Saturday, May 16, 2020

રમેશ પારેખ: શબ્દોનું લીલુંછમ રજવાડું - (Part 01)


“રંગો કદીયે ભોળાં નથી હોતાં એટલે
લીલુંચટ્ટાક આખુંયે નગર હોય તોય શું?”
રમેશ પારેખ. ગુજરાતી ભાષા-સાહિત્યનાં વાચકોને આ નામનો પરિચય કરાવવાનો ન હોય. 27-11-1940 થી 17-05-2006 વચ્ચે જીવાયેલું એક માનવજીવન એ ગુજરાતી કલાજગત માટે એક સંભારણું બની રહ્યું. રમેશ પારેખનું કાવ્યસર્જન એક એવી સુઘટના છે કે જેની નોંધ લીધા વગર કોઈ કલાપ્રેમી ન જ રહી શકે. કોઈ ફિલ્મમેકર પોતાની વાત અનેક ટેકનિક્સથી કહી શકે જેમ કે સિનેમેટોગ્રાફી, ગીત-સંગીત, સંવાદ, એનિમેશન વગેરે. સાહિત્યકાર પાસે માત્ર એક શાસ્ત્ર છે:- શબ્દ.
આપણે ત્યાં શબ્દનો મહિમા ખૂબ ગણાયો છે. ભારતીય પરંપરામાં તો શબ્દબ્રહ્મ નો વિચાર પણ છે. લેખક પાસે એ તાકાત છે કે માત્ર શબ્દના માધ્યમથી એ આખુંયે વિશ્વ સર્જી શકે છે, વાચકને આંગળી પકડીને એ વિશ્વની સફરે લઈ જઇ શકે છે. ગુજરાતી ગદ્યમાં તો અસંખ્ય ઉદાહરણો છે જ પણ પદ્યમાં પણ ખૂબ સરસ કામ થયું છે. મારી દ્રષ્ટિએ કાવ્ય એ સાહિત્યનો સૌથી રમણીય પ્રકાર છે. Paul Valery નામના વિચારકે એમના નિબંધ ‘Poetry and Abstract Thought: Walking and Dancing’ માં નોંધ્યું છે કે વિચારો અને લાગણીઓ તો આપણાં સૌ પાસે છે, તેમ છતાં આપણે કવિતા લખી શકતાં નથી. કોઈ સ્ત્રીને એનો પ્રેમી પુષ્કળ પ્યાર આપે તો એ ગદગદ થઈ જાય પણ એને એવું લખવાનું ન સૂઝે કે:
“જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં, એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં!”
તેમ કોઈ પ્રેમીએ એની પ્રેમીકાને ખૂબ ચાહી હોય તોપણ એ ન લખી શકે કે:
“ફાગણની કાળઝાળ સૂકી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભૂલાવવું”
એનું કારણ શું? વિચારને કાવ્યમાં પરિવર્તિત કરવા એટલે પોતાના પગને નાચતાં શીખવવું. જેમ પગ તો સૌ પાસે છે પણ બધાં માઈકલ જેક્સન કે માધુરી દિક્ષિત બની શકતાં નથી. એ કળા ઈશ્વરદત્ત હોય અને એને તાલીમ તથા પ્રેક્ટિસ થી નિખારવી પડે.
જો કે, આજે જે કવિની વાત કરવી છે એનાં પર વાગદેવીની અપાર કૃપા વરસી છે અને એથી એ કવિ પણ કાવ્યના દરેક સ્વરૂપમાં અપાર વરસ્યો છે. ગીત, ગઝલ, અછાંદસ, બાળગીત, હાઇકુ..... જીવનનાં નવેનવ રસ, તમામ રંગો, almost બધુ જ એમણે આવરી લીધું છે. એ શબ્દોનો ઘૂઘવતો મહાસાગર છે અને કોઈ ભાવક મરજીવો બની એમાંથી અમુલ્ય મોતિઓ મેળવી શકે. પ્રેમ, મૃત્યુ, અધ્યાત્મ, સ્ત્રી-સંવેદન, સામાજિક નિસ્બત, વતનપ્રેમ, પ્રકૃતિ, આલા ખાચર, ચંદુ, સોનલ, મીરાં...... એમણે ખૂદ કહેવું પડ્યું:-
