જીવનમાં છે લ્હાવા કદમ પર, કદમ પર
ગઈકાલે વાત કરી એ પ્રમાણે આજે વહેલી સવારથી ટ્રેક શરૂ થઈ ગયો પણ સાવ અણધારી રીતે... ટ્રેકમાં સંજોગોની સરપ્રાઈઝ હોય એ તો અંદાજ હતો પણ ઉઠતાંવેંત જ સરપ્રાઇઝ મળશે એવો ખ્યાલ નહોતો. વહેલી સવારે સાડા પાંચ કે છ આસપાસ આહવા થી છએક કિલોમીટર દૂર બસ ઉભી રહી અને બંધ થઈ ગઈ. મને એવું લાગ્યું કે ટ્રાફિક જામ હશે ત્યાં તો ખબર પડી કે આગળ ST ની બસને અકસ્માત નડ્યો છે.
હિરેનભાઈના ઇજનથી હું નીચે ઉતર્યો અને
બહાર જોયું તો ચારેબાજુ ઘટાટોપ વૃક્ષો, ભેખડ અને નીચે નદી.
થોડે આગળ જોયું તો સર્પાકાર રસ્તે વળાંક લેવામાં ડ્રાઇવરે ભૂલ કરી હોય કે ગમે તે
કારણે પણ બસનો આગળના વ્હીલનો ભાગ જમણી બાજુની ચટ્ટાન સાથે ટકરાઈને ચિરાઈ ગયો હતો
અને બસ આખી આડી થઈ ગઈ હતી. મને એવું જાણવા મળ્યું કે હવે તો બે-ત્રણ કલાકે આ બધું clear
થશે પછી જ આગળ જવાશે. એક તો આખી રાત એસી કોચમાં સુવાને લીધે શરદી
અને સિંગલ સ્લીપર સીટના લીધે પીઠનો દુઃખાવો પજવતો હતો એટલે હજી હું કિંકર્તવ્યમૂઢ
ઉભો હતો ત્યાં તો હિરેનભાઈએ અમને ઉશ્કેર્યા કે હાલો હાલતા જઈએ ને અમારે તો દોડવું
હતું ને ઢાળ મળ્યો (શ્લેષ અભિપ્રેત!) જો કે, અહીં તો ઢાળ
ચઢવાનો પણ હતો. જિંદગીની આ જ રસમ છે... ક્યારેક ઢાળ ઉતરવાની મજા લઈએ તો સામે ઢાળ
ચડવાનો થાક પણ વેઠવો પડે. જો કે, પ્રકૃતિની દિશામાં મંડાયેલ
કોઈ કદમ ક્યારેય નિરર્થક નથી જતાં. થોડે આગળ જતાં અમને શિવઘાટ ધોધના દર્શન થયાં.
નાનકડા ધોધના દર્શન કરીને ફરી બસની દિશામાં પાછા ગયા અને બેસી ગયા.
સાતેક
કિલોમીટર જતા આહવા આવ્યું અને બારીમાંથી ખળખળ વહેતી નદી જોઈને જીવને ટાઢક થઈ. (જળતત્વ
મને હંમેશા આકર્ષિત કરે જ છે અને એનું એક વૈજ્ઞાનિક કારણ પણ આ ટ્રેકિંગમાં જાણવા
મળ્યું જેની વાત આગળ આવશે.) વળી પાછી રોલરકોસ્ટર રાઈડ શરુ થઇ. બસમાંથી ઉતરીને
બેકપેક અને નાની બેગ લઈને દેવિનામાળ કેમ્પ સાઇટ ચાલીને જવાનું હતું. સાલું બહુ
અઘરું લાગ્યું તો મને સાથી મિત્રોએ કીધું કે આ તો હજી શરૂઆત છે! કમરના દુ:ખાવા
સાથે આખી ટ્રેકિંગ બેગ ઊંચકીને ઢાળ ચડીને બે કિલોમીટર જેટલું ચાલવામાં દમ નીકળી
ગયો તો આગળ તો કોણ જાણે કેવાં કપરા ચઢાણ હશે!
જો કે અહીં
એક વાત ખાસ નોંધવી રહી કે આ સમગ્ર બયાન જિંદગીમાં પહેલી વાર ટ્રેકિંગ કરનાર
વ્યક્તિ લખે છે એટલે એને એ સંદર્ભે જ વાંચવું. આમેય આ ત્રણ દિવસ દરમ્યાન મારા માટે
“જીવનમાં પહેલી વાર” એ શબ્દોનો પ્રયોગ વારંવાર કરવો પડે એવા અનુભવો થયા છે.
