. બસ આટલું બોલી શક્યો અને જોશી દાદાનો ફોટો જોઇને આંખો ધોધમાર વરસવા લાગી. દર્શિતાના સાંત્વનથી થોડો સ્વસ્થ થાઉં એ પહેલા અન્ય એક દોસ્તનો કોલ આવ્યો અને અમે જોશી દાદાની સ્મૃતિવંદના કરી. કેટકેટલી યાદો ધસમસતી આવે છે, ક્યાંથી શરુઆત કરું?

2008માં ભાવનગરથી M.A. કર્યા પછી M.Phil માટે સરદાર પટેલ યુનિવર્સીટીમાં એડમીશન મળતાં વલ્લભવિદ્યાનગર શિફ્ટ થવાનું હતું ત્યારે મારા ખાસ દોસ્ત દેવર્ષિએ મને ફોનમાં કહ્યું કે હું તને જોશી સરનો નંબર મોકલું છું એ તને ત્યાં રૂમ મેળવવામાં મદદ કરશે. મને થયું કે હશે કોઈક સાહેબ કે અધિકારી પણ મને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે હું જેનો આજીવન ઋણી રહેવાનો છું એવા એક નિર્દંભ વ્યક્તિ, એક genius નો નંબર હું સેવ કરી રહ્યો છું. (હવે તો દેવર્ષિ અને જોશી સર બંને સાથે બેસીને આ વાંચીને મારા પર સ્નેહ વરસાવતા હશે!) વિદ્યાનગરમાં અભ્યાસ શરુ થયા પછી અનેક વાર દોસ્તારોએ કહેલું કે જોશી સરનો લેકચર ભરવા આવ, ખુબ મજા આવશે ને ખુબ શીખવા મળશે પણ હું નહોતો ગયો, એમ વિચારીને કે હું તો university department માં અભ્યાસ કરું છું તો હું H.M. Patel Institute માં ક્લાસ ભરવા કેમ જઈ શકું? That was so stupid of me! કદાચ પહેલીવાર ઘરની બહાર રહેતો હતો એટલે આમ અચકાટ થતો હશે પણ મને શું ખબર કે હું કેટલો અલભ્ય અવસર ગુમાવી રહ્યો છું!

એક વાર દેવર્ષિ અને અન્ય મિત્રોના આગ્રહથી જોશી સર પાસે ગયો અને મારા ટોપિક Film Adaptation વિષે વાત કરી પછી તો જે જ્ઞાનપ્રવાહ ખળખળ વહેવાનો શરુ થયો અને હું એને મારી નોટ્સ માં ઝીલતો ગયો. એકાદ કલાકના અંતે આખા dissertation નું માળખું તૈયાર થઇ ગયું. હું તો દંગ જ રહી ગયો! એ મુલાકાતથી લઈને મારા રીસર્ચ પેપર્સ, phd thesis સુધી અને આ નોકરીમાં લાગ્યા પછી પણ છેલ્લે બે વર્ષ પહેલા એમને ઘરે મળ્યો ત્યાં સુધી એમણે એમનાં અગાધ અભ્યાસ અને વાચનથી મને હંમેશા પ્રભાવિત કર્યો છે. એક વાર મેં ભાવનગરથી એમને ફોન કર્યો કે એક કોન્ફરન્સમાં મારે પેપર રજુ કરવો છે અને એનો theme આ છે. એ 45 મિનીટ્સ ના કોલમાં એ બોલતા ગયા અને હું લખતો ગયો અને મને almost આખું પેપર તૈયાર થાય એટલું ભાથું મળ્યું. મેં દાદાને અહોભાવ વ્યક્ત કર્યો ત્યારે એમનો જવાબ:-

“આમાં શું છે કે મને કોઈ ઉશ્કેરે નહીં ત્યાં સુધી હું બોલું નહીં!”