“નથી સમાતો આજ હવે તો
હું આ મારા છ અક્ષરમાં”
ઓઢણીનું મહાભિનિષ્ક્રમણ લખે અને કતલખાનાની બહાર ફુગ્ગા વેચતા વૃદ્ધનું ગીત પણ લખે. મા ઝળઝળિયાજી ની ગરબી લખે, સંવારિયો લખે, હસ્તાયણ અને પગાયણ પણ લખે. આટલી વિશાળ રેન્જ ધરાવનાર કવિની રચનાઓનાં ક્યા પાસા વિષે લખવું એ દ્વિધાને અંતે હું એક બાબત પર અટક્યો:- રંગોનું ચિત્રણ.
કવિતામાં શબ્દચિત્ર દોરવામાં આ કવિને કોઈ ન પહોચે એ નિર્વિવાદ છે. રંગોની વાત તો લગભગ દરેક કવિ કરે જ પણ જેમ પ્રેમની અભિવ્યક્તિની ર.પા.ની signature style છે એમ જ રંગો વિષે વાત કરવાની, વસ્તુઓમાં જે તે રંગોનું આરોપણ કે પ્રોજેક્શન કરવાની એની શૈલી નિરાળી છે. અમુક કલ્પનો જોતાંવેત ખ્યાલ આવે કે આ ર.પા. બ્રાન્ડ નાં જ છે. જેમ કે:-
“કલમ કાગળને બચબચ ધાવે રે...
બચકારા બહુ બોલે સંતો, દૂધડિયાં નવ આવે રે
જલમભૂખ્યા આ અક્કરમીને, શાહીની એલર્જી.”
તો, આજે એક પ્રયોગ કર્યો છે. છ અક્ષરનું નામ’, મનપાંચમના મેળામાં’, ખડિંગ’, 108 રમેશ પારેખ વગેરે પુસ્તકોનાં પાનાં ફેરવવાનાં – સાવ randomly, રંગો વિષે જે ચમકારા દેખાય એ ટપકાવવાનાં અને એની ચર્ચા કરવાની. 17 મે 2020એ આ કવિની વિદાયને 14 વર્ષ પૂર્ણ થતાં હોઇ 14 કાવ્યકણિકાઓની ચર્ચા કરવી છે.
01. શીર્ષક: શક્યતા નામની સ્ત્રીનો પતિ
“આમ તો પાંદડું એક જ ખર્યુંતું ડાળેથી
પરંતુ આખીએ લીલાશ પર ઉઝરડો છે.
એક તો આ ઉઝરડો શબ્દ મને રમેશ પારેખે પ્રિય બનાવી દીધો છે. જીવનનાં ઘાવને વ્યક્ત કરવા માટે કેટલો યોગ્ય શબ્દ છે! ઉઝરડા ચામડી પર પડે એ તો જાણે સમજ્યા, ઝાડના થડ કે ડાળી પર પડે એમ લખ્યું હોય તો પણ કોઈ નવાઈ નહોતી પણ આ તો લીલાશ પર ઉઝરડો! Abstract ને concrete અને concrete ને abstract સ્વરૂપ આપવું એ આ કવિનો મનગમતો ખેલ છે. પાંદડું ખરે તો લીલાશ પર ઉઝરડો કેમ પડે? યાદ કરો, સિરીયાના દરિયાકિનારે મળેલી એક બાળકની લાશ અને દુનિયાભરમાં વ્યાપેલી કમકમાટી, નિર્ભયા ગેંગરેપ કેસ, લક્ષ્મી પરનો એસિડ એટેક .... આ બધી પાંદડું ખરવાની ઘટનાઓ છે જેનાથી સમગ્ર માનવતા ઉઝરડાઇ છે. બીજી રીતે જોઈએ તો જેમ ઝાડ પર અઢળક પાંદડાં હોય એમ માનવજીવનમાં અનેક સંબંધો હોય. આમ છતાં જ્યારે કોઈ એક સંબંધવિચ્છેદ થાય છે ત્યારે એ ઝખમ હૈયા પર કારી ઘાવ કરી જાય છે અને માણસ એ ઉઝરડાને વર્ષો સુધી પંપાળ્યા જ કરે. તમે પણ હજુ ધારો એટલાં અર્થઘટનો કરી શકો છો. એ જ તો છે કવિતાની મજા!
