Tuesday, November 3, 2020

ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી: માણસના પુરુષાર્થની વિજયપતાકા લહેરાવતી નવલકથા (ભાગ - 02)

The greatest pleasure in life is doing what people say you cannot do.”

-     Walter Bagehot 

ગયા લેખમાં આપણે હેમિંગ્વેના જીવન વિષે, એમની લેખનશૈલી વિષે તેમજ આ નવલકથા વિષે કેટલીક બાબતો ચર્ચી હતી. હવે આગળ.......

(ફિલ્મજગતની ભાષામાં કહીએ તો “Spoilers ahead” જેવી વાત છે પણ ખરી અને નથી પણ કેમ કે આ નવલકથા નો ઘટનાક્રમ તો એની સપાટી માત્ર છે. દરિયાના ઊંડાણ જેમ કિનારેથી નથી માપી શકાતા, એમ જ આ plot outline થી નવલકથાના હાર્દને પામી ન શકાય. એના માટે તો આ નાનકડી અને સરળ ભાષામાં લખાયેલી કૃતિ વાંચવી જ રહી.)

આમ જુઓ તો આ નવલકથામાં વાત તો એટલી જ છે કે 85 દિવસો સુધી સતત માછીમારીનાં નિષ્ફળ પ્રયત્નોને કારણે તેને ગામલોકો અપશુકનિયાળ ઠરાવે છે. મેનોલીન નામનો એમનો શિષ્ય કહી શકાય એવો એક છોકરો પ્રબળ ઈચ્છા છતાં તેને મળી શકતો નથી કેમ કે એનાં માતાપિતા એને કોઈ સફળ માછીમાર ની સંગત કરવાની સૂચના આપે છે. કોઈ માણસની બાહ્ય સફળતા-નિષ્ફળતા પ્રમાણે એનું મૂલ્યાંકન કરવાની અને ઉગતા સૂરજને પૂજવાની સમાજની તાસીર હોય છે.

લગભગ ત્રણ મહિના સુધી સરિયામ નિષ્ફળ થયેલ માછીમાર જ્યારે સૌથી મોટી માછલી પકડવાનો સંકલ્પ કરે તો સમાજ એને પાગલ જ ઠેરવે ને! જો કે, વિશ્વની મહાનતમ શોધો અને ક્રાંતિકારી પરિવર્તનો એક સમયે પાગલપન લાગતાં વિચારનું સર્જન રહ્યાં છે. બસ, એટલું જરૂરી છે કે વ્યક્તિને પોતાને એ વિચાર પર અડગ ભરોસો હોવો જોઈએ અને તેને અમલમાં મુકવાની ધગશ હોવી જોઈએ.


અન્ય દિવસોની જેમ એ પંચ્યાશીમાં દિવસે પણ સેન્ટિયાગો પોતાની નાવ અને સાધનો લઈને દરિયો ખૂંદવા નિકળી પડે છે. બપોર સુધીમાં એક વિરાટકાય માછલી એના બેઇટ (મોટી માછલી પકડવા માટે જાળમાં વપરાતી નાની માછલીવાળો કાંટો) પકડે છે અને સેન્ટિયાગો સમજી જાય છે કે એ સૌથી મોટી માછલી માર્લિન છે જેનો એણે શિકાર કરવાનો હતો. ખરાખરીનો જંગ જામે છે બંને વચ્ચે. માછલી પોતાનાં જીવન માટે અને માછીમાર પોતાનાં જીવનની સાર્થકતા માટે સતત ઝઝૂમે છે. સળંગ બે દિવસ અને બે રાત સુધી બેમાંથી એકપણ મચક આપતું નથી. આ સંઘર્ષમાં બંને ઘાયલ થાય છે પણ કોઈ હાર માનવા તૈયાર નથી. આખરે સેન્ટિયાગોનું ચટ્ટાન જેવું મનોબળ જીતે છે. એ મહાકાય માર્લિન પર હુમલો કરીને એને મારવામાં સફળ થાય છે. જો કે, આ તબકકે "ખાધું, પીધું, રાજ કીધું" નથી થતું. માછલીના વિરાટ મૃતદેહને કિનારે લાવવાની સફરમાં બીજો એક પડકાર સેન્ટિયાગો સામે મોઢું ફાડીને ઉભો હોય છે. શિકારના સંઘર્ષ દરમ્યાન માર્લિનનું લોહી દરિયામાં વહ્યું હોય છે જેની ગંધથી આકર્ષાઈને એને ખાવા શાર્ક આવી પહોંચે છે. શરૂઆતમાં તો એ કેટલીક શાર્કસને ઘાયલ કરીને ભગાડી દેવા મથે છે પણ પછી આખો કાફલો આવે છે જે માર્લિનનું માંસ ખાવા લાગે છે. એની સામે સાંટિયાગો નિઃસહાય બને છે અને શાર્ક માર્લિનનું માત્ર હાડપિંજર બાકી રહેવા દે છે, જેને લઈને આ વૃદ્ધ માછીમાર ગામ પાછો આવે છે. ગામલોકો એના સાહસ અને શૌર્યને બિરદાવે છે અને તેનો તરુણ શિષ્ય મેનોલિન એની સેવામાં લાગી જાય છે. વાર્તાને અંતે તે પોતાની ઝૂંપડીમાં સૂતો હોય છે અને સિંહો વિશે સપનું જોતો હોય છે. આફ્રિકન સિંહો આ કૃતિમાં વીરત્વના પ્રતિક સ્વરૂપે વારંવાર ઉલ્લેખાયા છે.


