Tuesday, October 6, 2020

દેવર્ષિ મહેતા - Death Be Not Proud!

 


(લખ્યા તા. 03-10-2016)

"સેકંડ કાંટો

ડગ ભરે સતત

મોત તરફ!"

- જય મહેતા

તમને કોઇ કહે કે "મને મારા એક આત્મીય સ્વજનના મૃત્યુથી ફાયદો થયો છે." તો તમને કેવું લાગે? માન્યામાં આવે? તમે વ્યક્તિને પાગલ કે વિકૃત ગણો? હા, આજે હું એવું કંઈક કહેવા માગું છું. સામાન્ય રીતે થાય એવું કે કોઇ પ્રિયજનને ગુમાવીએ ત્યારે એના આઘાતમાંથી બહાર નીકળતા ખૂબ વાર લાગે, એની યાદો રુંવેરુંવે ડંખે, એને ફરી પાછા લઇ આવવાની અતાર્કિક ઝંખના ઉધામા કરે પણ... જે કંઇ પીડા છે આપણી પોતાની હોય છે. આપણને વ્યક્તિની જરૂર હતી કે છે અને હવે ગુમાવવાથી આપણું આખું ભાવવિશ્વ હચમચી ગયું છે એટલે આપણે રડીએ છીએ. અધ્યાત્મ જેને મોહ કહે છે માનવસહજ, જીવસહજ બાબત છે પણ ઘા થોડાક રુઝાય અને આપણે સ્વસ્થચિત્તે વિચાર કરીએ તો સમજાય કે જીવન આપણને કંઈક કહેવા માગે છે ઘટનાથી.

અટલ બિહારી બાજપાઇજી યાદ આવ્યા:-

"જન્મ મરણ કા અવિરત ફેરા, જીવન બન્જારોં કા ડેરા

આજ યહાં કલ કહાં કૂચ હૈ, કૌન જાનતા કિધર સવેરા"

કોઇનું મૃત્યુ શું કામ થતું હશે? વિજ્ઞાન પાસે પોતાના જવાબ છે, અધ્યાત્મ એને અલગ રીતે સમજાવે છે પણ સામાન્ય માણસની સામાન્ય સમજણ શું કહે છે? જીવનમાં બનતી નાનામાં નાની ઘટના પણ કયારેય અકારણ નથી હોતી તો આપ્તજનનું મૃત્યુ તો ખળભળાવી મુકે તેવી ઘટના છે. જો એને નિયતિનો સંદેશ ગણીએ તો સમજાય કે કુદરત, ભગવાન, ડેસ્ટિની - જે કહો તે તમને આઘાત દ્વારા કંઇક સમજાવવા માગે છે. હું જાણું છું કે જે કારમી વેદના અનુભવતા હશે કે નજીકના ભૂતકાળમાં અનુભવી હશે એને વાંચીને મને ગાળો દેવાનુ મન થતું હશે. કોઇક તો એમ પણ કહેશે કે "તારે ઠીક છે ભાઇ! બોલવું સહેલું છે. તારા પર વીતે તો ખબર પડે કે આવું ડહાપણ કેમ સુઝે!" દોસ્તો, જે લોકોએ મારી જીંદગી જોઇ છે એમને ખબર છે કે 1986 થી 2016 સુધી લગભગ દર થોડાં વર્ષનાં અંતરાલે મેં કોઇ ને કોઇ પ્રિયજનને એક કે બીજી રીતે ગુમાવ્યા છે. ખૂબ તરફડ્યો છું, ખૂબ વલોવાયો છું ને વલોપાતમાંથી વિચારઅમૃત મળ્યું છે જેને English માં Blessing in Disguise કહેવાય છે.



03 ઓક્ટોબર 2014. ભાવનગર.

દેવર્ષિ મહેતા.

આજે રાત્રે કાળસર્પયોગ જેવી ક્ષણોને બે વર્ષ થઇ જશે. એનાં વિષે નથી લખવું. વિચારું છું તોય લખલખું પસાર થઇ જાય છે શરીરમાંથી; એનો ફોટો પણ જોઇ નથી શકતો. સતત ભાગતો ફરું છું વાસ્તવિકતાથી. નિયતિના સણસણતા તમાચાની તમ્મરથી થોડીક કળ વળી છે એટલે લખી શકું છું પણ આઘાતના પડઘા હજીયે શમ્યા નથી. દેવર્ષિ સાથેની મારી દોસ્તી, એની સાથેની મોજીલી મોમેન્ટ્સ અને . હેન્રીની વાર્તાના અણધાર્યા અંત જેવી આખરી ઘડીઓ વિષે અહીં અગાઉ લખી ચુક્યો છું.

કોઇ ઘસઘસાટ ઊંઘતું હોય અને અચાનક એના ગાલ પર થપ્પડ પડે ને ઝબકીને, હેબતાઈને, દિગ્મુઢ થઇને જોઇ રહે એવી મારી મનોદશા થઇ હતી. હનુમાનજી પ્રત્યેની અતૂટ, અખૂટ અને અગાધ શ્રદ્ધાને લીધે હું કુઠારાઘાત જીરવી તો ગયો પણ જેમ ધરતીકંપથી નદીનુ વહેણ બદલાઇ જાય એમ મારા વિચારપ્રવાહનુ વહેણ બદલાઇ ગયું. Hamlet ની જેમ વિચાર્યું:-

'To be or not to be that is the question

Whether it's nobler in the mind

To suffer the slings and arrows of outrageous fortune

Or to take arms against a sea of troubles."

મારા હોવાનું શું પ્રયોજન છે? કેવી રીતે જીવવું જોઇએ? નિષ્ઠુર પ્રકૃતિના આરપાર વીંધતા ભાલાઓ ખમી ખાવા કે જીવનની વિષમતા, વિટંબણા અને વિભિષિકા સામે શસ્ત્રો ઊઠાવીને લડી લેવું? શું કામ બન્યું? મારું જો આવું થાય તો?

હા, વિચારની વાત અહીં કરવી છે. કોઇ સ્મશાનવૈરાગ્યની કે 'બ્રહ્મ સત્ય જગત મિથ્યા' વાળી વાત નથી. જીવનનું અફર સત્ય છે મૃત્યુ. ઓશો સમજાવે છે કે જીવનમાં સતત Binary Oppositions જોવા મળે છે - દિવસ અને રાત, સુખ અને દુ:, ઇષ્ટ અને અનિષ્ટ વગેરે. કોઇ એકને છોડીને બીજાને સ્વીકારી શકાતા નથી. જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે તો મારું પણ હશે ને! કયારે? કયાં? કેવી રીતે? અગત્યનું નથી. સૌથી મહત્વનો સવાલ છે કે ત્યાં સુધીમાં હું કેવું જીવ્યો હોઇશ? "બાબુમોશાઇ, ઝિંદગી બડી હોની ચાહિએ, લંબી નહીં!"

મારો દરેક શ્વાસ મૃત્યુની દિશામાં મંડાયેલ કદમ લાગે છે. શરૂઆતમાં જે હાઇકુ લખ્યું પ્રમાણે હ્રદયનાં ધબકારા, સેકંડ કાંટાનુ ટક-ટક ટાઇમ-બોમ્બના કાઉન્ટડાઉન જેવું લાગે છે. મૃત્યુના ભયને લીધે વિચાર આવે છે એવુ પણ નથી; જીવનની સાર્થકતા બાબતે કંઈક કરવાનું છે એવુ સતત થયા કરે છે. મારું સદભાગ્ય છે કે શિક્ષક હોવાને નાતે અગણિત વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાની અને ખુશીઓ રેલાવવાની તક મને મળે છે. શું હું કરી શક્યો છું? કરી શકીશ? એક માણસ કેટકેટલાં રોલ નિભાવતો હોય છે! પુત્ર, ભાઈ, પતિ, પડોશી, કુટુંબીજન, દેશનો નાગરિક...... બસ, બધાં રોલને બખૂબી નિભાવી લેવા છે - સ્ટેજ છોડતા પહેલા!



જો કે, વિચારો તો કોઇનાં પણ મૃત્યુના સંદર્ભે એટલાં પ્રાસંગિક લાગે. તો પછી દેવર્ષિની વિદાય વિષે કેમ આવુ વિચારું છુ?

કારણ કે એણે આખરી અલવિદા કીધી પછી ઓનલાઇન અને રુબરુ લોકોએ જે ખાલીપો દેખાડ્યો અને જે આંસુઓ વહાવ્યા બતાવે છે કે તે કેટલું ચિક્કાર જીવ્યો હતો, સંબંધોમાં કેટલો ધોધમાર વરસ્યો હતો! બાકી આજની 4G લાઇફમાં લોકો ફક્ત RIP લખીને છૂટી જતાં હોય છે ત્યારે એના માટે લોકોએ આટલો ઝુરાપો વ્યક્ત કર્યો મને ઘણું શીખવી જાય છે.

