પુસ્તક:- વિનોદી જીવનચરિત્રો
લેખક:- વિનોદ ભટ્ટ
પ્રકાશક:- નવભારત સાહિત્ય મંદિર
વર્ષ:- 2003
શબ્દોના ડાઈનેમાઈટથી દંભને વેરણ-છેરણ કરનાર
લેખક એટલે મન્ટો. સહેજેય politically correct થયા વગર, શબ્દો ચોર્યા વગર લખનાર લેખક એટલે મન્ટો. સમાજની આંખમાં આંખ પરોવીને વાત
કરનાર વાર્તાકાર એટલે મન્ટો. મન્ટો મહાન હતા કે માથાફરેલ?
બિન્દાસ હતા કે બેશરમ? એસિડિક હતા કે આખાબોલા? એ આ બધું જ હતા. તમામ દ્વંદની પેલે પાર જઈને, સમાજના અંધારા ખૂણામાં ટોર્ચ ફેંકીને એની અસલિયત તરફ ધ્યાન દોરનાર મહાન
ઉર્દુ વાર્તાકાર એટલે સઆદત હસન મન્ટો.
આજે વાત કરવી છે પ્રસિદ્ધ ગુજરાતી લેખક
શ્રી વિનોદ ભટ્ટના પુસ્તક ‘વિનોદી જીવનચરિત્રો’ નાં એક અંશ વિષે. તેમાં એંટોન ચેખોવ, ચાર્લી
ચેપ્લિન, જ્યોર્જ બર્નાર્ડ શો અને સઆદત હસન મન્ટો એમ ચાર
જીવનકથાઓ છે. તેમાં મન્ટોની કથાનું શીર્ષક તો જુઓ:- ‘મન્ટો:
એક બદનામ લેખક’. તેઓ નોંધે છે કે ઉર્દુ સાહિત્યમાં મન્ટો
જેટલો બદનામ લેખક ભાગ્યે જ બીજો કોઈ હશે. જો કે, ‘બદનામ’ શબ્દમાં પણ ‘નામ’ તો આવે છે, એ પણ આશ્વાસન તેઓ લઈ શક્યાં હશે.
પોતાનાં સમયથી વહેલા જન્મવાનાં ગુન્હાની સજારુપે તેઓ સમયની પહેલા ગુજરી પણ ગયા અને
ખાતું સરભર કરી આપ્યું! અહીં મરીઝ સાહેબનો શેર યાદ આવે:-
“દુનિયામાં મને મોકલી
પસ્તાયો હતો તું;
મૃત્યુનું બહાનું કરી, આ પાછો ફર્યો લે!”
મન્ટોને મોકલતી વખતે તો નહીં પરંતુ પાછા
બોલાવતી વખતે ‘એ બડે માલિક’ બહુ
પસ્તાયા હશે એમાં બેમત નથી. સમાજના સુષુપ્ત આત્માને જગાડવા માટે, under the carpet reality
બહાર લાવવા માટે સમયાંતરે કોઈ વિચારક, કોઈ સર્જક, કોઈ કલાકાર અવશ્ય આવે છે અને સદીઓ સુધી ન ભૂલાય એવું પ્રદાન કરી જાય છે.
ઓશો, કમલા દાસ, ચંદ્રકાંત બક્ષી, ખુશવંત સિંઘ વગેરે. મન્ટોને પણ આ શ્રેણીમાં મૂકી શકાય.
મન્ટોની વાર્તાઓ વાસ્તવિક હતી અને એટલે જ
વિસ્ફોટક પણ હતી. Edgar Allan Poe ની એક
વાર્તામાં એક વાક્ય છે:- “Truth is stranger than fiction.” તેની
કલમ સમાજનાં વિચિત્ર અને વરવા વાસ્તવ પર નિષ્ઠુરતાથી ચાલતી હતી અને સ્વાભાવિક છે કે
તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેમ આપણે ત્યાં ચંદ્રકાંત બક્ષીની
વાર્તા ‘કુત્તી’ પર કેસ ચાલેલો એમ તેની
‘કાલી સલવાર’, ‘બૂ’, ‘ઠંડા ગોશ્ત’, ‘ધુંઆ’, અને ‘ઉપર, નીચે ઔર દરમ્યાન’ એમ પાંચ વાર્તાઓ પર અશ્લીલતાનાં
કેસ થયાં હતાં. 1942માં તેની વાર્તા ‘કાલી સલવાર’ બદલ તેને બ્લેકલિસ્ટ કરાયા હતા એ
વિષે તેમનું શું કહેવું હતું?
“આ વાર્તામાં અશ્લીલ
કશું જ નથી. આ વાર્તા વાંચીને લોકો વેશ્યાના ઘર તરફ દોડવા માંડે છે? ના, સ્હેજ પણ નહીં – કેમ કે આ વાર્તા એવા આશયથી
લખાઈ જ નથી. આવી વાર્તાઓ જાતિય ઉત્તેજના માટે નથી લખાતી. મારી વાર્તાઓ વાંચ્યા વગર
પણ સેંકડો પુરુષો વેશ્યા પાસે જાય છે, છતાં આ ભીડમાં તે એકલી
પડી જાય છે, સાવ એકલીઅટૂલી. રાતના અંધારામાં ચાલતી ટ્રેનની
જેમ મુસાફરોને તે તેમના મુકામ પર પહોંચાડે છે ને પછી છતની નીચે, ખાલીખમ થઈને પડી રહે છે. લોકો તેને દુષ્ટ ચરિત્રવાળી સ્ત્રી કહે છે.
રાત્રિના અંધકારમાં પુરુષો જેની સોડમાં શાંતિ મેળવે છે ને એ જ પુરુષો દિવસના
અજવાળામાં તેને તિરસ્કારે છે, ભાંડે છે. તેની સામે અણગમાથી
જુએ છે, કેવળ દંભ. પણ આ સ્ત્રી ખુલ્લેઆમ પોતાનો દેહ વેચે છે, કશું છુપાવતી નથી.”
સમાજનાં દંભ પર મન્ટોએ
તેમની વાર્તામાં વેધક પ્રહારો કર્યા છે. ગરીબી, ભૂખ, શોષણ, અન્યાય, કોમી હિંસા
વગેરે વિષે લખતી વખતે એના શબ્દોમાંથી દર્દ ટપકતું અનુભવી શકાય છે. આ ઉપરાંત, આ પુસ્તકમાં મન્ટોની શરાબ અને સિગારેટની આદત, એમનાં
જિગરજાન દોસ્તારો સાથેની યાદગાર પળો, મુંબઈ સાથેનો એમનો અતૂટ
નાતો, એમની વાર્તાલેખનની પ્રક્રિયા વગેરે વિષે સરસ ચર્ચા
કરવામાં આવી છે. મુંબઈને તે એટલું ચાહતા કે પોતાને “હરતુંફરતું
મુંબઈ” કહેતાં. તેનાં જીવન વિષે એક નાટક થયેલું છે જેનું નામ પણ ‘ચલતા ફિરતા બંબઇ’ છે. ‘ઠંડા
ગોશ્ત’, ‘કાલી સલવાર’, ‘ટોબા ટેકસિંઘ’ વગેરેની વાત આ
પુસ્તકમાં છે પણ અહીં હું એમની કોઈપણ વાર્તાની ચર્ચા સભાનપણે ટાળવા માગું છું અને
ઈચ્છું છું કે વાચકો સીધાં જ એ વાર્તાઓ વાંચે.
આપણા મરીઝ સાહેબની
જેમ જનાબ મન્ટોને પણ શરાબની લતે ખુવાર કર્યા, ઉપરથી જિદ્દી, ખુદ્દાર અને મુફલિસી મિજાજ, રોકડું પરખાવવાની આદત, અને પીડિતોનાં દર્દને મેહસૂસ કરી શકવાનો અભિશાપ! ગાલિબની જેમ કહેવાનું મન
થાય કે:- “તુજે હમ વલી સમજતે, જો ના બાદાખ્વાર હોતા!”
એક વાત વાંચીને સુખદ
આશ્ચર્ય થયું કે મન્ટોએ તેમના લખવાના ખંડમાં ભગતસિંઘનું પૂતળું રાખ્યું હતું. ઇન
ફેક્ટ, તેમની સૌપ્રથમ વાર્તા ‘તમાશા’
જલિયાંવાલા બાગની ઘટના પર કેન્દ્રિત હતી જે તેમણે પોતાના નામ વગર છપાવી હતી.
તેમનાં પર વોલ્તેર, રૂસો, માર્કસ, લેનિન વગેરેનો પ્રભાવ હતો તો સાથે ચેખોવ, મોપાસા, વિકટર હ્યુગો અને સમરસેટ મોમ નો પ્રભાવ પણ હતો. એક ઠેકાણે વિનોદ ભટ્ટ
નોંધે છે:- “મન્ટો કલમ તેજાબમાં બોળીને લખતો.”
વ્યંગ એ મન્ટોનું એક
હાથવગું હથિયાર હતું. ‘કબીર-કથા’ના એક ઉદાહરણથી સમજીએ:-
“શહેરનો એક મોટો નેતા
ગુજરી ગયો. ચોતરફ શોકનું વાતાવરણ ફેલાઈ ગયું. લોકો પોતાના હાથ પર કાળી પટ્ટી
બાંધીને ફરવા માંડ્યા. કબીરે આ જોયું તો તેની આંખ આંસુથી છલકાઈ ગઈ. કાળા
બિલ્લાધારી એક જણે તેને પુછ્યું કે કેમ રડે છે? શું દુ:ખ છે? જવાબમાં કબીરે જણાવ્યું કે આ કાળી રીબનો ભેગી કરવામાં આવે તો તેમાંથી
સેંકડો જણાનાં નગ્ન અંગ ઢાંકી શકાય. કાળા બિલ્લાવાળાએ કબીરને ફટકારવાનું શરૂ કરી
દીધું:- ‘તું કોમ્યુનિસ્ટ છે,
પાકિસ્તાનદ્રોહી છે, ગદ્દાર છે.’ કબીર
હસી પડ્યો. બોલ્યો:-
‘પણ મિત્રો, મારા હાથ પર તો કોઈ પણ રંગનો બિલ્લો નથી.’
દાયકાઓ પહેલાં, પાકિસ્તાનમાં લખાયેલી આ વાત આજે 2020માં હિંદુસ્તાનમાં પણ કેટલી
પ્રાસંગિક લાગે છે! જો કે, એ વાત અલગ છે કે આવું અત્યારે
અહીં લખાયું હોય તો ..........
કદાચ એટલે જ આપણે
ત્યાં આવું લખવાને બદલે મહદઅંશે લેખકો-કવિઓ ફૂલ ને ફોરમ, વૃક્ષ ને વાદળ, કૃષ્ણ ને રાધા, છોકરો ને છોકરી .... એવાં ગળચટ્ટા વિષયો પર લખતાં હોય છે.
‘મુઘલ-એ-આઝમ’ બનાવનાર કે. આસિફ એક વાર મન્ટો પાસે વાર્તા સંભળાવવા આવ્યાં અને એમને મન્ટોએ
મજાકમાં કહી દીધું કે હું વાર્તા સાંભળવાનાં પૈસા લઉં છું. આસિફ તરત ત્યાંથી
ચાલ્યા ગયા અને થોડી વારે એક માણસ મન્ટોને એક કવરમાં 500 રૂપિયા આપી ગયો. બીજે
દિવસે કે. આસિફે તેની વાર્તા સંભળાવી. વાર્તા સાંભળીને મન્ટો સાહેબે ફેંસલો
આપ્યો:- “વાર્તા બકવાસ છે.” કે. આસિફને નવાઈ લાગી એટલે એમણે ફરીથી પૂછ્યું તો મન્ટોનો
જવાબ:-
“જુઓ આસિફસાહેબ, તમે એક મોટો વજનદાર પથ્થર લાવીને મારા માથા પર મૂકો. પછી એનાં પર મોટો
હથોડો ઝીંકો તો પણ હું એમ જ કહીશ કે વાર્તા સાવ ભંગાર છે.” મન્ટોનો હાથ ચૂમતા આસિફ
ત્યાંથી રવાના થયાં અને એ વાર્તા પરથી ફિલ્મ બનાવવાનું માંડી વાળ્યું. કેવી
પ્રમાણિકતા, કેવી નિખાલસતા! આવાં તો અનેક કિસ્સાઓ આ
પુસ્તકમાં છે.
સમાજની કુરૂપતાઓ સામે
અરીસો ધરવા, માનવતાનો જીર્ણોદ્ધાર કરવા, ‘ભૂખ્યાજનોના જઠરાગ્નિ’ને
જગાડવા, માનવમૂલ્યોને પોષવા માટે આવા બળકટ કલમવીરોનું, સર્જકોનું હોવું અત્યંત જરૂરી બની રહે છે. અને આખરે....
(એક સંપાદકને
કહેવાયેલાં) આ સમર્થ વાર્તાકારના શબ્દો:-
“હું સેક્સ જેવાં
છુપાવી રખાતા વિષયો પર મુક્તપણે ચર્ચા કરું છું. પણ મારી જાતને તેમાં ડૂબાડતો નથી.
સમાજમાં ચોતરફ હવસના પૂજારીઓ દેખાતા હોય, પ્રેમના
નામે વાસના જ જોવા મળે તો પછી એને હું શા માટે સંતાડું? મારી
વાર્તાઓમાં જ્યાં તમને નગ્નતા દેખાય છે ત્યાં મને માનવતા દમ તોડતી દેખાય છે. માફ
કરજો, પણ મને એ દમ તોડતી દેખાશે તો ત્યાં મારી કલમ પૂર્ણ
શક્તિથી ચાલશે, પછી ભલે તમે તે છાપો કે ન છાપો....”
- ડો.
જય મહેતા
તા. 07-09-2020
Je samaaj ne aaino dhare e j sacho lekhak, kavi ke inclusively kahie to artist. Manto was one of them
ReplyDeleteVery well said... Fully agree...!!!
ReplyDelete