Tuesday, November 10, 2020

તત્વમસિ – જબ કહીં પે કુછ નહીં ભી નહીં થા, વહી થા, વહી થા!

 


પ્રકૃતિની ગોદમાં ઉછરતાં આ જનોને પ્રકૃતિએ મુક્ત આનંદનું મહાદાન કરેલું છે. દેશના કોઈપણ ખૂણે જાઓ, આ આનંદના મૂળ જોવા મળવાનાં જ છે. પ્રકૃતિ સાથેનો આ તાદાત્મ્ય-ભાવ દરેક ભારતીયને પેઢી દર પેઢી વારસામાં મળતો રહ્યો છે. કદાચ આ આનંદને જ આધ્યાત્મિકતા કહેવાતી હશે? જો એવું હોય તો તે, પણ દરેક માનવીના મનમાં તેનો વાસ કોઈ ને કોઈ સ્વરૂપે છે. ક્યાંક કોઈ મનુષ્યમાં આ આનંદ પોતાના પરમ સ્વરૂપે પ્રગટે છે ત્યારે તે માનવી દેવત્વ લઈને ઊભો થાય છે. કહે છે, અહં બ્રહ્માસ્મિ’. તે પૂજાથી, ધર્મથી, વિધિ-વિધાનથી પર થઈ જાય છે. એ પોતે પણ પ્રકૃતિ જેવો જ નિર્મળ અને શ્રદ્ધેય બની રહે છે. પછી તે નમાજી બને કે ન બને, બંદગી તેને છોડીને જઈ શકતી નથી. અહં બ્રહ્માસ્મિ સમજાવા સાથે જ સમજાય છે કે ખરેખર તો અહં જેવું કંઈ જ અસ્તિત્વમાં જ નથી. જે છે તે બધું જ તત્વમસિ છે.”

તત્વમસિ – તે તું જ છે. કૂન ફાયા કૂન.. સદીઓથી માણસને ઈશ્વરના અસ્તિત્વ અંગે પ્રશ્નો થતાં આવ્યાં છે અને એ પ્રશ્નોના પ્રવાસમાં એને જીવનદર્શનના અનેક મોતીઓ મળતાં આવ્યાં છે. એવું જ એક વિચારમોતી છે – પ્રકૃતિમાં પરમતત્વનું પ્રાગટ્ય. અંગ્રેજ કવિ વિલિયમ વર્ડ્સવર્થ તો કુદરતને જ ઈશ્વરનું સ્વરૂપ ગણતાં. જો કે, આટલું વાંચી એવું ન ધારી લેવું કે આ કોઈ ગહન ફિલસૂફી કે શાસ્ત્રાર્થના પુસ્તકની વાત છે. અઘરી વાતોને પણ શીરાની જેમ ગળે ઉતરી જાય એવી રસાળ શૈલીમાં સમજાવતા ગુજરાતી નવલકથાકાર શ્રી ધ્રુવ ભટ્ટની નવલકથા તત્વમસિ ની ચર્ચા કરવી છે. આ નવલકથા કોણે વાંચવી જોઈએ? જેને પ્રકૃતિ કે પર્યાવરણ પ્રત્યે નિસ્બત હોય, અધ્યાત્મમાં રસ હોય, નર્મદા પરિક્રમા અંગે ઉત્સુકતા હોય, સાહિત્ય સ્વરૂપ તરીકે નવલકથા ગમતી હોય, માનવીને કે માનવજીવનને, લોકજીવનને સમજવા ઇચ્છતા હોય એમણે..... એટલે કે કોઈપણ ગુજરાતીએ વાંચવી જોઈએ. બાળપણથી જ વિદેશમાં વસેલ એક યુવાનને સંજોગોવશ ભારત આવી નર્મદાકિનારે એક આશ્રમમાં રહેવાનું થાય છે. હાડોહાડ પશ્ચિમી સંસ્કૃતિથી જીવનાર માણસને અચાનક એકદમ અંતરિયાળ વિસ્તારમાં ગ્રામ્યજીવન જીવવાનું આવે તો એની કેવી દશા થાય! એકાદ સદી પહેલાં કેટલાક બેવકૂફ અંગ્રેજો જેમ ભારતને “જાદુગરો અને મદારીઓનો દેશ” ગણાવતાં એવી જ કોઈ ચીડ એને લોકજીવન અને એની પરંપરાઓ પ્રત્યે થાય, ત્રાસીને ત્યાંથી ભાગી છૂટવાનું મન થાય પણ ઊંડેઊંડે કોઈક અદ્રશ્ય દોર એને એ સ્થળ સાથે બાંધી રાખે – (કચ્ચે ધાગે સે બંધે લોગ ચાલે આતે હૈં). જો કે એ મુશ્કેલીઓમાંથી પણ કંઈક તો શીખવાનું મળે જ છે. પ્રકૃતિનો સમગ્ર કાર્યક્રમ પૂર્વનિર્ધારિત જ હોય છે. એ Divine Design કદાચ શરૂઆતમાં ન સમજાય પણ આગળ જતાં જ્યારે સમજાય ત્યારે અજબ આનંદ અને નિરાંત અનુભવાય અને એ સમજવા માટે પ્રકૃતિના સાન્નિધ્યમાં રહેવું જરૂરી છે. આટલી સરળ વાત જંગલમાં વસતાં આદિવાસીઓ સમજે છે પણ શહેરીજનો એ સમજી શકતાં નથી. એટલે તો ખેતરની જમીનનું NA કરીને ત્યાં વિશાળ હોટેલ બનાવી તેમાં બળદગાડું અને ગાયના ચિત્રો મૂકી ગામઠી ટચ આપે છે! એવાં ટચ ને બદલે પ્રકૃતિનો સ્પર્શ કરવો હોય તો નદીકિનારે રખડવું પડે. દર વર્ષે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીની પરિક્રમા કરતાં લાખો લોકોની જેમ. શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ મળે છે, શિવની પુત્રી પણ ગણાય છે એવી નર્મદા નદી વિષે ખૂબ લખાયું છે – શંકરાચાર્યના સ્તોત્રથી લઈને લોકગીતો સુધી. અહીં નર્મદા પરિક્રમા વિષે અમૃતલાલ વેગડનાં ત્રણ પુસ્તકોને પણ યાદ કરવાં પડે.