તો, શરુઆતમાં જે ફાયદાની વાત કરી હતી હવે આવે છે. એક વાક્યમાં કહું તો દેવલાએ મને જીંદગી જીવતાં શીખવ્યું - મર્યા પછી! હતો ત્યારે ક્યારેય આવું જ્ઞાન નહોતો આપતો - બસ મોજ કરતો ને કરાવતો. બાળકની જેમ મુક્તમને હસતો, મને ખીજવતો, ગીતો ગાતો, ઓશોને વાંચીને "ઓહ એય જયલા, બાવો હું કયેસ જો સાંભળ!" કહેતો, સતત સાંભળવાનું ગમે એવું મસ્ત English બોલતો...... (યાદોં કી બૌછારોં સે જબ પલકેં ભીગને લગતી હૈં...!)

દેવર્ષિ મહેતા કોઇ મહાન માણસ નહોતો પણ મસ્તમૌલા માણસ હતો. ઇતિહાસ નોંધ લે એવી કોઇ સિદ્ધિ એણે હાંસલ કરી નહોતી પણ એણે લોકોને ખુશ રાખવાની કળામાં મહારથ હાંસલ કર્યુ હતું. સાહિત્ય અને અધ્યાત્મની યાત્રા અમે સાથે કરતાં હતાં અને એનું સ્ટેશન આવ્યું ને ઉતરી ગયો, અને મને શીખવતો ગયો કે:-

"આગે ભી જાને ના તુ, પીછે ભી જાને ના તુ

જો ભી હૈ, બસ યહી ઇક પલ હૈ."

હું એના જેવો થવાની કોશિશ નથી કરતો - કોઇ કોઇનાં જેવું કયારેય થઇ શકે પણ વ્યક્તિનાં આત્માના સૌંદર્ય ને સમજીને આપણે આપણા આત્માને નિખારવાનો પ્રયત્ન તો કરી શકીએ ને! મારા દરેક creative writing માં હું એને યાદ કરું છું કારણકે મારી પહેલી કવિતા વાંચીને એણે મને શાબાશી આપી હતી. એની પાસેથી હું ઘણું શીખ્યો છું એની વાત પછી કયારેક પણ સાહિત્ય અને અધ્યાત્મ - બે ક્ષેત્રે સતત આગળ વધતા રહેવું અને પોતાની આસપાસનાં લોકોને ખુશ રાખવા, ઉપયોગી થતા રહેવું બે બાબતો હું શીખ્યો એના જીવનમાંથી - એના મૃત્યુ પછી; અને ફાયદો થયો મને એના જવાનો. જો હયાત હોત તો હું આટલું વિચારતો થયો હોત. એનો અર્થ એવો બિલકુલ નથી કે હું બહુ સારો માણસ છું. મારા સ્વભાવની ખામીઓ મારાં નજીકનાં લોકોએ વેઠી છે. મારો તરંગી સ્વભાવ, ભૂલકણાપણુ, બેદરકારી વગેરે. મારી સજાવેલા છરી જેવી જીભથી અનેક hurt થયાં હશે, મારા ગુસ્સાની ઝાળથી વ્હાલા દાઝ્યા છે પણ તેમ છતાં લગભગ રોજ વિચાર આવે છે:-

"કિસી કી મુસ્કુરાહટોં પે હો નિસાર

કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર

કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર

જીના ઇસી કા નામ હૈ!"

સુપરવાઇઝર પાસે સપ્લીમેન્ટરી માગવી પડે એટલું લખ્યું તોય ખૂબ બધું અવ્યક્ત રહી ગયું હોય એમ લાગે છે. અવ્યક્ત, અધૂરું, અધકચરું એટલે કોઇના અભાવમાં જીવાતુ જીવન.

"કોઇ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઇ દોરાનું તૂટવું લાવ્યા

કોઇ અંગત, ફાડી ખાનારું એકાંત લઇને આવ્યા છે!"

- .પા.

(દેવર્ષિ વિષે વિચારતા, એનો ફોટો -પ્રોફાઇલ-પોસ્ટ જોતા આંખોમાં ધસી આવેલાં આંસુઓને શિરા અને ધમની મારફત આંગળીઓ તરફ વાળીને કાગળ ઉપર ઊતારવાનો પ્રયાસ કર્યો છે ને જે લખ્યું તે અક્ષરશ: અહીં મુક્યુ છે એટલે પોસ્ટમાં કયાંય કોઇ કચાશ, કમી, અધૂરપ લાગે તો માફ કરજો. આખરે, જીંદગી એક અધૂરપ છે કે બીજું કાંઇ?)

- ©  જય મહેતા

 

No comments:

Post a Comment