વિશ્વસાહિત્યમાં સહાસકથાઓ તો અનેક લખાઈ છે પણ આ નવલકથાની વિશેષતા છે એમાંથી મળતો જિંદગી જીવવાનો ગુરુમંત્ર છે અને એ ગુરુમંત્ર છે:- NEVER GIVE UP.

ચાચા હૅમિંગ્વેએ જે ક્વોટેબલ કવોટ્સ જેવાં વાક્યો મૂક્યાં છે એ તો વાચકોના મનોજગત પર કંડારાઈ ગયાં છે. જેમ કે,

"Man is not made for me for defeat, he said.

Man can be destroyed but not defeated."

અંગ્રેજી સાહિત્યનાં કેટલાંક અમર વિધાનો પૈકીનું એક આ વાક્ય કોઈપણ માણસને કોઈપણ સંજોગોમાં કોઈપણ સ્થળકાળમાં પ્રેરણા આપી જાય એવું છે. માણસને ખતમ કરી શકાય પણ એ પોતે હાર કબૂલે નહીં ત્યાં સુધી એને હરાવી ન જ શકાય. ફાંસીનો ગાળિયો ભગતસિંઘને હરાવી શક્યો? ગોડસેની ગોળી ગાંધીજીને ખતમ  કરી શકી? સોક્રેટિસ કે મીરાંબાઈ ઝેરનાં કટોરાથી પરાસ્ત થયાં? વધસ્તંભથી જીસસ હાર્યા? માત્ર એ સૌનાં પાર્થિવ દેહનો નાશ થયો પણ પોતાનાં વિચારો થકી એ અમરત્વ પામ્યાં.

હવે આ જુઓ:-

"I may not be as strong as I think but I know many tricks and I have resolution."
માણસ ક્યારેક લઘુતાગ્રંથિ અને ગુરુતાગ્રંથિ વચ્ચે ઘડિયાળના લોલકની જેમ ઝોલાં ખાતો હોય છે. સફળતા ગુરુતાગ્રંથિ જન્માવે અને નિષ્ફળતા વ્યક્તિને લઘુતાગ્રંથિની ખીણમાં ગરકાવ કરી મૂકે એવું બની શકે. એ બન્ને અંતિમોની વચ્ચે સમતોલપણુ જળવાઈ રહે એ જરૂરી છે. માત્ર પ્રતિભાશાળી હોવું પૂરતું નથી, સાથે ટેક્નિકસ આવડવી જોઈએ અને સૌથી અગત્યની બાબત છે:- દ્રઢ નિર્ધાર.

આ નવલકથા ની અન્ય એક નોંધનીય બાબત એ છે કે એમાં જીવનમરણની લડાઈ અને સંઘર્ષ હોવા છતાં તેનાં નાયકમાં ક્યાંય ક્રોધ, નફરત, ઈર્ષ્યા, દ્વેષ કે પ્રતિસ્પર્ધાની લાગણી જોવા મળતી નથી. તે માર્લિન (માછલી) ને પણ આદરપૂર્વક સંબોધન કરે છે અને દુઃખ વ્યક્ત કરે છે કે એણે માછીમાર હોવાનાં નાતે એનો શિકાર કરવો પડે છે.

મધદરિયે એને કોઈ પ્રેરણાના ઝરણાની જરૂર પડતી નથી. એ પોતે જ પોતાને મોટિવેટ કરવા પર્યાપ્ત છે. એ કહે છે, આશા ગુમાવી દેવી એ તો પાપ છે, મુર્ખામી છે. માછીમારીના સંઘર્ષ દરમ્યાન એને હાથમાં ઇજા થાય છે અને થાકી જાય છે ત્યારે વિચારે છે કે સારું છે માણસે સૂર્ય કે ચંદ્રનો શિકાર કરવા જવું પડતું નથી. 'ગ્લાસ અર્ધો ભરેલો છે' વાળી વાત!

સ્વજનની અસાધ્ય બીમારી કે મૃત્યુ, પરીક્ષા કે નોકરીમાં નિષ્ફળતા, રમતગમત કે અન્ય કોઈ ક્ષેત્રે હાર-જીત, પ્રેમીનો વિયોગ કે બ્રેકઅપ..... વિષમતાઓ, મુશ્કેલીઓ તો દરેકની જિંદગીમાં આવતી જ રહેવાની. "THIS TOO SHALL PASS" એ યાદ રાખવું જોઈએ.

પ્રચંડ પુરુષાર્થ, મક્કમ મનોબળ અને પરમાત્માને પ્રાર્થના - આ ત્રણ આયુધોથી કોઈપણ યુદ્ધ જીતી શકાતું હોય છે, એ આ નવલકથામાંથી શીખવા મળે છે.

કવિ અનિલ ચાવડાનાં શેરથી સમાપન કરીએ:-

"જ્યારથી એ જણ કશાકની શોધમાં છે;

ત્યારથી આખુંયે જગત વિરોધમાં છે."

                                              - © ડૉ. જય મહેતા

5 comments: