Monday, September 14, 2020

આંસુભીનો ઉજાસ – વ્યક્તિ થી સમષ્ટિ સુધી

 



તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખીય જિંદગી બળ્યા છો ?

તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઇના મારગથી કાંટાઓ શોધ્યા ?
તમે લીલેરા છાંયડાઓ આપીને કોઇના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા ?

તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો?
તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?

-     મૂકેશ જોશી

જ્યારે કોઈને પ્રેમમાં નિષ્ફળતા મળે ત્યારે શું થાય? અસંખ્ય લોકોનાં જીવનમાં એ બનતું જ હોય છે. સામાન્ય રીતે કોઇ સજ્જન, સંસ્કારી છોકરો એની પ્રેમીકાને ગુમાવે ત્યારે અસહ્ય પીડા અનુભવે પણ સમય સાથે એનો ઘા રુઝાઇ જાય, માથાફરેલ હોય તો છોકરીને હેરાન કરે અથવા તો એ દેવદાસ કે કબીર સિંઘ બનીને વ્યસનથી વિનાશ નોતરે – પોતાનો અને પ્રિયજનોનો. ક્યારેક એવું પણ બને કે પ્રેમની નિષ્ફળતા માણસના જીવનનું વહેણ બદલી દે અને એને કોઈ સર્જનાત્મક પ્રવૃતિ તરફ વાળે – દિલિપ રાણપુરાની નવલકથા આંસુભીનો ઉજાસ (1984) ની જેમ.

આજથી પાંત્રીસ વર્ષ પહેલાં પ્રગટ થયેલી આ નવલકથા પીડામાંથી પરમની પ્રાપ્તિ નો જયઘોષ કરે છે. જ્યારે હ્રદયભંગ થાય ત્યારે વ્યક્તિને પરિવારજનો, સમાજ અને ઈવન ભગવાન સુધીના પર નફરત થઈ આવતી હોય, જીવન અંધકારમય લાગવા માંડે, આત્મહત્યા સુધીનાં વિચારો આવી જાય પણ થોડાક વર્ષો પસાર થાય ત્યારે કદાચ એને જ સમજાય કે જે થયું એ માત્ર કોઈ રેંડમ દુર્ઘટના નહોતી, એની પાછળ નિયતિનું કોઈ ચોક્કસ પ્રયોજન હતું – Divine Design હતી.

વસુધા નામના એક મૂલ્યસિંચન કરનાર, શ્રમપ્રધાન આશ્રમમાં ભણતો દેવરાજ એને ગમતી કન્યાને પરણી શકતો નથી. કારણ? જાતિ. એ ડંખ એને જીવનભર પજવે છે અને જન્મ કરતાં કર્મ મહાન છે એ સાબિત કરવા પોતાના વતનમાં, સાવ અંતરિયાળ ગામમાં પહોચીને મોટાપાયે ગ્રામઉત્થાનના કાર્યો આદરે છે. એ જાકારો, એ નિષ્ફળતા, છાતીનો એ કારી ઘાવ એનાં માટે ઉર્જાકેન્દ્ર બની રહે છે. એ દરમ્યાન એને માણસની જિંદગીની રાક્ષસી વાસ્તવિક્તાનો પ્રત્યક્ષ પરિચય થાય છે. દુકાળની ભયાનકતા, ગરીબી, સરકારી તંત્રની નીંભરતા, જાતિભેદ, જુનીપુરાણી ને જડ માન્યતાઓ વગેરે સામે લડતા લડતા એ અસંખ્ય લોકોનો આદર, સ્વીકાર અને પ્રેમ પામે છે – જેની એને કાયમ ઝંખના રહી હતી.

આ કૃતિની સબળતા ગણો કે સદભાગ્ય એ છે કે પ્રખર વિચારક શ્રી મનુભાઈ પંચોળી દર્શક સાહેબે આ નવલકથાની પ્રસ્તાવના લખી છે. તેઓ નોંધે છે: –

“આંસુભીનો ઉજાસ લઈને તે આવ્યાં છે ત્યારે બેચેની, બેહાલી, બદનસીબીના કડવાટના ઘૂંટના ઘૂંટ પીધા પછી સાંપડે છે થોડો ઉજાસ – અને તે પણ આંસુભીનો. ઈશુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને કહ્યું કે, તમને ખરેખર કહું છું કે દાણો જ્યાં લગી ભોંયમાં દટાઈ સડી ન જાય ત્યાં સુધી નવો છોડ ઊગતો નથી. દટાઈને ઉગવું – આંસુભીનો ઉજાસ બધું એક જ. ભારે કિંમત ચુકવ્યા વિના કોઈ મૂલ્યવાન વસ્તુ સાંપડતી નથી.”

