Day
-02
9મી
સપ્ટેમ્બર સુધી પોતાની અનેક શારીરિક-માનસિક તકલીફોની ફરિયાદ કરનારો Jay, I can’t થી ઉભરાતો Jay;
નિરાશા, નિદ્રા, નિરસતા અને આળસભર્યું
જીવન જીવનારો Jay 11મી સપ્ટેમ્બરે સાવ અલગ સ્વરૂપે જાગ્યો
હતો એ આ ટ્રેકની એક દિવસની કમાલ હતી. જો કે, ત્યારે કોઈ
કલ્પના ન હતી કે આ ટ્રેકનો બીજો દિવસ એથીય વધુ યાદગાર,
આનંદદાયક અને પ્રેરણાદાયી રહેવાનો છે. પ્રિય ધ્રુવ ભટ્ટ
સાહેબની નવલકથામાં વાંચતાં જે સત્ય સમજાયું તે આ ટ્રેકિંગમાં વારંવાર યાદ આવ્યું:-
કુદરતથી સારી કોઈ યુનિવર્સિટી નથી. મોટિવેશન મેળવવા માટે કોઈ પ્રેરણાના ઝરણા
વહાવવાની જરૂર નથી કે કોઇ બરાડા પાડતા વકતાઓને સાંભળવાની જરૂર નથી. કુદરતની નજીક
રહીને, સભાન અવસ્થામાં જીવવાથી જીવનના અનેક સત્યો સમજાય છે. આ ટ્રેકિંગથી મેં એક
વાત સમજી કે જેને હું મારી શારીરિક મર્યાદાઓ, નબળાઈ કે રોગ
માનતો હતો એમાંથી 80 થી 90% તો માનસિક નબળાઈ જ હતી. હું મારા શરીર પાસેથી ધારું
એટલું કામ લઈ શકું છું એ સમજાયું. આ સમજવામાં નિમિત્ત કોણ બન્યું? આગળ આવશે, વાંચતાં રહો.
Day -02 નું આયોજન થોડું અલગ હતું. બ્રેકફાસ્ટ બાદ શક્ય એટલો ઓછો સામાન અને એક
ખાલી લંચબોક્સ લઈને નીકળી જવાનું હતું.
આ દિવસે સવારે
અમે મુલાકાત લીધી ‘વઘઇ બોટનીકલ ગાર્ડન’ ની. 24 હેક્ટરમાં ફેલાયેલ આ વિશાળ ગાર્ડન બોટનીના વિદ્યાર્થીઓએ માટે તો સ્વર્ગ
સમાન છે જ પરંતુ પ્રકૃતિપ્રેમી અને જિજ્ઞાસુ લોકો માટે પણ અચૂક જોવા જેવો છે. મારા
માટે તો બોટની મતલબ ‘all greek and latin’ છે પણ ત્યાં વિવિધ
વનસ્પતિની જે રેન્જ જોઈ એ જૈવવિવિધતા (bio-diversity) નું મહત્વ
સમજવા પર્યાપ્ત હતી. જીવનમાં પહેલી વાર મેં રુદ્રાક્ષનું વૃક્ષ સાવ નજીકથી જોયું. અરે, પ્રાગ વડ નામે જે વડલો જોયો એ તો કદાચ આખા ગુજરાતમાં અહીં એક જ સ્થળે છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તો આ વડ કીમતી છે જ પણ અધ્યાત્મજગતમાં પણ એનું મહત્વ ખૂબ ગણાયું
છે. એવું કહેવાય છે કે આ વૃક્ષ નીચે બેસીને ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે અને ઈચ્છાઓ
પૂર્ણ થાય છે. ઈચ્છાઓના મૃગજળ પાછળ સાડા ત્રણ દાયકા ભટક્યા પછી મને હવે એક જ વિચાર
છે જે ડો. ચિનુ મોદી ‘ઇર્શાદ’ સાહેબે બખૂબી
વ્યક્ત કર્યો છે:-
“કોઈ
ઈચ્છાનું મને વળગણ ન હો;
એય
ઈચ્છા છે, હવે એ પણ ન હો!”
અમે સૌએ એ સંયુક્ત કુટુંબના મોભી સમા આ
વિરાટ વડદાદા પાસે ઊભા રહીને ફોટો લીધા. આ ઉપરાંત, પતંગિયાને આકર્ષિત કરે એવા છોડ પણ જોયા અને એના પર મંડરાતા મખમલી, નાજુક પતંગિયા પણ જોયાં. ત્યાં ઉપસ્થિત ગાઈડે કહ્યું ત્યારે મને ખબર પડી કે
સ્ટેટ એનિમલ અને સ્ટેટ બર્ડ ની જેમ આપણું State Butterfly પણ
હોય છે અને એનું નામ Blue Tiger છે. બોલો, તમને ખબર હતી? બસ, તો આ ત્રણ દિવસ
દરમ્યાન મને વારંવાર એ વાત સમજાઈ છે કે હું કેટલું ઓછું જાણું છું અને એ મને વધુ વિનયી
બનાવવા માટે જરૂરી છે. વઘઇ બોટનીકલ ગાર્ડનમાં વ્યવસ્થિત આયોજન સાથે વૃક્ષો અને છોડના
ઉછેર, તેના પર માહિતીના બોર્ડ અને તેની ચીવટપૂર્વક કરાતી માવજત
ઉડીને આંખે વળગે એવી હતી. કેકટસ, (કાળો અને સફેદ) સાદડ, આસોપાલવ, મધુનાશિની વગેરે પણ જોયા. આ મધુનાશિની એના
નામ પ્રમાણે ડાયાબિટીસ સામે લડવામાં સહાય કરે છે. Giant Wood Spider જોયું જેની જાળ (કે શરીર?) બુલેટ પ્રૂફ જેકેટ બનાવવામાં
કામમાં લેવાય છે એ જાણીને અચરજ થયું.
અચરજના એક પછી
એક ગિફ્ટ પેકેટ્સ ખૂલતાં જ જતાં હતાં. Bottle brush નામની એક વનસ્પતિ જોઈ. એના પાનને તમે હથેળીમાં ઘસો તો પહેલા કાંઇ અલગ સુગંધ
આવે, વળી વધારે ઘસો તો ફરી કોઈ જુદી ખુશ્બુ મળે.... નિલગિરી, મહેંદી, વિક્સ, ચેરી વગેરે અલગઅલગ
સુગંધ એક જ પાનમાંથી આવે, બોલો..!!!! છે ને કુદરતની કમાલ! કાયઝેલિયા
નામની વનસ્પતિ જોઈ જેની છાલમાંથી કેંસરની દવા બનાવવામાં આવે છે. જો કે, મને મારા અંગત અધ્યાત્મને લીધે જે સૌથી વધારે ગમ્યું એ હતું અશોકવૃક્ષ. કહેવાની
જરુર ખરી કે રાવણે સીતાજીનું અપહરણ કરીને એમને પોતાના મહેલની અશોકવાટિકામાં આ જ વૃક્ષ
નીચે રાખ્યા હતાં? શોક દૂર કરનાર વૃક્ષ તરીકે ઓળખાતા આ ઝાડ નીચે
સીતાજીને રાખવા પાછળ અભ્યાસુ રાવણનો તર્ક એ હતો કે સીતાજી રામનો શોક ભૂલી જાય અને રાવણને
પોતાના હ્રદયમાં સ્થાન આપે. જો કે, થયું એકદમ વિપરીત! તુલસીદાસજી
રામચરિતમાનસ ના ‘સુંદરકાંડ’ માં લખે છે:-
“સૂનહૂ
બિનય મમ બિટપ અસોકા
સત્ય
નામ કરું, હરું મમ સોકા!”
રામના વિરહમાં
વિચલિત સીતાજી કહે છે:- “હે અશોક વૃક્ષ, મારી
વિનંતી સાંભળ, મારો શોક દૂર કરીને તારું અશોક નામ સાર્થક કર.”
આમ તો આ આખો
ગાર્ડન જોવા રહીએ તો સહેજે ચારેક કલાક જેટલો સમય લાગે પણ અમારી પાસે સામનો અભાવ હોવાથી
અમે અર્ધા કલાકમાં ઊડતી મુલાકાત લઈને જ સંતોષ માન્યો અને આ ગાર્ડનને બાય બાય કહી આગળ
વધ્યા અને મને આપણાં નામી કવિ ઉમાશંકર જોશીની પંક્તિ યાદ આવી (જે આજના Global
Warming/Climate Change ના માહોલમાં કેટલી યોગ્ય લાગે!)
“વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી,
પશુ છે, પંખી છે, પુષ્પો, વનો, ને છે વનસ્પતિ!
પગપાળા જંગલ ખૂંદવાના અને બસમાં ફરવાના
અનુભવો પછી આ દિવસે અમને એક વિશિષ્ટ લહાવો મળ્યો – ખુલ્લા ટેમ્પોમાં ચોતરફ હરિયાળી
નિરખતાં સફર કરવાનો લ્હાવો.
એ પહેલા
ગિરાધોધ જોવા ગયાં પરંતુ એ તો દૂરથી જ જોવાનો હતો, ત્યાં નાહવાની મનાઈ હતી એટલે એ તો “હાથકો આયા, મુંહ
ના લગા” જેવી વાત થઈ પણ સુરક્ષા નિયમોમાં ક્યારેય કોઈ બાંધછોડ ન કરાય.
જાડેજા સર
પાસેથી જાણ્યું કે તેઓ વર્ષો પહેલા આ ધોધ પાસે કેમ્પ સાઇટ રચીને ટ્રેકિંગ કરતાં
હતાં. આ રાજેન્દ્રસિંહ જાડેજા એટલે એ વ્યક્તિ કે જે 18 વખત હિમાલયના સ્પીતી વેલીની
સોલો રાઈડ કરી ચૂક્યા છે અને કુલ 76000 km નું
અંતર કાપી ચૂક્યા છે. જી હા, આ આંકડામાં કોઈ ભૂલ નથી! અરે, કોઈ માણસ કાઇનેટીક લઈને અમદાવાદથી લદ્દાખ જઈ શકે?
એવા માણસને તમે શું કહેશો? Santiago (The Old Man and
the Sea) જ કહેવાય ને! જાડેજા સર એટલે એકદમ cool grandpa!
આવા જ બીજા
એક cool
grandpa મળ્યા હતા અને એમનું નામ - કિરણ શાહ સર. 70+ ની ઉંમરે જે
સ્ફૂર્તિ અને સ્ટેમિના એમના હતા એ તો કોઈ જિમ જનારા જુવાનિયાને શરમાવે એવા હતા.
દરેક ટ્રેક પર એ આગળ હોય ને મને buck up કરે. આવાં તો અનેક
ટ્રેકવીરો હતાં જેમને જોઈને મારા પગમાં જોમ ઉભરાતું હતું. આગળ વાત કરી એમ આ બધા
તન-દુરસ્ત અને મન-દુરસ્ત માણસોનુ નિરીક્ષણ કરીને મને સમજાયું કે હું મારા શરીર
પાસેથી ધારું એટલું કામ લઈ શકું છું. ગિરાધોધ જોયા પછી જંગલમાં એક rest-house
માં વનભોજનનું આયોજન હતું ત્યાં અમે હિરેનભાઇ પટેલ પરિવાર સંગ
પૂરી-શાક-મોહનથાળ-છાશ-ડુંગળી-મરચા ની મિજબાની માણી! એ મકાન જોઈને લાગ્યું કે સમયના
કોઈ પડાવ પર અહીં અંગ્રેજ અમલદારો રહેતાં હશે.
જમીને અમે
ટ્રેક આરંભ્યો પાંડવ ગુફા તરફ. બાપ રે! આટલું ભારે ભોજન કર્યા પછી વામકુક્ષિને
બદલે વોકિંગ કરવાનું કેવું આકરું લાગે! થકવી દેનારા એ ટ્રેકને અંતે અમે એ ગુફા પર
પહોંચ્યા જ્યાં એક સુંદર ધોધ વહેતો હતો. વરસતા વરસાદમાં રેઇનકોટ સહિત તરબતર
ભીંજાતા કરેલો એ ટ્રેક યાદગાર રહ્યો. મારા સુખદ આશ્ચર્ય વચ્ચે RFO (Range Forest Officer) રાહુલ પટેલ સર ત્યાં
સપરિવાર પહોંચ્યા અને અમે પત્રકારોની જેમ પ્રશ્નોનો મારો ચલાવ્યો.