પરંતુ આ નવલકથામાં એવું શું ખાસ છે? કદાચ બધુ જ. પાત્રો, સંવાદો, કથાનક, પ્રસંગો, વર્ણનો ... ફરીફરીને વાંચવાનું મન થાય. બિત્તુબંગા, પુરીયા, ગંડુ ફકીર જેવા પાત્રો તો મન પર કબ્જો જમાવી લે. ભાવુક વાચકને પાત્રો સાથે પ્રેમ થઈ જાય અને પુસ્તક વાંચતી વખતે તેમજ પૂરું કરતી વખતે આંખો ભીંજાયા વગર રહે જ નહીં. એક જરૂરી આડવાત: - આ નવલકથા પરથી રેવા નામે જે, સુંદર અને હ્રદયસ્પર્શી ફિલ્મ બની છે તે પણ સંવેદનશીલ દર્શકની આંખો આંસુઓથી અને હ્રદય પરમસુખથી તરબતર કરી દે એવી છે. આખી ફિલ્મ ઓનલાઈન અવેલેબલ છે અને ટીવી પર પણ આવી ચૂકી છે. પુસ્તકનાં ફિલ્મ રૂપાંતરણ વિષે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ તો ખાસ આ ફિલ્મ વિષે રીસર્ચ કર્યા જેવું છે. આ નવલકથા અને ફિલ્મ રેવા બંને પતે ત્યારે ભાવકની આંખો નીર વહાવે જ એમાં શંકાને સ્થાન નથી.


પુસ્તક નો વિચાર કેટલાંક નાનકડા વાક્યોમાં બખૂબી વ્યક્ત થાય છે. જેમ કે,

“નદી ડૂબાડે કે રક્ષા કરે?” – “એ તો જેવી જેની શ્રદ્ધા, દિકરા!”

“ધર્મમાં શ્રદ્ધા ન હોય તો ચાલશે, પણ માણસને શ્રદ્ધા હોવી જોઈએ.”

“ફકીર સમઝતે હૈં લોગ મુઝે. મૈં અપને આપસે ધોખા નહિઁ કર સકતા.”

“ઇહાં તો સબ નર્મદા હી હોવે હૈ.”

આ છેલ્લું વાક્ય ફક્ત નર્મદાના અમરકંટકથી સમુદ્ર સુધીના 1200 માઈલના ભૌતિક વ્યાપ માટે જ નથી પરંતુ નદીનું સમગ્ર અસ્તિત્વ સાથેનું તાદત્મ્ય પણ વ્યક્ત કરે છે. નદી જીવનની ભુલભુલામણીમાં સાચી રાહ બતાવે એ વાત હરમન હેસની નવલકથા સિદ્ધાર્થ માં પણ સરસ રીતે સમજાવાઈ છે; એવું  તત્વમસિ વિષે કહી શકાય. આ ઉપરાંત, પ્રકૃતિ વર્ણનો, પાત્રસૃષ્ટિ, જીવનદર્શન વગેરેની વાત પછી ક્યારેક.

- © ડૉ. જય મહેતા

No comments:

Post a Comment