English literature, criticism, advertising, ELT, media studies, research methodology, communication, Gujarati fiction…. ચાહે કોઈપણ ક્ષેત્ર હોય, એમનું અજોડ જ્ઞાન અને ભાષાવૈભવ કોઈપણ અભ્યાસુને મુગ્ધ કર્યા વગર રહે જ નહીં. Academics માં ક્યારેક એવો અટવાયો હોઉં કે કોઈનાથી એનું સમાધાન ન મળે ત્યારે મને આ ભિષ્મ પિતામહ જ યાદ આવે અને ત્યાંથી જે મિડાસ ટચ મળે એ અનન્ય હોય, પણ આજે મારે જે વાત ખાસ highlight કરવી છે એ છે એમનો શાંત, સાલસ સ્વભાવ અને વિદ્યાર્થીઓ પ્રત્યેનો અનન્ય પ્રેમભાવ. ગમે એવા મૂંઝાયેલા હોઈએ, એ ખભે હાથ મુકીને કહે:-

“આવ મહેતા, ચાલ ચા પીએ” ત્યારે મનને જે શાતા મળે એ તો જેમણે અનુભવી હોય એ જ સમજી શકે! હું તો ત્યારે ય એટલો નાદાન હતો કે મારી સાવ શીખાઉ કલમે લખાયેલી અને જેને કવિતા જ ન કહી શકાય એવી રચનાઓ પણ એમને વંચાવતો ત્યારે એમનાં ચહેરા પર અણગમાની એકપણ રેખા ન હોય, on the contrary, મને હસીને સૂચનો કરે કે જો આને આમ લખીએ ને તો સારું લાગે. તેં ...... કવિને વાંચ્યા છે? લે, આ બુક લઇ જા ને વાંચજે.” એક પેપરમાં મેં Foray from … લખ્યું હતું ત્યારે એમણે સમજાવ્યું કે foray into લખાય. ઉદાહરણો સાથે એટલે લખું છું કે આજે તેર વરસે પણ એ બધું મને તાદ્રશ થાય છે એ જ દર્શાવે છે કે મારા મનોજગત પર જોશી સર કેટલો મખમલી, શીતળ સ્પર્શ મૂકી ગયા છે!

વિદ્યાનગરમાં અમે સૌ મિત્રો મળતાં ત્યારે સૌથી વધુ mimicry પણ જોશી સરની જ કરતાં અને એ પણ પૂર્ણ આદરભાવ સાથે. જમણા હાથને કોણીથી વાળીને ડોક પર મુકીને બોલવાનો અંદાજ, સમજાવતા હોય ત્યારે ફેલાયેલા હાથ, અને ખાસ તો આપણે આપણું લખેલું કાંઇક વાંચતા હોઈએ ત્યારે આંખો બંધ કરીને ગાલ પર હાથ મુકીને ધ્યાનપૂર્વક સાંભળતા હોય એ દ્રશ્યો હજી નજરે તરે છે.

આજે મારું જે થોડુંઘણું લેખન કૌશલ્ય વિકસી શક્યું છે એમાં ખુબ મોટું પ્રદાન જોશી દાદાનું રહ્યું છે. એ કહેતા:- “આમાં શું છે, કે શબ્દો આવડવા જોઈએ, હેં!” એ એમ પણ કહેતા કે તમને કોઇપણ વાત કહેવી હોય તો બસ એક શબ્દ છે nice અથવા fine. આ ફિલ્મ કેવી લાગી? તો કે nice, એ માણસ તરીકે કેવા છે? Nice. આ વાનગી કેવી છે? Nice. તો ભાઈ, આમ તો કેમ ચાલશે? આ સાંભળ્યા પછી જ મેં vocabulary પર ખાસ ધ્યાન આપવાનું શરું કર્યું.