તેઓ આગળ નોંધે છે કે જાતિના લીધે તો કર્ણ પણ દ્રૌપદીને પામી શક્યો નહોતો પણ તે નફરત અને વેરભાવથી દોરવાઈને દુર્યોધનના પક્ષે જઈ બેસે છે કારણ કે એને પ્રેમ પારસમણિનો સ્પર્શ નહોતો થયો. એને મન તો ધનુષવિદ્યા જ કેન્દ્રમાં હતી. દેવરાજનું પાત્ર એટલા માટે જ હ્રદયને સ્પર્શે છે કે એ વેદનાથી સંવેદના સુધી પહોચે છે અને જનસામાન્યનાં આંસુઓ લૂછવા તત્પર બને છે. જો કે, એની રાહ પણ આસાન નથી. આર્થિક મુશ્કેલીઓ, ચારિત્ર પર શંકા, ઈર્ષ્યા અને ટાંટિયાખેંચનો એ શિકાર બને જ છે પણ તૂટતો નથી કેમ કે રેગિસ્તાનને નંદનવનમાં પલટાવવા એ પ્રતિબદ્ધ છે. એ વિચારે છે:-

“હું એકલો નથી. ભગવાને કેટલાં બધાં માણસો મારી આસપાસ મોકલી આપ્યાં છે! બધાં મારી સાથે છે, મને પ્રેમ કરે છે. સરોજને છીનવી લેવામાં આવી તો ભગવાને મને કેટલાં બધાં માણસોનો પ્રેમ આપ્યો! મને કેટલો ભરી દીધો! સરોજના પ્રેમે મને ભાંગી ન નાખ્યો, રચનાત્મક માર્ગે વાળ્યો.”

Blessing in Disguise ના આ મુખ્ય વિચાર ઉપરાંત પુસ્તકનો ગામઠી પરિવેશ, રાજકારણના રંગો, ખેતીપ્રધાન ગણાતા દેશમાં ખેડૂતોની સમસ્યાઓ વગેરે રસપ્રદ છે. હા જો કે, તળપદી ભાષા અને વર્ણનો ક્યાંક કોઈકને અઘરા લાગી શકે પણ એ અનિવાર્ય છે. સંવાદો પણ ચોટદાર છે. એક કામના સંદર્ભમાં ગામનો જુવાન દેવરાજને કહે છે: -

એ તો વેણીરામ બધું ફોડી લે.” ત્યારે એનો જવાબ:-

“આપણે ફોડવું નથી, સાંધવું છે.”

અને હવે આ જુઓ:-

“દેવા, મને તારી ચંત્યા થાય છે.”

શાની?’

તું આંય એકલો પડ્યો રે છે, તે કોક રાતે ન કરે નારાયણ ને...

એવી બીક ન રાખ. અહીં તો ભગવાનનો આશરો છે. ને આશરે આવેલાને એ નહીં સાચવે તો એને પૂજશે કોણ?’

આ નવલકથા વિષે વરિષ્ઠ ગુજરાતી લેખક શ્રી રઘુવીર ચૌધરીના વિચારો પણ જાણવા યોગ્ય છે :-

“લેખકે મુખ્ય પાત્ર દ્વારા ઇતિહાસની સાચી સમજણ વ્યક્ત કરી છે. આઝાદી પૂર્વેના ઝાલાવાડની સામાજિક અને આર્થિક સ્થિતિ અને આઝાદી પછીના એ પંથકનું નવનિર્માણ અહીં એક સાથે જોવા મળે છે. માત્ર પરિસ્થિતિ બદલવાની હોત તો કામ સહેલું હતું. લોકોની મન:સ્થિતિ પણ બદલવાની છે.”

આ કૃતિમાં દિલિપ રાણપુરા આ બંને કામ બખૂબી પાર પાડી શક્યા છે એવું કહી શકાય.

Link of Gujarat Sahitya Academy's video:-

https://www.youtube.com/watch?v=_oKj6aYCZ-k

-    ડો. જય મહેતા

4 comments: