Tuesday, October 6, 2020

દેવર્ષિ મહેતા - Death Be Not Proud!

 


(લખ્યા તા. 03-10-2016)

"સેકંડ કાંટો

ડગ ભરે સતત

મોત તરફ!"

- જય મહેતા

તમને કોઇ કહે કે "મને મારા એક આત્મીય સ્વજનના મૃત્યુથી ફાયદો થયો છે." તો તમને કેવું લાગે? માન્યામાં આવે? તમે વ્યક્તિને પાગલ કે વિકૃત ગણો? હા, આજે હું એવું કંઈક કહેવા માગું છું. સામાન્ય રીતે થાય એવું કે કોઇ પ્રિયજનને ગુમાવીએ ત્યારે એના આઘાતમાંથી બહાર નીકળતા ખૂબ વાર લાગે, એની યાદો રુંવેરુંવે ડંખે, એને ફરી પાછા લઇ આવવાની અતાર્કિક ઝંખના ઉધામા કરે પણ... જે કંઇ પીડા છે આપણી પોતાની હોય છે. આપણને વ્યક્તિની જરૂર હતી કે છે અને હવે ગુમાવવાથી આપણું આખું ભાવવિશ્વ હચમચી ગયું છે એટલે આપણે રડીએ છીએ. અધ્યાત્મ જેને મોહ કહે છે માનવસહજ, જીવસહજ બાબત છે પણ ઘા થોડાક રુઝાય અને આપણે સ્વસ્થચિત્તે વિચાર કરીએ તો સમજાય કે જીવન આપણને કંઈક કહેવા માગે છે ઘટનાથી.

અટલ બિહારી બાજપાઇજી યાદ આવ્યા:-

"જન્મ મરણ કા અવિરત ફેરા, જીવન બન્જારોં કા ડેરા

આજ યહાં કલ કહાં કૂચ હૈ, કૌન જાનતા કિધર સવેરા"

કોઇનું મૃત્યુ શું કામ થતું હશે? વિજ્ઞાન પાસે પોતાના જવાબ છે, અધ્યાત્મ એને અલગ રીતે સમજાવે છે પણ સામાન્ય માણસની સામાન્ય સમજણ શું કહે છે? જીવનમાં બનતી નાનામાં નાની ઘટના પણ કયારેય અકારણ નથી હોતી તો આપ્તજનનું મૃત્યુ તો ખળભળાવી મુકે તેવી ઘટના છે. જો એને નિયતિનો સંદેશ ગણીએ તો સમજાય કે કુદરત, ભગવાન, ડેસ્ટિની - જે કહો તે તમને આઘાત દ્વારા કંઇક સમજાવવા માગે છે. હું જાણું છું કે જે કારમી વેદના અનુભવતા હશે કે નજીકના ભૂતકાળમાં અનુભવી હશે એને વાંચીને મને ગાળો દેવાનુ મન થતું હશે. કોઇક તો એમ પણ કહેશે કે "તારે ઠીક છે ભાઇ! બોલવું સહેલું છે. તારા પર વીતે તો ખબર પડે કે આવું ડહાપણ કેમ સુઝે!" દોસ્તો, જે લોકોએ મારી જીંદગી જોઇ છે એમને ખબર છે કે 1986 થી 2016 સુધી લગભગ દર થોડાં વર્ષનાં અંતરાલે મેં કોઇ ને કોઇ પ્રિયજનને એક કે બીજી રીતે ગુમાવ્યા છે. ખૂબ તરફડ્યો છું, ખૂબ વલોવાયો છું ને વલોપાતમાંથી વિચારઅમૃત મળ્યું છે જેને English માં Blessing in Disguise કહેવાય છે.



03 ઓક્ટોબર 2014. ભાવનગર.

દેવર્ષિ મહેતા.

આજે રાત્રે કાળસર્પયોગ જેવી ક્ષણોને બે વર્ષ થઇ જશે. એનાં વિષે નથી લખવું. વિચારું છું તોય લખલખું પસાર થઇ જાય છે શરીરમાંથી; એનો ફોટો પણ જોઇ નથી શકતો. સતત ભાગતો ફરું છું વાસ્તવિકતાથી. નિયતિના સણસણતા તમાચાની તમ્મરથી થોડીક કળ વળી છે એટલે લખી શકું છું પણ આઘાતના પડઘા હજીયે શમ્યા નથી. દેવર્ષિ સાથેની મારી દોસ્તી, એની સાથેની મોજીલી મોમેન્ટ્સ અને . હેન્રીની વાર્તાના અણધાર્યા અંત જેવી આખરી ઘડીઓ વિષે અહીં અગાઉ લખી ચુક્યો છું.

કોઇ ઘસઘસાટ ઊંઘતું હોય અને અચાનક એના ગાલ પર થપ્પડ પડે ને ઝબકીને, હેબતાઈને, દિગ્મુઢ થઇને જોઇ રહે એવી મારી મનોદશા થઇ હતી. હનુમાનજી પ્રત્યેની અતૂટ, અખૂટ અને અગાધ શ્રદ્ધાને લીધે હું કુઠારાઘાત જીરવી તો ગયો પણ જેમ ધરતીકંપથી નદીનુ વહેણ બદલાઇ જાય એમ મારા વિચારપ્રવાહનુ વહેણ બદલાઇ ગયું. Hamlet ની જેમ વિચાર્યું:-

'To be or not to be that is the question

Whether it's nobler in the mind

To suffer the slings and arrows of outrageous fortune

Or to take arms against a sea of troubles."

મારા હોવાનું શું પ્રયોજન છે? કેવી રીતે જીવવું જોઇએ? નિષ્ઠુર પ્રકૃતિના આરપાર વીંધતા ભાલાઓ ખમી ખાવા કે જીવનની વિષમતા, વિટંબણા અને વિભિષિકા સામે શસ્ત્રો ઊઠાવીને લડી લેવું? શું કામ બન્યું? મારું જો આવું થાય તો?

હા, વિચારની વાત અહીં કરવી છે. કોઇ સ્મશાનવૈરાગ્યની કે 'બ્રહ્મ સત્ય જગત મિથ્યા' વાળી વાત નથી. જીવનનું અફર સત્ય છે મૃત્યુ. ઓશો સમજાવે છે કે જીવનમાં સતત Binary Oppositions જોવા મળે છે - દિવસ અને રાત, સુખ અને દુ:, ઇષ્ટ અને અનિષ્ટ વગેરે. કોઇ એકને છોડીને બીજાને સ્વીકારી શકાતા નથી. જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે તો મારું પણ હશે ને! કયારે? કયાં? કેવી રીતે? અગત્યનું નથી. સૌથી મહત્વનો સવાલ છે કે ત્યાં સુધીમાં હું કેવું જીવ્યો હોઇશ? "બાબુમોશાઇ, ઝિંદગી બડી હોની ચાહિએ, લંબી નહીં!"

મારો દરેક શ્વાસ મૃત્યુની દિશામાં મંડાયેલ કદમ લાગે છે. શરૂઆતમાં જે હાઇકુ લખ્યું પ્રમાણે હ્રદયનાં ધબકારા, સેકંડ કાંટાનુ ટક-ટક ટાઇમ-બોમ્બના કાઉન્ટડાઉન જેવું લાગે છે. મૃત્યુના ભયને લીધે વિચાર આવે છે એવુ પણ નથી; જીવનની સાર્થકતા બાબતે કંઈક કરવાનું છે એવુ સતત થયા કરે છે. મારું સદભાગ્ય છે કે શિક્ષક હોવાને નાતે અગણિત વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાની અને ખુશીઓ રેલાવવાની તક મને મળે છે. શું હું કરી શક્યો છું? કરી શકીશ? એક માણસ કેટકેટલાં રોલ નિભાવતો હોય છે! પુત્ર, ભાઈ, પતિ, પડોશી, કુટુંબીજન, દેશનો નાગરિક...... બસ, બધાં રોલને બખૂબી નિભાવી લેવા છે - સ્ટેજ છોડતા પહેલા!



જો કે, વિચારો તો કોઇનાં પણ મૃત્યુના સંદર્ભે એટલાં પ્રાસંગિક લાગે. તો પછી દેવર્ષિની વિદાય વિષે કેમ આવુ વિચારું છુ?

કારણ કે એણે આખરી અલવિદા કીધી પછી ઓનલાઇન અને રુબરુ લોકોએ જે ખાલીપો દેખાડ્યો અને જે આંસુઓ વહાવ્યા બતાવે છે કે તે કેટલું ચિક્કાર જીવ્યો હતો, સંબંધોમાં કેટલો ધોધમાર વરસ્યો હતો! બાકી આજની 4G લાઇફમાં લોકો ફક્ત RIP લખીને છૂટી જતાં હોય છે ત્યારે એના માટે લોકોએ આટલો ઝુરાપો વ્યક્ત કર્યો મને ઘણું શીખવી જાય છે.

તો, શરુઆતમાં જે ફાયદાની વાત કરી હતી હવે આવે છે. એક વાક્યમાં કહું તો દેવલાએ મને જીંદગી જીવતાં શીખવ્યું - મર્યા પછી! હતો ત્યારે ક્યારેય આવું જ્ઞાન નહોતો આપતો - બસ મોજ કરતો ને કરાવતો. બાળકની જેમ મુક્તમને હસતો, મને ખીજવતો, ગીતો ગાતો, ઓશોને વાંચીને "ઓહ એય જયલા, બાવો હું કયેસ જો સાંભળ!" કહેતો, સતત સાંભળવાનું ગમે એવું મસ્ત English બોલતો...... (યાદોં કી બૌછારોં સે જબ પલકેં ભીગને લગતી હૈં...!)

દેવર્ષિ મહેતા કોઇ મહાન માણસ નહોતો પણ મસ્તમૌલા માણસ હતો. ઇતિહાસ નોંધ લે એવી કોઇ સિદ્ધિ એણે હાંસલ કરી નહોતી પણ એણે લોકોને ખુશ રાખવાની કળામાં મહારથ હાંસલ કર્યુ હતું. સાહિત્ય અને અધ્યાત્મની યાત્રા અમે સાથે કરતાં હતાં અને એનું સ્ટેશન આવ્યું ને ઉતરી ગયો, અને મને શીખવતો ગયો કે:-

"આગે ભી જાને ના તુ, પીછે ભી જાને ના તુ

જો ભી હૈ, બસ યહી ઇક પલ હૈ."