02. એ જ ગઝલનો અન્ય એક શેર
“સૂર્યનો ચાબખો ઝીંકાય ને હું દોડું છું
હું અશ્વ છું ને મારો લોહીઝાણ બરડો છે.”
લોહીઝાણ શબ્દ પણ ર.પા.નો કોપીરાઇટેડ હોય એવું લાગે છે. અસંખ્ય વાર આપણી નજરે ચડે છે આ શબ્દ અને એને વાંચતાં જ લોહીનો લાલ રંગ નજર સામે આવી જાય છે. રંગનો નામમાત્ર ઉલ્લેખ ન કરવા છતાં ભાવકને ધાર્યો રંગ દેખાડી શકવાનું કસબ છે આ સર્જકમાં. સૂર્યનો ચાબખો ઝીંકાય ને હું દોડું છું – નોકરિયાત વર્ગ માટે સોમવારનો સૂર્યોદય એ ચાબખાની જેમ જાત પર ઝીંકાય અને એણે દોડવું પડે. ડાબલા પહેરેલા ઘોડાને ખબર નથી હોતી કે એનું ગંતવ્ય શું છે, દોડવાનું પ્રયોજન શું છે, અટકવાનું ક્યારે છે વગેરે. બસ, ચાબુક વીંઝાય એટલે ભાગવાનું. માણસની જિંદગીમાં પણ આવાં અનેક અદ્રશ્ય ચાબૂકો એણે દોડતો રાખે છે ને!
03. (and 04). શીર્ષક: ગઝલ એક સવારની
“નીલમવરણો સૂરજ ઊગ્યો
પીગળવું ઉગ્યું પથ્થરમાં
પંખીની રંગોળી જેવા
કલબલતા ડંકા ટાવરમાં”
અગાઉના ઉદાહરણમાં જે સૂરજ ઘોડાની પીઠે વીંઝતો ચાબખો હતો એ જ સૂરજ અહીં બહુમૂલ્ય નીલમ જેવો છે. સવાર પડે ને પંખીઓ કલબલાટ કરતાં આકાશમાં formation રચતાં ઊડે એમ ટાવરમાં ડંકા પડે છે! અંગ્રેજ કવિ John Donneની કવિતાઓમાં આવી far-fetched imagery બહુધા જોવા મળે છે (પ્રેમી-પ્રેમીકાને પરિકરના પાંખિયા સાથે સરખાવાય છે જે આમ ભેગાં ને આમ છુટ્ટા!). જેમ રંગોળીમાં અનેક રંગોનો મેળો ભરાયો હોય છે એમ જ સવારના પહોરમાં ચહેકતાં પોપટ, કાબર, કોયલ, બુલબુલ, મોર, કાગડાં વગેરેનાં સવારો એકબીજામાં એવાં મિક્સ થઈ જાય જાણે કે આકાશનાં કેનવાસ પર અવાજોનો કોલાજ રચાઇ જાય! આહા... તમને પણ મારી જેમ દ્રશ્ય નજર સામે તરવરવા લાગ્યું ને!
05. શીર્ષક: કોને ખબર?
“પાંદડું કેવી રીતે પીળું થયું, કોને ખબર?
એટલે કે ઝાડમાંથી શું ગયું, કોને ખબર?”
અહીં પાંદડું ખરતું નથી, બસ પીળું થાય છે, મતલબ કે મરતું નથી, માત્ર વૃદ્ધ થાય છે. ઝાડમાંથી શું ગયું? એક પાંદડાં સાથે વિતાવેલી ક્ષણો? પોતાના જ અંગની જુવાની? પાંદડાની લીલાશ સાથે ઓસરતું ઝાડપણું? ઘણું, ઘણું ગયું! પાંદડાના પીળા થવાની નાનકડી બાબત પર એક સર્જક આટલું બારીક નકશીકામ કરી જાણે છે. કદાચ એટલે જ સર્જનહારે કીડીનાં પગરખાં બનાવવાનું કામ એણે સોંપ્યું હશે.
