Monday, September 14, 2020

આંસુભીનો ઉજાસ – વ્યક્તિ થી સમષ્ટિ સુધી

 



તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખીય જિંદગી બળ્યા છો ?

તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઇના મારગથી કાંટાઓ શોધ્યા ?
તમે લીલેરા છાંયડાઓ આપીને કોઇના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા ?

તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો?
તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?

-     મૂકેશ જોશી

જ્યારે કોઈને પ્રેમમાં નિષ્ફળતા મળે ત્યારે શું થાય? અસંખ્ય લોકોનાં જીવનમાં એ બનતું જ હોય છે. સામાન્ય રીતે કોઇ સજ્જન, સંસ્કારી છોકરો એની પ્રેમીકાને ગુમાવે ત્યારે અસહ્ય પીડા અનુભવે પણ સમય સાથે એનો ઘા રુઝાઇ જાય, માથાફરેલ હોય તો છોકરીને હેરાન કરે અથવા તો એ દેવદાસ કે કબીર સિંઘ બનીને વ્યસનથી વિનાશ નોતરે – પોતાનો અને પ્રિયજનોનો. ક્યારેક એવું પણ બને કે પ્રેમની નિષ્ફળતા માણસના જીવનનું વહેણ બદલી દે અને એને કોઈ સર્જનાત્મક પ્રવૃતિ તરફ વાળે – દિલિપ રાણપુરાની નવલકથા આંસુભીનો ઉજાસ (1984) ની જેમ.

આજથી પાંત્રીસ વર્ષ પહેલાં પ્રગટ થયેલી આ નવલકથા પીડામાંથી પરમની પ્રાપ્તિ નો જયઘોષ કરે છે. જ્યારે હ્રદયભંગ થાય ત્યારે વ્યક્તિને પરિવારજનો, સમાજ અને ઈવન ભગવાન સુધીના પર નફરત થઈ આવતી હોય, જીવન અંધકારમય લાગવા માંડે, આત્મહત્યા સુધીનાં વિચારો આવી જાય પણ થોડાક વર્ષો પસાર થાય ત્યારે કદાચ એને જ સમજાય કે જે થયું એ માત્ર કોઈ રેંડમ દુર્ઘટના નહોતી, એની પાછળ નિયતિનું કોઈ ચોક્કસ પ્રયોજન હતું – Divine Design હતી.

વસુધા નામના એક મૂલ્યસિંચન કરનાર, શ્રમપ્રધાન આશ્રમમાં ભણતો દેવરાજ એને ગમતી કન્યાને પરણી શકતો નથી. કારણ? જાતિ. એ ડંખ એને જીવનભર પજવે છે અને જન્મ કરતાં કર્મ મહાન છે એ સાબિત કરવા પોતાના વતનમાં, સાવ અંતરિયાળ ગામમાં પહોચીને મોટાપાયે ગ્રામઉત્થાનના કાર્યો આદરે છે. એ જાકારો, એ નિષ્ફળતા, છાતીનો એ કારી ઘાવ એનાં માટે ઉર્જાકેન્દ્ર બની રહે છે. એ દરમ્યાન એને માણસની જિંદગીની રાક્ષસી વાસ્તવિક્તાનો પ્રત્યક્ષ પરિચય થાય છે. દુકાળની ભયાનકતા, ગરીબી, સરકારી તંત્રની નીંભરતા, જાતિભેદ, જુનીપુરાણી ને જડ માન્યતાઓ વગેરે સામે લડતા લડતા એ અસંખ્ય લોકોનો આદર, સ્વીકાર અને પ્રેમ પામે છે – જેની એને કાયમ ઝંખના રહી હતી.

આ કૃતિની સબળતા ગણો કે સદભાગ્ય એ છે કે પ્રખર વિચારક શ્રી મનુભાઈ પંચોળી દર્શક સાહેબે આ નવલકથાની પ્રસ્તાવના લખી છે. તેઓ નોંધે છે: –

“આંસુભીનો ઉજાસ લઈને તે આવ્યાં છે ત્યારે બેચેની, બેહાલી, બદનસીબીના કડવાટના ઘૂંટના ઘૂંટ પીધા પછી સાંપડે છે થોડો ઉજાસ – અને તે પણ આંસુભીનો. ઈશુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને કહ્યું કે, તમને ખરેખર કહું છું કે દાણો જ્યાં લગી ભોંયમાં દટાઈ સડી ન જાય ત્યાં સુધી નવો છોડ ઊગતો નથી. દટાઈને ઉગવું – આંસુભીનો ઉજાસ બધું એક જ. ભારે કિંમત ચુકવ્યા વિના કોઈ મૂલ્યવાન વસ્તુ સાંપડતી નથી.”

તેઓ આગળ નોંધે છે કે જાતિના લીધે તો કર્ણ પણ દ્રૌપદીને પામી શક્યો નહોતો પણ તે નફરત અને વેરભાવથી દોરવાઈને દુર્યોધનના પક્ષે જઈ બેસે છે કારણ કે એને પ્રેમ પારસમણિનો સ્પર્શ નહોતો થયો. એને મન તો ધનુષવિદ્યા જ કેન્દ્રમાં હતી. દેવરાજનું પાત્ર એટલા માટે જ હ્રદયને સ્પર્શે છે કે એ વેદનાથી સંવેદના સુધી પહોચે છે અને જનસામાન્યનાં આંસુઓ લૂછવા તત્પર બને છે. જો કે, એની રાહ પણ આસાન નથી. આર્થિક મુશ્કેલીઓ, ચારિત્ર પર શંકા, ઈર્ષ્યા અને ટાંટિયાખેંચનો એ શિકાર બને જ છે પણ તૂટતો નથી કેમ કે રેગિસ્તાનને નંદનવનમાં પલટાવવા એ પ્રતિબદ્ધ છે. એ વિચારે છે:-

“હું એકલો નથી. ભગવાને કેટલાં બધાં માણસો મારી આસપાસ મોકલી આપ્યાં છે! બધાં મારી સાથે છે, મને પ્રેમ કરે છે. સરોજને છીનવી લેવામાં આવી તો ભગવાને મને કેટલાં બધાં માણસોનો પ્રેમ આપ્યો! મને કેટલો ભરી દીધો! સરોજના પ્રેમે મને ભાંગી ન નાખ્યો, રચનાત્મક માર્ગે વાળ્યો.”

Blessing in Disguise ના આ મુખ્ય વિચાર ઉપરાંત પુસ્તકનો ગામઠી પરિવેશ, રાજકારણના રંગો, ખેતીપ્રધાન ગણાતા દેશમાં ખેડૂતોની સમસ્યાઓ વગેરે રસપ્રદ છે. હા જો કે, તળપદી ભાષા અને વર્ણનો ક્યાંક કોઈકને અઘરા લાગી શકે પણ એ અનિવાર્ય છે. સંવાદો પણ ચોટદાર છે. એક કામના સંદર્ભમાં ગામનો જુવાન દેવરાજને કહે છે: -

એ તો વેણીરામ બધું ફોડી લે.” ત્યારે એનો જવાબ:-

“આપણે ફોડવું નથી, સાંધવું છે.”

અને હવે આ જુઓ:-

“દેવા, મને તારી ચંત્યા થાય છે.”

શાની?’

તું આંય એકલો પડ્યો રે છે, તે કોક રાતે ન કરે નારાયણ ને...

એવી બીક ન રાખ. અહીં તો ભગવાનનો આશરો છે. ને આશરે આવેલાને એ નહીં સાચવે તો એને પૂજશે કોણ?’

આ નવલકથા વિષે વરિષ્ઠ ગુજરાતી લેખક શ્રી રઘુવીર ચૌધરીના વિચારો પણ જાણવા યોગ્ય છે :-

“લેખકે મુખ્ય પાત્ર દ્વારા ઇતિહાસની સાચી સમજણ વ્યક્ત કરી છે. આઝાદી પૂર્વેના ઝાલાવાડની સામાજિક અને આર્થિક સ્થિતિ અને આઝાદી પછીના એ પંથકનું નવનિર્માણ અહીં એક સાથે જોવા મળે છે. માત્ર પરિસ્થિતિ બદલવાની હોત તો કામ સહેલું હતું. લોકોની મન:સ્થિતિ પણ બદલવાની છે.”

આ કૃતિમાં દિલિપ રાણપુરા આ બંને કામ બખૂબી પાર પાડી શક્યા છે એવું કહી શકાય.

Link of Gujarat Sahitya Academy's video:-

https://www.youtube.com/watch?v=_oKj6aYCZ-k

-    ડો. જય મહેતા

Monday, September 7, 2020

મન્ટો: છાતીમાં ભૂકંપ લાવનાર લેખક

 



પુસ્તક:- વિનોદી જીવનચરિત્રો

લેખક:- વિનોદ ભટ્ટ

પ્રકાશક:- નવભારત સાહિત્ય મંદિર

વર્ષ:- 2003

શબ્દોના ડાઈનેમાઈટથી દંભને વેરણ-છેરણ કરનાર લેખક એટલે મન્ટો. સહેજેય politically correct થયા વગર, શબ્દો ચોર્યા વગર લખનાર લેખક એટલે મન્ટો. સમાજની આંખમાં આંખ પરોવીને વાત કરનાર વાર્તાકાર એટલે મન્ટો. મન્ટો મહાન હતા કે માથાફરેલ? બિન્દાસ હતા કે બેશરમ? એસિડિક હતા કે આખાબોલા? એ આ બધું જ હતા. તમામ દ્વંદની પેલે પાર જઈને, સમાજના અંધારા ખૂણામાં ટોર્ચ ફેંકીને એની અસલિયત તરફ ધ્યાન દોરનાર મહાન ઉર્દુ વાર્તાકાર એટલે સઆદત હસન મન્ટો.



આજે વાત કરવી છે પ્રસિદ્ધ ગુજરાતી લેખક શ્રી વિનોદ ભટ્ટના પુસ્તક વિનોદી જીવનચરિત્રો નાં એક અંશ વિષે. તેમાં એંટોન ચેખોવ, ચાર્લી ચેપ્લિન, જ્યોર્જ બર્નાર્ડ શો અને સઆદત હસન મન્ટો એમ ચાર જીવનકથાઓ છે. તેમાં મન્ટોની કથાનું શીર્ષક તો જુઓ:- મન્ટો: એક બદનામ લેખક’. તેઓ નોંધે છે કે ઉર્દુ સાહિત્યમાં મન્ટો જેટલો બદનામ લેખક ભાગ્યે જ બીજો કોઈ હશે. જો કે, બદનામ શબ્દમાં પણ નામ તો આવે છે, એ પણ આશ્વાસન તેઓ લઈ શક્યાં હશે. પોતાનાં સમયથી વહેલા જન્મવાનાં ગુન્હાની સજારુપે તેઓ સમયની પહેલા ગુજરી પણ ગયા અને ખાતું સરભર કરી આપ્યું! અહીં મરીઝ સાહેબનો શેર યાદ આવે:-

“દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું;

મૃત્યુનું બહાનું કરી, આ પાછો ફર્યો લે!”

મન્ટોને મોકલતી વખતે તો નહીં પરંતુ પાછા બોલાવતી વખતે એ બડે માલિક બહુ પસ્તાયા હશે એમાં બેમત નથી. સમાજના સુષુપ્ત આત્માને જગાડવા માટે, under the carpet reality બહાર લાવવા માટે સમયાંતરે કોઈ વિચારક, કોઈ સર્જક, કોઈ કલાકાર અવશ્ય આવે છે અને સદીઓ સુધી ન ભૂલાય એવું પ્રદાન કરી જાય છે. ઓશો, કમલા દાસ, ચંદ્રકાંત બક્ષી, ખુશવંત સિંઘ વગેરે. મન્ટોને પણ આ શ્રેણીમાં મૂકી શકાય.

   મન્ટોની વાર્તાઓ વાસ્તવિક હતી અને એટલે જ વિસ્ફોટક પણ હતી. Edgar Allan Poe ની એક વાર્તામાં એક વાક્ય છે:- “Truth is stranger than fiction.” તેની કલમ સમાજનાં વિચિત્ર અને વરવા વાસ્તવ પર નિષ્ઠુરતાથી ચાલતી હતી અને સ્વાભાવિક છે કે તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેમ આપણે ત્યાં ચંદ્રકાંત બક્ષીની વાર્તા કુત્તી પર કેસ ચાલેલો એમ તેની કાલી સલવાર’, બૂ’, ઠંડા ગોશ્ત’, ધુંઆ’, અને ઉપર, નીચે ઔર દરમ્યાન એમ પાંચ વાર્તાઓ પર અશ્લીલતાનાં કેસ થયાં હતાં. 1942માં તેની વાર્તા કાલી સલવાર બદલ તેને બ્લેકલિસ્ટ કરાયા  હતા એ વિષે તેમનું શું કહેવું હતું?

“આ વાર્તામાં અશ્લીલ કશું જ નથી. આ વાર્તા વાંચીને લોકો વેશ્યાના ઘર તરફ દોડવા માંડે છે? ના, સ્હેજ પણ નહીં – કેમ કે આ વાર્તા એવા આશયથી લખાઈ જ નથી. આવી વાર્તાઓ જાતિય ઉત્તેજના માટે નથી લખાતી. મારી વાર્તાઓ વાંચ્યા વગર પણ સેંકડો પુરુષો વેશ્યા પાસે જાય છે, છતાં આ ભીડમાં તે એકલી પડી જાય છે, સાવ એકલીઅટૂલી. રાતના અંધારામાં ચાલતી ટ્રેનની જેમ મુસાફરોને તે તેમના મુકામ પર પહોંચાડે છે ને પછી છતની નીચે, ખાલીખમ થઈને પડી રહે છે. લોકો તેને દુષ્ટ ચરિત્રવાળી સ્ત્રી કહે છે. રાત્રિના અંધકારમાં પુરુષો જેની સોડમાં શાંતિ મેળવે છે ને એ જ પુરુષો દિવસના અજવાળામાં તેને તિરસ્કારે છે, ભાંડે છે. તેની સામે અણગમાથી જુએ છે, કેવળ દંભ. પણ આ સ્ત્રી ખુલ્લેઆમ પોતાનો દેહ વેચે છે, કશું છુપાવતી નથી.”

સમાજનાં દંભ પર મન્ટોએ તેમની વાર્તામાં વેધક પ્રહારો કર્યા છે. ગરીબી, ભૂખ, શોષણ, અન્યાય, કોમી હિંસા વગેરે વિષે લખતી વખતે એના શબ્દોમાંથી દર્દ ટપકતું અનુભવી શકાય છે. આ ઉપરાંત, આ પુસ્તકમાં મન્ટોની શરાબ અને સિગારેટની આદત, એમનાં જિગરજાન દોસ્તારો સાથેની યાદગાર પળો, મુંબઈ સાથેનો એમનો અતૂટ નાતો, એમની વાર્તાલેખનની પ્રક્રિયા વગેરે વિષે સરસ ચર્ચા કરવામાં આવી છે. મુંબઈને તે એટલું ચાહતા કે પોતાને હરતુંફરતું મુંબઈ” કહેતાં. તેનાં જીવન વિષે એક નાટક થયેલું છે જેનું નામ પણ ચલતા ફિરતા બંબઇ છે. ઠંડા ગોશ્ત’, કાલી સલવાર’, ટોબા ટેકસિંઘ વગેરેની વાત આ પુસ્તકમાં છે પણ અહીં હું એમની કોઈપણ વાર્તાની ચર્ચા સભાનપણે ટાળવા માગું છું અને ઈચ્છું છું કે વાચકો સીધાં જ એ વાર્તાઓ વાંચે.

આપણા મરીઝ સાહેબની જેમ જનાબ મન્ટોને પણ શરાબની લતે ખુવાર કર્યા, ઉપરથી જિદ્દી, ખુદ્દાર અને મુફલિસી મિજાજ, રોકડું પરખાવવાની આદત, અને પીડિતોનાં દર્દને મેહસૂસ કરી શકવાનો અભિશાપ! ગાલિબની જેમ કહેવાનું મન થાય કે:- “તુજે હમ વલી સમજતે, જો ના બાદાખ્વાર હોતા!”

એક વાત વાંચીને સુખદ આશ્ચર્ય થયું કે મન્ટોએ તેમના લખવાના ખંડમાં ભગતસિંઘનું પૂતળું રાખ્યું હતું. ઇન ફેક્ટ, તેમની સૌપ્રથમ વાર્તા તમાશા જલિયાંવાલા બાગની ઘટના પર કેન્દ્રિત હતી જે તેમણે પોતાના નામ વગર છપાવી હતી. તેમનાં પર વોલ્તેર, રૂસો, માર્કસ, લેનિન વગેરેનો પ્રભાવ હતો તો સાથે ચેખોવ, મોપાસા, વિકટર હ્યુગો અને સમરસેટ મોમ નો પ્રભાવ પણ હતો. એક ઠેકાણે વિનોદ ભટ્ટ નોંધે છે:- “મન્ટો કલમ તેજાબમાં બોળીને લખતો.”

વ્યંગ એ મન્ટોનું એક હાથવગું હથિયાર હતું. કબીર-કથાના એક ઉદાહરણથી સમજીએ:-

“શહેરનો એક મોટો નેતા ગુજરી ગયો. ચોતરફ શોકનું વાતાવરણ ફેલાઈ ગયું. લોકો પોતાના હાથ પર કાળી પટ્ટી બાંધીને ફરવા માંડ્યા. કબીરે આ જોયું તો તેની આંખ આંસુથી છલકાઈ ગઈ. કાળા બિલ્લાધારી એક જણે તેને પુછ્યું કે કેમ રડે છે? શું દુ:ખ છે? જવાબમાં કબીરે જણાવ્યું કે આ કાળી રીબનો ભેગી કરવામાં આવે તો તેમાંથી સેંકડો જણાનાં નગ્ન અંગ ઢાંકી શકાય. કાળા બિલ્લાવાળાએ કબીરને ફટકારવાનું શરૂ કરી દીધું:- તું કોમ્યુનિસ્ટ છે, પાકિસ્તાનદ્રોહી છે, ગદ્દાર છે. કબીર હસી પડ્યો. બોલ્યો:-

પણ મિત્રો, મારા હાથ પર તો કોઈ પણ રંગનો બિલ્લો નથી.

દાયકાઓ પહેલાં, પાકિસ્તાનમાં લખાયેલી આ વાત આજે 2020માં હિંદુસ્તાનમાં પણ કેટલી પ્રાસંગિક લાગે છે! જો કે, એ વાત અલગ છે કે આવું અત્યારે અહીં લખાયું હોય તો ..........

કદાચ એટલે જ આપણે ત્યાં આવું લખવાને બદલે મહદઅંશે લેખકો-કવિઓ ફૂલ ને ફોરમ, વૃક્ષ ને વાદળ, કૃષ્ણ ને રાધા, છોકરો ને છોકરી .... એવાં ગળચટ્ટા વિષયો પર લખતાં હોય છે.

મુઘલ-એ-આઝમ બનાવનાર કે. આસિફ એક વાર મન્ટો પાસે વાર્તા સંભળાવવા આવ્યાં અને એમને મન્ટોએ મજાકમાં કહી દીધું કે હું વાર્તા સાંભળવાનાં પૈસા લઉં છું. આસિફ તરત ત્યાંથી ચાલ્યા ગયા અને થોડી વારે એક માણસ મન્ટોને એક કવરમાં 500 રૂપિયા આપી ગયો. બીજે દિવસે કે. આસિફે તેની વાર્તા સંભળાવી. વાર્તા સાંભળીને મન્ટો સાહેબે ફેંસલો આપ્યો:- “વાર્તા બકવાસ છે.” કે. આસિફને નવાઈ લાગી એટલે એમણે ફરીથી પૂછ્યું તો મન્ટોનો જવાબ:-

“જુઓ આસિફસાહેબ, તમે એક મોટો વજનદાર પથ્થર લાવીને મારા માથા પર મૂકો. પછી એનાં પર મોટો હથોડો ઝીંકો તો પણ હું એમ જ કહીશ કે વાર્તા સાવ ભંગાર છે.” મન્ટોનો હાથ ચૂમતા આસિફ ત્યાંથી રવાના થયાં અને એ વાર્તા પરથી ફિલ્મ બનાવવાનું માંડી વાળ્યું. કેવી પ્રમાણિકતા, કેવી નિખાલસતા! આવાં તો અનેક કિસ્સાઓ આ પુસ્તકમાં છે.