હું એના જેવો થવાની કોશિશ નથી કરતો - કોઇ કોઇનાં જેવું કયારેય થઇ શકે પણ વ્યક્તિનાં આત્માના સૌંદર્ય ને સમજીને આપણે આપણા આત્માને નિખારવાનો પ્રયત્ન તો કરી શકીએ ને! મારા દરેક creative writing માં હું એને યાદ કરું છું કારણકે મારી પહેલી કવિતા વાંચીને એણે મને શાબાશી આપી હતી. એની પાસેથી હું ઘણું શીખ્યો છું એની વાત પછી કયારેક પણ સાહિત્ય અને અધ્યાત્મ - બે ક્ષેત્રે સતત આગળ વધતા રહેવું અને પોતાની આસપાસનાં લોકોને ખુશ રાખવા, ઉપયોગી થતા રહેવું બે બાબતો હું શીખ્યો એના જીવનમાંથી - એના મૃત્યુ પછી; અને ફાયદો થયો મને એના જવાનો. જો હયાત હોત તો હું આટલું વિચારતો થયો હોત. એનો અર્થ એવો બિલકુલ નથી કે હું બહુ સારો માણસ છું. મારા સ્વભાવની ખામીઓ મારાં નજીકનાં લોકોએ વેઠી છે. મારો તરંગી સ્વભાવ, ભૂલકણાપણુ, બેદરકારી વગેરે. મારી સજાવેલા છરી જેવી જીભથી અનેક hurt થયાં હશે, મારા ગુસ્સાની ઝાળથી વ્હાલા દાઝ્યા છે પણ તેમ છતાં લગભગ રોજ વિચાર આવે છે:-

"કિસી કી મુસ્કુરાહટોં પે હો નિસાર

કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર

કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર

જીના ઇસી કા નામ હૈ!"

સુપરવાઇઝર પાસે સપ્લીમેન્ટરી માગવી પડે એટલું લખ્યું તોય ખૂબ બધું અવ્યક્ત રહી ગયું હોય એમ લાગે છે. અવ્યક્ત, અધૂરું, અધકચરું એટલે કોઇના અભાવમાં જીવાતુ જીવન.

"કોઇ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઇ દોરાનું તૂટવું લાવ્યા

કોઇ અંગત, ફાડી ખાનારું એકાંત લઇને આવ્યા છે!"

- .પા.

(દેવર્ષિ વિષે વિચારતા, એનો ફોટો -પ્રોફાઇલ-પોસ્ટ જોતા આંખોમાં ધસી આવેલાં આંસુઓને શિરા અને ધમની મારફત આંગળીઓ તરફ વાળીને કાગળ ઉપર ઊતારવાનો પ્રયાસ કર્યો છે ને જે લખ્યું તે અક્ષરશ: અહીં મુક્યુ છે એટલે પોસ્ટમાં કયાંય કોઇ કચાશ, કમી, અધૂરપ લાગે તો માફ કરજો. આખરે, જીંદગી એક અધૂરપ છે કે બીજું કાંઇ?)

- ©  જય મહેતા

 

Tuesday, September 29, 2020

મારા જીવનના સૌપ્રથમ શબ્દગુરુ શ્રી કિશોરભાઇ મહેતા

 

(લખ્યા તા. 25-09-2020)


પરમેશ્વર તો પહેલું પુછશે, કોઈનું સુખદુ:ખ પુછ્યુંતું?

દર્દભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછયુંતું?

ગેંગેફેંફે કરતાં કહેશો, હેંહેંહેં શુંશુંશું?”

                            -    મીનપિયાસી

1990ના દાયકાની વાત છે. મે મહિનાના ધોમધખતા ઉનાળાની એક ઢળતી સાંજ છે. વર્ગમાં છેલ્લી બેન્ચે સૂનમૂન બેસી રહેલ વિદ્યાર્થિની જેમ સૌરાષ્ટ્રના ખૂણે આવેલ અમરેલીના મણિનગર વિસ્તારમાં એક ઓપન જેલ છે જ્યાં કેદીઓને બંધ કોટડીમાં પૂરી રાખવાને બદલે ખેતી, પશુપાલન વગેરે પ્રવૃત્તિઓમાં જોડવામાં આવતાં હોય છે. એ જેલની દીવાલને અડોઅડ એક સોસાયટીની સળંગ 7-8 મકાનોની હરોળ અને એની સામે બાળકો રમી શકે એવી થોડી ખુલ્લી જગ્યા.

એવી જ એક સાંજે ત્યાં રમતાં બાળકોમાંથી એક ટાબરિયો દૂરથી આવતી વ્યક્તિને જુએ છે. શાંતિના પ્રતિક સમા શ્વેત ઝભ્ભા-લેંઘાના સાદા પરિધાનમાં, ઉંમરની સફેદી વટાવી ચૂકેલ ઊંચા બાંધાના એ સજ્જન જમણો હાથ છાતી પર રાખીને ચાલ્યા આવે છે. છોકરો એમને જોઈને બેટ મૂકીને દોડે છે એ હરોળના છેલ્લા મકાનમાં, અને ઉત્સાહથી છડી પોકારે છે:- “બાપુજી આવ્યા.”

હવે પ્રશ્ન એ થાય કે જે ઉંમરે ક્રિકેટની બેટિંગ ત્યાગવાનું કોઈ હિસાબે પોસાય નહીં ત્યારે એ છોકરો રમત પડતી મૂકીને કેમ વડીલોની વાતો સાંભળવા દોડી ગયો?

જવાબ:- જો એ સમયે એ છોકરો ત્યાં બાપુજીની વાતો સાંભળવા બેસતો ન હોત તો આજે આ છોકરો આ લખાણ લખતો ન હોત. જી હા, મારે વાત કરવી છે મારા બાપુજી એટલે કે પપ્પાના મોટાભાઇ કિશોરભાઇ મહેતા વિષે. ઉપરોક્ત દ્રશ્યમાં છેલ્લું મકાન એટલે મારા ફઇ રમાબેનનું ઘર જે આજેય એમનાં આખરી વર્ષોની એકાકી સ્મૃતિઓ સાચવીને બેઠું છે. ત્યાં અમે વેકેશનમાં જતાં અને બાપુજી મળવા આવતા ત્યારે દુનિયાભરની વાતો થતી. પારિવારિક બાબતોથી માંડીને ગાંધીજી, વિનોબા ભાવે, રામકૃષ્ણ પરમહંસ, સાહિત્ય, સંગીત વગેરે વિષયો ચર્ચાતા અને અહીંથી મારી સાહિત્યની દિક્ષા થઈ.

“તમારો આદર્શ/ રોલ-મોડેલ કોણ?” એવો પ્રશ્ન મને પુછવામાં આવે તો અત્યાર સુધી મારી પાસે એનો જવાબ નહોતો. ફિલ્મજગત, સ્પોર્ટ્સ કે જાહેર જીવનમાં અનેક સેલિબ્રિટિ મારા પ્રિય રહ્યાં છે પણ એમાંથી કોઈ રોલ-મોડેલ ન કહી શકાય પણ આજે થોડું ઊંડાણપૂર્વક વિચારતા જવાબ મળે છે કે મારી પાસે એક એવી વ્યક્તિ છે જેને જોઈને એની જેમ જીવવાનું મન હંમેશા થતું આવ્યું છે અને બાળક જેમ મા-બાપની નકલ કરે એમ મેં એમના જેવા થવાના પ્રયત્નો કરેલા છે.



અમરેલીમાં રહેનાર કે રહી ચૂકેલ અને ભાષા-સાહિત્ય, શિક્ષણ સાથે સંકળાયેલ કોઈ જણ એવું ન જડે કે જે કિશોરભાઈ મહેતાના નામથી પરીચિત ન હોય. એમનાં વિદ્યાર્થીઓ, સહકર્મીઓ, ઉદ્યોગજગતના લોકો, કાર્યકરો, અન્ય પરિવારજનો વગેરે એમની પ્રતિભા વિષે વધુ સારી રીતે કહી શકે પણ મારે આ વિરાટ પ્રતિભાના એક નાનકડા હિસ્સાની વાત કરવી છે. જેમ બુદ્ધના મંદિરમાં ભવ્ય પ્રતિમાની સામે કોઈ બાળક પોતાની હથેળીમાં એનાં નાનકડા બુદ્ધને લઈને આવે એમ, નિયતિએ મારા ભાગના જે બાપુજી આપ્યા છે એની મારે વાત કરવી છે.

સમાજમાં કેટલાંક લોકો એવાં હોય છે કે જે કેવળ આપવા માટે જ જન્મ્યા હોય છે. આપણે એમની પાસે જાણે ભવોભવનું લેણું નીકળતું હોય એમ એ સમાજને જીવનભર આપ્યા જ કરે છે. બાપુજીએ એમના જીવનકાળ દરમ્યાન અગણિત વ્યક્તિઓના જીવનને શિક્ષણ, જ્ઞાન, માર્ગદર્શન, પ્રોત્સાહન, આર્થિક સહાય, કારકિર્દીની તકો એમ અનેક રૂપે ઉજાળ્યા છે, એમાં જય નામનું એક કોડિયું પણ શામેલ જેમાં એમણે તેલ પુર્યું એની વાત કરવી છે. તમે વિચાર કરો કે ભાવનગરમાં ધો.09 માં ભણતા એક છોકરાને અમરેલીની કોઈ શાળામાં થતાં કાર્યક્રમ વિષે જાણવાની શું જરૂર હોય? અમરેલીમાં એ શ્રી ભદ્રાયુભાઈ, ડો.શરીફાબેન, શાહબુદ્દીન રાઠોડ સાહેબ કે ડો. વસંતભાઇ પરીખ જેવાં સારસ્વતોને વક્તવ્ય આપવા બોલાવે એની આમંત્રણ પત્રિકા મને મોકલે. એટલું જ નહીં, ટપાલમાં એ કાર્યક્રમ વિષે વાતો પણ કરે. ઉમાશંકરથી અનિલ જોશી અને મુનશીથી મહેન્દ્ર મેઘાણી સુધીના સર્જકોનો પરિચય મને આ રીતે થયેલો અને સાથેસાથે સાહિત્ય પ્રત્યે રસરૂચિ પણ કેળવાતા ગયા. બાપુજીએ મને વિંસેંટ વાન ગોગની જીવનકથાનો અનુવાદ સળગતા સૂરજમુખી ની ઝેરોક્સ કરાવીને મોકલી હતી એ મને હજી યાદ છે. ટીનએજમાં થાય એમ ઉત્સાહના ઉભરા આવતાં અને દેશભક્તિનો આફરો ચડતો એમાં એકવાર હું સ્વદેશીની જિદે ચડ્યો હતો. (જિદ્દી તો હું પહેલેથી જ ખરો!) ઘરમાં સાબુથી લઈને સઘળી વસ્તુઓ સ્વદેશી જ હોવી જોઈએ એ મુદ્દે મેં ઘરમાં ઉત્પાત મચાવ્યો. આખરે પપ્પાએ બાપુજીને વાત કરી અને એમણે મને ટપાલ-ફોનમાં સમજાવ્યું કે સ્વદેશીનો આગ્રહ સારો પણ દુરાગ્રહ નહીં સારો અને એમ એક ટીનએજરને અર્થતંત્ર, વ્યાપારજગત વગેરેની પ્રાથમિક સમજણ આપી. મને આવા કોઈપણ તરંગો ઉપડે અને હું કોઈનાથીય હેન્ડલ ન થાઉં ત્યારે આખરી ઉપાય તરીકે બાપુજીની મદદ લેવામાં આવે કેમ કે ઘરમાં સૌ સમજતાં કે હું એમનો શબ્દ ક્યારેય ઉથાપી ન શકું. મારી અને મારા વિષેની ઘણી ફરિયાદો એમણે સાંભળી છે.



“જીવનમાં સાચી વીરતા આઘાતો સહન કરવામાં છે અને આઘાત સહન કરવાની ક્ષમતા સાહિત્યમાંથી સાંપડે છે.”

એમનાં આ શબ્દો એ મારું ધ્રુવવાક્ય બની રહ્યું. રૂપાયતન સંસ્થામાં બાળકો માટેની એક તાલીમ શિબિરમાં ભાગ લીધો ત્યારે માત્ર એક જ વાર એમનાં વર્ગમાં બેસવાનું થયું અને મને થયું કે આ સાહેબનાં વિદ્યાર્થીઓ કેવાં સત્કર્મો લઈને આવ્યાં હશે! એ રૂપાયતનનો અંક ઋત્વિજ મને મોકલ્યો હતો અને મેં સહજપણે તેનો પ્રતિભાવ લખી મોકલ્યો હતો. થોડા સમય પછી એક બીજું પુસ્તક મળ્યું જેમાં ઋત્વિજ વિશેના પ્રતિભાવો એ શીર્ષક હેઠળ મોટાં મોટાં નામોની વચ્ચે જય મહેતા, ધો. 09, ભાવનગર એવું વંચાતું હતું. એ મારા જીવનનું પ્રથમ પ્રકાશિત લખાણ.

સમગ્ર અસ્તિત્વ પરમાત્માનું રૂપાયતન છે.” એ વાક્યનો અર્થ હું એમને પૂછું અને એ સમજાવે, રસ્તે ચાલતા ક્યાંક કોઈ ઘરનું નામ વાંચું– સુશ્રુત અને એનો અર્થ પૂછતાં એ સમજાવે, વિનોબા ભાવેની પ્રવૃત્તિઓ વિષે, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનના ઇતિહાસ વિષે, જયંત ખત્રી – ચેખોવની વાર્તાઓ વિષે, શેક્સ્પીયરના નાટકો વિષે (Hamlet નો સંવાદ:- What do you read my Lord? Words, Words, Words! સૌથી પહેલા એમની પાસેથી સાંભળ્યો હતો) .... કેટકેટલું મેં એમની પાસેથી જાણ્યું છે! મારા પપ્પા અને બાપુજી – આ બે વ્યક્તિઓએ મને સાહિત્યમાં રસ લેતો કર્યો, પુસ્તકો વાંચતો કર્યો અને જો એ ન થયું હોત તો હું આજે શું હોત એ કલ્પના પણ ડરાવી મૂકે છે!

આ બધુ તો બરાબર, પણ એમનાં સદ્દગુણોની સુગંધ જે આજેય મારા મનને મહેકાવે છે એની વાત કર્યા વિના નહીં ચાલે. આપણે ફોન કરીએ અને સામેથી હા  જી’, કે હા ભાઈ જેવા શબ્દો સંભળાય ત્યારે ધોમધખતા તાપમાનથી એરકન્ડિશન્ડ રૂમમાં પ્રવેશ્યા હોઈએ એવું લાગે. એમની વાણીમાં હિમાલયની શીતળતા છે તો નિર્ણયોમાં પહાડની અડગતા છે. એ આબાલવૃદ્ધ સૌને પોતાના લાગે એવા છે, અજાતશત્રુ છે, ઘર પર આવતી મુસીબતો સામે અડગ, અભેદ્ય દિવાલ છે. દરેક રોલમાં એમણે પોતાનું 200% સમર્પણ ઠાલવ્યું છે અને ખાસ તો મારા પપ્પાના ઝંઝાવાતી જીવનમાં એમણે જે છત્ર પૂરું પાડ્યું છે એ શબ્દાતીત છે.

मुस्काता ये चेहरा, देता है जो पहरा

जाने छुपाता क्या दिल का समंदर

औरों को तो हरदम साया देता है

वो धूप में है खड़ा खुद मगर

સૌથી મહત્વની બાબત – કોઈપણ સંબંધમાં એમણે આપેલ space/સ્વતંત્રતા. મેં એમને ક્યારેય કોઈના માટે possessive થતાં જોયા નથી. અરે, એમનાં વિચારોથી વિપરીત વિચારતા હોઈએ કે વર્તતા હોઈએ તોપણ નહીં. એ અર્થમાં એ યથેચ્છસી તથા કુરુ ના માણસ છે. કોલેજકાળમાં તો મને એમનું ઘર Utopia લાગતું. કરોડોનો વહીવટ કરતાં ઉદ્યોગપતિઓથી માંડીને રિક્ષાવાળા સુધીના સૌની સંવેદનાને સમજવાની અને સ્વીકારવાની વિશાળતા એમની પાસેથી શીખવા મળે છે. ભાવનગરમાં એકવાર મેં એક રિક્ષાવાળા સાથે bargain કર્યું ત્યારના એમના શબ્દો:-

“ભાઈ, આ લોકો સાથે બહુ રકઝક ન કરવી. એમને ગુજરાન ચલાવવામાં પણ તકલીફ પડતી હોય છે.”

આ છે સાહિત્યની સંવેદના! આ લોકડાઉનમાં આ વાત કેટલી પ્રાસંગિક લાગે! જો કે, એમની આ માનવતાનો દુરુપયોગ પણ થયો છે પણ એ તો... કોઈ આંબાને પત્થર મારે તો એ કંઇ કેરીઓ આપવાનું બંધ તો ન કરી દે ને! કદાચ આ સંવેદના જ છે કે અસંખ્ય લોકોએ પોતાના કૌટુંબિક પ્રશ્નોમાં આ ઋજુહ્રદયી વિદ્યાપુરુષની સલાહ પ્રમાણે માર્ગ કાઢ્યો હોય.

આપણે ત્યાં એક ગેરમાન્યતા છે કે સાહિત્યના માણસને જાહેરજીવન કે વહીવટમાં કંઇ ગતાગમ ન પડે. મારા જેવા લુચ્ચા પ્રાણીઓએ આ છટકબારીનો ઉપયોગ પણ કર્યો છે પરંતુ બાપુજીને સાહિત્યના વિશાળ જ્ઞાનની સાથે વહીવટી કુશળતા અને કોઠાસૂઝ પણ પ્રાપ્ત થઈ હોવાને લીધે અનેક સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ કે ઉદ્યોગગૃહોના માર્ગદર્શક તરીકે તેમણે સેવાઓ આપી છે અને એ બધાને જટિલ પ્રશ્નોનાં નિરાકરણ સુધી પહોંચાડયા છે.


આજે જ્યારે રોટી, કપડાં, મકાનની સાથે social media માં likes અને views માણસની પ્રાથમિક જરૂરિયાત બની ચૂક્યાં છે ત્યારે આપણે એ પ્રજ્ઞાપુરુષ વિષે વાત કરી રહ્યાં છીએ જેમણે ક્યારેય, અજ્ઞાતમનના કોઈ અગાધ ખૂણેય પ્રસિદ્ધિની લાલસા રાખી નથી. જો એમણે ધાર્યું હોત તો અખબારો, પુસ્તકોમાં લખીને અઢળક ધન, યશ, અને નામ કમાયા હોત પણ એમણે તો સેવા અને શિક્ષણની ધૂણી ધખાવી છે.

શિક્ષકોની બીબાંઢાળ તાલીમોમાં સંસ્કાર સિંચન’, મૂલ્યનિષ્ઠ કેળવણી જેવાં શબ્દો યંત્રવત ફંગોળાતા હોય છે ત્યારે મારા-તમારા જીવનમાં આવી હસ્તીઓ આપણને ખબરેય ન પડે એમ સંસ્કારો શીખવી દેતી હોય છે. મરીઝ સાહેબ લખી ગયા છે:-

“દુનિયામાં કંઈકનો હું કરજદાર છું મરીઝ;

ચૂકવું બધાનું દેણ, જો અલ્લાહ ઉધાર દે!”

હવે એમને કેમ સમજાવવું કે અમુક દેણ તો આ જન્મારે ચૂકવાય એમ જ હોતાં નથી, અથવા તો કદાચ એને અલગ રીતે ચુકવવાના હોય છે. જેમ વાદળનું પાણી વરસીને નદી સાથે વહે, સમુદ્રમાં ભળે, ત્યાંથી ફરી પાછું વરાળ બની વાદળ બંધાય એમ જીવનચક્રમાં આપણને આપણાં પૂર્વસુરીઓ પાસેથી જે મળ્યું છે એ આપણી આસપાસના લોકોને અને આગામી પેઢીને યથાતથ પહોંચાડવું એ આપણું કર્તવ્ય બને છે. એ દિશામાં baby steps લઈ રહ્યો છું (આ લખાણ પણ એવો જ એક પ્રયત્ન સમજવો) પણ હજી તો ઘણું કરવાનું બાકી છે. Miles to go before I sleep!

                                -  ©   ડો. જય મહેતા

Tuesday, September 22, 2020

Nude Poems: આત્માનું નગ્ન સૌંદર્ય


પુસ્તક:- Nude Poems

લેખક:- વિશાલ ભારદ્વાજ

અનુવાદ:- સુક્રીતા પૉલ કુમાર

પ્રકાશક:- HarperCollins Publishers India

વર્ષ:- 2020

Reunion

"जिस्म जला लकड़ी पे उसका

नाम ज़बां में दफ़्न हुआ

चेहरा बुझकर ख़ाक़ हुआ

बाज़ू -टाँगे राख हुई

लम्बा चौड़ा भाई मेरा

अब कपडे की छोटी सी

थैली में भर आया था

जिसे नदी में उंडेल दिया

उसी नदी के घाट किनारे

बैठ के सोचता हूँ अक्सर

इक दिन इस में बहकर मैं

उससे मिलने जाऊंगा"

આહા! કેટલી સુંદર કવિતા લખી છે વિશાલ ભારદ્વાજે! શું કીધું? વિશાલ ભારદ્વાજે લખેલી કવિતા? અરે ભાઈ, કોઈ ગેરસમજ થઈ લાગે છે. વિશાલ ભારદ્વાજ તો ફિલ્મ્સ બનાવે છે, મ્યુઝિક તૈયાર કરે છે. એ વળી કવિતા ક્યારથી લખતા થઈ ગયા?

એમના કહેવા પ્રમાણે છેલ્લા ત્રીસેક વર્ષથી – અંગ્રેજીમાં જેને closet poet કહેવાય છે એવું.

મકડી’, સાત ખૂન માફ’, કમીને’, વગેરે જેવી ફિલ્મ્સ બનાવનાર અને શેક્સ્પીયરના ટ્રેજિક ડ્રામાને ઓમકારા’, મકબૂલ’, અને હૈદર જેવી અદ્ભુત ફિલ્મ્સ દ્વારા સિનેમાના પરદે રજૂ કરનાર વિશાલ ભારદ્વાજનો પહેલો કાવ્યસંગ્રહ એટલે Nude Poems. કેટલાંકને આ નામ અજીબ લાગ્યું હશે પણ અહીં આત્માની અસલિયતને ઉઘાડી પડતી કવિતાઓની વાત છે. It’s all about the nudity of human emotions. એક ઇન્ટરવ્યુમાં તેઓ કહે છે: -આમ તો એ સંગ્રહનું નામ ‘Naked Poems’ રાખવા માગતાં હતાં પણ એમનાં ગુરુ અને પિતાતુલ્ય મિત્ર એવા ગુલઝાર સાહેબે મીઠો ઠપકો આપતાં કહ્યું:- “તારી ફીલ્મોના નામ પણ કમીને જેવા રાખે છો અને હવે કાવ્યસંગ્રહનું નામ પણ Naked રાખવું છે! એનાં કરતાં Nude બરાબર રહેશે. Nude તો કળાનો એક પ્રકાર છે.


(Semi Abstract Painting by Chaula Doshi)

વિશાલ ભારદ્વાજના શબ્દોમાં કહીએ તો:-

गौर से देखो nude painting को

कितनी पाकीज़गी झलकती है!

Beauty lies in the eyes of the beholder. સુંદરતા જોનારની દ્રષ્ટિમાં હોય છે. ખજુરાહોના શિલ્પોમાં નગ્નતા હોવાં છતાં એ કુરૂપ લાગતું નથી. ચૌલા દોશીના ચિત્રો કે ગૌરાંગ આનંદની ફોટોગ્રાફીમાં માનવદેહનું જે નિષ્કલંક સૌંદર્ય ઝીલાય છે એને વિશાલ ભારદ્વાજ શબ્દદેહ આપે છે. આપણાં દંભકેંદ્રી સમાજમાં શરીરની નગ્નતા તો હોબાળો મચાવી જાય છે પણ માણસ નિયતથી નગ્ન હોય એને કોઈ વાંધો આવતો નથી. આ જ શાયરની એક ગઝલ જોઈએ:-

आँखों में दिल के मनसूबे नंगे हैं

सब अपने कपड़ों के नीचे नंगे हैं

पांच सितारा होटल के चौराहे पर

कितने सारे बच्चे भूखे-नंगे हैं

चिथड़ों में छुपते अधनंगो से बढ़कर

हम कपड़ों में छुपनेवाले नंगे हैं

सच्चाई दिखलाते हैं वो परदे पर

सब कहते हैं फिल्मोंवाले नंगे हैं

5-સ્ટાર હોટેલની સામે, ચીંથરેહાલ જીવતા લોકો ને એમનાં ભૂખ્યા બાળકો..... આ તબક્કે હિતેન આનંદપરાની પંક્તિ યાદ આવે જ ને!

“આ ફૂટપાથે બાળક ભૂખ્યા પેટે આંસુ પીવે ઉના શ્વાસે

ને સામેની ફૂટપાથ ઉપર હોટલ આલીશાન મળે ને,

ત્યારે સાલું લાગી આવે!”

પરદા પર સચ્ચાઇ દેખાડનારા ફિલ્મવાળાઓને બેશરમ કહેવામા આવે છે પણ આજના માહોલમાં એ વિષે કઈ ન કહીએ એ જ યોગ્ય રહેશે. આ સંગ્રહમાં 25 ગઝલો અને 25 નઝમો છે જેમાંથી પસાર થવાનો લ્હાવો લેવા જેવો છે. (જો કે, બધી કવિતાઓ કંઈ અદ્ભુત નથી.)  તેની પ્રસ્તાવના ગુલઝાર સાહેબે લખી છે. એક ઇન્ટરવ્યુમાં પ્રકાશકે કહેલું કે ગુલઝાર સાહેબની વિનંતી હતી કે સરપ્રાઈઝ માટે એમની લખેલી પ્રસ્તાવના વિશાલ ભારદ્વાજથી છુપાવી રાખવામા આવે, અને વિશાલની વિનંતી હતી કે એમણે એમની પત્ની રેખા (જે પોતે ખૂબ સારી ગાયિકા છે) અને પુત્ર આસમાનને આ પુસ્તક સમર્પિત કર્યું છે એ લખાણ એમનાથી છુપાવવામાં આવે. આટઆટલું છુપાવવાનું અને નામ NUDE POEMS!



જ્યારે ગુલઝાર સાહેબ જેવી પ્રતિભા એમ કહે કે ક્યારેક હું મારી ગઝલો ના શેર વિશાલ પાસે ચેક કરાવું છું” તો એ કેટલી મોટી વાત છે! વિશાલની રચનાઓ ઉપર ગુલઝાર ઉપરાંત ડો. બશીર બદ્રની રચનાઓનો પ્રભાવ સ્પષ્ટ જોઇ શકાય છે. એ પોતે નિખાલસ કબૂલાત કરે છે કે એમની રચનાઓ ગુલઝાર સાહેબની કૃતિઓની કાર્બન કોપી જેવી લાગે છે.

હવે આ કલ્પન જુઓ:-

दो जुड़वा आँखे

जिनके चलते-रुकते धारे

जंगल की पगडण्डी जैसे

गालों पे ये सूखे आंसू

ફિલ્મ બંટી ઔર બબલી ના ગીત કજરારે કજરારે ની આ પંક્તિ યાદ આવે:-

आँखे भी कमाल करती हैं

personal से सवाल करती हैं

पलकों को उठाती ही नहीं

पर्दे का खयाल करती हैं

અથવા તો આ:-

मेरी हथेली पे उसने चाँद बोया था

હવે આ ચાંદના કલ્પનને તો ગુલઝાર સાહેબે ગીતોમાં અને કવિતાઓમાં જે અદ્ભુત રીતે રમાડયું છે એ કહેવાની જરૂર ખરી? તેનાં વિષે તો અલગથી એક લેખ લખ્યો છે.

તો વિશાલત્વ ની ઝલક મળે એવું શું લખ્યું છે એમણે?

