(ભાગ - 01)
हमने बना लिया
है, नया फिर से आशियाँ,
जाओ यह बात फिर
किसी तूफां से कहो।
-कतील शिफाई
માણસ કોઈ પરીક્ષા પાસ કરવા માટે, કોઈ સ્પર્ધા જીતવા માટે, કોઈ ડિગ્રી મેળવવા માટે, કે અન્ય કોઈ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા માટે મહત્તમ કેટલા પ્રયત્નો કરી શકે? પાંચ, દસ, પંદર, વીસ, ત્રીસ, બત્રીસ...?એનાથી વધારે તો નહિ જ ને! સિવાય કે એનું નામ દશરથ માંઝી હોય, તો વાત અલગ છે. આટલા પ્રયત્નોમાં પણ આસપાસના લોકો એને અટકી જવાનું સમજાવતા હોય અથવા તો એ પોતે જ હારીને, કંટાળીને હથિયાર મૂકી દેતો હોય. જો કે માણસ જ્યારે જ્યારે પરાજયની સ્વીકૃતિ સ્વરૂપે શસ્ત્રો મૂકી દે ત્યારે કોઈ દિવ્ય ચેતના ફરીથી એનામાં શૌર્યનો સંચાર કરવા કોઈપણ સ્વરૂપે આવી પહોંચતી હોય છે. અર્જુનને વિષાદમાંથી બહાર લાવવા યોગેશ્વર શ્રીકૃષ્ણએ કાલાતીત, અમર મોટીવેશનલ સ્પીચ આપી હતી - ભગવદ્ ગીતા સ્વરૂપે. આપણાં જેવાને ક્યારેક કોઈ નવલકથા કે કવિતા પણ तस्माद उतिष्ठ कौन्तेय કહી જતી હોય એવું બને.
માણસનો અંતરાત્મા એ જ એનું
બ્રહ્માસ્ત્ર છે. અસંખ્ય પ્રયાસો નિષ્ફળ જાય છતાંય એ જ ઉત્સાહથી મચ્યા રહેવાની, હારી હારીને
જીતવાની, માણસના પુરુષાર્થની વિજયપતાકા લહેરાવતી એક ક્લાસિક અમેરિકન નવલકથા
એટલે અર્નેસ્ટ હૅમિંગ્વે લિખિત 'ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી'.
ક્યુબાના દરિયાકિનારે એક સાધારણ, વૃદ્ધ માછીમાર રોજ ટાંચા સાધનો સાથે
દરિયામાં માછલી પકડવા જાય અને રોજ એકપણ માછલી પકડ્યા વગર ખાલી હાથે પાછો આવે. આ
સિલસિલો સતત 84 દિવસ ચાલે છે. જી હા, ચોર્યાશી દિવસ! આટલાં પ્રયત્નો નિષ્ફળ
જવા છતાં એ માણસ હારવાને બદલે પોતાની જાતને એક અનોખી ચેલેન્જ આપે છે - સૌથી મોટી
માછલી પકડી લાવવાની. સ્વાભાવિક છે કે આસપાસનાં લોકો દ્વારા એને પાગલ ઠરાવવામાં આવે
છે. નવલકથા વિશે આગળ વાત કરીએ એની પહેલાં એનાં લેખક વિશે થોડું જાણી લઈએ.
21 જુલાઈ 1899 ના રોજ જન્મેલા આ અમેરિકન પત્રકાર, નવલકથાકાર અને વાર્તાકાર અર્નેસ્ટ
હૅમિંગ્વેએ શરૂઆતમાં પ્રથમ વિશ્વયુદ્ધમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે કામ કર્યું
હતું. ત્યાં ઘવાયા, અને ઘરે પરત ફર્યાં. ઇલીનોસથી પેરિસ, ત્યાંથી સ્પેન, ત્યાંથી લંડન, ત્યાંથી આફ્રિકા....