સમાજની કુરૂપતાઓ સામે અરીસો ધરવા, માનવતાનો જીર્ણોદ્ધાર કરવા, ભૂખ્યાજનોના જઠરાગ્નિને જગાડવા, માનવમૂલ્યોને પોષવા માટે આવા બળકટ કલમવીરોનું, સર્જકોનું હોવું અત્યંત જરૂરી બની રહે છે. અને આખરે....

(એક સંપાદકને કહેવાયેલાં) આ સમર્થ વાર્તાકારના શબ્દો:-

“હું સેક્સ જેવાં છુપાવી રખાતા વિષયો પર મુક્તપણે ચર્ચા કરું છું. પણ મારી જાતને તેમાં ડૂબાડતો નથી. સમાજમાં ચોતરફ હવસના પૂજારીઓ દેખાતા હોય, પ્રેમના નામે વાસના જ જોવા મળે તો પછી એને હું શા માટે સંતાડું? મારી વાર્તાઓમાં જ્યાં તમને નગ્નતા દેખાય છે ત્યાં મને માનવતા દમ તોડતી દેખાય છે. માફ કરજો, પણ મને એ દમ તોડતી દેખાશે તો ત્યાં મારી કલમ પૂર્ણ શક્તિથી ચાલશે, પછી ભલે તમે તે છાપો કે ન છાપો....”

-    ડો. જય મહેતા

                                          તા. 07-09-2020 

Tuesday, September 1, 2020

ડો. ફોસ્ટસ, લોકડાઉન અને સોશિયલ મીડિયા


 
हज़ारों ख़्वाहिशें ऐसी कि हर ख़्वाहिश पे दम निकले

                बहुत निकले मिरे अरमान लेकिन फिर भी कम निकले

- मिर्ज़ा ग़ालिब

કોરોના, ક્વોરંટાઈન, હોટસ્પોટ, ક્લસ્ટર ઝોન, આઇસોલેશન, લોકડાઉન..... આ શબ્દો આજકાલ રોજરોજ આંખ અને કાન સામે આવ્યાં કરે છે ત્યારે જીવનભરની તમામ ઈચ્છાઓ, અપેક્ષાઓ, મનગમતી પ્રવૃત્તિઓ, રમતો વગેરે જાણે આ લોકડાઉનમાં જ કરી લેવાનાં હોય એવો માહોલ ઊભો થયો છે. લોકડાઉન જાહેર થયું ત્યારથી જ સોશિયલ મીડિયામાં જોવા જેવી ફિલ્મ્સ, વેબ સીરિઝ, વિડિયોઝ, વાંચવાલાયક પુસ્તકો વગેરેની યાદીઓ મૂકાવા લાગી. Day 01, Day 02, Day 03...... પોતે બનાવેલી વાનગીઓ, પરિવાર સાથે રમાતી રમતો વગેરે પોસ્ટ થવાં લાગ્યાં. જો કે, એમાં કાંઈ ખોટું નથી પણ જે લોકો આવું કાંઈ ન કરી શકતાં હોય એમનાં મનમાં હતાશા જન્મે એવું બની શકે જ્યારે હકીકત એ હોય છે કે ફેસબુક કે વ્હોટ્સએપ્પમાં પોસ્ટ કરાએલી ક્ષણોને બાદ કરીએ તો મોટાભાગનાં લોકો મહદઅંશે પહેલાં જેવું જ જીવતાં હોય છે.



અહીં એ બાબતની ટીકા કરવાનો પણ આશય નથી તેમજ કોઈ સૂચનાઓ પણ આપવાની નથી. બસ, આ પ્રકારના માહોલમાં એક નાટક યાદ આવે છે જે આશરે ચારેક સદી પહેલાં ઈંગ્લેન્ડમાં લખાયેલ:- ‘The Tragical History of the Life and Death of Dr. Faustus’. એનાં સર્જક ક્રિસ્ટોફર મારલોવ એ શેક્સપિયરનાં સમકાલીન નાટ્યકારોમાં બહું મોટું નામ ગણી શકાય. આમ તો નાટકમાં માનવીની અતિમહત્વાકાંક્ષા, જ્ઞાનનું ઘમંડ, ભગવાન સમકક્ષ બનવાની ઘેલછા, સફળતા માટે શોર્ટ કટ લેવાનાં દુષ્પરિણામો વગેરે કેન્દ્રસ્થાને છે પણ આપણે એને આજની પરિસ્થિતીના સંદર્ભે જોવું છે. ચર્ચા આગળ વધારીએ એ પહેલાં જોઈએ નાટકનો ટૂંકસાર:-



યુનિવર્સિટી ઓફ વિટ્ટેનબર્ગથી ડોક્ટરેટની ડિગ્રી મેળવનાર એક મહા-અભ્યાસુ અને મહત્વાકાંક્ષી માણસ એટલે ડો. ફોસ્ટસ. જો કે, મેળવેલ જ્ઞાન પચાવવાની ક્ષમતા પણ હોવી જરૂરી છે જે એનામાં નથી. એ મેડિસિનને તુચ્છ ગણે છે (સિવાય કે જો એનાથી મૃત વ્યક્તિને સજીવન કરી શકાય), તર્કશાસ્ત્ર, કાયદા, અર્થશાસ્ત્ર વગેરેનો બહોળો અભ્યાસ કરવા છતાં એને કશુંક ખૂટતું હોય એવું જ લાગ્યા કરે છે. જેમ કહેવાય છે ને કે અતિલોભ તે પાપનું મૂળ, એમ જ્ઞાનની અતિશય ભૂખ એને શોર્ટ કટ તરફ દોરી જાય છે. એ શોર્ટ કટ એટલે મેલીવિદ્યા. (આ નાટક રાણી એલિઝાબેથના સમયનાં ઈંગ્લેન્ડમાં એટલે કે 1592 આસપાસ લખાયેલ છે એ ફરીથી યાદ કરી લઈએ)

એ મેલીવિદ્યાથી શેતાન મેફિસ્ટોફિલિસ ને આહ્વાન કરે છે અને અમર્યાદિત શક્તિઓની માંગ કરે છે. ઈશ્વરીય શક્તિની વિરુદ્ધ જવાની અને આસુરી શક્તિઓની સાધના કરવાની શરૂઆત કરે છે જેનાં ફળસ્વરૂપે એ દૈત્યરાજ લ્યુસિફર સાથે એક કરાર કરે છે (જે પોતાના લોહીથી લખે છે). એ કરાર મુજબ 24 વર્ષ સુધી ફોસ્ટસને અમર્યાદ જાદુઇ શક્તિઓ આપવામાં આવે અને બદલામાં 24 વર્ષ પછી એનાં દેહ અને આત્મા પર શેતાનનો કબ્જો થઈ જાય એવું નક્કી કરવામાં આવે છે. આટલું વાંચીને તો આપણને થાય કે અચ્છા, 24 વર્ષમાં તો એણે જ્ઞાનની તમામ ક્ષિતિજો આંબી લીધી હશે ને? આટલો અભ્યાસુ માણસ તો અઢી દાયકામાં કાંઇ નું  કાંઇ કરી નાખે ને?

નાં. જરૂરી નથી. ક્યારેક બહુ વિચારશીલ માણસ અતિશય પ્લાનિંગ કરીકરીને જીવે એમાં બહુમૂલ્ય સમય વેડફી નાખે અને અંતે પારાવાર અફસોસ કરવાનો વારો આવે એમ પણ બને. નોકરિયાત વર્ગને શનિ-રવિ કે જાહેર રજાઓમાં અનેક અરમાનો હોય અને એમાં જો કોઈ અણધાર્યું કામ આવી ચડે કે મહેમાન આવી પડે તો જાણે શેતાને મૂલ્યવાન દિવસો છીનવી લીધાં હોય એવું લાગે. બીમારી કે આળસ કે અન્ય કોઈ કારણસર રજાઓ કે લોકડાઉનનો મહત્તમ ઉપયોગ ન થઈ શકે તો અંતે એવો જીવ બળે કે ન પુછો વાત. આપણાં આ ફોસ્ટસ સાહેબ પણ એવું જ કરે છે.

24 વર્ષ દરમ્યાન એ પોતાને મળેલી અમર્યાદ જાદુઇ શક્તિઓના સહારે કોઈ નવું જ્ઞાન મેળવી લેવાનાં બદલે એ સમય ફાલતુ પેંતરા કરવામાં કાઢે છે. કોઈ રાજાનો મુગટ ગાયબ કરી દેવો, કોઈ માણસને ઘોડો વેચીને અચાનક એ ઘોડાને તણખલામાં તબદીલ કરી દેવો, આવી બાલિશ હરકતો જ કર્યાં કરે છે. જો કે, સમય ક્યારેય કોઇની રાહ જોતો નથી. મુઠ્ઠીમાંથી સરતી રેતીની જેમ વર્ષો પસાર થતાં જાય છે. 24 વર્ષનાં અંતે ફોસ્ટસનાં પારાવાર પસ્તાવા, ધમપછાડા અને વિલાપ વચ્ચે શૈતાનનાં સેવકો એને ઢસડી જાય છે.

શેક્સપિયરનાં મેકબેથ ની જેમ ફોસ્ટસ પણ ઈચ્છાપૂર્તિ માટે કોઈપણ હદ પાર કરી શકે છે. નીતિ-અનીતિને બાજુએ રાખીએ તો પણ પ્રશ્ન એ છે કે આપણને આપણી ધારેલી શક્તિઓ, સગવડો કે ફુરસત મળી જાય તો શું આપણે ખરેખર કોઈ સરાહનીય કામ કરી દેખાડીએ? આનાં જવાબમાં ખાતરીપૂર્વક હા કહી શકે એવાં કેટલાં? આ લોકડાઉનમાં આપણે સૌએ આપણાં અંતરાત્માને પૂછવા જેવો આ પ્રશ્ન છે. જો એનો જવાબ ના હોય તો એનો અર્થ એ કે અત્યાર સુધી જે કારણો અપાયાં હતાં એ ફક્ત બહાના જ હતાં.

તો આખરે કરવું શું? બસ, ઈચ્છાઓનાં અડાબીડ જંગલમાં અટવાયા વગર નિજમસ્તીમાં જીવ્યે જાવું અને ખુશ રહેવું. શરૂઆતમાં જણાવી એ તમામ પ્રવૃત્તિઓમાં એક લઘુત્તમ સામાન્ય અવયવ જેવો આશય હોય છે: - ખુશી. Happiness. એ ખુશી આપણાં માટે મેળવવાની હોય છે, સોશિયલ મીડિયામાં બીજાને દેખાડવા માટે નહીં. To-Do List કે ઈચ્છાઓનો ટાર્ગેટ પૂરો કરવાનો હોય એ રીતે નહીં પણ એક ટાબરિયું જે મૌજથી રમતું હોય એમ જીવવું ઇચ્છનીય છે. ઓહ, આ ઈચ્છાઓ...!!!

રમેશ પારેખનાં શબ્દોમાં કહીએ તો: -

“ઈચ્છાઓ અટપટી કે સરળ હોય તોય શું?

કાગળમાં ચીતરેલું કમળ હોય તોય શું?

બારીની આ તરફનો હું એક હિસ્સો છું રમેશ,

પેલી તરફ જવાની તલપ હોય તોય શું?”

- © ડો. જય મહેતા

પોલીટેકનિકમાં પ્રવર્તતી શૈક્ષણિક અસ્પૃશ્યતા


લખ્યા તા. 20-08-2020

હાથમાં કારોબાર રાખ્યો તેં,

ને મને બારોબાર રાખ્યો તેં.
એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.
- મનોજ ખંડેરીયા
આજે બપોરે સ્ટાફરૂમમાં વિજ્ઞાન અને એન્જીનિયરીંગનાં સહકર્મચારીઓ સાથે હળવી વાતચીત દરમ્યાન મારા એક સંવેદનશીલ અને અભ્યાસુ સાથીના ભાષા-સાહિત્યના વિશાળ અભ્યાસ અને કવિતાની સૂઝને ધ્યાને લઈને મેં એક વિધાન કર્યું:- "આ સાહેબ તો XYZ વિષયમાં આવી ગયાં એટલે બાકી એમણે તો ગુજરાતી સાથે MA કરવા જેવું હતું." આ સાંભળી એક વડિલ વ્યાખ્યાતાનું નિવેદન:-
"જો એમણે ગુજરાતી રાખ્યું હોત તો અત્યારે ક્યાંક શિક્ષક હોત!" એમ કહીને "શિક્ષક" શબ્દ પર સવિશેષ અને તિરસ્કારના ભાવ સાથે ભાર મૂકી ખડખડાટ હસ્યાં. મેં એમનાં પગારકેન્દ્રી માપદંડને ધ્યાને રાખીને તરત જ જવાબ આપ્યો:- "કેમ? હું આર્ટ્સમાં ભણીને પણ તમારી સાથોસાથ ઉભો છું , સરખો પગાર લઉં છું ને! અને આર્ટ્સ કોલેજમાં જે GPSC થયેલાં વ્યાખ્યાતાઓ છે એ પણ NET, GSET, PH.D. જેવી સિદ્ધિઓ મેળવી સારો પગાર મેળવે જ છે."
હજી હું આગળ જવાબ આપું ત્યાં તો એન્જિનિયરિંગના એક વરિષ્ઠ વ્યાખ્યાતાએ મને જોઇને કહ્યું:-
"ક્યારેક મને એમ થાય છે કે આ ગુજરાતી ને હિન્દી ને ઇતિહાસ જેવાં વિષય રાખી લેવાની જરુર હતી. આ ખોટું આટલું અઘરું ભણ્યો!"
મનમાં તો સણસણતા જવાબ આવતાં હતાં પણ વયની શરમ અને સાહિત્યના સંસ્કારે મને અટકાવ્યો.
આ કાંઈ પહેલી ઘટના નથી. પાંચ વર્ષમાં પાંચસોથી વધારે વખત આવાં ગુરુતાગ્રંથિથી ગંધાતા અને હાડોહાડ ભેદભાવયુક્ત ઉચ્ચારણો સાંભળીને એ હળાહળ ગળામાં જ સંઘરી લીધું છે.
કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિમાં આર્ટ્સ,કોમર્સ, સાયંસ જેવી વાડાબંધી દૂર થાય એ પ્રકારનો અભિગમ અપનાવ્યો છે એવું ધ્યાને આવ્યું છે ત્યારે આ લોકોની બંધિયાર માન"સિક"તા ક્યારે બદલાશે?
વિજ્ઞાન અને એન્જિનિયરિંગ પ્રત્યે તો આભાર અને અહોભાવ સિવાય કંઈ જ ન હોઇ શકે. આજે જે મોબાઈલથી ટાઈપ કરીને ઈન્ટરનેટ થકી તમારા સુધી આ વાત પહોંચાડી શકું છું એ તેની દેન છે. વિશાળ ઇમારતો, સરસ મજાના ફ્લાઇઓવર, જાતભાતના ગેજેટ્સ અને ઍપ્સ વગેરે એન્જિનિયરિંગનો જ કમાલ છે ને! પરંતુ એનો અર્થ એવો તો નથી કે humanities ના વિષયો અને તેમાં ભણનાર સૌને નક્કામા સમજવાના! મારા આ અનુભવ સાથે અનેક લોકો સહમત થાશે એ મને ખ્યાલ છે પણ મારા સાડા ત્રણ દાયકાના જીવનમાં મેં એકપણ કિસ્સો એવો જોયો નથી કે કોઇ આર્ટ્સ કોલેજમાં એન્જિનિયરિંગ કે વિજ્ઞાન શાખાનાં વ્યક્તિ સાથે આવું discrimination થતું હોય.
મારા ખુદના પપ્પા NAVINBHAI MEHTA કેમિકલ એન્જિનીયર છે અને એ પણ આજથી 45 વર્ષ પહેલાં DDIT, Nadiad થી એમણે અભ્યાસ કરેલો એટલે એક એન્જિનિયરની ચોકસાઈ, ઊંચો IQ, સર્જનાત્મકતા, perfection નો આગ્રહ વગેરે ગુણોથી હું નાનપણથી પરિચિત હતો જ ને હજીય સાચા એન્જિનિયર પ્રત્યે આદર ધરાવું છું પણ એ જ નવીનભાઈ જ્યારે કલાપી કે કાન્તના કાવ્યો, મેઘાણીની વાર્તાઓ, world politics, Buddhism, Jainism, સમાજજીવનનાં પ્રવાહો, તળપદી ગુજરાતીનાં વિશિષ્ટ શબ્દો વગેરે વિશે સંદર્ભ અને ઉદાહરણ સાથે ચર્ચા કરે ત્યારે આપણે અચંબિત થઈ જઈએ.
આર્ટ્સને ઉતારી પાડનાર ઉપરોકત અધ્યાપકોની ત્રેવડ છે આમાંથી એકપણ વિષય પર બોલવાની?
હું સાહિત્યનો વિદ્યાર્થી હોવા છતાંય સફારી રસપૂર્વક વાંચુ અને મારા કલિગ સાથે ચર્ચા પણ કરું તો એન્જિનિયરિંગના અધ્યાપકને આવી આભડછેટ કેમ નડતી હશે?
મને ગર્વ છે કે હું આર્ટ્સનો, માનવવિદ્યાનો વિદ્યાર્થી છું, જ્યાં માણસને માણસ તરીકે જોવાનું શીખવાડાય છે, એનાં ગ્રેડ પે કે ક્યા વર્ષની GPSC છે એનાં આધારે નહીં.
મને લાગે છે કે હવે બંધારણની કલમ 15 માં લિંગ, જાતિ, ધર્મ, કુળ, પ્રદેશનાં આધારે થતાં ભેદભાવ અને અપમાનની સાથે આ પ્રકારની શૈક્ષણિક અસ્પૃશ્યતાનો પણ સમાવેશ કરવો જોઇએ.
આ ઘટના સમયે તો એટલો ગુસ્સો આવ્યો કે ચાણક્યની જેમ પ્રતિજ્ઞા કરું કે એક દિવસ આ જ સંસ્થામાં ડો. જય મહેતા એની Mercedes લઈને આવશે જે એણે એનાં ભાષા-સાહિત્યનાં જ્ઞાન અને અભ્યાસથી કમાયેલા રૂપિયાથી ખરીદી હશે, પણ થયું કે એનાંથી પણ આ hegemony દૂર થવાની નથી!
કાજલ ઓઝા વૈદ્ય થી કવિતા કૃષ્ણમુર્તિ સુધી, ઓસમાણ મીરથી લઈને એ. આર. રહેમાન સુધી જોઇ લ્યો! કલાકારો લખલૂંટ પ્રેમ, પૈસો, કિર્તિ બધું જ કમાયા છે જ. હજી આપણે કુમાર વિશ્વાસ, રાહત ઈન્દોરિ, જાવેદ અખ્તર, ગુલઝાર, જે. કે. રોલિંગ્સ, પોલો કોઍલો, સ્ટીફન કિંગ સુધી તો ગયાં જ નથી.
English માં એક પેરેગ્રાફ લખવો હોય તોય આપણી સહાય માંગે ને બીજી જ મિનિટે "તમારે તો શું English માં phd કરવામાં હોય? વાર્તાઓ જ હોય ને!" આવું એમનાં જ શ્રીમુખેથી સાંભળવા મળે ત્યારે એમ થાય કે વાહ! દંભની પરાકાષ્ઠા છે બાકી!
એ ઘડીએ કવિમિત્ર ભાવેશ ભટ્ટનો શેર માનસપટલ પર ઝબકે:-
"વિદ્યાર્થીઓના ટોળામાં રહું છું એ મારી મજબૂરી છે પણ;
તું તો એ જાણે છે ને કે તું કોને ભણાવે છે?"
આવી પરિસ્થિતિમાં મારા શુભચિંતકો મને એવી PRACTICAL સલાહ આપતાં હોય છે કે "બહુ નહીં વિચારવાનું, દર મહિને પેલી તારીખે પગાર આવી જાય છે ને, એટલે બસ!"
મારા હિત માટેની ખેવનાને લીધે હું એમને મોઢે તો દલીલ ન કરું પણ મનોમન એમને જાવેદ અખ્તર સાહેબનો શેર કહી દઉં છું:-
"ग़लत बातों को ख़ामोशी से सुनना हामी भर लेना,
बहुत हैं फायदे इसमें मगर अच्छा नहीं लगता!"
અગાઉ કહ્યું એમ, આ કોઇ નવી વાત નથી, આ પ્રકારનાં "કર્ણપણા" સાથે રોજ જીવું છું પણ ફિલ્મ 'A Wednesday' ના કોમન મેન પાસેથી શબ્દો ઉછીના લઈને કહું તો:-
"સાહબ, યે acceptable નહીં હૈ. યે સારા નાટક બંધ હોના ચાહીયે. This whole bloody system is flawed.
WE ARE RESILIENT BY FORCE, NOT BY CHOICE."
ફક્ત ગુજરાતની જ વાત કરીએ તોય કેટલાંય એવાં ડોક્ટર, એન્જિનિયર છે જેઓ ખૂબ સફળ કવિ કે નવલકથાકાર હોય. એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ તો દર વર્ષે 'સાહિત્ય સરિતા' નામે મોટો જલસો કરે છે. એ પણ ધ્યાને લેવાનું ને!
આમ પાછા આપણે બળાપો ઠાલવીએ કે સમાજમાં શિક્ષકને માન મળતું નથી પણ તમે અંદરોઅંદર જ અલગ અલગ પંથ ને સંપ્રદાય બનાવીને બેઠાં છો એનું શું! જ્યારે આપણે સમાજમાં ઘટતાં ભયાનક અપરાધો વિશે ચિંતા અને દુ:ખ વ્યક્ત કરીએ છીએ ત્યારે એ યાદ રાખવું જોઇએ કે એનાં અનેક કારણોમાનું એક કારણ છે અભ્યાસમાં ભાષાઓનું અવમૂલ્યન.


