(લખ્યા
તા. 25-09-2020)
“પરમેશ્વર તો પહેલું પુછશે, કોઈનું સુખદુ:ખ પુછ્યું’તું?
દર્દભરી
દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછયું’તું?
ગેંગેફેંફે કરતાં કહેશો, હેંહેંહેં શુંશુંશું?”
- મીનપિયાસી
1990ના દાયકાની વાત છે. મે મહિનાના ધોમધખતા
ઉનાળાની એક ઢળતી સાંજ છે. વર્ગમાં છેલ્લી બેન્ચે સૂનમૂન બેસી રહેલ વિદ્યાર્થિની
જેમ સૌરાષ્ટ્રના ખૂણે આવેલ અમરેલીના મણિનગર વિસ્તારમાં એક ઓપન જેલ છે જ્યાં
કેદીઓને બંધ કોટડીમાં પૂરી રાખવાને બદલે ખેતી, પશુપાલન
વગેરે પ્રવૃત્તિઓમાં જોડવામાં આવતાં હોય છે. એ જેલની દીવાલને અડોઅડ એક સોસાયટીની
સળંગ 7-8 મકાનોની હરોળ અને એની સામે બાળકો રમી શકે એવી થોડી ખુલ્લી જગ્યા.
એવી જ એક સાંજે ત્યાં
રમતાં બાળકોમાંથી એક ટાબરિયો દૂરથી આવતી વ્યક્તિને જુએ છે. શાંતિના પ્રતિક સમા
શ્વેત ઝભ્ભા-લેંઘાના સાદા પરિધાનમાં, ઉંમરની
સફેદી વટાવી ચૂકેલ ઊંચા બાંધાના એ સજ્જન જમણો હાથ છાતી પર રાખીને ચાલ્યા આવે છે. છોકરો
એમને જોઈને બેટ મૂકીને દોડે છે એ હરોળના છેલ્લા મકાનમાં, અને
ઉત્સાહથી છડી પોકારે છે:- “બાપુજી આવ્યા.”
હવે પ્રશ્ન એ થાય કે
જે ઉંમરે ક્રિકેટની બેટિંગ ત્યાગવાનું કોઈ હિસાબે પોસાય નહીં ત્યારે એ છોકરો રમત
પડતી મૂકીને કેમ વડીલોની વાતો સાંભળવા દોડી ગયો?
જવાબ:- જો એ સમયે એ
છોકરો ત્યાં બાપુજીની વાતો સાંભળવા બેસતો ન હોત તો આજે આ છોકરો આ લખાણ લખતો ન હોત. જી
હા, મારે વાત કરવી છે મારા બાપુજી એટલે કે પપ્પાના મોટાભાઇ કિશોરભાઇ મહેતા
વિષે. ઉપરોક્ત દ્રશ્યમાં ‘છેલ્લું મકાન’ એટલે મારા ફઇ રમાબેનનું ઘર જે આજેય એમનાં આખરી વર્ષોની એકાકી સ્મૃતિઓ
સાચવીને બેઠું છે. ત્યાં અમે વેકેશનમાં જતાં અને બાપુજી મળવા આવતા ત્યારે
દુનિયાભરની વાતો થતી. પારિવારિક બાબતોથી માંડીને ગાંધીજી, વિનોબા ભાવે, રામકૃષ્ણ પરમહંસ, સાહિત્ય, સંગીત વગેરે વિષયો ચર્ચાતા અને અહીંથી
મારી સાહિત્યની દિક્ષા થઈ.
“તમારો આદર્શ/
રોલ-મોડેલ કોણ?” એવો પ્રશ્ન મને પુછવામાં આવે તો અત્યાર
સુધી મારી પાસે એનો જવાબ નહોતો. ફિલ્મજગત, સ્પોર્ટ્સ કે
જાહેર જીવનમાં અનેક સેલિબ્રિટિ મારા પ્રિય રહ્યાં છે પણ એમાંથી કોઈ રોલ-મોડેલ ન
કહી શકાય પણ આજે થોડું ઊંડાણપૂર્વક વિચારતા જવાબ મળે છે કે મારી પાસે એક એવી
વ્યક્તિ છે જેને જોઈને એની જેમ જીવવાનું મન હંમેશા થતું આવ્યું છે અને બાળક જેમ
મા-બાપની નકલ કરે એમ મેં એમના જેવા થવાના પ્રયત્નો કરેલા છે.
અમરેલીમાં રહેનાર કે
રહી ચૂકેલ અને ભાષા-સાહિત્ય, શિક્ષણ સાથે સંકળાયેલ
કોઈ જણ એવું ન જડે કે જે કિશોરભાઈ મહેતાના નામથી પરીચિત ન હોય. એમનાં વિદ્યાર્થીઓ, સહકર્મીઓ, ઉદ્યોગજગતના લોકો,
કાર્યકરો, અન્ય પરિવારજનો વગેરે એમની પ્રતિભા વિષે વધુ સારી
રીતે કહી શકે પણ મારે આ વિરાટ પ્રતિભાના એક નાનકડા હિસ્સાની વાત કરવી છે. જેમ
બુદ્ધના મંદિરમાં ભવ્ય પ્રતિમાની સામે કોઈ બાળક પોતાની હથેળીમાં એનાં નાનકડા
બુદ્ધને લઈને આવે એમ, નિયતિએ મારા ભાગના જે બાપુજી આપ્યા છે એની
મારે વાત કરવી છે.
સમાજમાં કેટલાંક લોકો
એવાં હોય છે કે જે કેવળ આપવા માટે જ જન્મ્યા હોય છે. આપણે એમની પાસે જાણે ભવોભવનું
લેણું નીકળતું હોય એમ એ સમાજને જીવનભર આપ્યા જ કરે છે. બાપુજીએ એમના જીવનકાળ
દરમ્યાન અગણિત વ્યક્તિઓના જીવનને શિક્ષણ, જ્ઞાન, માર્ગદર્શન, પ્રોત્સાહન,
આર્થિક સહાય, કારકિર્દીની તકો એમ અનેક રૂપે ઉજાળ્યા છે, એમાં ‘જય’ નામનું એક કોડિયું
પણ શામેલ જેમાં એમણે તેલ પુર્યું એની વાત કરવી છે. તમે વિચાર કરો કે ભાવનગરમાં
ધો.09 માં ભણતા એક છોકરાને અમરેલીની કોઈ શાળામાં થતાં કાર્યક્રમ વિષે જાણવાની શું
જરૂર હોય? અમરેલીમાં એ શ્રી ભદ્રાયુભાઈ, ડો.શરીફાબેન, શાહબુદ્દીન રાઠોડ સાહેબ કે ડો.
વસંતભાઇ પરીખ જેવાં સારસ્વતોને વક્તવ્ય આપવા બોલાવે એની આમંત્રણ પત્રિકા મને
મોકલે. એટલું જ નહીં, ટપાલમાં એ કાર્યક્રમ વિષે વાતો પણ કરે.
ઉમાશંકરથી અનિલ જોશી અને મુનશીથી મહેન્દ્ર મેઘાણી સુધીના સર્જકોનો પરિચય મને આ
રીતે થયેલો અને સાથેસાથે સાહિત્ય પ્રત્યે રસરૂચિ પણ કેળવાતા ગયા. બાપુજીએ મને
વિંસેંટ વાન ગોગની જીવનકથાનો અનુવાદ ‘સળગતા સૂરજમુખી’ ની ઝેરોક્સ કરાવીને મોકલી હતી એ મને હજી યાદ છે. ટીનએજમાં થાય એમ
ઉત્સાહના ઉભરા આવતાં અને દેશભક્તિનો આફરો ચડતો એમાં એકવાર હું સ્વદેશીની જિદે
ચડ્યો હતો. (જિદ્દી તો હું પહેલેથી જ ખરો!) ઘરમાં સાબુથી લઈને સઘળી વસ્તુઓ સ્વદેશી
જ હોવી જોઈએ એ મુદ્દે મેં ઘરમાં ઉત્પાત મચાવ્યો. આખરે પપ્પાએ બાપુજીને વાત કરી અને
એમણે મને ટપાલ-ફોનમાં સમજાવ્યું કે સ્વદેશીનો આગ્રહ સારો પણ દુરાગ્રહ નહીં સારો
અને એમ એક ટીનએજરને અર્થતંત્ર, વ્યાપારજગત વગેરેની પ્રાથમિક
સમજણ આપી. મને આવા કોઈપણ તરંગો ઉપડે અને હું કોઈનાથીય હેન્ડલ ન થાઉં ત્યારે આખરી
ઉપાય તરીકે બાપુજીની મદદ લેવામાં આવે કેમ કે ઘરમાં સૌ સમજતાં કે હું એમનો શબ્દ
ક્યારેય ઉથાપી ન શકું. મારી અને મારા વિષેની ઘણી ફરિયાદો એમણે સાંભળી છે.