કેમ્પ સાઇટ
પર પહોંચીને, ફ્રેશ થઈને, ચા-ભાખરી, અથાણું, દહીં, મરચાંનો ટેસ્ટી નાસ્તો કરીને અમે પ્રથમ ટ્રેકની દિશામાં ડગ માંડયા. મારા
માટે આટઆટલી અનિશ્ચિતતા અને પ્રશ્નાર્થો સાથેનો આ પ્રથમ પ્રવાસ હતો. જો કે, આને પ્રવાસ નહીં પણ ટ્રેકિંગ જ કહેવું પડે અને એટલે જ એમાં અનિશ્ચિતતા
ઓછી અને ઉત્સુકતા વધારે હતી. Youth Hostels Association of India નામથી જ મેં એવી ધારણા બાંધી હતી કે જેમ જુવાનિયાઓ હોસ્ટેલમાં રહે અને સાવ
bare minimum - પ્રાથમિક સગવડોથી ચલાવે
એવું જ કાંઈક હશે. કેમ્પમાં હું તો હિરેનભાઇ સિવાય કોઈને ઓળખતો નહોતો એટલે
શરૂઆતમાં બધા સાથે અલપઝલપ પરિચય કર્યો.
હવે થોડું flashback:- ડાંગ ટ્રેકિંગ પર આવતી વખતે મારે નહેરુનગરથી બસ પકડવાની હતી. અમારા
સંયોજક શ્રી સંજય શુક્લ સર સાથે વાત થઈ તો એમણે કહ્યું કે કેટલાક મિત્રો ત્યાં
પહોંચી ચૂક્યા છે. જોયું તો ત્યાં એક સિનિયર સિટીઝન યુગલ ઊભું હતું અને વાતચીત
કરતાં જાણવા મળ્યું કે એ પણ ટ્રેકમાં આવે છે. મને અંદરખાને રાહત થઈ કે હાશ! ચાલો, આટલા વડીલ વ્યક્તિઓ આવે છે તો ટ્રેક પ્રમાણમા આસાન હશે ને મને વાંધો નહીં
આવે. મને તો સ્વપ્ને ય ખ્યાલ નહોતો કે આગામી ત્રણ દિવસો મને ત્રણ બાબતો સમજાવવાના
હતા:-
01.
ટ્રેક સાવ આસાન તો નહોતો જ.
02.
આ સિનિયર સિટીઝન્સ લાગતાં હતાં એનાં કરતાં ક્યાંય વધારે ફિટ, સક્ષમ અને તન-મનથી young હતાં.
03.
બુઝુર્ગ વ્યક્તિઓ આવી સાહસિક પ્રવૃત્તિઓ ન કરી શકે એ આપણી વ્યાપક સામાજિક માન્યતા
ખોટી છે.
આટલા
ફ્લેશબેક પછી આપણે પહેલા ટ્રેકની વાત પર આવીએ. YHAI ના ચેરમેન શ્રી યશપલસિંહ ઝાલા સર, શ્રી રાજેન્દ્રસિંહ
જાડેજા સર, કિશોરભાઈ ત્રિવેદી સર,
સંયોજક સંજય શુક્લા સરની આગેવાની હેઠળ તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી રાહુલ પટેલ
સર ના માર્ગદર્શન હેઠળ અમે ખાપરી નદીનો ટ્રેક આરંભ્યો.
ચારેબાજુ ઘટાદાર વૃક્ષો અને વચ્ચે એક નાનકડી કેડી પર ચાલતાં ચાલતાં નદીકિનારે પહોંચ્યા અને દર થોડા અંતરે ઉપરોક્ત સાહેબો વન્યજીવન વિષે વાતો કરતાં હતાં. (સત્તાના લીધે નહીં પરંતુ એમના વિપુલ જ્ઞાન અને અનુભવસંપન્ન હોવાને લીધે એમને ‘સાહેબ’ કહેવા પેન લલચાય છે.)
તેમણે અમને વિવિધ
વૃક્ષો, તેનાં બોટનિકલ નામ, તેની
ખાસિયતો, ઔષધિય ગુણો, તેમાંથી બનતી
વિવિધ વસ્તુઓ, 04 પ્રકારના જંગલ,
ડાંગના જંગલની વિશેષતાઓ વગેરે વિષે એકદમ રસાળ શૈલીમાં માહિતી આપી અને ટ્રેકર્સ
સાથે ચર્ચા કરી. રેન્જ ફોરેસ્ટ ટેરિટરી પ્રમાણે વિસ્તારના જે ભાગ પડે તેમાં અમે
કંપાર્ટમેંટ નં. 132-133 માં ઊભાં હતાં. વૃક્ષની ઉંમરનો અભ્યાસ કેમ થાય, વૃક્ષોનું ત્રણ લેયર પ્રમાણે plantation કરવામાં
આવે વગેરે બાબતો જાણવા મળી. સાદડ, ખાખરો, મહુડો જેવા વૃક્ષો પહેલી વાર નજીકથી જોવા-ઓળખવાનો મોકો મળ્યો. સાગ, સીસમ, ચંદન, ખેર અને મહુડો એ
પાંચ reserve trees છે એ જાણ્યું. માનવેલ વાંસ અને કાંટસ
વાંસ વિષે પણ જાણ્યું. આમ, ખાપરી નદી સંગાથે અમે નાનકડી કેડી
પર ચાલતાં જ ગયાં. વચ્ચે એક ઝાડ પર giant wood spider જોયો
અને પટેલ સરે તેના વિષે અમને જાણકારી આપી. કરોળિયાની એક પ્રજાતિમાં નર અને માદાના
મેટિંગ પછી માદા નરનું ભક્ષણ કરી જાય છે એ જાણીને મનોમન ભગવાનનો આભાર માન્યો કે
એમણે મને માણસ બનાવ્યો, કરોળિયો નહીં! આપણી ઘરવાળીઓ તો બહુ
સારી કહેવાય કે ગમે તે કરે પણ આપણને જીવતા તો રાખે છે! હાહાહાહા
ચોખ્ખી હવા
શ્વાસમાં લેતાં અમે પથરાળ રસ્તા પર ચાલતાં જતાં હતાં ત્યાં મને વિચાર આવ્યો કે
આમાં તો શૈક્ષણિક પ્રવાસ જેવુ વધારે લાગે છે,
કોઈ thrill, કોઈ રોમાંચ તો નથી! બસ,
થોડી જ વારમાં કુદરતે મને જવાબ આપ્યો. ધોધમાર વરસાદ શરૂ થતાં બેગમાં લીધેલ poncho
(ગડી વાળીએ તો હથેળીમાં સમાઈ જાય એવડો રેઇનકોટ) પહેરી લીધો. ભારે
વરસાદ, ચીકણી માટી અને પથ્થરોવાળી કેડી પર સાવચેતીપૂર્વક આગળ
વધતાં બે ફાંટા આવ્યા અને મને Robert Frost ની સુખ્યાત કવિતા
યાદ આવી:-
“Two
roads diverged in a wood
I
took the road less travelled by
And
that has made all the difference.”
જો કે અહીં
અમારી પાસે એવી છૂટ નહોતી, આગળવાળાના કદમના
નિશાન પર જ ચાલવાનું હતું નહીંતર જો જંગલમાં ભૂલા પડો તો GPS નો કાકોય ન શોધી શકે.
આગળ એક
ખાબોચિયામાં ભેંસો આરામ ફરમાવી રહી હતી. અમે એમના રંગમાં ભંગ કર્યો એટલે એ ભડકીને
દોડી અને અમારે કેટલાક મિત્રોને સચેત કરીને લાવવા પડયા. નદીના પુલ પર થોડી વાર
અટકીને, ફોટો લઈને પરત આવવા નીકળ્યા. સાથી મિત્રો સાથે હળવા વિનોદ અને વાતો કરતાં
કેમ્પ સાઇટ પર પાછા ફર્યા.
દેવીનામાળ –
આસપાસ દેવીદેવતાઓનો વાસ હોવાને લીધે તેનું નામ ‘દેવીનામાળ’ પડયું હોય એવી માન્યતા છે. દેવીદેવતાઓની
તો ખબર નહીં પણ મને તો પ્રકૃતિનું જે દૈવી સ્વરૂપ જોવા મળ્યું છે એ અવિસ્મરણીય છે.
YHAI ના આ ટ્રેકિંગમાં માત્ર પ્રકૃતિદર્શન જ નહીં પરંતુ માનવ
પ્રકૃતિના કેટલાંક રમ્ય રંગો જોવા મળ્યા. કેમ્પના તમામ સભ્યોને ચાર ગ્રૂપમાં
વહેંચવામાં આવ્યા હતા, જેના નામ પણ સ્થાનોચિત હતા જેમ કે
ખાપરી (નદી), drongo (પક્ષી), wild squirrel વગેરે. મારૂ
ગ્રૂપ હતું ખાપરી અને જ્યારે જે ગ્રૂપનો વારો હોય ત્યારે તેમણે ભોજનને લગતી તમામ
વ્યવસ્થા સંભાળી લેવાની અને એકમેકના સાથ-સહકારથી વ્યવસ્થા ગોઠવવાની. અહીં
પ્રેસિડેંટ યશપાલસિંહ ઝાલા સરની leadership, sense of
humor, દરેક ગતિવિધિ પર બાજનજર, ઉત્સાહપ્રેરક
શબ્દો અને જડબેસલાક time management ની નોંધ લીધા વગર નહીં જ
ચાલે.
