Day – 03
બીજા
દિવસના કેમ્પફાયરમાં અમને પુછવામાં આવેલું કે તમે કાલે ક્યાં જવાનું પસંદ કરશો? મારો જવાબ હતો:- ચાલવાનું ન હોય એવી કોઈ જગ્યાએ. જો કે ટ્રેકિંગ કેમ્પમાં
આવીને ચાલવાથી બચવું એટલે અમદાવાદમાં રહીને ટ્રાફિકથી બચવા જેવું દુષ્કર હતું.
અમને સૂચના અપાઈ હતી કે આવતીકાલે અહીંથી બધો સામાન લઈને, આ સ્થળ
સાફ કરીને સવારે નીકળી જવાનું છે, વિવિધ સ્થળોની મુલાકાત
લઈને સાંજે સીધું ઘરભેગા થવાનું છે. તો બસ.... All
good things come to an end. ગમે એટલો થાક લાગવા છતાં મને આ સ્થળ
છોડીને જવાની જરાય ઈચ્છા નહોતી. નાના હતા ત્યારે જે Essel World ની એડમાં આવતું ને? “એસ્સેલ વર્લ્ડ મેં રહુંગા મૈં, ઘર નહીં, નહીં, જાઉંગા મૈં!”
બિલકુલ એવી જ લાગણી મને દેવીનામાળ માટે થતી હતી. ત્રીજા દિવસે અમારો સૂર્ય
પ્રમાણમાં થોડો નિરાંતે ઊગ્યો. બ્રેકફાસ્ટ પતાવીને સાથીઓ સાથે ઇતિહાસ, રાજકારણ વગેરેની ચર્ચામાં પરોવાયા. અમારા વાંચન અને મનોમંથનના આધારે જે
જ્ઞાન મેળવ્યું હતું એનાથી હિરેનભાઇએ અને મેં વોટ્સેપ યુનિવર્સિટીએ વહેતા કરેલા
કેટલાક અસત્યોના ફુગ્ગામાં ટાંકણીઓ ખોસીને myth-bust કરવાનું
કામ કર્યું.
બ્રેકફાસ્ટ
પછી સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ શરૂ થાય એ પહેલા કિશોરભાઇ ત્રિવેદી સર પાસેથી
દીપડાના રેસક્યુ ઓપરેશનની દિલધડક દાસ્તાન સાંભળવાની બહુ મજા આવી અને એમાં
હિરેનભાઇના પુત્ર માન પટેલે જે જિજ્ઞાસાથી પ્રશ્નો પૂછ્યા એ પણ ગમ્યું. ઝાલા સર
અને તેમની ટીમે અમને પ્રકૃતિ સંવર્ધનનું મહત્વ શું છે અને એમાં નવી પેઢીને જોડવી
કેટલી જરૂરી છે એ વાત સમજાવી. અમને સૌને સર્ટિફિકેટથી નવાજવામાં આવ્યા અને જરૂરી
સૂચનાઓ આપવામાં આવી.
બ્રેકફાસ્ટ
પતાવીને અમે સૌ સામાન લઈને દેવીનામાળ કેમ્પ સાઇટને વંદન કરી નીકળી પડયાં અને પહોંચ્યાં
શબરીધામ. એવું કહેવાય છે કે આ એ જ સ્થળ છે જ્યાં ભગવાન શ્રી રામે એમની અનન્ય ભક્ત
શબરીના હાથે બોર ખાધા હતા. એ મંદિર પર સીડીઓ અને ઢાળ બંને છે અને અમે ઢાળ ચડીને
ઉપર ગયા. આગળ વાત કરી તે cool grandpa કિરણ
શાહ સર સાથે વાતો કરતાં ત્યાં પહોંચ્યો, બાંકડે બેઠો, બેગ અને પાણીની બોટલ ત્યાં મૂકી અને આસપાસનો નયનરમ્ય નજારો જોવામાં
પરોવાયો. એ જ કેમ્પસમાં એક નાનકડું હનુમાન મંદિર પણ હતું એટલે અમારે તો ત્યાં જવું
જ પડે ને, નહીંતર હનુદાદા ને ખરાબ લાગે! ત્યાં બેસી થોડી વાર
હનુમંત તત્વ સાથે સંવાદ કર્યો. આ મંદિર મને એટલે પણ ગમ્યું કે ક્યાંય કોઈ
લાઉડસ્પીકર નહોતા અને પરમ શાંતિ હતી. સમયની કટોકટી હોવાથી ઝડપથી નીચે ઉતરી બસમાં
ચડયો ત્યાં જ ધ્યાને આવ્યું કે હું મારી બેગ તો મંદિરમાં જ ભૂલી આવ્યો છું. ઓ
ત્તારી...!!! હવે શું કરવું? ઝાલા સરને વાત કરી તો એ
સ્વાભાવિકપણે નારાજ થયા અને કીધું કે હવે તું તારી રીતે આવી જાજે ટેક્સી કરીને, બસ ઊભી નહીં રહે. હિરેનભાઇ સાથે બેગ શોધવા નીચે ઉતર્યો ને મંદિરનો ઢાળ
ચડયો ત્યાં જ બાજુમાં જાડેજા સર સ્કોર્પિયો લઈને પ્રગટ થયા અને સાથે ઝાલા સર પણ
હતા. નાળિયેરની જેમ ઉપરથી કઠોર પણ અંદરથી નરમ એવા ઝાલા સર અમને લેવા આવ્યા હતા.