જવાબ:- એમનું diction. તેમાં અત્યારની પેઢીની બોલચાલની ભાષાનો ઉપયોગ જોવા મળે છે. આપણે હવે બહુ સહજપણે ગુજરાતી વાકયોમાં અંગ્રેજી શબ્દો મૂકતાં હોઈએ છીએ. આ જુઓ:-

Bedroom की ceiling पे घुन-घुन करती

Tubelight की मातमी रौशनी के नीचे

कीड़े के तआक्कुब में चिपकी एक छिपकली

આમ, આ સંગ્રહની રચનાઓમાં હિન્દી, ઉર્દુ અને અંગ્રેજી એમ ત્રણ ભાષાઓનો સંગમ જોવા મળે છે. (तआक्कुब  જેવા શબ્દો ન સમજાય તો દરેક કૃતિની સામેનાં પાને સુક્રીતા પૉલ કુમાર દ્વારા કરાયેલ અનુવાદ પણ આપેલાં છે પણ એ અનુવાદના પાસાની ચર્ચા અહીં સભાનપણે ટાળી રહ્યો છું.)

વધુ એક ઉદાહરણ જોઈએ:-

वो बात करते करते  ही खामोश हो गया

मुझको लगा की network टूटने लगा

હવે આ Network શબ્દનું ભાષાંતર થાય નહીં, ને થાય તોય એ કરાય પણ નહીં. Network, Text, charger, Sim-Card જેવા શબ્દોને એમનેમ રાખીએ તો જ સારું. કવિતામાં આવા આધુનિક જીવનશૈલીના પ્રતીકો તાજગીસભર લાગે છે.

આ સંગ્રહની રચનાઓના વિષયોમાં પ્રેમ, પીડા, જીવન, મૃત્યુ, પ્રાકૃતિક સૌંદર્ય વગેરે તો છે જ પણ સાંપ્રત સમસ્યાઓનો પડઘો ઝીલાયો છે. ખરેખર તો એક લેખક પોતાની સામાજિક નિસ્બત અંગે પોતાની અભિવ્યક્તિ ન કરે ત્યાં સુધી એનું કર્મ અધૂરું ગણાવું જોઈએ.

भीड़ ने जिसको ज़िंदा भून दिया उसके

घर में गाय का मांस था ऐसा कहते हैं

કવિતા એ જીવનના ઉઝરડાઓનું શબ્દમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા છે એવું કહીએ તો ખોટું નથી. એ ઉઝરડા કોઈ સંબંધની દેન હોય કે પછી કોઈ સામાજિક ઘટનાનું પરિણામ પણ હોઈ શકે. એક ઇન્ટરવ્યુમાં વિશાલ ભારદ્વાજે કહેલું કે 1985 માં મેરઠમાં જ્યારે તેમનો પરિવાર ભાડે રહેતો હતો ત્યારે એક દિવસ એમણે સવારે ક્રિકેટની પ્રેક્ટિસ પતાવીને ઘરે આવીને જોયું તો મકાનમાલિકે (મામલો કોર્ટની બહાર સેટલ થયેલ હોવા છતાં) એમના પિતાને ઘરવખરી સહિત બહાર, રસ્તા પર ફેંકી દીધા હતા. પિતાને જેમતેમ કરીને પડોશીના ઘરે મૂકીને એ દવા શોધવા નીકળ્યો પણ પાછો આવ્યો ત્યારે ............

અને હવે તૂફાન નામની આ નઝમ:-

एक आंधी थी आँगन  उड़ा ले गई

मेरा घर-बार उस रोज़ सड़कों पे था

बूढ़ा बरगद उखड़ के ज़मीं पे गिरा

और जड़ें उसकी आकाश छूने लगीं

ડો. બશીર બદ્ર અને ગુલઝાર ઉપરાંત જો કોઈ સર્જકની એમનાં પર પ્રગાઢ અસર હોય તો એ છે વિલિયમ શેક્સ્પીયર. એમનાં શબ્દોમાં કહીએ તો શેક્સ્પીયર એમનું trump card છે. અગાઉ ઉલ્લેખ કર્યો એ ત્રણ ફિલ્મ્સ તો ખરી જ પરંતુ પદ્યમાં ક્યાં શેક્સ્પીયરની અસર દેખાય છે એનું એક જ ઉદાહરણ લઈએ:

इतना धीमे धीमे वक़्त गुज़रता है,

कोई अहमक जैसे सुनाए अफ़साना !

(અહમક:- મૂર્ખ માણસ)

શેક્સ્પીયરના નાટક મેકબેથ ના પાંચમાં અંકમાં લેડી મેકબેથના મૃત્યુ બાદ વિષાદની અવસ્થામાં મેકબેથ એકોક્તિ આપે છે:-

“Life’s but a walking shadow, … … … It is a tale
Told by an idiot, full of sound and fury,
Signifying nothing.”



ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેવી ચમકદમકવાળી અને લપસણી દુનિયામાં સાહિત્યિક મૂલ્યોને જાળવીને ફિલ્મ્સ બનાવવી એ દોરડા પર ચાલવા જેવું કપરું છે. મકબૂલની સ્ક્રીપ્ટ લઈને એ જ્યારે ફાઇનાન્સર્સને મળતાં ત્યારે તે પૂછતાં:- “બધું બરાબર પણ આમાં તો હીરો loser છે અને છેલ્લે મરી જાય છે. એવું કેમ?” એકે તો સલાહ પણ આપી કે આ સ્ક્રીપ્ટ ઉપર જે લખ્યું છે:- “Based on Shakespeare’s Play Macbeth” એ કાઢી નાખજો નહીંતર એ કોઈ અઘરી સાહિત્યકૃતિ હશે એમ માનીને કોઈ ફાઇનાન્સ નહીં કરે. બોલો!

- © ડો. જય મહેતા