કોઈ ડોક્ટર
હોય કે એંજિનિયર, પ્રોફેસર હોય, કસ્ટમના અધિકારી હોય કે બેન્કના ઓફિસર હોય.... અહીં સૌ સમાન! માના ખોળે
રમતા બાળકની જેમ અહીં પ્રકૃતિના ખોળે સરળ, સહજ અને નિખાલસ
જીવન જીવાતું જોઈ શકાયું એનો આનંદ છે, બાકી શહેરીજીવનમાં તો ego, આપવડાઈ, seniority,
ભેદભાવ-અન્યાય ..... આ બધુ છોડીને માત્ર માણસ થઈને આવેલા લોકો સાથે સ્વાદિષ્ટ
ભોજનનો આનંદ લઈ થોડો આરામ કરી અમે બીજા ટ્રેક પર જવા નીકળ્યા.
આ ત્રણ
દિવસ કુદરતના અનેક રંગો માણ્યા પણ પહેલા દિવસે તો જાણે ચાલવાની હરીફાઈમાં ઉતાર્યો
હોઉં એવું લાગતું હતું. લપસણા રસ્તા પર નીચે જોઈને ચાલ્યે જ જતો હતો એટલે આસપાસના
દ્રશ્યો ખાસ ઝીલાયા નહીં પરંતુ આ ટ્રેકનું જે ગંતવ્ય હતું એ મને ખુશ કરી દેવાનું
હતું:- ધોધમાં નહાવાનું. અમે સૌ ધોધમાં ધરાઈને નાહયાં. ત્રણ વાર તો હું ભીના પત્થર
પર લપસ્યો પણ ખરો! જો કે, ખરી કઠણાઇ એ પછી
શરૂ થઈ. ત્યાં કપડાં બદલવાની અનુકૂળતા ન હોવાથી અમે એમ જ ભીનેભીના ચાલી નીકળ્યા.
નખશિખ ભીંજાયેલી હાલતમાં અમે કેમ્પ સાઇટ પહોંચ્યા.
ફ્રેશ થઈને રાત્રિભોજન તરફ આગળ વધ્યાં ત્યારે શરીર લોથપોથ થયું હોવા છતાં મન એકદમ પ્રફુલ્લિત હતું. બિલકુલ સ્વયંશિસ્ત સાથે સ્વાદિષ્ટ ભોજન લઈ આરામ કરીને અમારી સમયસવારી ક્યાં પહોંચી? જવાબ: - Campfire. સવારે જે વનસ્પતિઓ વિષે સમજણ મેળવી હતી એના વિષે પ્રશ્નો પૂછાયા ત્યારે મારો શિક્ષક આત્મા ઝૂમી ઉઠ્યો. આ ઉપરાંત, ગીતો ગાવા, કવિતાપાઠ કરવો વગેરે જેવી refreshing પ્રવૃત્તિઓ કરી. કેમ્પફાયર વખતે જાડેજા સરે સમજાવ્યું હતું કે પાણી ગમે તે સ્વરૂપે પણ આપણને હંમેશા આકર્ષિત કરે જ - વરસાદ હોય કે દરિયો હોય, નદી હોય કે ધોધ હોય. આપણા શરીરમાં પંચમહાભૂતમાંના એક તત્વ પૈકી પ્રમુખતત્વ પાણી છે અને એ જ્યારે પાણીના બાહ્ય, પ્રાકુતિક સ્વરૂપને મળે છે તો આપણને આનંદ અને રાહત આપનારું બને છે. આમ, તન-મન-જીવન તરબતર થાય એટલું આપીને આ દિવસ પૂરો થયો. હરિવંશરાય બચ્ચનના શબ્દો સાથે અટકવું ગમશે:-
“મિટ્ટી કા તન,
મસ્તી કા મન,
ક્ષણભર જીવન
મેરા પરિચય!”
The best line : સત્તાના લીધે નહીં પરંતુ એમના વિપુલ જ્ઞાન અને અનુભવસંપન્ન હોવાને લીધે એમને ‘સાહેબ’ કહેવા પેન લલચાય છે
ReplyDeleteI'm not in that track, but after I read this blog I can say that yes, I'm in this Track!!