Tuesday, October 20, 2020

પુનરાગમન – થોડાં જગતનાં આંસુઓ, થોડા મરીઝનાં શેર

 


થોડાં જગતનાં આંસુઓ, થોડાં મરીઝનાં શેર,

લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર?

-    સૌમ્ય જોશી

મરીઝ ગુજરાતી ગઝલનું સર્વોચ્ચ શિખર છે. એ ગુજરાતનાં ગાલિબ છે. એવું કંઈ જ કહેવું નથી. મરીઝને આપણે મરીઝ જ રહેવા દઈએ એ જ સારું છે. ચાર ચોપડી ભણેલાં એ શાયરે એવી શાનદાર અને જાનદાર ગઝલો આપી કે એમનાં વિષે લોકો Ph.D. થયા, બેગમ અખ્તરથી લઈને મન્નાડે અને જગજીતસિંઘ જેવાં મહાન ગાયકોએ એમની ગઝલોને પોતાનો કંઠ આપ્યો.

આ પ્રતિભાવંત શાયર અને એમની ગઝલો વિષે અનેક પુસ્તકો લખાયાં છે. શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન સંપાદિત સમગ્ર મરીઝ એ વાચકોના હ્રદયમાં સ્થાન જમાવ્યું છે. જો કે અન્ય એક પુસ્તકમાં તો મરીઝની શાયરી કરતાં શરાબની લતને જ કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યું હોય એવું લાગે છે. દુ:ખની વાત એ જ છે કે ક્યારેક લોકોને કવિના કવિકર્મ કરતાં અંગત જીવનમાં વધારે રસ હોય છે. સાહિર–અમૃતા–ઇમરોઝ ના સર્જન કરતાં એમનાં સંબંધોની ચર્ચાઓ વધારે થતી હોય છે. જો કે, આજે જે પુસ્તકની ચર્ચા કરવી છે એમાં એવી કોઈ વાત નથી.

“પુનરાગમન: મરીઝ – સંપૂર્ણ શાયરી”; સંપાદન અપૂર્વ આશર, પ્રકાશન: નવજીવન ટ્રસ્ટ. મરીઝના ચાહકો માટે આ એક one stop solution જેવું પુસ્તક છે. એમાં આગમન’, નકશા અને દર્દ (જે ચંદ્રશેખર ઠકકુર તબીબએ ઉઠાંતરી કર્યો હતો) આખા સંગ્રહો તો છે જ પરંતુ મજાની વાત એ છે કે એમાં એમનાં મુકત શેર, રુબાઈઓ, મુક્તકો, નઝમો વગેરે પણ સમવાયા છે. ચાહકો ઉપરાંત કોઈ અભ્યાસુને પણ ઉપયોગી થાય એ રીતે સર્જકની ડાયરીનાં પાનાં પણ મૂકવામાં આવ્યા છે. મરીઝ સાહેબની આપણને અતિપ્રિય રચનાઓ એમનાં હસ્તાક્ષરોમાં વાંચવાનો રોમાંચ શબ્દાતીત છે. સાથેસાથે, એમનાં પ્રકાશિત શેર, એમણે કરેલ ફેરફારો તારીખ સહિત અપાયાં છે જે એક અપ્રતિમ શાયરની સર્જનપ્રક્રિયાને સમજવામાં ખૂબ ઉપયોગી થાય છે. મુફલિસીને આત્મસાત કરનાર મરીઝ સાહેબ ગઝલો ક્યારેક છુટ્ટી ચબરખી પર તો ક્યારેક સિગારેટનાં ખોખાં પર કે કોઈ રફ કાગળ પર ટપકાવી લેતાં એ પણ અહીં ગ્રંથસ્થ થયાં છે જે નોંધવું પડે.

પુનરાગમન ને સવિશેષ બનાવે છે એમાં છપાયેલ બયાનો – શ્રી હરિન્દ્ર દવે, કવિશ્રી પોતે, એમનાં પુત્ર મોહસીનભાઈ વગેરેના નિવેદનો આ વિરાટ પ્રતિભાને સમજવામાં વાચકની વહારે આવે છે. ગ્રંથનાં અંતે રદીફ-કાફિયા પ્રમાણેની સંદર્ભ સૂચિ તેમજ જે તે ગઝલના સમગ્ર મરીઝ માં છપાયેલ પાનાં ક્રમની યાદી પણ મુકાયેલ છે. પેપર ક્વોલિટી અને પ્રિંટિંગની દ્રષ્ટિએ જોઈએ તો એક મનમોહક ગ્રંથ બની શક્યો છે એ વાત નકારી ન શકાય.