06. શીર્ષક: ગમ ઘૂંટે ઘૂંટે પીવો
“વ્હાલપની લીલી વાતથી લોભાઈ જાય છે
છોને તમે હ્રદયને મનાઈ સખત કરો.”
Forbidden fruit is always tempting. પ્રેમના માર્ગમાં જેટલાં અવરોધો આવે એટલો પ્રેમનો રંગ ઘેરો બને. Shakespeare કહે છે ને:
Love is not love which alters
When it alteration finds”
આ જ વિષય પર અઢળક ફિલ્મીગીતો લખાયાં છે છતાં આ શબ્દોની નજાકત અલગ જ છે. એક તો મને પારેખ સાહેબે પ્રેમ માટે વ્હાલપ શબ્દ પ્રયોજે ને ત્યાં જ બત્રીસ કોઠે દીવા થઈ જાય છે, સાચે!
“હરિ પર અમથું અમથું હેત
હું અંગૂઠા જેવડી ને મારી વ્હાલપ બબ્બે વેંત”
આપણને આ કવિ પર અમથું અમથું નહીં પણ સકારણ હેત છે. અહીં પણ પ્રેમની તાજગી માટે, પ્રેમના નૈસર્ગિક સૌંદર્ય માટે લીલી વાત જેવો શબ્દપ્રયોગ કર્યો છે. ગુલઝાર સાહેબ યાદ આવે:
बन्धन है रिश्तों में, काँटों की तारें हैं
पत्थर के दरवाज़े, दीवारें
बेलें फिर भी उगती हैं और गुँचे भी खिलते हैं
और चलते हैं अफ़साने, किरदार भी मिलते हैं
वो रिश्ते दिल-दिल-दिल थे, वो दिल थे, दिल-दिल थे
07. શીર્ષક: સમૂહગીત
“વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ સાપણે?”
વૃક્ષ જોયું નથી પણ ખાલી વ્હેમ થયો છે અને એ પણ કેવોલીલોછમ! પહેલી લીટીમાં વૃક્ષની જીવંતતા સાથે જોડાયેલો લીલો રંગ બીજી લીટીમાં સાપના ઝેર સાથે જોડાય છે:- જીવન અને મૃત્યુ નું binary opposition. જિંદગી નામે સાપણે એવો તો ડંખ માર્યો કે એનું લીલું ઝેર નસોમાં વ્યાપી ગયું તોપણ આંખોમાં તો વૃક્ષની લીલાશ જ અંજાયેલી રહી ને! વહેમ તો વહેમ, જીવવા માટે એ પણ જરૂરી હોય છે. જેમ શેક્સપિયર ઓથેલો માં ઇર્ષ્યાભાવ માટે ‘green-eyed monster’ લખે છે એમ અહીં કર્તાને અધ્યાહાર રાખીને માત્ર ડંખની વાત કરી છે. જીવનના સમુદ્રમંથનમાંથી વૃક્ષની લીલાશરૂપે અમ્રુત મળે તો દુ:ખના ડંખથી લીલું ઝેર પણ મળશે જ એ નક્કી છે. આપણાં આ કવિ લખે છે:- 
“ખજૂરી જેટલો છાંયો મળે – એ સિક્કાની
                                 બીજી બાજુ ય છે કે, રણ મળે તમને.”

તો....
આટલો લેખ આજે વાંચવા મળે અને બીજો ભાગ આવતા સપ્તાહે વાંચવા મળે તમને!

                                                                    - © ડો. જય મહેતા

1 comment:

  1. Amazing tribute to the legendary poet. Literary Treat! Thank you so much Sir for sharing this. Enlightened!

    ReplyDelete