એમણે અમને
દીપડાના habitat, તેને ટ્રેસ કરવાની પદ્ધતિ, બાર-કોડ, RFID વગેરે વિષે રોચક જાણકારી આપી. બધાએ સરસ ગ્રૂપ
ફોટોઝ લીધા પણ આ ટ્રેક મને અન્ય એક કારણસર યાદ રહેવાનો હતો: - મારી સાથે ચાલતો એક
ટાબરિયો, અમદાવાદની સ્કૂલમાં ભણતો છોકરો વૃશાંગ પંડયા! ઓહોહો! શું જબ્બર,
તેજતર્રાર, અભ્યાસુ અને સ્માર્ટ બચ્ચો હતો એ! પ્રાણીવિશ્વ
અને વિજ્ઞાન વિશેના એના વાંચન-અભ્યાસથી હું દંગ રહી ગયો. એક શિક્ષક તરીકે અને એક
નવનિયુક્ત(!) પિતા તરીકે મને એહસાસ થયો કે આ સ્માર્ટ જનરેશન સાથે ડીલ કરવું હશે તો
આપણે અપડેટ થવું પડશે. “અમારા જમાનામાં અમે આમ ભણતા!” વાળું કોરસ બંધ કરવું પડે તો
જ કૈંક નવું શીખી શકાય. મારી એક તરફ આ GenNext હતી તો બીજી
તરફ સતત અપડેટ થતાં તરોતાજા યુવા-વરિષ્ઠ નાગરિકો હતાં અને એ વાત મને બહુ સ્પર્શી
ગઈ.
પાંડવ ગુફા
ટ્રેક પૂર્ણ કરતાં તો મારા કિલોમીટર પૂરા થઈ ગયા અને મેં સંયોજક સંજય શુક્લ સરને
કહી દીધું કે સર, ગમે તે થાય પણ હું
ડોન હિલ નહીં જ આવું. I am sorry! સારું થયું કે હું
મારા નકારને વળગી ના રહ્યો કારણ કે ડોન
હિલ (આશરે 3200 ફીટ) અમે પેલા ખુલ્લા ટેમ્પોમાં ચડયા અને એ આખા ટ્રેકિંગની સૌથી
મજેદાર મુસાફરી રહી.
કુદરતે ચોતરફ છૂટા હાથે વેરેલ સૌંદર્ય જોઈને સૌનાં મુખેથી “ઓહો...” “વાહ!” “સુપર્બ!”
જેવા ઉદ્ગારો સરી પડતા હતા. ક્ષણભર તો એવું લાગ્યું કે આપણે કેરાલા, કાશ્મીર કે કેનેડાના કોઈ રમણીય સ્થળે વિહાર કરી રહ્યાં છીએ. વાદળોની ચાદર
ઓઢીને બેસેલી ટેકરીઓ બાહોં ફેલાવીને અમારું સ્વાગત કરી રહી હતી. આ સફર દરમ્યાન દૂર
એક ટેકરી પર કોઈ વિરાટ પક્ષી બેઠું હોય એવું દેખાયું અને બધાએ વાત કરી કે આપણે
ત્યાં જવાનું છે. નીચેથી અમને જે વાદળો wave કરી બોલાવતા હતા
એની સાવ નજીક જઈ પહોંચ્યા ત્યારે એણે અમારા પર વ્હાલ વરસાવવાનું શરૂ કર્યું!
Meme શૈલીમાં કહું તો:- “ઔર અભી તો રૂકો. Climax અભી બાકી
હૈ.” ડોન હિલ પહોંચીને ખ્યાલ આવ્યો કે અહીંથી આગળનું ચઢાણ પગપાળા ચઢવાનું છે.
મનોમન “ના, નથી જવું. નહીં જ ચલાય...” ની કચકચ ચાલતી હતી કે
આમ જ્યાં મેં અચાનક ડાબી બાજુ જોયું તો હું દંગ રહી ગયો! વિશાળ મેદાન પર ઘાસનું
પાથરણું પાથરી વૃક્ષો અને રસ્તાઓ વાતો કરતાં હતાં અને દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી
ટેકરીઓ પર વાદળોનું ધુમ્મસ છવાયેલુ હતું –જાણે કે હું વિમાનમાંથી નીચે જોતો હોઉં
એવું લાગ્યું. આ દ્રશ્યોથી રિચાર્જ થઈને આગળ ચઢવાનું શરૂ કર્યું. આટલી ઊંચાઈએ
ચાલવામાં જો બેદરકારી દાખવી તો સીધા નીચે... ડાયરેક્ટ અસ્થિવિસર્જન! મનોજ
ખંડેરિયાના શબ્દોમાં કહીએ તો:-
“હાથમાં
કારોબાર રાખ્યો તેં
ને
મને બારોબાર રાખ્યો તેં
એક
ડગ છૂટથી ભરી ન શકું
ખીણની
ધારોધાર રાખ્યો તેં!”
ખૂબ
સંભાળીને અમે આગળ વાત કરી તે ગીધના વિશાળ શિલ્પ સુધી પહોંચીને ફરી વિહંગાવલોકન
કર્યું. એ તો સાચેસાચ વિહંગ (પક્ષી) એ કરેલ અવલોકન જેવી સ્થિતિ હતી. “યે કૌન
ચિત્રકાર હૈ!” ના અહોભાવથી વિસ્ફારિત નયને હું એ અપ્રતિમ દ્રશ્યને આંખોથી ક્લિક
કરતો રહ્યો. ઘડીભર તો થયું કે રડી પડાશે! આ મારા ટ્રેકની સૌથી મૂલ્યવાન ક્ષણ હતી.
થોડા ફોટોઝ લઈને નીચેની તરફ પ્રયાણ કર્યું.
“આજ
ખુશી મિલી ઇતની કી મનમેં ના સમાયે
પલક
બંદ કર લું કહીં છલક હી ન જાયે!
કેમ્પ
પર પાછા ફર્યા ત્યારે શરીરની નસેનસ થાકીને ચૂર હતી પણ મસ્તિષ્કના તમામ કોષોમાં
ઉમંગ ઊછળતો હતો. રાત્રિ ભોજનમાં દાલ-બાટી, ચૂરમું, ભજીયા વગેરે સ્વાદેન્દ્રિયોને રીઝવવા તૈયાર હતાં. જો કે, મારી ઉતાવળ તો ઝટપટ ખાઈને આડા પડવાની હતી પણ હજી તો કેમ્પફાયર બાકી હતું.
કેમ્પફાયરમાં ધ્રુવ દાદાનું ‘ઓચિંતું કોઈ મને રસ્તે મળે’, ‘હંસલા હાલો ને!’, ‘દાદા હો દીકરી’ વગેરે સાંભળવાની મજા આવી. આ બંદાએ પણ
પોતાની એકાદ-બે રચનાઓ ઠપકારી જ દીધી! પ્રેક્ષકો ભાગીને પણ જંગલમાં ક્યાં જવાનાં
હતાં! જો કે, સૂતા પહેલા એક thrill pill એ મળી હતી કે કેમ્પ નજીક જ દીપડા ના અવાજ સંભળાયા છે માટે રાત્રે કોઈએ
બાથરૂમ જવા એકલા નીકળી ન પડવું! અહીં ‘તારી હાક સુણીને કોઈ ન
આવે તો’ એકલો જાતો નહીં, સ્લીપિંગ
બેગમાં ચૂપચાપ સૂઈ જાજે એવો અર્થ કરવાનો હતો. આજ્ઞાંકિત બાળની જેમ અમે રાત્રે બે
સાથીઓને જગાડીને લઘુશંકા નિવારણ કરીને પોઢી ગયા! બસ, હવે
મોડી પડે સવાર!
- © ડો. જય મહેતા