જયારે પણ મળીએ ત્યારે કોઈક સારું પુસ્તક વાંચતા હોય. એ social media માં ક્યાંય નહોતા, કદાચ હું ખોટો ન હોઉં તો smartphone પણ નહોતા રાખતાં તેમ છતાં દુનિયાના કોઈ web resource ન આપી શકે એવો ભંડાર એમની પાસે હતો. આ વાત ખાસ એટલે લખું છું કે મારા વિદ્યાર્થીઓ જે આ વાંચતા હોય તો એમને ખ્યાલ આવે કે વ્યક્તિ ઈન્ટરનેટ વગર પણ અભ્યાસુ બની શકે છે. ખાસ તો આ સંદીપ મહેશ્વરી generation ને મન પુસ્તક વાચનનું ખાસ મૂલ્ય રહ્યું હોય એવું લાગતું નથી ત્યારે આ વાત એક શિક્ષક તરીકે કહેવાની જરૂર લાગે છે.

વિદ્યાર્થીઓને પોતાના નામે libraryમાંથી અને અંગત સંગ્રહમાંથી અનેક પુસ્તકો આપતા અને ક્યારેય પરત મેળવવાનો ઈશારો પણ નહોતા કરતાં. આ તબક્કે એ યાદ આવે છે કે એકવાર અન્ય એક સાહેબે પોતાના ઘરે જે પુસ્તક હતું એના વિષે વાત થઇ તો મને ચોખ્ખું કહ્યું હતું:- “આ book મારી પાસે છે પણ હું તને આપીશ નહીં.” હશે ભાઈ...!! અને જોશી દાદાની books તો હજીય મારી personal library શોભાવે છે.

એક દોસ્તારે કાલે સરસ વાત કરી કે જોશી દાદા અજાતશત્રુ હતા, એમનાં વિષે ક્યારેય કોઈએ સહેજ પણ ઘસાતું કહ્યું હોય એવું મને યાદ નથી. એમનામાં કોઈ જાતિ, ધર્મ, લિંગ, પ્રદેશ કે અન્ય કોઈ પ્રકારના discrimination ક્યારેય શોધ્યા જડે એમ નહોતા. Simple Living and High Thinkingનું અણીશુદ્ધ ઉદાહરણ એટલે ડૉ. પીયુષ જોશી સર. International conference માં વક્તાઓ અને અભ્યાસુઓ સુટ-બુટમાં ફરતા હોય, સેલ્ફી લઈને પોસ્ટ કરતાં હોય ત્યારે આ માણસ સાદા શર્ટ-પેન્ટ, ચપ્પલમાં આવે પણ બોલવાનું શરુ કરે એટલે ભાષા-સાહિત્યના વિશ્વરૂપ દર્શનનો લ્હાવો મળે!

આટલું encyclopaedic knowledge હોવા છતાં એક છાંટોય અહંકાર નહીં. એમની વિનમ્રતા અને low profile personality જોઇને કોઈ અજાણ્યાને તો ખ્યાલ પણ ન આવે કે આ English Literature ની હરતીફરતી university છે. મારી કારકિર્દીમાં એમનાં જેવા જે કેટલાંક પ્રોફેસર્સ મળ્યાં એમને જોઇને જ હૃદયમાં એક સ્વપ્ન રોપાયું હતું કે હું MA (English) માં ભણાવું. જો કે, હાલ તો ડિપ્લોમા કક્ષાએ સાદો ભૂતકાળ ને સાદો વર્તમાનકાળ ભણાવું છું એ મારી નિયતિ છે પણ એ આખો અલગ વિષય છે.

આજકાલ એક બીમારી બહુ ફેલાઈ છે:- મોટીવેશનલ ટોક. મને ઘણી વાર વિદ્યાર્થીઓ પૂછે કે તમારી પાસે કોઈ મોટીવેશનની બુક છે? ત્યારે મને કહેવાનું મન થાય કે જરા આંખો ખોલીને આસપાસ જોવો તો ક્યાંક તમને એવી વ્યક્તિઓ મળશે જે પોતાના જીવન અને કર્મ દ્વારા શ્રેષ્ઠ મોટીવેશન આપતી હોય છે. Youtube માં YOU CAN DO IT ના બરાડા પાડ્યા વગર, views, likes, comments ના સરવાળા કર્યા વગર પણ પોતાના ક્ષેત્રમાં સર્વોત્તમ બની શકાય છે એ અત્યારની પેઢીને કોણ સમજાવશે?

અમારી જમાતમાં એવા શિક્ષકો પણ છે કે જેના કપાળ પર grade pay નું એક અદ્રશ્ય tattoo હોય અને એ smile પણ આપણા પર ઉપકાર કરતાં હોય એમ કરે, જમીનથી બે ફૂટ ઉપર ચાલતા હોય, સતત increment, LTC, DA ની જ ચર્ચામાં રત રહેતાં હોય.... એવા માહોલમાં જોશી સર જેવા શિક્ષકો વિષે વિચારીએ તો એમ થાય કે સુરજ કી ગરમી સે જલતે હુએ તન કો મિલ જાયે તરુવર કી છાયા...!!

જોશી દાદાને હું છેલ્લે બે વર્ષ પહેલા મળ્યો હતો ત્યારે ઘણું માર્ગદર્શન મળ્યું હતું. આજે સૌથી મોટો અફસોસ એ જ છે કે હું એકવાર એમને મળી લેવા માંગતો હતો એ ન થયું. જીવનકી આપાધાપી મેં કબ વક્ત મિલા... સાથે એમ પણ થયું કે આપણે જે આ પ્રકારના પોતપોતાના વડલાઓ હોય એમની શીતળ છાયા મળે એટલી માણી લેવી જોઈએ, પછી ક્યારેક આદિલ સાહેબ કહે છે એમ “એ હસતા ચહેરા, એ મીઠી નજર મળે ન મળે”. આનંદ બક્ષીના શબ્દો મનમાં પડઘાય છે:-

सुबहो आती है, रात जाती है

सुबहो आती है, रात जाती है यूँ ही

वक़्त चलता ही रहता है रुकता नहीं

एक पल में ये आगे निकल जाता है

आदमी ठीक से देख पाता नहीं

और परदे पे मंज़र बदल जाता है

एक बार चले जाते हैं जो दिन-रात, सुबहो-शाम

वो फिर नहीं आते...

આટલું લખ્યું તોય મારી લાગણી યોગ્ય રીતે અભિવ્યક્ત કરી શક્યો નથી એવું લાગ્યા કરે છે. જોશી દાદા, તમે સાચું જ કહેતા હતા કે “શબ્દો આવડવા જોઈએ...” આ જુઓ ને, મને તો હજીય શબ્દો આવડતા નથી! પ્લીઝ, પાછા આવો ને, ચા પીતા પીતા creative writing સમજાવવા માટે...!!!

જો કે, મને ખ્યાલ છે કે આ શક્ય નથી અને યોગ્ય પણ નથી. ક્યારેક સ્વાર્થને બાજુ પર મુકીને વિચારીએ તો એમ થાય કે આ દુઃખ અને દંભની દુનિયામાંથી જે જાય છે એ સુખી થઇ જાય છે.

તો બસ.... સરના સ્નેહાળ અને સુંદર આત્માને આખરી અલવિદા! આપ અમારી સ્મૃતિઓમાં સદૈવ જીવિત રહેશો. Rest in memories dear Sir!

9 comments:

  1. Joshi Sir was an outstanding personality, a personality who inspires us all.

    ReplyDelete
  2. સરના શબ્દોમાં કહીએ તો, શબ્દોની ઊણપ વતાઁય છે. પણ એમનાજ કહેલા શબ્દો આજે આત્મવિશ્વાસ દશાઁવે છે.
    સરસ શ્રદ્ધાંજલિ અપિઁ છે, મિત્ર. 🙏🏻🙏🏻

    ReplyDelete
  3. કાશ.. Time Machine હોત !
    પૂજ્ય જોષીદાદા અને આપણો દેવ..સાચે જ પરમ ને પામી ગ્યા ભાઈ..

    ReplyDelete
  4. Mane hji yaad che.. Sir kaheta, " Tame loko Sabdo thi gareeb cho... Sabdo nu gyan j agaty nu che.."

    ReplyDelete