Tuesday, September 22, 2020

Nude Poems: આત્માનું નગ્ન સૌંદર્ય


પુસ્તક:- Nude Poems

લેખક:- વિશાલ ભારદ્વાજ

અનુવાદ:- સુક્રીતા પૉલ કુમાર

પ્રકાશક:- HarperCollins Publishers India

વર્ષ:- 2020

Reunion

"जिस्म जला लकड़ी पे उसका

नाम ज़बां में दफ़्न हुआ

चेहरा बुझकर ख़ाक़ हुआ

बाज़ू -टाँगे राख हुई

लम्बा चौड़ा भाई मेरा

अब कपडे की छोटी सी

थैली में भर आया था

जिसे नदी में उंडेल दिया

उसी नदी के घाट किनारे

बैठ के सोचता हूँ अक्सर

इक दिन इस में बहकर मैं

उससे मिलने जाऊंगा"

આહા! કેટલી સુંદર કવિતા લખી છે વિશાલ ભારદ્વાજે! શું કીધું? વિશાલ ભારદ્વાજે લખેલી કવિતા? અરે ભાઈ, કોઈ ગેરસમજ થઈ લાગે છે. વિશાલ ભારદ્વાજ તો ફિલ્મ્સ બનાવે છે, મ્યુઝિક તૈયાર કરે છે. એ વળી કવિતા ક્યારથી લખતા થઈ ગયા?

એમના કહેવા પ્રમાણે છેલ્લા ત્રીસેક વર્ષથી – અંગ્રેજીમાં જેને closet poet કહેવાય છે એવું.

મકડી’, સાત ખૂન માફ’, કમીને’, વગેરે જેવી ફિલ્મ્સ બનાવનાર અને શેક્સ્પીયરના ટ્રેજિક ડ્રામાને ઓમકારા’, મકબૂલ’, અને હૈદર જેવી અદ્ભુત ફિલ્મ્સ દ્વારા સિનેમાના પરદે રજૂ કરનાર વિશાલ ભારદ્વાજનો પહેલો કાવ્યસંગ્રહ એટલે Nude Poems. કેટલાંકને આ નામ અજીબ લાગ્યું હશે પણ અહીં આત્માની અસલિયતને ઉઘાડી પડતી કવિતાઓની વાત છે. It’s all about the nudity of human emotions. એક ઇન્ટરવ્યુમાં તેઓ કહે છે: -આમ તો એ સંગ્રહનું નામ ‘Naked Poems’ રાખવા માગતાં હતાં પણ એમનાં ગુરુ અને પિતાતુલ્ય મિત્ર એવા ગુલઝાર સાહેબે મીઠો ઠપકો આપતાં કહ્યું:- “તારી ફીલ્મોના નામ પણ કમીને જેવા રાખે છો અને હવે કાવ્યસંગ્રહનું નામ પણ Naked રાખવું છે! એનાં કરતાં Nude બરાબર રહેશે. Nude તો કળાનો એક પ્રકાર છે.


(Semi Abstract Painting by Chaula Doshi)

વિશાલ ભારદ્વાજના શબ્દોમાં કહીએ તો:-

गौर से देखो nude painting को

कितनी पाकीज़गी झलकती है!

Beauty lies in the eyes of the beholder. સુંદરતા જોનારની દ્રષ્ટિમાં હોય છે. ખજુરાહોના શિલ્પોમાં નગ્નતા હોવાં છતાં એ કુરૂપ લાગતું નથી. ચૌલા દોશીના ચિત્રો કે ગૌરાંગ આનંદની ફોટોગ્રાફીમાં માનવદેહનું જે નિષ્કલંક સૌંદર્ય ઝીલાય છે એને વિશાલ ભારદ્વાજ શબ્દદેહ આપે છે. આપણાં દંભકેંદ્રી સમાજમાં શરીરની નગ્નતા તો હોબાળો મચાવી જાય છે પણ માણસ નિયતથી નગ્ન હોય એને કોઈ વાંધો આવતો નથી. આ જ શાયરની એક ગઝલ જોઈએ:-

आँखों में दिल के मनसूबे नंगे हैं

सब अपने कपड़ों के नीचे नंगे हैं

पांच सितारा होटल के चौराहे पर

कितने सारे बच्चे भूखे-नंगे हैं

चिथड़ों में छुपते अधनंगो से बढ़कर

हम कपड़ों में छुपनेवाले नंगे हैं

सच्चाई दिखलाते हैं वो परदे पर

सब कहते हैं फिल्मोंवाले नंगे हैं

5-સ્ટાર હોટેલની સામે, ચીંથરેહાલ જીવતા લોકો ને એમનાં ભૂખ્યા બાળકો..... આ તબક્કે હિતેન આનંદપરાની પંક્તિ યાદ આવે જ ને!