મને મારા ભૂલકણા સ્વભાવ પ્રત્યે બહુ ચીડ ચડી અને ભોંઠપ પણ લાગી પણ હવે શું થાય!
સરની સાથે હું અને હિરેનભાઇ આગલા મુકામે પહોંચ્યાં અને.....
શું અદ્ભુત
જગ્યા ના દર્શન થયા.... આહાહાહા ......!!! Nature never fails
to surprise you!
એક ઊંચાઈ
પરથી જોયું કે નીચે એક વિશાળ U-turn બનતો
દેખાય છે મતલબ કે નદી પોતાનું વહેણ બદલીને જે આકાર સર્જે છે એ યુ ટર્ન જેવો લાગે
છે. સ્થાનિકોમાં એ જગ્યા વનદેવીના નેકલેસ તરીકે પ્રખ્યાત છે. પ્રાકૃતિક સૌંદર્યના
આટલા વૈવિધ્યપૂર્ણ સ્વરૂપો એકસાથે મેં “જીવનમાં પહેલી વાર” જોયા. એની
સામેના મકાનમાં અમે ભોજનની વ્યવસ્થા ગોઠવી અને ત્યાં ઉપસ્થિત RFO કેયૂર પટેલ સર (?) એ અમને એ જગ્યાની ભૂગોળથી વાકેફ
કર્યા. બપોરનું જમણ પતાવી અમે થોડેક દૂર એક નાનકડા ટ્રેકની દિશામાં પ્રયાણ કર્યા
અને યુ ટર્ન ને થોડા અલગ એંગલથી જોવાનો મોકો મળ્યો. ચાલતા ચાલતા બે ટાબરિયા -
માન અને અગાઉ વાત કરી એ વૃશાંગ બંનેએ મને
એમની Q & A થી એટલે કે
વિજ્ઞાનગોષ્ઠીથી અચંબિત કરી દીધો.
Next destination – ગિરમાળ ધોધ. આગળ જોયા એ ધોધની જેમ જ અહીં પણ ઊંચાઈથી પડતું મુકતા ધોધને
દૂરથી જોઈને આનંદ થયો. જો કે થોડેક દૂર પ્લાસ્ટિકના કચરાનો ઢગલો આંખોને ખૂંચ્યો
અને હિરેનભાઇ સાથે વાત થઈ કે આવું જોઈએ ત્યારે એમ થાય કે અમુક જગ્યાઓ માણસોની
નજરમાં ન આવે એ જ સારું છે. મેં અગાઉના પ્રવાસોમાં જોયું છે કે લોકોને આવી સુંદર
અને શાંત જગ્યાએ પણ મોટેથી ગીતો વગાડવા, કચરો જ્યાં ત્યાં
ફેંકવો એ બધું રૂટિન થઈ ગયું છે. કુદરત જ્યારે માણસને લખલુંટ સુખ, સૌંદર્ય, સ્વાસ્થ્ય અને શાંતિના સ્ત્રોત આપતી હોય
ત્યારે એ જગ્યાઓને પ્રદુષિત કરીને માણસજાત પોતાને નફ્ફટ,
નગુણી અને કૃતઘ્ની સાબિત કરી દે છે.
