(આ લેખ લોકભારતી, સણોસરાના સામયિક ‘કોડિયું’ ના સપ્ટેમ્બર 2020 અંકમાં પ્રકાશિત
થયેલ છે.)https://lokbharti.org/admin/img/September-2020.pdf
“ચાંદ પર મેરા કૉપીરાઇટ હૈ!”
આ
વાક્ય કોઈ વૈજ્ઞાનિક, રાજનેતા કે કોઈ આંતરરાષ્ટ્રીય
સંસ્થાના વડાનું નથી. આ વાક્ય છે (કદાચ) ભારતનાં સૌથી લોકપ્રિય ગીતકારનું –
ગુલઝારનું. ઉત્તમ ગીતકાર, ઉમદા કવિ,
સંવેદનશીલ ફિલ્મમેકર, સ્ક્રીપ્ટરાઇટર,
વાર્તાકાર, નાટ્યલેખક, સંવાદલેખક, બાળસાહિત્યના સર્જક... ટૂંકમાં કહીએ તો વર્સેટાઇલ જિનિયસ.
આ
પ્રચંડ પ્રતિભાશાળી કલાકારના એક પરિમાણ – કાવ્યતત્વ વિષે થોડી વાતો કરવી છે.
ગુલઝાર સાહેબનાં ફિલ્મી ગીતો અને કવિતાની રેન્જ એટલી વિશાળ છે કે તેનાં પર અઢળક
પુસ્તકો લખાઈ ચૂક્યાં છે. એમની રચનાઓમાં લયની જબ્બર પ્રસ્તુતિ, ધ્વનિનો સુંદર પ્રયોગ (ચલ છૈયાં છૈયાં, ચપ્પા ચપ્પા
ચરખા ચલે, છૈ છપ્પા છૈ છપ્પાક છૈ ...) જીવનની ગહનતમ
ફિલસૂફીની સરળતમ સમજૂતી (ઝિંદગી તેરે ગમને હમે રિશ્તે નયે સમજાયે, મિલે જો હમે ધૂપ મેં મિલે, છાંવ કે ઠંડે સાયે, આનેવાલા પલ જાનેવાલા હૈ વગેરે), ‘દિલ’ ની એકદમ હટકે અભિવ્યક્તિ (“દિલ હૈ તો ફીર દર્દ
હોગા, દર્દ હૈ તો દિલ ભી હોગા” થી લઈને “દિલ તો બચ્ચા હૈ” જી
સુધી), ‘આંખ’
વિષય પરની વિશિષ્ટ રજૂઆત (“આંખે ભી હોતી હૈં દિલ કી ઝૂબાં;
આંખે ભી કમાલ કરતી હૈં, પર્સનલ સે સવાલ કરતી હૈં!).....
અને
હા, એમનાં કાવ્યાત્મક કલ્પનો (Imagery) વિષે તો આખું
થિસિસ લખી શકાય અને લખાયેલું પણ છે જ.
આવાં ગુલઝાર બ્રાંડના કલ્પનોનાં કેટલાક
ઉદાહરણો જોઈએ:-
·
દિન ખાલી ખાલી બર્તન હૈ ઔર
રાત હૈ જૈસે અંધા કૂંઆ (ઘરોન્દા)
·
હમને દેખી હૈ ઉન આંખો કી
મહકતી ખુશ્બુ,
હાથ સે છૂ કે ઈસે રિશ્તો કા
ઇલ્ઝામ ન દો.
·
એક અકેલી છતરી મે જબ આધે આધે
ભીગ રહે થે
આધે ગિલે આધે સુખે, સૂખા તો મૈં લે આઈ થી!”
અનેક
ગીતો એવાં પણ છે કે જે એમણે લખ્યાં હોય એની ખબર તો બહુ મોડી પડી હોય પણ લોકહૈયે
અને લોકજીભે બહુ પહેલાં ચડી ગયાં હોય. જેમ કે,
·
જંગલ જંગલ બાત ચલી હૈ, પતા ચલા હૈ,
ચડ્ડી
પહેન કે ફૂલ ખીલા હૈ, ફૂલ ખીલા હૈ.
આ
ઉપરાંત લગભગ દરેક વરઘોડામાં અચૂકપણે વાગતું આ ગીત:-
·
સપને મેં મિલતી હૈ ઓ કુડી
મેરી સપને મે મિલતી હૈ;
સારા
દિન સડકોં પે ખાલી રિક્ષે સા પીછે પીછે ચલતા હૈ!
વાહ!
શું ઉપમા આપી છે પ્રેમિકા પાછળ ફરતા પ્રેમી માટે! સંવેદનાસભર અને નજકાતભર્યા
ગીતોના સર્જક ગુલઝાર સાહેબે જ આ ગીત લખ્યું છે એ જાણીને ખૂબ નવાઈ લાગી હતી:-
·
ગોલી માર ભેજે મેં, ભેજા શોર કરતા હૈ.
ભેજે
કી સુનેગા તો મરેગા કલ્લુમામા!
એમણે
પોતે જ એક ઇન્ટરવ્યુમાં કહેલું છે કે એક ગેંગસ્ટર દારૂ પીને ગીત ગાય તો એ કાંઈ ‘દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યાં હૈ’ તો ન જ ગાય ને!
ફિલ્મના
ગીતમાં પાત્રના મનોભાવો અને જીવનની સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને ગીત લખાતું હોય છે
એટલે એ અર્થમાં ફિલ્મનુ ગીત કવિતાથી અલગ પડે છે. કવિતામાં કવિ પોતે સ્પષ્ટપણે
પોતાની વાત પોતાનાં શબ્દોમાં મૂકી શકે છે જે ફિલ્મના ગીતમાં બનતું નથી. આમ છતાં, ફિલ્મનાં ગીતોમાં પણ ક્યાંક ઊંડેઊંડે ગીતકારનું વિચારવિશ્વ પડઘાતું જોવા
મળે છે અને બારીકાઈથી જોતાં એની સિગ્નેચર સ્ટાઈલ પણ વરતાઈ આવે છે. જેમ કે ‘ચાંદ’ નું રૂપક આજ સુધીમાં અસંખ્ય ગીતોમાં
પ્રયોજાતું આવ્યું છે પરંતુ ગુલઝાર સાહેબની કલમે અવતરેલાં ગીતોમાં અને નઝમોમાં
ચંદ્ર પ્રત્યેનો દ્રષ્ટિકોણ સવિશેષ નોંધનીય રહ્યો છે.
‘મેરા કુછ સામાન’ પુસ્તકમાં એમના દોઢસોથી
વધારે ગીતો સમાવાયા છે અને એની પ્રસ્તાવનામાં એમણે પોતાના સૌપ્રથમ ગીતની
સર્જનપ્રક્રિયા સુંદર રીતે વર્ણવી છે અને એ ગીત છે: “મોરા ગોરા અંગ લઈ લે, મોહે શ્યામ રંગ દઈ દે.” બિમલ રોયની ફિલ્મ ‘બંદિની’ માં કલ્યાણી (નુતન) પોતાના પ્રિયપાત્રને મળવા જવા ઈચ્છે છે પણ મર્યાદા
એને રોકે છે. આ કશ્મકશમાં ચંદ્ર વધારો કરે છે, જાણે કે
વાદળમાથી ડોકિયું કરીને ખંધું હસતાં એ કહેતો હોય:- “કેવી રીતે જઈશ? હું ચાંદની ફેલાવી દઇશ તો સૌ તને જોઈ જશે.” કલ્યાણી ચિડાઈને કહે છે:-
“બદરી હટા કે ચંદા, ચુપકે સે ઝાંકે ચંદા, તોહે રાહુ લાગે બૈરી, મુસ્કાએ હૈ જી જલાઈકે
મોરા
ગોરા અંગ લઈ લે, મોહે શ્યામ રંગ દઈ દે, છૂપ જાઉંગી રાત હી મેં, મોહે પી કા સંગ દઈ દે.”
કાશ!
હું આટલી ગોરી ન હોત તો અંધારામાં છૂપાઈને મારા પ્રિયતમને મળી આવત!
ગુલઝાર
એક જગ્યાએ લખે છે: કવિતા વિષે એવું કહેવાય છે કે ANYTHING UNDER THE SKY CAN BE A SUBJECT OF POETRY પરંતુ જેમ જેમ લખતો ગયો એમ સમજાતું ગયું કે આસમાન તળે જ નહીં, આસમાનને પેલે પાર પણ અનેક તત્વો છે કે જે કવિતાનું કેન્દ્ર બની શકે છે.
બસ આ જ કારણ છે કે એમનાં ફિલ્મી ગીતો કે અન્ય રચનાઓમાં સૂર્ય-ચંદ્ર, રાત, આકાશ, ગેલેક્સી, સિતારાઓ વગેરે વારંવાર આવે છે. ‘મેરે અપને’ નું આ ગીત જુઓ:-
“રોઝ
અકેલી આયે, રોઝ અકેલી જાયે,
ચાંદ કટોરા લિયે ભિખારન રાત!”
અગાઉ
કહ્યું એમ ચંદ્ર પ્રત્યેનો ગુલઝારનો દ્રષ્ટિકોણ કઇંક અલગ છે અને એ દરેક ગીતમાં અલગ
રીતે પડઘાય છે. એટલું જ નહીં, હિન્દી સિનેમાના બદલાતાં
પવન પ્રમાણે પોતાનાં શબ્દોનું શઢ ફેરવનાર આ કવિએ ઈ.સ. 1963 માં ફિલ્મ ‘બંદિની’ માટે ચંદ્રને જે શબ્દોમાં અભિવ્યક્ત કર્યો
હતો એ જ ચંદ્રને ઈ.સ. 2002માં ફિલ્મ ‘સાથીયા’ માં કઈંક અલગ જ સ્ટાઇલમાં વ્યક્ત કરે છે:-
“ઓ
સાથીયા શામ કો ખીડકી સે ચોરી ચોરી નંગે પાંવ ચાંદ આયેગા,
ગલિયોં
સે આયેગા, સિટી બજાએગા, નીમ કે પેડ સે,
પાસ બુલાએગા.”
બેફિકરી
અને મસ્તીમાં જીવતો અમીર બાપનો દીકરો મોંઘી બાઇક પર હેડફોનથી સંગીત સાંભળતો જતો
હોય ત્યારે આ જ કલ્પન યોગ્ય લાગે ને!
કાવ્ય
આખરે શું છે? માનવમનમાં થતી ઊથલપાથલનું પ્રગટ સ્વરૂપ, બસ! જેમ ચહેરાનાં બદલાતાં હાવભાવ અરિસામાં અદ્દલ ઝીલાય એવું જ કઈંક. ‘ઘરોંદા’ ફિલ્મના ‘આબ-ઓ-દાના’ ગીતની બાબતમાં પણ કઈંક એવું જ છે ને! આ ગીતનાં પણ બે વર્ઝન છે: ડ્યુએટ
સ્વરૂપમાં શબ્દો છે ‘દો દીવાને શહેર મેં’. એક યુગલ મહાનગરમાં ઘર ખરીદવાના સપનાં જુએ છે ત્યારનાં શબ્દો:-
“જબ
તારે ઝમીન પર ચલતે હૈં, આકાશ ઝમીન હો જાતા હૈ.
ઉસ
રાત નહિઁ ફીર ઘર જાતા, વો ચાંદ યહીં સો જાતા હૈ.”
‘ઘર’ ના વિષયને ચાંદ પર પણ કેવું અજબ લાગુ પાડી
શક્યાં છે ગીતકાર! આ જ ગીતનું થોડું ગમગીન વર્ઝન – ભુપીન્દરના સ્વરમાં ગવાયેલું છે
અને એનાં શબ્દોમાં ‘રાત’ ને ઉપરનાં
શબ્દો સાથે સરખાવી જોજો:-
“દિન ખાલી ખાલી બરતન હૈ ઔર રાત હૈ જૈસે અંધા
કુંઆ
ઇન સુની અંધેરી આંખો મેં આંસુ કી જગહ આતા હૈ
ધુંઆ!”
ફિલ્મ
‘પરિચય’ ના ગીત ‘બીતી ના બીતાઈ
રૈના’ માં રાત અને ચાંદનો સંબંધ કઇંક આ રીતે મુકાયો છે:-
“ચાંદ
કી બિંદીવાલી, બિંદિવાલી રતિયા”
કોઈ
સ્ત્રીના મુખ પર મોટો, ગોળ ચાંદલો એ ચહેરાંની
શોભામાં અભિવૃદ્ધિ કરે એમ જ...
ગુલઝારિયતની
ચર્ચા થાય અને ‘આંધી’નો ઉલ્લેખ ન થાય
એ તો કેમ ચાલે? એક સમયના જીવનસાથીઓ અલગ થયાંના એકાદ દાયકા
પછી મળે છે અને રાતના સમયે ફરવા નીકળે છે. ફિલ્મના રાજકીય સંદર્ભને બાજુએ રાખીએ તો
પણ એ મિલન-વિરહ-મિલનના સિલસિલાને ચાંદના માધ્યમથી બખૂબી વ્યક્ત કરાયો છે એ નોંધવું
જ પડે. અહમદ ફરાઝ યાદ આવે:
"અબ
કે હમ બીછડે તો કભી ખ્વાબોં મે મિલે, જૈસે સુખે
હુએ ફૂલ કિતાબોં મેં મિલે!"
હિન્દી
ફિલ્મ ઇતિહાસનાં ક્લાસિક કહી શકાય એવાં ગીતોમાનું એક 'તેરે બીના ઝિંદગી સે કોઈ શિકવા તો નહિ' નાં શબ્દો:-
તુમ
જો કેહ દો તો આજ કી રાત ચાંદ ડૂબેગા નહીં
'રાત કી બાત હૈ ઔર ઝિંદગી બાકી તો નહીં'.
રાજનેતા
તરીકે સફળ કારકિર્દી બનાવી ચૂકેલી આરતીદેવી દિવસે તો જે.કે.ને મળી શકે એમ નહોતી જ
એટલે સંબંધનો ધબકાર રાત્રે જ ઝીલવાનો હતો.
ફિલ્મ
'લેકિન' માટે લખાયેલ એક ગીતની પંક્તિ જોઈએ:-
"મૈં
એક સદી સે બૈઠી હું, ઇસ રાહ સે કોઈ ગુઝરા નહિઁ
કુછ
ચાંદ કે રથ તો ગુઝરે થે, પર ચાંદ સે કોઈ ઉતરા
નહિઁ."
આ
વાંચતાં અમેરિકન કવિ એમીલી ડિકીન્સન ની રચના 'Because I Could Not Stop
for Death’ યાદ આવે જ્યાં મૃત્યુ રથ લઈને આવે છે અને કાવ્યનાયકને
આરામથી, હાથ પકડીને રથમાં બેસાડીને અનંતની યાત્રાએ લઈ જાય છે
.
એમની
અત્યારની ફિલ્મોની વાત કરીએ તો 'ચાચી 420' ના એક ગીતમાં એ ચાંદને ખીંટી પર ટાંગવાની વાત કરે છે તો 'ઓમકારા' માં 'મેં ચાંદ નિગલ ગઈ
દઇયાં રે, અંગ પે ઐસે છાલે પડે' એવું
પણ લખે છે. ફિલ્મ 'કમીને' નું આ ગીત
કેમ ભૂલાય?
"કભી
ઝિંદગી સે માંગા પિંજરે મે ચાંદ લા દો, કભી લાલટેન
લે કે કહા આસમાં પે ટાંગો!"
માણસની
ઇચ્છાઓની સૃષ્ટિ કેવી અજીબોગરીબ હોય છે અને કવિ કેવી સુંદર રીતે એને અભિવ્યક્ત કરી
શકે છે. એક જ ચંદ્રના આટઆટલાં મેઘધનુષી રંગો આપણી સમક્ષ પ્રસ્તુત કરનાર કવિ, ગીતકાર ગુલઝારને એટલે જ આશા ભોંસલે હળવાશથી કહેલું:- "તમારું કોઈ
ગીત ચાંદ વિના પૂરું જ નથી થતું ને!"
હિન્દી
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ચમકદમકભરી, માયાવી, આભાસી અને લપસણી દુનિયામાં રહીને પણ દાયકાઓ સુધી સુંદર સાહિત્યસર્જન
કરતાં રહેવું એ કોઈ નાની ઉપલબ્ધિ નથી. આ પુસ્તકમાંથી પસાર થતાં 'ચાંદ' વિશેનાં જેટલાં નિરીક્ષણો ધ્યાને આવ્યાં એ અહી
ચર્ચ્યા છે બાકી ગુલઝારના ગીતોને અન્ય કોઈ વિચાર, વિષય કે
કલપનના પ્રિઝમથી જોઈએ તો ચોક્કસ નવી અર્થછાયાઓ મળી આવશે જ. એમણે વિકસાવેલ
કાવ્યપ્રકાર 'ત્રિવેણી' ના એક ઉદાહરણથી
ચર્ચાને વિરામ આપવાનું યોગ્ય રહેશે:-
"મા
ને જિસ ચાંદ સી દુલ્હન કી દુઆ દી થી,
કલ
રાત ફૂટપાથ સે દેખા મૈંને
રાતભર
રોટી નઝર આયા હૈ મુજે વો ચાંદ."
- © ડો. જય મહેતા