ખૂબ રખડયાં, અનેકવાર ઘાયલ થયાં, મરતાં મરતાં બચ્યાં અને આખરે જુલાઈ 1961નાં એક દિવસે એમણે જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. નિયતિનો
ખેલ જુઓ કે કોઈ વ્યક્તિ આપઘાત કરવા જતી હોય એ જો 'ઓલ્ડ મેન એન્ડ ધ સી' વાંચે તો કદાચ એનો
મરવાનો વિચાર માંડી વાળે અને એ જ નવલકથા લખનારે પોતે આત્મઘાતી પગલું ભર્યું હતું.
બાળપણથી સાહસિક રમતોનાં શોખીન
હૅમિંગ્વેએ યુદ્ધભૂમિ પર પણ શૌર્ય ઝળકાવ્યું હતું. કદાચ એટલે જ યુદ્ધભૂમિ એમની
અનેક કૃતિઓમાં બેકગ્રાઉન્ડ તરીકે આવે છે.
એમનું અંગત જીવન તો ઉથલપાથલભર્યું અને રોમાંચક રહ્યું જ છે પરંતુ
એમની લેખનશૈલી પણ સવિશેષ નોંધનીય છે. સરળ શબ્દો, સાદી વાક્યરચના અને થોડામાં ઝાઝુ
કહેવાની કળા એમને હસ્તગત હતી. એમણે 'ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી' ને પોતાની શ્રેષ્ઠ
કૃતિ ગણાવી હતી. નોબેલ અને પુલિત્ઝર વિજેતા આ કૃતિ કે જે બે મહિનામાં લખાઈ હતી અને
સદીઓ સુધી લેખકને અમર કરી ગઈ.
તેઓ માનતાં હતાં કે લેખકે કોઈ કૃતિમાં બધું જ સ્પષ્ટપણે કહી દેવાની
જરૂર નથી. કેટલુંક તો અધ્યાહાર રાખવું જોઈએ. પાણીમાં રહેલી હિમશીલાની ટોચ (10% ભાગ) જ બહાર દેખાય એવી રીતે લેખકે 90% બાબતો વાચકની સમજણ કે સજ્જતા પર છોડવી
જોઈએ. 'ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી' કેમ ફક્ત સો પાનાંની નવલકથા છે એ સમજી
શકાય છે.
આપણે પણ લેખમાં બધુ આજે જ કહી દેવાની જરૂર નથી. આ
નોવેલના કથાનક વિષે વિસ્તારથી ચર્ચા કરીશું – આવતા ભાગમાં. એટલે કે,
ક્રમશઃ
પરંતુ, જતાં પહેલાં....
હિન્દીના સુખ્યાત કવિશ્રી હરિવંશરાય બચ્ચનજીની અમર
રચનાના આ શબ્દો મને સેંટિયાગોના પાત્ર માટે એકદમ યથાયોગ્ય લાગે છે:-
“तू न
थकेगा कभी,
तू न रुकेगा कभी,
तू न मुड़ेगा कभी,
कर शपथ, कर शपथ, कर
शपथ,
अग्निपथ अग्निपथ
अग्निपथ।“
બહુ જ સરસ અને સંક્ષિપ્તમાં ઘણું કહી દેતો લેખ.... બીજો ભાગ મળતો નથી.કદાચ શોધવામાં મારી અણઅવડત હશે.જો હોય તો મને લિન્ક અથવા કોપી મોકલી શકો ?
ReplyDelete- પ્રા.સનત ત્રિવેદી.
જસાણી કોલેજ , રાજકોટ
sanatjtrivedi@gmail.com
ઉપર જવાબ આપવા વિનંતી
Hello sir,
Deleteસૌપ્રથમ તો ક્ષમાપ્રાર્થી છું કે ઘણા સમય પછી રિપ્લાઇ કરી રહ્યો છું અને ખૂબ આભારી છું કે આપે આટલા પ્રોત્સાહક શબ્દો કહ્યા.
નીચે આપેલ લિન્ક પર ક્લિક કરવાથી આપ એ લેખ વાંચી શકશો:-
https://jaynmehta.blogspot.com/2020/11/02.html
Thanks...