“આ ફૂટપાથે બાળક ભૂખ્યા પેટે આંસુ પીવે ઉના શ્વાસે

ને સામેની ફૂટપાથ ઉપર હોટલ આલીશાન મળે ને,

ત્યારે સાલું લાગી આવે!”

પરદા પર સચ્ચાઇ દેખાડનારા ફિલ્મવાળાઓને બેશરમ કહેવામા આવે છે પણ આજના માહોલમાં એ વિષે કઈ ન કહીએ એ જ યોગ્ય રહેશે. આ સંગ્રહમાં 25 ગઝલો અને 25 નઝમો છે જેમાંથી પસાર થવાનો લ્હાવો લેવા જેવો છે. (જો કે, બધી કવિતાઓ કંઈ અદ્ભુત નથી.)  તેની પ્રસ્તાવના ગુલઝાર સાહેબે લખી છે. એક ઇન્ટરવ્યુમાં પ્રકાશકે કહેલું કે ગુલઝાર સાહેબની વિનંતી હતી કે સરપ્રાઈઝ માટે એમની લખેલી પ્રસ્તાવના વિશાલ ભારદ્વાજથી છુપાવી રાખવામા આવે, અને વિશાલની વિનંતી હતી કે એમણે એમની પત્ની રેખા (જે પોતે ખૂબ સારી ગાયિકા છે) અને પુત્ર આસમાનને આ પુસ્તક સમર્પિત કર્યું છે એ લખાણ એમનાથી છુપાવવામાં આવે. આટઆટલું છુપાવવાનું અને નામ NUDE POEMS!



જ્યારે ગુલઝાર સાહેબ જેવી પ્રતિભા એમ કહે કે ક્યારેક હું મારી ગઝલો ના શેર વિશાલ પાસે ચેક કરાવું છું” તો એ કેટલી મોટી વાત છે! વિશાલની રચનાઓ ઉપર ગુલઝાર ઉપરાંત ડો. બશીર બદ્રની રચનાઓનો પ્રભાવ સ્પષ્ટ જોઇ શકાય છે. એ પોતે નિખાલસ કબૂલાત કરે છે કે એમની રચનાઓ ગુલઝાર સાહેબની કૃતિઓની કાર્બન કોપી જેવી લાગે છે.

હવે આ કલ્પન જુઓ:-

दो जुड़वा आँखे

जिनके चलते-रुकते धारे

जंगल की पगडण्डी जैसे

गालों पे ये सूखे आंसू

ફિલ્મ બંટી ઔર બબલી ના ગીત કજરારે કજરારે ની આ પંક્તિ યાદ આવે:-

आँखे भी कमाल करती हैं

personal से सवाल करती हैं

पलकों को उठाती ही नहीं

पर्दे का खयाल करती हैं

અથવા તો આ:-

मेरी हथेली पे उसने चाँद बोया था

હવે આ ચાંદના કલ્પનને તો ગુલઝાર સાહેબે ગીતોમાં અને કવિતાઓમાં જે અદ્ભુત રીતે રમાડયું છે એ કહેવાની જરૂર ખરી? તેનાં વિષે તો અલગથી એક લેખ લખ્યો છે.

તો વિશાલત્વ ની ઝલક મળે એવું શું લખ્યું છે એમણે?

જવાબ:- એમનું diction. તેમાં અત્યારની પેઢીની બોલચાલની ભાષાનો ઉપયોગ જોવા મળે છે. આપણે હવે બહુ સહજપણે ગુજરાતી વાકયોમાં અંગ્રેજી શબ્દો મૂકતાં હોઈએ છીએ. આ જુઓ:-

Bedroom की ceiling पे घुन-घुन करती

Tubelight की मातमी रौशनी के नीचे

कीड़े के तआक्कुब में चिपकी एक छिपकली

આમ, આ સંગ્રહની રચનાઓમાં હિન્દી, ઉર્દુ અને અંગ્રેજી એમ ત્રણ ભાષાઓનો સંગમ જોવા મળે છે. (तआक्कुब  જેવા શબ્દો ન સમજાય તો દરેક કૃતિની સામેનાં પાને સુક્રીતા પૉલ કુમાર દ્વારા કરાયેલ અનુવાદ પણ આપેલાં છે પણ એ અનુવાદના પાસાની ચર્ચા અહીં સભાનપણે ટાળી રહ્યો છું.)

વધુ એક ઉદાહરણ જોઈએ:-

वो बात करते करते  ही खामोश हो गया

मुझको लगा की network टूटने लगा

હવે આ Network શબ્દનું ભાષાંતર થાય નહીં, ને થાય તોય એ કરાય પણ નહીં. Network, Text, charger, Sim-Card જેવા શબ્દોને એમનેમ રાખીએ તો જ સારું. કવિતામાં આવા આધુનિક જીવનશૈલીના પ્રતીકો તાજગીસભર લાગે છે.

આ સંગ્રહની રચનાઓના વિષયોમાં પ્રેમ, પીડા, જીવન, મૃત્યુ, પ્રાકૃતિક સૌંદર્ય વગેરે તો છે જ પણ સાંપ્રત સમસ્યાઓનો પડઘો ઝીલાયો છે. ખરેખર તો એક લેખક પોતાની સામાજિક નિસ્બત અંગે પોતાની અભિવ્યક્તિ ન કરે ત્યાં સુધી એનું કર્મ અધૂરું ગણાવું જોઈએ.

भीड़ ने जिसको ज़िंदा भून दिया उसके

घर में गाय का मांस था ऐसा कहते हैं

કવિતા એ જીવનના ઉઝરડાઓનું શબ્દમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા છે એવું કહીએ તો ખોટું નથી. એ ઉઝરડા કોઈ સંબંધની દેન હોય કે પછી કોઈ સામાજિક ઘટનાનું પરિણામ પણ હોઈ શકે. એક ઇન્ટરવ્યુમાં વિશાલ ભારદ્વાજે કહેલું કે 1985 માં મેરઠમાં જ્યારે તેમનો પરિવાર ભાડે રહેતો હતો ત્યારે એક દિવસ એમણે સવારે ક્રિકેટની પ્રેક્ટિસ પતાવીને ઘરે આવીને જોયું તો મકાનમાલિકે (મામલો કોર્ટની બહાર સેટલ થયેલ હોવા છતાં) એમના પિતાને ઘરવખરી સહિત બહાર, રસ્તા પર ફેંકી દીધા હતા. પિતાને જેમતેમ કરીને પડોશીના ઘરે મૂકીને એ દવા શોધવા નીકળ્યો પણ પાછો આવ્યો ત્યારે ............

અને હવે તૂફાન નામની આ નઝમ:-

एक आंधी थी आँगन  उड़ा ले गई

मेरा घर-बार उस रोज़ सड़कों पे था

बूढ़ा बरगद उखड़ के ज़मीं पे गिरा

और जड़ें उसकी आकाश छूने लगीं

ડો. બશીર બદ્ર અને ગુલઝાર ઉપરાંત જો કોઈ સર્જકની એમનાં પર પ્રગાઢ અસર હોય તો એ છે વિલિયમ શેક્સ્પીયર. એમનાં શબ્દોમાં કહીએ તો શેક્સ્પીયર એમનું trump card છે. અગાઉ ઉલ્લેખ કર્યો એ ત્રણ ફિલ્મ્સ તો ખરી જ પરંતુ પદ્યમાં ક્યાં શેક્સ્પીયરની અસર દેખાય છે એનું એક જ ઉદાહરણ લઈએ:

इतना धीमे धीमे वक़्त गुज़रता है,

कोई अहमक जैसे सुनाए अफ़साना !

(અહમક:- મૂર્ખ માણસ)

શેક્સ્પીયરના નાટક મેકબેથ ના પાંચમાં અંકમાં લેડી મેકબેથના મૃત્યુ બાદ વિષાદની અવસ્થામાં મેકબેથ એકોક્તિ આપે છે:-

“Life’s but a walking shadow, … … … It is a tale
Told by an idiot, full of sound and fury,
Signifying nothing.”



ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેવી ચમકદમકવાળી અને લપસણી દુનિયામાં સાહિત્યિક મૂલ્યોને જાળવીને ફિલ્મ્સ બનાવવી એ દોરડા પર ચાલવા જેવું કપરું છે. મકબૂલની સ્ક્રીપ્ટ લઈને એ જ્યારે ફાઇનાન્સર્સને મળતાં ત્યારે તે પૂછતાં:- “બધું બરાબર પણ આમાં તો હીરો loser છે અને છેલ્લે મરી જાય છે. એવું કેમ?” એકે તો સલાહ પણ આપી કે આ સ્ક્રીપ્ટ ઉપર જે લખ્યું છે:- “Based on Shakespeare’s Play Macbeth” એ કાઢી નાખજો નહીંતર એ કોઈ અઘરી સાહિત્યકૃતિ હશે એમ માનીને કોઈ ફાઇનાન્સ નહીં કરે. બોલો!

- © ડો. જય મહેતા

2 comments:

  1. Pleasure in reading... This blog make my evening!

    ReplyDelete
    Replies
    1. Thanks a lot for your encouraging words.
      Keep reading!

      Delete