આ કૃતિની વધુ એક વિશેષતા ધ્યાને લઈને આપણે ગઝલોની ચર્ચા તરફ વળીશું. ગુજરાતી ગઝલનાં ઉત્તુંગ શિખર મરીઝ ની સાહિત્યપ્રીતિ અને કળા પ્રત્યેની સૂઝ કેવી હતી એના એક-બે પ્રસંગો અહીં મળે છે. કુંદનિકા કાપડિયાની સાત પગલાં આકાશમાં હપ્તાવાર પ્રગટ થઈ રહી હતી ત્યારે કોઈએ જાહેરમાં એની ટીકા કરતાં મરીઝ સાહેબે અધૂરી કૃતિનું વિવેચન એ વિવેકભંગ ગણાય એવો મત નમ્રપણે વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત એક મુશાયરાનાં આયોજકે એમની પાસે અભિપ્રાય મંગાવેલો એ સંદેશો એમની સર્જક તરીકેની સજાગતા દર્શાવે છે. એનો એક અંશ:-

“મુશાયરા તો થતાં રહે છે. એ સૌ મુશાયરામાંથી શ્રોતાવર્ગમાંથી ભલે એક કે બે દશકામાં કોઈ પ્રતિભાવંત ગઝલકાર સર્જાય તો મુશાયરાની તે પરમ સિદ્ધિ લેખવી જોઈએ અથવા તો શ્રોતાગણમાંથી કોઈ પણ જણ કોઈ એક કે બે શેરમાંથી દિલી સાંત્વન મેળવે, જીવનમાં ઋજુતા સિંચે, હ્રદયપંથે વિચરે તો તે પણ ઘણું ઘણું છે.”


મરીઝ સાહેબે એવાં કેટલાં શેર આપ્યાં હશે કે જેનાથી કોઈ દિલી સાંત્વન મેળવે, કે જીવન દ્રષ્ટિ કેળવે? જવાબ:- અસંખ્ય. એવાં પણ ભાવકો છે કે જેને હ્રદયમાં પીડાનાં શૂળ ખૂંચે ત્યારે મરીઝ સાહેબની ગઝલો પાસેથી શાતા મેળવતાં હોય છે. અને એમનાં શેર યાદ રહી જાય પછી ભૂલવા મુશ્કેલ છે, એવું એમણે ખુદ નોંધ્યું છે:-

“મારાં કવનનું આટલું ઊંડું મનન ન કર,

કઇંક યાદ રહી જશે તો ભુલાવી નહિઁ શકે.”

કઠોર પ્રયત્નપૂર્વક અને સભાનતાપૂર્વક અહીં એમની ગઝલોની ચર્ચા ટાળી હતી કેમ કે એક લેખમાં ચર્ચાય એવો એ વિષય નથી જ, તેમ છતાં એમનાં અમુક શેરનો આસ્વાદ ન કરીએ તો એ શાયરની અને ભાવકોની એમ બમણી તોહીન ગણાશે.

ગમે એવી ઊંડી વાતને પણ સરળતમ શબ્દોમાં વ્યક્ત કરવી એ એમની એક USP રહી છે. જેમ કે,

“હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ?

પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ!”

માનવીય સંવેદનોની અદ્ભુત અભિવ્યક્તિ માટે આ શેર હંમેશ યાદ રહેશે:-

“લાગણી, દર્દ, મોહબ્બત ને અધૂરી આશા;

એક જગા પર જો જમા થાય, હ્રદય થઈ જાય.”

માણસના જીવનમાં ચડતી-પડતી તો આવ્યાં કરે પણ નિષ્ફળતાના ગાળામાં પોતાની પ્રતિભા સામે કોઈ સવાલ કરે ત્યારે એને આ ચોટદાર શેર સંભળાવવાનું મન થાય:-

“કહો દુશ્મનને હું દરિયા જેમ પાછો જરૂર આવીશ,

એ મારી ઓટ જોઈ કિનારે ઘર બનાવે છે.”

(અતિશયોક્તિ માટે આગોતરી ક્ષમાયાચના સાથે) જેમ કોઈ આસ્તિકને જીવનની સમસ્યાઓના ઉકેલ ભગવદગીતાના કોઈ શ્લોકમાંથી મળી રહે, એમ જ મઝહબ-એ-મરીઝ ને માનનાર આવા કોઈ શેરમાંથી સાંત્વન મેળવે:-

“આ નાના નાના દર્દ તો થાતાં નથી સહન,

દે એક મહાન દર્દ અને પારાવાર દે.”

આ ચર્ચાનો તો કોઈ અંત નથી, એટલે જ મરીઝ સાહેબના આત્મનિવેદન સમા આ શેર સાથે અટકીએ:-

“જ્યારે કલા કલા નહીં જીવન બની જશે;

મારું કવન જગતનું નિવેદન બની જશે.”

                                                         -    © ડૉ. જય મહેતા

7 comments:

  1. Khub saras ...Tarikh e tankta mariz saheb...E jabardast vat 6...

    ReplyDelete
  2. Replies
    1. Thanks bhai...!!! Always glad and proud to get your compliments...!!!

      Delete
  3. Bau j srs chhe sir

    Yado no safar,
    Dill ni takrar kyak to ochhi thai ,
    Aam shayr ni shayri thi dill bi haas anubhavi jai.

    ReplyDelete