ત્યાં
કેટલીક દુકાનોમાં સ્થાનિક શૈલીની બનાવટની વસ્તુઓ, રમકડાં, ચા-નાસ્તો, મકાઇ
વગેરે વેચાતા હતા. એમાંથી એક-બે લઈને, ચા પીને અમે પાછા
ફર્યા. એ સમગ્ર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, ગરીબી
અને જિંદગી ટકાવી રાખવાનો સંઘર્ષ સ્પષ્ટ જોઈ શકાતો હતો. એમની સરખામણીમાં આપણું
જીવનધોરણ ખૂબ ઊંચું છે એ વાત સમજાય ત્યારે મનોમન કૃતજ્ઞતાની લાગણી જન્મે અને
વાતવાતમાં આવતા અસંતોષ અને ફરિયાદોના ઉભરા શમી જાય તો એ પણ આ ટ્રેકની એક ફળશ્રુતિ
જ ગણી શકાય.
આમ વિચારો
અને વાતોનો સિલસિલો બસમાં પણ ચાલતો જ રહ્યો. કેમ્પની ટીમમાં હર્ષુલ નામના એક યુવા
ટ્રેકર કમ બોડી બિલ્ડર સાથે એમના ટ્રેકિંગના અનુભવોની વાતો મંડાઇ. જેસોર ટ્રેકમાં
ચારથી પાંચ રીંછ એમના સાઇટની સાવ નજીક,
રસોડા સુધી આવી ગયા હતા એ વાત સાંભળીને હ્રદય એક ધબકારો ચૂકી ગયું. અભ્યાસક્રમના
કે અન્ય પુસ્તકો પાસેથી, Google - YouTube પાસેથી મેળવેલી Natureની સમજ અને અહીં આ ત્રણ દિવસ દરમ્યાન થયેલ પ્રકૃતિનો સાક્ષાત્કાર એ
બંનેમાં બહુ અંતર છે. પુસ્તકો કે ઇન્ટરનેટ જે માહિતી આપે છે એ કુદરતના સ્પર્શ વિના
અપૂર્ણ જ રહે છે. સુરત પાસે બાથરૂમ જવા halt કર્યો ત્યારે
મેં 3 દિવસ પછી internet શરુ કર્યું પણ આ ત્રણ દિવસ ઇન્ટરનેટ
થી દૂર રહીને પણ મેં મારા અંતરાત્માનો સૉફ્ટવેર અપડેટ કર્યો છે એ આવનારા સમયમાં
મને વધુ મજબૂત, વધુ પ્રકૃતિપ્રેમી, વધુ
સંવેદનશીલ અને વધુ માનવીય બનાવશે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. પરોઢિયે 04 વાગે
નહેરુનગર, અમદાવાદમાં ઉતર્યો ત્યારે હું એ જય નહોતો જે 09 તારીખે રાત્રે નહેરુનગરથી બસમાં
બેઠો હતો.
મૂળ બંગાળી
અને હાલ અમેરિકા સ્થિત ભારતીય લેખિકા Jhumpa Lahiri ની નવલકથા ‘The Namesake’ માં એક દ્રશ્ય છે. પુસ્તકનો યુવા નાયક અશોક ગાંગુલી ટ્રેનમાં મુસાફરી
કરેછે અને સામેની સીટ પર બેસેલ બુઝુર્ગ સાથે વાતો કરે છે. એમનો સંવાદ:-
“You
are young, he said. Pack a pillow and blanket and see the world. You will never
regret it.
Ashok said: - My
grandfather always said that is what books are for. To travel without moving an
inch.”
ખરેખર અદભૂત, ફરી વખત ટ્રેક કરવા પ્રેરે એવી રસાળ શૈલી.... આભાર મિત્ર
ReplyDeleteThanks a lot dear for your propelling words.... This will boost up my morale for writing more and better.
DeleteDang Trekking has been an amazing journey, indeed!
સરજી, અદ્ભૂત વર્ણન!👍 તમારે આવી જગ્યાએ વર્ષમાં ૨-૩ વાર જવું જોઈએ ભલે આમા અમારો સ્વાર્થ રહ્યો, પણ કદાચ અમુક જગાએ અમે નથી પહોંચી શક્યા એ જગ્યાએ તમે પોચી ગયા છો ને શુ અભૂતપૂર્વ વર્ણન.. સાક્ષાત એવો અનુભવ થાય છે કે આ ડાંગ ટ્રેક માં હું તમારી સાથે જ હતો!!
ReplyDeleteતમે આવું કશુંક જાણીને જે વર્ણન કરો છો આવું તમારી દ્રષ્ટિએ અમને સાક્ષાત વિશ્વદર્શન કરાવો એજ આશા!!👍👌
Thank you so much for your kind words....!!!
Delete