बहुत निकले मिरे अरमान लेकिन फिर भी कम निकले
- मिर्ज़ा ग़ालिब
કોરોના, ક્વોરંટાઈન, હોટસ્પોટ,
ક્લસ્ટર ઝોન, આઇસોલેશન, લોકડાઉન..... આ
શબ્દો આજકાલ રોજરોજ આંખ અને કાન સામે આવ્યાં કરે છે ત્યારે જીવનભરની તમામ ઈચ્છાઓ, અપેક્ષાઓ, મનગમતી પ્રવૃત્તિઓ,
રમતો વગેરે જાણે આ લોકડાઉનમાં જ કરી લેવાનાં હોય એવો માહોલ ઊભો થયો છે. લોકડાઉન
જાહેર થયું ત્યારથી જ સોશિયલ મીડિયામાં જોવા જેવી ફિલ્મ્સ,
વેબ સીરિઝ, વિડિયોઝ, વાંચવાલાયક
પુસ્તકો વગેરેની યાદીઓ મૂકાવા લાગી. Day 01, Day 02, Day 03...... પોતે બનાવેલી વાનગીઓ, પરિવાર સાથે રમાતી
રમતો વગેરે પોસ્ટ થવાં લાગ્યાં. જો કે, એમાં કાંઈ ખોટું નથી
પણ જે લોકો આવું કાંઈ ન કરી શકતાં હોય એમનાં મનમાં હતાશા જન્મે એવું બની શકે
જ્યારે હકીકત એ હોય છે કે ફેસબુક કે વ્હોટ્સએપ્પમાં પોસ્ટ કરાએલી ક્ષણોને બાદ કરીએ
તો મોટાભાગનાં લોકો મહદઅંશે પહેલાં જેવું જ જીવતાં હોય છે.
અહીં એ બાબતની ટીકા
કરવાનો પણ આશય નથી તેમજ કોઈ સૂચનાઓ પણ આપવાની નથી. બસ, આ પ્રકારના માહોલમાં એક નાટક યાદ આવે છે જે આશરે ચારેક સદી પહેલાં
ઈંગ્લેન્ડમાં લખાયેલ:- ‘The Tragical History of the Life
and Death of Dr. Faustus’. એનાં સર્જક ક્રિસ્ટોફર મારલોવ એ
શેક્સપિયરનાં સમકાલીન નાટ્યકારોમાં બહું મોટું નામ ગણી શકાય. આમ તો નાટકમાં
માનવીની અતિમહત્વાકાંક્ષા, જ્ઞાનનું ઘમંડ, ભગવાન સમકક્ષ બનવાની ઘેલછા, સફળતા માટે શોર્ટ કટ
લેવાનાં દુષ્પરિણામો વગેરે કેન્દ્રસ્થાને છે પણ આપણે એને આજની પરિસ્થિતીના સંદર્ભે
જોવું છે. ચર્ચા આગળ વધારીએ એ પહેલાં જોઈએ નાટકનો ટૂંકસાર:-
યુનિવર્સિટી ઓફ
વિટ્ટેનબર્ગથી ડોક્ટરેટની ડિગ્રી મેળવનાર એક મહા-અભ્યાસુ અને મહત્વાકાંક્ષી માણસ
એટલે ડો. ફોસ્ટસ. જો કે,
મેળવેલ જ્ઞાન પચાવવાની ક્ષમતા પણ હોવી જરૂરી છે જે એનામાં નથી. એ મેડિસિનને તુચ્છ
ગણે છે (સિવાય કે જો એનાથી મૃત વ્યક્તિને સજીવન કરી શકાય),
તર્કશાસ્ત્ર, કાયદા, અર્થશાસ્ત્ર
વગેરેનો બહોળો અભ્યાસ કરવા છતાં એને કશુંક ખૂટતું હોય એવું જ લાગ્યા કરે છે. જેમ
કહેવાય છે ને કે અતિલોભ તે પાપનું મૂળ, એમ જ્ઞાનની અતિશય ભૂખ
એને શોર્ટ કટ તરફ દોરી જાય છે. એ શોર્ટ કટ એટલે મેલીવિદ્યા. (આ નાટક રાણી એલિઝાબેથના સમયનાં ઈંગ્લેન્ડમાં એટલે કે 1592 આસપાસ લખાયેલ છે
એ ફરીથી યાદ કરી લઈએ)
એ મેલીવિદ્યાથી શેતાન
મેફિસ્ટોફિલિસ ને આહ્વાન કરે છે અને અમર્યાદિત શક્તિઓની માંગ કરે છે. ઈશ્વરીય
શક્તિની વિરુદ્ધ જવાની અને આસુરી શક્તિઓની સાધના કરવાની શરૂઆત કરે છે જેનાં
ફળસ્વરૂપે એ દૈત્યરાજ લ્યુસિફર સાથે એક કરાર કરે છે (જે પોતાના લોહીથી લખે છે). એ
કરાર મુજબ 24 વર્ષ સુધી ફોસ્ટસને અમર્યાદ જાદુઇ શક્તિઓ આપવામાં આવે અને બદલામાં 24
વર્ષ પછી એનાં દેહ અને આત્મા પર શેતાનનો કબ્જો થઈ જાય એવું નક્કી કરવામાં આવે છે.
આટલું વાંચીને તો આપણને થાય કે અચ્છા, 24 વર્ષમાં
તો એણે જ્ઞાનની તમામ ક્ષિતિજો આંબી લીધી હશે ને? આટલો
અભ્યાસુ માણસ તો અઢી દાયકામાં કાંઇ નું કાંઇ
કરી નાખે ને?
નાં. જરૂરી નથી. ક્યારેક
બહુ વિચારશીલ માણસ અતિશય પ્લાનિંગ કરીકરીને જીવે એમાં બહુમૂલ્ય સમય વેડફી નાખે અને
અંતે પારાવાર અફસોસ કરવાનો વારો આવે એમ પણ બને. નોકરિયાત વર્ગને શનિ-રવિ કે જાહેર
રજાઓમાં અનેક અરમાનો હોય અને એમાં જો કોઈ અણધાર્યું કામ આવી ચડે કે મહેમાન આવી પડે
તો જાણે શેતાને મૂલ્યવાન દિવસો છીનવી લીધાં હોય એવું લાગે. બીમારી કે આળસ કે અન્ય
કોઈ કારણસર રજાઓ કે લોકડાઉનનો મહત્તમ ઉપયોગ ન થઈ શકે તો અંતે એવો જીવ બળે કે ન
પુછો વાત. આપણાં આ ફોસ્ટસ સાહેબ પણ એવું જ કરે છે.
24 વર્ષ દરમ્યાન એ
પોતાને મળેલી અમર્યાદ જાદુઇ શક્તિઓના સહારે કોઈ નવું જ્ઞાન મેળવી લેવાનાં બદલે એ
સમય ફાલતુ પેંતરા કરવામાં કાઢે છે. કોઈ રાજાનો મુગટ ગાયબ કરી દેવો, કોઈ માણસને ઘોડો વેચીને અચાનક એ ઘોડાને તણખલામાં તબદીલ કરી દેવો, આવી બાલિશ હરકતો જ કર્યાં કરે છે. જો કે, સમય
ક્યારેય કોઇની રાહ જોતો નથી. મુઠ્ઠીમાંથી સરતી રેતીની જેમ વર્ષો પસાર થતાં જાય છે.
24 વર્ષનાં અંતે ફોસ્ટસનાં પારાવાર પસ્તાવા, ધમપછાડા અને
વિલાપ વચ્ચે શૈતાનનાં સેવકો એને ઢસડી જાય છે.
શેક્સપિયરનાં ‘મેકબેથ’ ની જેમ ફોસ્ટસ પણ ઈચ્છાપૂર્તિ માટે કોઈપણ હદ પાર કરી શકે છે. નીતિ-અનીતિને બાજુએ રાખીએ તો પણ પ્રશ્ન એ છે કે આપણને આપણી ધારેલી શક્તિઓ, સગવડો કે ફુરસત મળી જાય તો શું આપણે ખરેખર કોઈ સરાહનીય કામ કરી દેખાડીએ? આનાં જવાબમાં ખાતરીપૂર્વક ‘હા’ કહી શકે એવાં કેટલાં? આ લોકડાઉનમાં આપણે સૌએ આપણાં અંતરાત્માને પૂછવા જેવો આ પ્રશ્ન છે. જો એનો જવાબ ‘ના’ હોય તો એનો અર્થ એ કે અત્યાર સુધી જે કારણો અપાયાં હતાં એ ફક્ત બહાના જ હતાં.
તો આખરે કરવું શું? બસ, ઈચ્છાઓનાં અડાબીડ જંગલમાં અટવાયા વગર
નિજમસ્તીમાં જીવ્યે જાવું અને ખુશ રહેવું. શરૂઆતમાં જણાવી એ તમામ પ્રવૃત્તિઓમાં એક
લઘુત્તમ સામાન્ય અવયવ જેવો આશય હોય છે: - ખુશી. Happiness. એ
ખુશી આપણાં માટે મેળવવાની હોય છે, સોશિયલ મીડિયામાં બીજાને
દેખાડવા માટે નહીં. To-Do List કે ઈચ્છાઓનો ટાર્ગેટ પૂરો
કરવાનો હોય એ રીતે નહીં પણ એક ટાબરિયું જે મૌજથી રમતું હોય એમ જીવવું ઇચ્છનીય છે. ઓહ, આ ઈચ્છાઓ...!!!
રમેશ પારેખનાં
શબ્દોમાં કહીએ તો: -
“ઈચ્છાઓ
અટપટી કે સરળ હોય તોય શું?
કાગળમાં
ચીતરેલું કમળ હોય તોય શું?
બારીની
આ તરફનો હું એક હિસ્સો છું રમેશ,
👌
ReplyDeleteમારી બારીમાંથી દેખાય એટલું મારું છે.
અદભૂત લેખ અને તદ્દન અસાધારણ એવી અભિવ્યક્તિની શૈલી..! મને લખાણ વાંચતા જાણે હુ જય વસાવડા ને વાંચતો હોઉં એવો અહેસાસ થયો..!😊
ReplyDeleteThat's so nice of you sir...
DeleteThanks for your compliments!