Wednesday, May 20, 2020

રમેશ પારેખ: શબ્દોનું લીલુંછમ રજવાડું - (Part 02)

A Quick Recap: -
"તો, આજે એક પ્રયોગ કર્યો છે. છ અક્ષરનું નામ’, મનપાંચમના મેળામાં’, ખડિંગ’, 108 રમેશ પારેખ વગેરે પુસ્તકોનાં પાનાં ફેરવવાનાં – સાવ randomly, રંગો વિષે જે ચમકારા દેખાય એ ટપકાવવાનાં અને એની ચર્ચા કરવાની. 17 મે 2020એ આ કવિની વિદાયને 14 વર્ષ પૂર્ણ થતાં હોઇ 14 કાવ્યકણિકાઓની ચર્ચા કરવી છે."

Part 01 વાંચવા માટે આ રહી લિન્ક:-

part 01 માં આપણે 01 થી 07 પંક્તિઓની ચર્ચા કરી હતી. હવે આગળ.....

08. શીર્ષક: ફાંસી પહેલાની ઈચ્છા
“થોરનું લીલું પાન તોડીને મા સમોવડા દૂધને ઝરી પડતું જોવું
મારગે કદી થડમાં કોર્યા નામને કહી આવજો છેલ્લીવાર વછોવું”
થોર સામાન્ય રીતે શુષ્કતાનું પ્રતિક ગણાતું હોય છે પણ અહીં કવિ એનાં લીલા પાનમાંથી નીકળતા દૂધને માતાના સ્તનમાંથી બાળકને પોષણ આપનાર દૂધની સમકક્ષ મૂકી આપે છે. થોરનું પાન તોડીએ તો એમાંથી સફેદ પ્રવાહી નીકળે એ આપણે સૌએ બાળપણમાં જ જોઈ લીધું હોય છે તો પણ એને આ રીતે objective correlative બનાવી શકાય એવો વિચાર આપણને આવે... તો તો શું જોઈએ!
પ્રેમીઓ ઝાડ પર દિલ કોતરીને કે એકબીજાનાં નામ કોતરે એ કાંઇ નવી વાત નથી. નવી વાત એ છે કે ફાંસી પર ચડતાં પહેલાં એ વ્યક્તિ મા અને પ્રેમીકા બંનેને યાદ કરી લે છે. મરીઝ સાહેબનો શેર વ્યક્ત થવા માગે છે:-
“મહોબ્બતના દુ:ખની આ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.”
09. શીર્ષક: કૈંક લીલુંચટ્ટાક
“સુકકો દુકાળ તારા દેશમાં છતાંય
અરે, સુકકો દુકાળ મારા દેશમાં છતાંય
કૈંક લીલુંચટ્ટાક, કૈંક લીલુંચટ્ટાક, કૈંક લીલુંચટ્ટાક તારી આંખમાં
કૈંક લીલુંચટ્ટાક મારી આંખમાં....”
આ ગીતનું તો શીર્ષક જ tell-tale છે તો બીજું શું કહેવું! આપણી આસપાસ હરતાફરતા દુકાળ જેવાં અનેક શુષ્ક ચહેરાઓને આ ગીત સમર્પિત કરવું જોઈએ. ખડખડાટ હસવું અને ધોધમાર રડવું એ બધાંના નસીબમાં નથી હોતું. પ્રેમનો પારસમણિ જેને સ્પર્શયો ન હોય એવાં, કેકટસના માનવઅવતાર સમા માણસોની વચ્ચે જીવવું હોય તો પ્રિયતમની આંખોની લીલાશ જોતાંજોતાં જ જીવી શકાય. અને આ તો એકદમ લીલુંચટ્ટાક! સમજો છો ને! આ જ કવિ એક ગીતમાં ખૂબ સુંદર લખે છે:-
“ગંધ છોકરીની આવી જે જીવને તે જીવની
ગંભીરતામાં પડી ગયો ગોબો!”
આહાહા! બસ, આના માટે વધારે કશું કહેવું નથી.
10. શીર્ષક: તમારી પરબ લીલા ઝાડવાની હેઠ
(ર.પા. ની કવિતાઓનાં શીર્ષક પર જ એક અલગથી લેખ થઈ શકે એમ છે.)
“લીલીછમ આંખમાંથી ખોબોએક પાંદડાનું
જંગલ તડાક્ દઈ બટકે હોજી”
અહીં ફરીથી આંખો, લીલાશ, પાંદડા વગેરેનો પ્રયોગ કર્યો છે પણ સાવ જુદી જ રીતે! લીલી આંખોમાં પાંદડાનું જંગલ! હજી આ ચમત્કારને બરાબર આત્મસાત કરીએ ત્યાં તો ધડામ દઈને બીજો ચમત્કાર ટકરાય આપણી સામે... હા, ધ્વનિવિષયક શબ્દોનો પ્રયોગ એમણે બખૂબી કરી જાણ્યો છે.  જંગલ તડાક્ દઈ બટકે – આપણને રીતસર ડાળી તૂટી હોય એવો અહેસાસ થાય. અરે, આમણે તો એક કાવ્યસંગ્રહ નું નામ જ રાખ્યું છે: ખડિંગ’. ટૂંકમાં કહીએ તો મનુષ્યની પાંચેય ઇન્દ્રિયોને ભરચક્ક જલ્સા કરાવે એટલું ભર્યું છે ર.પા. એ પોતાના કાવ્યોમાં!
11. શીર્ષક: ગુલમ્હોર જેમ
“દ્રશ્યના રંગીન મણકાનો આ હાર
હું પરોવાયો છું એમાં દોર જેમ”
ર.પા. ના પ્રિય શબ્દોની યાદી બનાવીએ તો એમાં ગુલમ્હોર લેવો જ પડે. એમણે ગુલમ્હોરને અનુલક્ષીને અને ગુલમ્હોરને પ્રતિક તરીકે લઈને ઘણું લખ્યું છે. હાર કે માળામાં મણકાનું મહત્વ હોય એટલું જ દોરનું પણ હોવું જોઈએ ને! દોર દેખાતી નથી પણ માળા કે હાર એના થકી જ આકાર પામે છે એવી જ રીતે આપણી આંખો જેટલાં પણ દ્રશ્યો જુએ એને એકબીજા સાથે જોડનારું તત્વ છે આપણે પોતે, self, માંહ્યલો, હું – જે કહો તે અને મણકા પણ રંગીન છે. માણસના જીવનમાં આવતાં સુખદ કે દુ:ખદ દિવસો, પ્રેમની લીલાશ, ઉદાસીનો ઘેરો રંગ, પવિત્રતાની સફેદી વગેરે તમામ ક્ષણોનો લઘુત્તમ સામાન્ય અવયવ એટલે હું’.
12. શીર્ષક: લીલાલાલબ્લ્યૂ (title તો જુઓ, જાણે કે રંગોની ધક્કામુક્કી!)
“કળી જન્મતાવેંત છે કેદમાં
છે ફૂલોનાં પહેરાં લીલાલાલબ્લ્યૂ
છે પથ્થર તો એક જ બધે, દોસ્તો
ભલે હોય દહેરાં લીલાલાલબ્લ્યૂ”
રમેશ પારેખ એટલે પ્રયોગશીલતાનો પર્યાય. શબ્દોનાં coinage થી લઈને અલગ-અલગ શબ્દોનાં concoction, અંગ્રેજી શબ્દોનો ઉપયોગ જેવાં પ્રયોગો એમણે કર્યાં છે. હું મરી ગયો અછાંદસમાં એમણે માણસગીરી’, વિચારવેડા જેવાં શબ્દો સર્જ્યાં છે. લીલાલાલબ્લ્યૂ – કોઈ space વગર. આપણને બાળપણનું જાનીવાલીપીનારા યાદ આવે. આવે કે નહીં ચંદુભાઈ? કળી તો જન્મતાવેંત જેલમાં પુરાયેલી છે. બાળક જન્મે છે ત્યારે એને ખબર નથી કે સામાજીક બંધનો અને રૂઢિઓની બેડીઓ બહુ જલ્દી જકડશે એનાં પગને. વડીલ, ડાહ્યા , શાણા ફૂલો હવે કળીને ‘practical’ થવાનું, ‘mature’ થવાનું શીખવશે. શેક્સપિયરના નાટક ‘Hamlet’ નો સંવાદ:-
Guildenstern: Prison, my lord?
Hamlet: Denmark’s a prison.
Rosencrantz: Then is the world one.
પથ્થર તો સરખાં છે ભલે દહેરાં અલગ હોય! ઈશ્વરીય તત્વ કે અધ્યાત્મને સંપ્રદાયના વાડાઓમાં ગૂંગળાવી નાખવાની કુચેષ્ટા પર આકરો કટાક્ષ કર્યો છે. કબીર કહે છે એમ:
“કબીર કુંઆ એક હૈ પનિહારી અનેક,
બર્તન ન્યારે ન્યારે પાની સબમેં એક”
13. શીર્ષક: મેળો (મનપાંચમનાં મેળામાં)

“કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મુઠ્ઠી પતંગિયા
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.”
દુનિયાને મેળા જેવી તો અનેક ગીતકારોએ ગણાવી છે પણ અહીં મનપાંચમનો મેળો છે. હથેળીની રેખાઓમાં કે લલાટપટલે લખાવીને લોકો લાવ્યાં છે ઝરમર ઝરમર છાંયડીઓ અને ઉભડક ઉભડક લાગણીઓ. રંગો સાથેની નિસ્બત અહીં પણ કવિને કામ આવી છે. લીલીસૂકી આંખો! હોઠ ચૂપ હોય તોપણ આંખો હ્રદયનાં રંગો ઉજાગર કરી દેતી હોય છે. આંખોના  ભાગે પહેલાં શ્વાસથી છેલ્લાં શ્વાસ સુધી કંઇ કેટલાં તડકા-છાંયડા જોવાનાં આવે છે, છતાં એ ચૂપચાપ તમામ રહસ્યો અંદર જ ધરબી રાખે છે.
14. શીર્ષક: કાગડો મરી ગયો
“નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહે
જમાવી એ રીતે પડાવ, કાગડો મરી ગયો.”
મોરનાં સૌંદર્ય પર ઓવારી જવાની કવિઓની તાસીર હોય છે પણ કાગડા વિષે આટલું મજાનું કાવ્ય મળે એ સારું કહેવાય. સુંદરતા અને કુરૂપતા વિશેનાં આપણાં રૂઢિગત ખ્યાલોને પડકારતી આ કવિતા મને John Keats ની યાદ અપાવે છે. ‘Ode to Autumn’ માં એ આ શબ્દોથી પાનખરને પોંખે છે:-
Where are the songs of spring, aye, where are they?
Think not of them, thou hast thy music too!”
વસંતનો વૈભવ તો સૌ સ્વીકારે છે પણ જીવનને એની સમગ્રતામાં ચાહવું હોય તો પાનખરના સંગીતને સાંભળતા શીખવું પડે. મોરનો ગહેકાટ તો મધુર હોય જ પણ કાગડાનું કાંવ કાંવ પણ લયમાં હોઇ શકે અને ર.પા. તો લયનો કામાતુર રાજવી કહેવાયા છે. એનું લેટેસ્ટ ઉદાહરણ: અક્ષય દવે નામનાં યુવા સર્જકે કાગડો મરી ગયો નું મસ્ત મજાનું rap version તૈયાર કર્યું છે. પ્રયોગશીલ કવિની કવિતા સાથે આ પ્રયોગ સફળ થઈ શક્યો છે એનું એક કારણ પારેખ સાહેબની કવિતામાં રહેલ લય છે. અક્ષય દવેના એ  rap version ની YouTube link આ રહી:-
                                        https://www.youtube.com/watch?v=Juxcub95Bys

યુવાપેઢીને સાહિત્ય સાથે જોડવી હશે તો આવાં સરાહનીય પ્રયોગો આવકારવા રહ્યાં. social media માં કોઈ જાહેરાત વગર અમદાવાદના કોઈ ખૂણે એક સંસ્થામાં ચાલુ દિવસે સાંજે 5 વાગે કોઈ કાર્યક્રમ થઈ જાય એનાંથી ગુજરાતી સાહિત્ય સાથે યુવા પેઢીને નહીં જોડી શકાય.
નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહે... કાળો રંગ હંમેશા ઘટ્ટ લાગતો હોય છે. સુકોમળ દ્રષ્ટિ અને ઋજુહ્રદય હોય તો કાગડાની કાળાશ ઠેસ જેમ પણ વાગે! રંગ, દ્રશ્ય, ધ્વનિ અને વિચારનાં સુભગ સમન્વયનો વધુ એક પુરાવો.
બોલો, કેવો લાગ્યો આ પ્રયોગ? કોઈ જ પૂર્વતૈયારી વગર માત્ર randomly નજર ફેરવવાથી પણ જો આટલું મળી શકતું હોય તો વ્યવસ્થિત અભ્યાસ કરીએ તો ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં એટલાં મોતિઓ મળી શકે ને!
આ કવિતાઓ વાંચીને આપણે પણ પૂછી બેસીએ: યે કૌન ચિત્રકાર હૈ?’ 17 મે 2006 એ જે દેહ નિશ્ચેતન બન્યો એમાં કેટકેટલાં કલાકારો વસતાં હતાં! ગીતકાર રમેશ, ગઝલકાર રમેશ, ચિત્રકાર રમેશ, વિચારક રમેશ.... આ કવિતાઓમાં વી. શાંતારામ કે સંજય લીલા ભણસાલીની ફિલ્મનાં ગીતોની જેમ જ રંગોની છોળો ઊડે છે. એ જ કલમનાં વધુ એક આચમન સાથે અટકીએ:-

“પતંગિયું નર્યા રંગની ઢગલી
એ ગાતું: હું છઉં પરમેશ્વરની પગલી!”
(not sure about exact words)
- © ડો. જય મહેતા

No comments:

Post a Comment