બેટા, SCIENCE, MATHS, ENGLISH માં સ્કોર કરી લે બાકી સમાજવિદ્યા, ગુજરાતી, હિંદી એ બધાં તો પાસ થાવા માટેનાં subjects છે. (English પણ એટલે કહે છે કેમ કે એની વિના ચાલે એમ નથી) અને સંસ્કૃત તો ગોખણપટ્ટીનો, સ્કોરીંગ સબ્જેક્ટ છે. બરાબર ને!
પણ આ વિષયોમાં થતું હોય એ મૂલ્ય શિક્ષણનું શું? ઓસામા બિન લાદેનથી માંડીને સંસદ ભવન પરના હુમલા ના માસ્ટરમાઈન્ડ એન્જિનિયર, ડોકટર, પ્રોફેસર હોય તો આપણી કેળવણીમાં ક્યાંક તો કાચું કપાયું હશે ને!
"બેટા, ગણિત વિજ્ઞાનમાં જ વધારે ધ્યાન આપવાનુ...."
પછી તો આ જ બેટાઓ મોટાં થઈને શરુઆતમાં લખ્યું એવી ખાબોચિયાછાપ માન"સિક"તા પ્રદર્શિત કરે જ ને!
બસ, વિશેષ તો શું કહું!
ફરીથી એ જ ભાવેશ ભટ્ટનો શેર યાદ આવે છે:-
કાયમ સહન કરી લઉં એ ખાનદાની તો છે
પણ દોસ્ત આખરે તો, અમને ફરક પડે છે
- ડૉ. જય મહેતા

જયદિપ – યે ફોટો 3-D હૈ!

લખ્યા તા. 15-08-2020



“બીજા માણસને તરત જ સમજી જનાર બહુ હોંશિયાર માણસને દોસ્ત હોય નહીં. જીવનમાં દોસ્ત મેળવવા માટે એ દોસ્ત જેટલા મૂર્ખ, નિર્દોષ, નિષ્પાપ, બેવકૂફ, બેહિસાબી, ખેલદિલ બનવું પડે છે. દાવપેચ વિનાનું ખડખડાટ હસવું પડે છે અને કુર્તાના ખિસ્સામાંની બંધ મુઠ્ઠીઓ બહાર કાઢીને હથેળીઓ ખોલવી પડે છે. દોસ્તી ખુલ્લી હથેળીઓની રમત છે અને હથેળીઓ સંતાડનારને એ ફાવતી નથી.”
- ચંદ્રકાંત બક્ષી
સમય:- 2003 નો ઉનાળો. એડમિશનનો સમયગાળો.
સ્થળ:- શામળદાસ આર્ટ્સ કોલેજ, ભાવનગરનો એક ક્લાસરૂમ.
પાત્રો:- ધો. 12 પાસ કર્યા પછી B.A. માં એડમિશન લેવા આવેલ વિદ્યાર્થીઓ અને સંસ્થાનો વહીવટી સ્ટાફ.
વિદ્યાર્થીઓને જરૂરી સૂચના અપાયા બાદ તેનાં માર્કસ પ્રમાણે જે તે વિષયમાં એડમિશન આપવાની વિધિ શરૂ થઈ. ધો. 12 કોમર્સમાં 53% લઈને આવેલો એક ચશ્મિશ, ચંબુછાપ છોકરડો ત્યાં B.A. (ENGLISH) માં એડમિશન મેળવવાની આશાએ બેઠો હતો પણ તેને સૂચના આપવામાં આવી કે આટલાં ઓછા ટકાએ અંગ્રેજીમાં એડમિશન ન મળે. “રાજ્યશાસ્ત્ર કે સમાજશાસ્ત્ર રાખી લે.” એ સમયનાં ત્યાનાં ક્લાર્કે એને સમજાવ્યો. છોકરો મૂંઝાયો કે જે વિષયનું નામ પણ ખબર નથી તેમાં કેમ ભણવું? એવામાં સામેની રૉ માં વચ્ચેની બેન્ચ પર બેસેલો એક જાડીયો છોકરો ક્લાર્ક પાસે ગયો, કંઈક ચર્ચા કરી, ડોક્યુમેન્ટસ કે ફોર્મની આપ-લે કરી અને ઘરે જવા રવાના થયો. અગાઉ એ છોકરા સાથે વાત કરી હોવાથી ચંબુભાઈને ખબર હતી કે એને પણ B.A. (ENGLISH) માં એડમિશન લેવાની ઈચ્છા હતી. એ જાડીયો ગયો એટલે આપણાં ચંબુરાજે ધારી લીધું કે એને એડમિશન મળી ગયું. ઘરે જઈને ટેવવશ એના પપ્પાને બધી વાત કરી તો એના પપ્પા ખીજાયા:- “ઈ છોકરાને એડમિશન મળ્યું તો તું કેમ ખાલી હાથે પાછો આવ્યો?” જો કે, એકાદ બે વર્ષ પછી ખબર પડી કે એ દિવસે એ જાડીયાલાલ એડમિશન લીધા વગર, ધોયેલ મૂળાની જેમ ઘરે ગયા હતા. બાદમાં યુનિવર્સિટીએ વર્ગો વધાર્યા એટલે એ બે લલ્લુઓને પણ એડમિશન મળી ગયું.
આ દ્રશ્યમાં જે ચશ્માવાળો, ચંબુછાપ બાબલો એ આજનો ડો. જય મહેતા - Lecturer in English, R. C. Technical Institute અને પેલો જાડીયો છોકરો એટલે દિપ ત્રિવેદી – Executive Magistrate and Deputy Mamlatdar, Vadodara.


2003 થી 2020. આ ઉનાળે 17 વર્ષની થઈ અમારી દોસ્તી. આ દોઢ દાયકામાં અમે અમારા જીવનમાં અનેક ઉતારચઢાવ જોયાં, કંઈક લોકો આવ્યાં અને ગયાં, girlfriends બની અને break-ups થયાં, સિલેબસ, કોલેજ, નોકરીના સ્થળો, શહેરો, હોદ્દાઓ, પગારધોરણો….. બધું જ બદલાયું. વર્ષોનાં સિંચન અને માવજતથી જેમ આંબાનો છોડ ઘેઘૂર વૃક્ષનું સ્વરુપ ધારણ કરે એમ અમારી દોસ્તી આજે અંબુજા સિમેન્ટવાળા એંડોર્સ કરે એવી મજબૂત અને પ્રગાઢ બની ચૂકી છે – TOUCHWOOD (આ લખાણમાં તો વાક્યે વાક્યે લાકડું અડવું પડે એમ છે!)
FYBA પછી અમે બંને ધીમે ધીમે નજીક આવતા ગયા અને એકમેકના પરિવારો સાથેય જોડાતા ગયા. મારા ઘરમાં દિપ અને દિપના ઘરમાં હું – We became ‘Extended Families’ (to use Bachchan’s term). દિપના મોટાબેન દિપાલીબેન એ મને આ દોસ્તી સાથે મળેલ વિશિષ્ટ ભેટ છે. કોઈ કઇં પણ કહે, બેને કાયમ અમારી દોસ્તીને બળ પૂરું પાડ્યું છે.
હું હંમેશા એવું માનું છું કે જે સંબંધની બુનિયાદમાં આંસુઓની પિયત થઈ હોય એ સંબંધ સુદીર્ઘ આયુષ્ય ભોગવે છે. મને આજેય યાદ છે કે એક દિવસ એ પોતાની એક કૌટુંબિક સમસ્યાને લીધે પરેશાન હતો અને મારા ઘરે આવી, સોફા પર બેસીને રડી પડ્યો’તો, એમ હું પણ જ્યારે પપ્પા સાથે માથાકૂટ થતી ત્યારે એના ઘરે ઠલવાઈ જતો હતો. તોફાનો પણ બહુ કર્યા છે સાથે. કોલેજમાં સર મને ખીજાય તો દીપ જવાબ આપે અને દીપ મોડો આવે તો હું એને defend કરું.
જેમ દર ત્રણ-ચાર મહિને મોસમ બદલાય એમ મને ગમતી છોકરીઓ સમયાંતરે બદલાતી રહેતી અને એ તમામ સાથેની આત્મીયતા/દોસ્તી/
One-sided crush/whatever ની અથ: થી ઇતિ સુધીની માહિતી દિપ પાસે હોય જ. He has always been my closest confidante. અમારી દોસ્તીનો એક વણલખ્યો સિદ્ધાંત રહ્યો છે:- કોઈ કંઈ પણ કહે/કરે, ગમે તેટલાં બાહ્ય આક્રમણો થાય પણ આપણી દોસ્તીના ગઢની કાંકરીયે ખરવી ન જોઈએ. આજ સુધી એ નિયમ જળવાયો છે અને ઇંશાઅલ્લાહ, આગળ પણ જળવાશે જ. મારા પપ્પા એને ખીજાય કે એના મમ્મી મને ખીજાય – અમે એને અમારી દોસ્તીમાં વચ્ચે આવવા દીધું નથી. કોઈ ક્લાસમેટ અમને એકબીજાથી દૂર કરવાની કોશિશ કરે તો અમે એને જ દૂર ફંગોળી દેતા. જય અને દિપમાંથી જયદિપ સુધીની સફર બહુ રોમાંચક રહી છે. ટ્યુશનમાંથી છૂટીને સાંજે વાઘાવાડી રોડ પર બાલાજીની પાણીપુરી ખાવાની જ, અને એ પણ એક-બે પ્લેટ નહીં હોં! જે સમયે રૂ.10 ની 10-12 પૂરી મળતી ત્યારે અમે બેય ભૂખ્ખડો 60-70 રૂપિયાની પાણીપુરી ઝાપટી જતા.
દર વર્ષે પ્રસાર કે લોકમિલાપમાં પુસ્તકમેળામાં એ મારી સાથે આવે જ. એને પુસ્તકોમાં સહેજેય રસ ન હોવા છતાં મારી સાથે કલાકો આંટા મારે. એ સમયે SMS ની પુસ્તિકા મળતી તો એ ત્યાં જ ઊભાઊભા વાંચી નાખીએ ને લૂખ્ખા તો એવાં કે સારા લાગે એ SMS લખી લઈએ. એક વખત એને ભર્તૃહરિના ‘શૃંગારશતક’ માંથી એક erotic શ્લોક વાંચ્યો અને બાજુમાં હું ઊભો છું એમ માનીને ખભે હાથ મૂકી, ચોપડીમાં જોતાજોતાં શ્લોક બતાવ્યો. બાજુવાળા ભાઈ કહે:- “હં... બરાબર છે.” ત્યારે દિપની હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઈ હતી! Google માં સર્ચ કરીને Hollywood movies માં જે શૃંગારરસના દ્રશ્યો હોય એ એના ઘરે કોઈ ન હોય ત્યારે જોવાનું, છોકરીઓની દેહાકૃતિ વિષે વિસ્તૃત વિશ્લેષણ કરવાનું, એવી બધી યૌવનસહજ અળવીતરાઈ તો અલગ. Titanic ના ગીત ‘MY HEART WILL GO ON’ માં એવું આવતું કે “Love can touch just one time and lasts for lifetime” એને અમે આવું સમજતા’તા:- “Love can touch just one time and lust for lifetime.” Bike કે scooty પર રાત્રે હાઇવે પરના ઢાબામાં પંજાબી ખાવા જવું એ સમયે બહુ મોટી thrill લાગતી હતી.


M.A. પણ અમે સાથે કર્યું. યુનિવર્સિટી લાઇબ્રેરીમા બેસીને ક્યારેક આખો દિવસ તો ક્યારેક આખી રાત વાંચતા. એ સમયે શામળદાસ કોલેજ પાસે, કળા કેન્દ્રની પાછળના મેદાનમાં હતી લાઈબ્રેરી અને આ દીપભાઈ વાંચવાના સદંતર ચોર! આખેઆખા મટીરિયલને વાંચીને હું એમાંથી yellow highlighter થી mark કરી દઉં એટલું જ એણે વાંચવાનું હોય તોય સાલો એમ ક્યે કે “યાર, આટલું બધું વાંચવાનું!” જમતા જમતા હું એને text ની story સમજાવું. Moll Flandersની સ્ટોરી સાંભળીને એ જે ભડક્યો’તો:- “સાલ્લા, આવું તે કાંઇ હોય!” અને એમ અમે તોફાન-મસ્તી કરતાં કરતાં ભણ્યા.
જો કે, આવું બધું તો આપણાં સૌના જીવનમાં બન્યું જ હોય ને! ઈશ્ક વિષ્ક, દિલ ચાહતા હૈ, ઝિંદગી ના મિલેગી દોબારા, રંગ દે બસંતીથી લઈને છેલ્લો દિવસ જેવા દ્રશ્યો આપણે બધા કોલેજકાળમાં જીવ્યા હોઈએ એટલે જ આ ફિલ્મ્સ આટલી પ્રિય હોય છે. તો પછી હું એ બધી #nostalgia ની કથા કેમ લખું છું? કેટલાંક કારણો છે:-
01. આજે દિપભાઇનો જન્મદિન છે. એ ન હોત તો આ જય જેવો છે એવો ન હોત, કંઈક અલગ હોત.
02. એણે નિભાવેલ દોસ્તીને આજે મારે જાહેર સલામ કરવી છે. આપણે આત્મીય સંબંધોને taken for granted કરી દેતાં હોઈએ છીએ. પ્રેમ, દોસ્તી, અહોભાવ વગેરે લાગણીઓની અભિવ્યક્તિ કરતાં અચકાઈએ છીએ પણ એ અભિવ્યક્તિ સંબંધના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી હોય છે.
03. આજકાલ હું વિદ્યાર્થીઓમાં જે rivalry, jealousy કે competitiveness, સ્વાર્થ, ગણતરીઓ વગેરે જોઉં છું ત્યારે દુ:ખ થાય છે. ઘણી વાર મા-બાપ પોતાના બાળકને હોંશિયાર ક્લાસમેટ સાથે દોસ્તી કરવાનો આગ્રહ રાખતા હોય છે. જો કે, એમાં એવી જ ભાવના હોય કે મારું સંતાન પણ એની પાસેથી કંઈક શીખે, ભણવામાં આગળ વધે વગેરે પણ એની સાથેસાથે જે અમુક highly ambitious, હોંશિયાર વિદ્યાર્થીઓ હોય એની ચાલાકી, પેંતરાઓ એવું બધું પણ શીખી જવાતું હોય છે.
દિપ ભણવામાં હોંશિયાર નહોતો (કેમ કે એનો રસનો વિષય અંગ્રેજી ભાષા નહીં, 0-1 ની કમ્પ્યુટરની ભાષા હતી) અને મારા પર પણ એ દબાણ હતું કે જો હું દિપની સંગતમાં રહીશ તો મારું રિઝલ્ટ ખરાબ આવશે. (#RDB: બરબાદ હૈ સબ કે સબ!) એને SYBA માં 41% સાથે loser નું ટેગ લાગી ચૂક્યું હતું અને એ સમયે અમે ‘છિછોરે’ જોઈ નહોતી છતાં દોસ્તીનું દામન છોડ્યું નહોતું. આજે એ માણસ વડોદરામાં નાયબ મામલતદાર છે અને હું અમદાવાદમાં લેક્ચરર.
‘3 ઈડિયટ્સ’ નો રાજુ રસ્તોગી કહે છે ને:- “મૈં અપની life કે સાથ કુછ ના કુછ ઢંગ કા કર હી લૂંગા.” કોઈ વીરૂ સહસ્ત્રબુદ્ધે આપણી દોસ્તી તોડી ન શકવો જોઈએ. દોસ્તી score-card જોઈને ન થાય, મનની ફ્રિક્વન્સીથી થાય. બાકી opposites attract ની જેમ હું અકરાંતિયો વાચક અને એને વાંચવામાં છાંટોય રસ નહીં (આ લખાણ પણ મારે એને પરાણે વંચાવવું પડશે!) એને gadgets, computer માં ખૂબ જ રસ ને મને technology સાથે 36 નો આંકડો! આજે જ્યારે કોઈ મારી typing speed ના વખાણ કરે ત્યારે મને તરત યાદ આવે દિપના ઘરનું એ કમ્પ્યુટર કે જ્યાં એણે મને ASDFG;LKJH ની પુષ્કળ પ્રેક્ટિસ કરાવી હતી.
મૂળ વાત એ જ છે કે આ દોસ્તીમાં હું હંમેશા receiving end પર રહ્યો છું. મેં દીપને જેટલી મદદ કરી હશે એના કરતાં 5000 ગણી વધારે help એણે મને કરેલી છે. હું SYBA માં હતો ત્યારે લ્યુનામાં એક્સિડેંટ કર્યો હતો (Can you believe it?) ત્યારે એ રોજ ટ્યુશન જવામાં સાઇકલ પર મારા ઘરે (છેક ભરતનગરથી આનંદનગર) આવે અને મને લ્યુનામાં બેસાડીને લઈ જાય અને વળતાં ઘરે drop કરીને સાઇકલ પર પોતાને ઘેર જાય (આવું કદાચ બેએક મહિના ચાલ્યું હશે) જેટલા દિવસ હું ન જઈ શક્યો એ દિવસનું એણે મને ઘરે આવીને ભણાવ્યું હતું. આ વાત મને મારી 2003-2009ની ડાયરીઓમાં પણ લખાયેલી જોવા મળી છે જેનો ફોટો આ સાથે લગાડ્યો છે.





મારું લેપટોપ/મોબાઈલ બગડે તો – દીપ
સ્કૂટીમાં પેટ્રોલ ખૂટી જાય કે બગડે તો – દીપ
નોકરીનું online ફોર્મ ભરવાનું હોય તો – દીપ
ફિલ્મ જોવા કે રખડવા જવાનું હોય તો – દીપ
ટૂંકમાં, મારો ભાંગ્યાનો ભેરુ એટલે દિપ!
અમે અઢળક ફિલ્મ્સ સાથે જોયેલી અને એના ડાયલોગ્સ પણ મોઢે હોય. એકબીજાને ડાયલોગ્સથી વાત કરીએ. (એવું જ મારે
Keyur Trivedi
સાથે છે. કેયૂર સાથેની “મૈત્રી” એ Jaydip નું extended version જ છે.)
મેં એને Hum-Tum ના કાર્ટૂન કેરેસ્ટર્સ નો ફોટો ગિફ્ટમાં આપ્યો હતો જે વર્ષો સુધી એના ઘરે ટીવી પર જોવા મળતો હતો.
જ્યારે એના લગ્ન નક્કી થયા ત્યારે મને બહુ જ insecurity થયેલી કે એની wife અમારી દોસ્તી ઘટાડી દેશે તો? સદભાગ્યે એવું જરાય ન થયું.
Riddhi
બહુ જ ડાહી છોકરી છે, અને અમારી દોસ્તીને એણે સમજી, સ્વીકારી અને એને નિખારવામાં મદદ કરી છે. So is the case with my wife
Darshita
. જેમ દીપ અપસેટ હોય તો રિદ્ધિ એને કહે કે “તું જયભાઇ સાથે વાત કરી લે” એમ જ દર્શિતા પણ હંમેશા મને એ યાદ અપાવે કે અમારી દોસ્તી કેટલી મહત્વની છે. હવે અમે ચારેય સાથે હસીએ, સાથે રમીએ, સાથે ગુસ્સો કરીએ, સાથે રડીએ અને ધમાલ કરીએ છીએ.
દિપ સરળ છે, નિખાલસ છે, હસમુખો છે, કંઈક અંશે વિદ્રોહી અને progressive વિચારો ધરાવે છે. મારી અને એની ફિલ્મ્સની choice એટલી બધી મળે છે કે એ હા પાડે તો હું ફિલ્મ જોઈ જ લઉં ને એને ન ગમે તો mostly મને પણ ન જ ગમે.
અમે એકબીજા સાથે હોઈએ ત્યારે પૈસા ખર્ચવામાં બેમાંથી એકકેય પાછું વળીને જોતાં નથી. આ એટલે લખ્યું કે સંબંધમાં પૈસો ક્યારેય વચ્ચે આવવો ન જોઈએ. હા, અમે ભણતા ત્યારે એ પૈસા ચૂકવતો અને એણે computerમાં હિસાબ રાખવાનું શરૂ કરેલું કે નાસ્તા પાર્ટી પછી ક્યા ભાઈબંધે એને કેટલા પૈસા આપવાના થાય છે વગેરે પરંતુ અમે એ ક્યારેય ચુકવ્યા નહીં ને એણે બિચારાએ ક્યારેય કોઈ માથાકૂટ કરી પણ નહોતી. પણ હા, અમે જિંદગીમાં સાચી કમાણી જેવી, 24 કેરેટ દોસ્તી કમાઇ લીધી છે એ હકીકત છે, અને એ કુબેરભંડાર અમે ક્યારેય ખૂટવા નહીં દઈએ.
રમેશ પારેખના શબ્દોમાં કહું તો:-
“આ જનમટીપની જો તું ન એક ચાવી હોત,
તો હયાતી મેં પછી કઈ રીતે ઉઘાડી હોત?
- ડો. જય મહેતા

Thank You Ahmedabad!

 Thank You Ahmedabad!



(લખ્યા તા. 30-06-2020)

30-06-2015 થી 30-06-2020.
આજે મારે અમદાવાદ રહેવા આવ્યાને 05 વર્ષ પુરાં થયાં. તા. 29 જૂન 2015 એ મારાં જીવનની સૌથી આકરી પ્રતિક્ષા પુર્ણ થઈ અને GPSC દ્વારા Lecturer in English તરીકેનો મારો ઓર્ડર થયો. ઓર્ડરમાં પહેલું નામ હતું ઇશાન ભાવસારનું (જે આગળ જતાં મારો જીગરી દોસ્તાર બન્યો)
બીજું નામ હતું જય મહેતા અને સંસ્થાનું નામ હતું:- આર. સી. ટેક્નિકલ ઇન્સ્ટિટયૂટ.
મેં તો સંસ્થાનું નામ પણ પહેલી વાર સાંભળ્યું હતું. બીજા જ દિવસે એટલે કે 30 જૂને તો હું ત્યાં પહોંચી ગયો. બસ એ દિવસ હતો અને આ દિવસ છે. R.C.T.I. અને અમદાવાદ સાથે 5 વર્ષ વિતાવ્યાં એનાં વિષે થોડી વાત કરવી છે. આગળ વધતા પહેલા એક નિખાલસ કબૂલાત:-
અહીં આવતા પહેલા મને અમદાવાદ પ્રત્યે જબ્બર અણગમો, prejudice અને અવિશ્વાસ હતો, જેના માટે મારા કેટલાક અંગત અનુભવો જવાબદાર ગણી શકાય. Once bitten twice shy.
રમેશ પારેખના શબ્દો યાદ આવ્યા કરતાં:-
“આ શહેર છે, તમારી ગમે એટલી ચીવટ હોય,
અહીં તમે શ્વાસ લો એમાંય કપટ હોય!”
અમદાવાદીઓ લુચ્ચા હોય, સ્વાર્થી હોય, એકદમ ગણતરીબાજ ને કંજૂસ હોય, આપણને છેતરી જાય વગેરે ગેરમાન્યતાઓના ઝાળાં બાઝેલાં હતાં મારા મનમાં. જો કે, મારો કાઠીયાવાડપ્રેમ તો ઘટવાને બદલે વધ્યો જ છે પરંતુ ઉપરોક્ત કુંઠાઓ હવે દૂર થઈ ગઈ છે એનો આનંદ છે. અંગ્રેજીમાં એક વાક્ય છે:- To generalize is to be an idiot.
આ પાંચ વર્ષ અત્યંત eventful રહયાં. અત્યાર સુધી 11 માસની કરાર આધારીત વ્યાખ્યાતા સહાયકની નોકરીને લીધે Ad Hoc, Teaching Assistant વગેરે હોદ્દાઓ સાથે મેં રાણપુર, ભાવનગર, વલ્લભીપુર, અમદાવાદ, સુરેન્દ્રનગર એમ અલગઅલગ સ્થળોએ નોકરી કરી હતી પણ હવે પૂરા પગારની regular, સરકારી નોકરી મળવાને લીધે અમદાવાદમાં (ટ્રાન્સફરેબલ જોબ છે એટલે) અસ્થાયી રુપે સ્થાયી થવાનું બન્યું.
આ સમયગાળા દરમ્યાન મારા જીવનમાં કેટકેટલું બદલાયું!
Promising bachelor થી પરિણીત પુરુષ સુધી
શટલ રિક્ષાથી પોતાના એક્ટિવા સુધી
ભાડાની રૂમથી 2BHK સ્ટાફ ક્વાર્ટર્સ સુધી
ચણા-મમરા જેવડા પગારથી 6th pay પૂર્ણ પગાર સુધી
And above all,
Jay Mehta થી Dr. Jay Mehta સુધી


બાહ્ય જીવનના બદલાવો કરતાં ક્યાંય વધારે મહત્વનાં છે મનોજગતમાં થતાં ફેરફારો. જેમ ઉંમર વીતે અને માણસનો ચહેરો બદલાતો જાય એમ જ કદાચ મનને પણ એક ચહેરો હશે જે આપણે જોઈ તો શકતા નથી પણ એ માણસની આભા (aura) થી ઓળખાતો હોય છે. વ્યક્તિત્વની પણ એક સુગંધ હોય છે અને મને લાગે છે કે હું પાછલા પાંચ વર્ષોમાં વધુ મહેકતો થયો છું. મારા મનને મઘમઘતું બનાવવા બદલ Thank you Ahmedabad!
You cannot jump into the same river twice. નદીનો પ્રવાહ સતત બદલાતો હોય છે. આજે જીવાયેલી ક્ષણ કાલે ભૂતકાળ બની જશે. કાળના પ્રવાહમાં તણાતા તણાતા આપણા અસ્તિત્વનો આકાર પણ બદલાતો હોય છે: જેમ નદીના પાણી સાથે વહેતા પથ્થર/કાંકરાઓનો આકાર બદલાય એમ જ.
ત્યારનો જય કેવો હતો? જીવનની અનિશ્ચિતતાઓથી પરેશાન, મહા-ક્રોધી છતાં રમૂજવૃત્તિથી છલોછલ, એકદમ impulsive/ધૂની/તરંગી, જિદ્દી, પોતાના સપનાઓ સાકાર કરવા માટે ઝનૂનની હદે કૃતનિશ્ચયી, વધુ પડતો લાગણીશીલ પણ સરવાળે સારો-સીધો માણસ. અને હવેનો જય કેવો છે? નિયતિની થપાટો ખાઈને શાંત બેસેલો, ઓછો ધૂની, ઓછો જિદ્દી, મૌજથી જીવવાની એકેય ક્ષણ ન ચૂકનારો, હસતો-હસાવતો, લાગણીઓને વધુ સ્પષ્ટ રીતે સમજી શકનાર, સપનાઓ બાબતે પ્રયત્નશીલ છતાં નિસ્પૃહી અને સરવાળે સારો – સીધો (?) માણસ. બસ આ જે “સારો માણસ” લ.સા.અ. તરીકે નીકળી શક્યું ને, એ જ સૌથી મોટું આશ્વાસન ગણવું જોઈએ. યાતનાઓ, અન્યાય, છળકપટ, આઘાતો મારી માનવતાના ગઢની કાંકરીયે ન ખેરવી શક્યાં એ મારું પરમ સદ્દભાગ્ય!
જો કે, આ તો દલા તરવાડી જેવી વાત થઈ ને? હું જ મારૂં મૂલ્યાંકન કરું એ યોગ્ય ન કહેવાય, એ તો મને નજીકથી જાણનારા લોકો વધુ સારી રીતે કરી શકે અને કરવું જોઈએ. મને ખરેખર એવું લાગે છે કે મારા જન્મદિને સોશિયલ મીડિયામાં HBD કહીને કેક અને બૂકેનાં emoji મૂકીને અટકી જવાને બદલે કેટલાક લોકો મારા વિષે તટસ્થતાથી, નિર્ભીકપણે અને brutal honesty થી કંઈક લખે તો એ મને વધારે ગમે. Would someone please do that?
શરૂઆતમાં ઘાટલોડીયા ખાતે એક રૂમ ભાડે મળ્યો હતો – એક સહકર્મીની મદદથી. સામેવાળા એક આંટીના ઘરે જમવા જતો અને રોજ સવારે ચા પીવા માટે પણ પોણો કિલોમીટર ચાલીને જતો. નવી જગ્યા, નવા સાથીઓ, નવો અભ્યાસક્રમ, નવી વહીવટી વ્યવસ્થા... જો કે, મારા સાથીઓએ મને તમામ કામગીરીમાં મદદ કરી હતી એ નોંધવું જોઈએ. (આ લખાણમાં RCTI સાથેના પાંચ વર્ષની વાત ઓછી આવશે કારણ કે એ એક અલાયદા લખાણનો વિષય છે.) હું professionally ઘણો તૈયાર થયો છું, ઘડાયો છું એ વાતનો આનંદ છે. (Having said that, I do know that I still have a long way to go.)


ધીમે ધીમે મિત્રો બનવા લાગ્યા અને જિંદગી પોતાના લય પ્રમાણે ચાલવા લાગી. હું પહેલેથી જ કળાનો રસિયો/ “ઘોયો” છું એટલે અમદાવાદમાં થતી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં જોડાતો ગયો. ગુજરાત સાહિત્ય પરિષદ ખાતેની બુધસભા હોય કે કનોરીયા સેન્ટરમાં ડો. ચિનુ મોદી સાહેબ સાથેની શનિસભા હોય, હું એ બધામાં ઉત્સાહભેર ભાગ લેતો થયો અને નવું નવું શીખતો ગયો. જે ન શીખી શક્યો એ મારી આળસ અને ધૂની સ્વભાવને લીધે ન શીખ્યો એમ સમજવું.
ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ, અમદાવાદ નેશનલ બૂકફેર, કન્વેન્શન સેન્ટરમાં નાટકો, ક્રોસવર્ડમાં લેખકો સાથે મુલાકાતો, વિશ્વકોશ ટ્રસ્ટમાં વ્યાખ્યાનો.....
Chetan Pathak
,
Mitali Bodar Pathak
,
Maitri Trivedi
,
Darshita Dave
,
Jayesh Joshi
,
Ravi Vyas
,
Kunal Soni
,
Jayshil Jani
જેવાં શબ્દચાહકો સાથે અનેક મહેફિલો માણી હતી એ મને તો યાદ છે જ, એમને પણ યાદ હશે જ!
Dilip Rangwani
અને
Kuldip Brahmbhatt
સાથે PPM ની સીઝન્સ કરી એ યાદગાર અનુભવ રહ્યો.


અંગ્રેજીની આંગળી છોડાવીને ગુજરાતી શબ્દની સંગત માણવાનુ શરૂ થયું. આ દરમ્યાન અનેક સાહિત્યરસિકોનો પરિચય થયો. એમાંથી કેટલાક ઔપચારિક સંબંધો રહ્યાં, કેટલાક આત્મીય બન્યા અને દૂર થયા તો કેટલાક હજુ સુધી હૈયે વસવાટ કરીને મારી સંબંધ-સમૃદ્ધિ બાબતે ગૌરવ અપાવે છે.
પહેલી વાર પ્રિન્ટ મીડિયામાં લેખો છપાયા, પહેલી વાર open mic માં કાવ્યપાઠ તથા સંચાલન કરતો થયો, પહેલી વાર હું મારા non-academic લેખનને ગંભીરતાથી લેતો થયો. June 2015થી February 2016 સુધી અમદાવાદમાં વાંઢા-વૈભવ ભોગવ્યા પછી મને મળ્યું મારા આખાયે આયખાનું મહામૂલું, વ્હાલું નામ - દર્શિતા. સાચા અર્થમાં એ સહધર્મચારીણી બની રહી. મારી સાહિત્યપ્રીતિને એણે સહર્ષ સ્વીકારી અને મને હંમેશા એ માટે પ્રોત્સાહિત કર્યો.
અમદાવાદનાં મોલ્સમાં ફરવું, શોપિંગ કરવું, થિયેટરમાં ફિલ્મ જોવી, હોટલમાં જમવું, દૂરદૂર રહેતા દોસ્તારના ઘર સુધી રખડવું..... (લોકડાઉન ને બાદ કરીએ તો) છેલ્લા 4 વર્ષથી અમારા માટે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ બની રહ્યું છે અને આ જ કારણ છે કે હું આજે અમદાવાદનો આભાર માની રહ્યો છું - મારા અને દર્શિતાનાં (મામકા:) અસંખ્ય સુમધુર દિવસો અહીં વીત્યા છે. પ્રેમ થઈ ગયો છે અમને આ શહેર સાથે!


અનામત આંદોલનમાં સળગેલું અમદાવાદ, વરસાદથી ટ્રાફિક-જામમાં અટવાતું અમદાવાદ, 20,000 થી વધુ કોરોના કેસ સાથે લડતું અમદાવાદ, લોકડાઉન દરમ્યાન સૂમસામ પડી રહેલું અમદાવાદ - આ બધાના અમે સાક્ષી રહ્યા છીએ. ગમે એવી ભયાનક આપદા આવે, આ શહેર ફરીથી બેઠું થઈ જ જાય છે. Never Say Die Spirit શીખવે છે આ શહેર! Thank you Ahmedabad!
ઓશો એવું કહે છે કે જેમ સાપ પોતાની કાંચળી ઉતારીને આગળ ચાલી જાય એટલી જ સહજતાથી માણસે પોતાના ભૂતકાળને ભૂલી જવું જોઈએ પણ મને એ પ્રશ્ન થાય છે કે સાપે ઉતારેલ કાંચળીમાં પણ કેટલુંક સર્પત્વ તો રહી જતું હશે ને? શું માણસ આટલી સહજતાથી પોતાના ભૂતકાળને ભૂલી શકે? અને ધારો કે ભૂલી પણ જાય તોય એને એ જેવો છે એવો બનાવવામાં એ past ની ભૂમિકા કઈ રીતે નકારી શકાય?
ઓસ્કાર વાઇલ્ડનું એક સુખ્યાત વિધાન છે:- "Every saint has a past and every sinner has a future.” બસ આપણે આ સંત અને પાપી વ્યક્તિ વચ્ચેની કોઈ અવસ્થામાં જીવી રહ્યા છીએ. આ પાંચ વર્ષનું સરવૈયું તપાસતા અનેક નામો માનસપટલ પર ચમકે છે પણ એનો ઉલ્લેખ નથી કરવો. બાત નીકલેગી તો ફીર દૂર તલક જાયેગી.
આ સૌ સારા-નરસા અનુભવો મને આ ભૂમિ પરથી પ્રાપ્ત થયા એટલે પણ અમદાવાદનો આભાર. જેમ ખૂબ ગળ્યું ખાવાથી મોઢું ભાંગી જાય, sugar વધે એમ સતત સુખદ અનુભવોથી માણસ કાચો રહી જાય. એને તપાવીને શુદ્ધ બનાવવા માટે તકલીફો, પીડા, સંઘર્ષમય દિવસો જરૂરી છે, અને હા, આ બધું બ્રહ્મજ્ઞાન મને અત્યારે સૂઝે છે બાકી 6 મહિના પહેલા દુ:ખો સામે લડીલડીને મારું nervous breakdown થઈ ચૂક્યું હતું એ પણ હકીકત છે. મારો હાથ પકડીને ઊભો કરનાર દર્શિતા, દીપ, કેયૂર, રીમા જેવા મારા વ્હાલીડાવને સો સો સલામ! આ કેયૂરયો પણ મને અમદાવાદે આપ્યો છે.


અગાઉ ઉલ્લેખ કર્યો એ સાહિત્યિક પ્રવૃત્તિઓના exposure ને લીધે મને મારી કલમનું ઓજસ દેખાવા લાગ્યું. ફેસબૂકમાં સુજ્ઞજનોનો પ્રતિભાવ, પ્રોત્સાહન અને પ્રેરણા સતત મળતાં રહ્યાં છે. એને લીધે હું થોડુઘણું કામ કરી શક્યો છું અને ઈંશાહઅલ્લાહ, આગળ પણ કંઈક ને કંઈક કરતો રહીશ. શાહબુદ્દીન રાઠોડ સર કહે છે એમ, "એકાદી કલાનો સંગ હોય તો તરી જવાય."
એ જ શાહબુદ્દીન સર લાઓ ત્સે નું એક quote કહેતા હોય છે:- "ક્યાં અટકવું એટલી જો ખબર પડી જાય તો જીવનમાં દુ:ખ ન થાય." એટલે આ વીતેલી ક્ષણોના સંભારણાનો પટારો હવે બંધ કરી દઉં છું. હરિવંશરાય બચ્ચનની પંક્તિ સાથે અમદાવાદ પ્રત્યેનું ઋણસ્વીકાર પૂરું કરીએ:-
"જીવનકી આપધાપી મે કબ વક્ત મિલા
કુછ દેર કહીં પર બૈઠ કભી યહ સોચ સકું
જો કિયા, કહા, માના, ક્યા બુરા ક્યા ભલા!"
- © ડો. જય મહેતા