“જીવનમાં સાચી વીરતા
આઘાતો સહન કરવામાં છે અને આઘાત સહન કરવાની ક્ષમતા સાહિત્યમાંથી સાંપડે છે.”
એમનાં આ શબ્દો એ
મારું ધ્રુવવાક્ય બની રહ્યું. રૂપાયતન સંસ્થામાં બાળકો માટેની એક તાલીમ શિબિરમાં
ભાગ લીધો ત્યારે માત્ર એક જ વાર એમનાં વર્ગમાં બેસવાનું થયું અને મને થયું કે આ
સાહેબનાં વિદ્યાર્થીઓ કેવાં સત્કર્મો લઈને આવ્યાં હશે! એ રૂપાયતનનો અંક ‘ઋત્વિજ’ મને મોકલ્યો હતો અને મેં સહજપણે તેનો પ્રતિભાવ
લખી મોકલ્યો હતો. થોડા સમય પછી એક બીજું પુસ્તક મળ્યું જેમાં ‘ઋત્વિજ વિશેના પ્રતિભાવો’ એ શીર્ષક હેઠળ મોટાં મોટાં
નામોની વચ્ચે ‘જય મહેતા, ધો. 09, ભાવનગર’ એવું વંચાતું હતું. એ મારા જીવનનું પ્રથમ
પ્રકાશિત લખાણ.
“સમગ્ર
અસ્તિત્વ પરમાત્માનું રૂપાયતન છે.” એ વાક્યનો અર્થ હું એમને
પૂછું અને એ સમજાવે, રસ્તે ચાલતા ક્યાંક કોઈ ઘરનું નામ વાંચું–
‘સુશ્રુત’ અને એનો અર્થ પૂછતાં એ
સમજાવે, વિનોબા ભાવેની પ્રવૃત્તિઓ વિષે, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનના ઇતિહાસ વિષે, જયંત
ખત્રી – ચેખોવની વાર્તાઓ વિષે, શેક્સ્પીયરના નાટકો વિષે (Hamlet
નો સંવાદ:- What do you read my Lord? Words, Words, Words! સૌથી પહેલા
એમની પાસેથી સાંભળ્યો હતો) .... કેટકેટલું મેં એમની પાસેથી
જાણ્યું છે! મારા પપ્પા અને બાપુજી – આ બે વ્યક્તિઓએ મને સાહિત્યમાં રસ લેતો કર્યો, પુસ્તકો વાંચતો કર્યો અને જો એ ન થયું હોત તો હું આજે શું હોત એ કલ્પના
પણ ડરાવી મૂકે છે!
આ બધુ તો બરાબર, પણ એમનાં સદ્દગુણોની સુગંધ જે આજેય મારા મનને મહેકાવે છે એની વાત કર્યા
વિના નહીં ચાલે. આપણે ફોન કરીએ અને સામેથી ‘હા જી’, કે ‘હા ભાઈ’ જેવા શબ્દો સંભળાય ત્યારે ધોમધખતા તાપમાનથી એરકન્ડિશન્ડ
રૂમમાં પ્રવેશ્યા હોઈએ એવું લાગે. એમની વાણીમાં હિમાલયની શીતળતા છે તો નિર્ણયોમાં
પહાડની અડગતા છે. એ આબાલવૃદ્ધ સૌને પોતાના લાગે એવા છે,
અજાતશત્રુ છે, ઘર પર આવતી મુસીબતો સામે અડગ, અભેદ્ય દિવાલ છે. દરેક રોલમાં એમણે પોતાનું 200% સમર્પણ ઠાલવ્યું છે અને
ખાસ તો મારા પપ્પાના ઝંઝાવાતી જીવનમાં એમણે જે છત્ર પૂરું પાડ્યું છે એ શબ્દાતીત
છે.
“मुस्काता ये चेहरा, देता है जो पहरा
जाने छुपाता क्या दिल का समंदर
औरों को तो हरदम साया देता है
वो धूप में है खड़ा खुद मगर”
સૌથી મહત્વની બાબત –
કોઈપણ સંબંધમાં એમણે આપેલ space/સ્વતંત્રતા. મેં એમને
ક્યારેય કોઈના માટે possessive થતાં જોયા નથી. અરે, એમનાં વિચારોથી વિપરીત વિચારતા હોઈએ કે વર્તતા હોઈએ તોપણ નહીં. એ અર્થમાં
એ ‘યથેચ્છસી તથા કુરુ’ ના માણસ છે.
કોલેજકાળમાં તો મને એમનું ઘર Utopia લાગતું. કરોડોનો વહીવટ
કરતાં ઉદ્યોગપતિઓથી માંડીને રિક્ષાવાળા સુધીના સૌની સંવેદનાને સમજવાની અને
સ્વીકારવાની વિશાળતા એમની પાસેથી શીખવા મળે છે. ભાવનગરમાં એકવાર મેં એક રિક્ષાવાળા
સાથે bargain કર્યું ત્યારના એમના શબ્દો:-
“ભાઈ, આ લોકો સાથે બહુ રકઝક ન કરવી. એમને ગુજરાન ચલાવવામાં પણ તકલીફ પડતી હોય
છે.”
આ છે સાહિત્યની
સંવેદના! આ લોકડાઉનમાં આ વાત કેટલી પ્રાસંગિક લાગે! જો કે, એમની આ માનવતાનો દુરુપયોગ પણ થયો છે પણ એ તો... કોઈ આંબાને પત્થર મારે તો
એ કંઇ કેરીઓ આપવાનું બંધ તો ન કરી દે ને! કદાચ આ સંવેદના જ છે કે અસંખ્ય લોકોએ
પોતાના કૌટુંબિક પ્રશ્નોમાં આ ઋજુહ્રદયી વિદ્યાપુરુષની સલાહ પ્રમાણે માર્ગ કાઢ્યો
હોય.
આપણે ત્યાં એક
ગેરમાન્યતા છે કે સાહિત્યના માણસને જાહેરજીવન કે વહીવટમાં કંઇ ગતાગમ ન પડે. મારા
જેવા લુચ્ચા પ્રાણીઓએ આ છટકબારીનો ઉપયોગ પણ કર્યો છે પરંતુ બાપુજીને સાહિત્યના
વિશાળ જ્ઞાનની સાથે વહીવટી કુશળતા અને કોઠાસૂઝ પણ પ્રાપ્ત થઈ હોવાને લીધે અનેક
સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓ કે ઉદ્યોગગૃહોના માર્ગદર્શક તરીકે તેમણે સેવાઓ આપી છે
અને એ બધાને જટિલ પ્રશ્નોનાં નિરાકરણ સુધી પહોંચાડયા છે.
આજે જ્યારે રોટી, કપડાં, મકાનની સાથે social media માં likes અને views માણસની
પ્રાથમિક જરૂરિયાત બની ચૂક્યાં છે ત્યારે આપણે એ પ્રજ્ઞાપુરુષ વિષે વાત કરી રહ્યાં
છીએ જેમણે ક્યારેય, અજ્ઞાતમનના કોઈ અગાધ ખૂણેય પ્રસિદ્ધિની
લાલસા રાખી નથી. જો એમણે ધાર્યું હોત તો અખબારો, પુસ્તકોમાં લખીને અઢળક ધન, યશ, અને નામ કમાયા હોત પણ એમણે તો સેવા અને શિક્ષણની ધૂણી ધખાવી છે.
શિક્ષકોની બીબાંઢાળ
તાલીમોમાં ‘સંસ્કાર સિંચન’, ‘મૂલ્યનિષ્ઠ કેળવણી’ જેવાં શબ્દો યંત્રવત ફંગોળાતા
હોય છે ત્યારે મારા-તમારા જીવનમાં આવી હસ્તીઓ આપણને ખબરેય ન પડે એમ સંસ્કારો શીખવી
દેતી હોય છે. મરીઝ સાહેબ લખી ગયા છે:-
“દુનિયામાં કંઈકનો
હું કરજદાર છું મરીઝ;
ચૂકવું બધાનું દેણ, જો અલ્લાહ ઉધાર દે!”
હવે એમને કેમ સમજાવવું કે અમુક દેણ તો આ જન્મારે ચૂકવાય એમ જ હોતાં નથી, અથવા તો કદાચ એને અલગ રીતે ચુકવવાના હોય છે. જેમ વાદળનું પાણી વરસીને નદી સાથે વહે, સમુદ્રમાં ભળે, ત્યાંથી ફરી પાછું વરાળ બની વાદળ બંધાય એમ જીવનચક્રમાં આપણને આપણાં પૂર્વસુરીઓ પાસેથી જે મળ્યું છે એ આપણી આસપાસના લોકોને અને આગામી પેઢીને યથાતથ પહોંચાડવું એ આપણું કર્તવ્ય બને છે. એ દિશામાં baby steps લઈ રહ્યો છું (આ લખાણ પણ એવો જ એક પ્રયત્ન સમજવો) પણ હજી તો ઘણું કરવાનું બાકી છે. Miles to go before I sleep!
- © ડો. જય મહેતા